અલબેલી - ૫ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલબેલી - ૫

પ્રકરણ-૫

જ્યોતિબહેન આજે આશ્રમમાં એમની થોડી અગત્યની ફાઈલો કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા હતા. એવામાં દરવાજા પર કોઈનો અવાજ આવ્યો, "હું અંદર આવું કે?"
જ્યોતિબહેને ફાઈલમાંથી માથું ઊંચું કરીને જોયું અને એમણે આગંતુકને આવકાર આપતા કહ્યું, "અરે, સુકેતુ! આવ. અંદર આવ. હું ક્યારની તારી જ રાહ જોતી હતી."
સુકેતુ એ અંદર ઓરડામાં પ્રવેશ કર્યો અને બોલ્યો, "જ્યોતિ, તું હજુ પણ એવી જ લાગે છે જેવી કોલેજના દિવસોમાં લાગતી હતી. ઉંમરની સાથે તું બિલકુલ બદલાઈ નથી."
સુકેતુ અને જ્યોતિબહેન બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. અને બંને ખૂબ સારા મિત્રો હતાં પરંતુ આજે બંને ઘણાં વખતે મળ્યા હતા.
"કહે જ્યોતિ, તે શા માટે મને બોલાવ્યો છે?" સુકેતુ એ પૂછ્યું.
"મેં તને ખાસ અગત્યનું કામ સોંપવા માટે બોલાવ્યો છે. અને મને તારા પર વિશ્વાસ છે અને એટલે જ હું આ કામ તને સોંપવા માંગુ છું." જ્યોતિબહેને કહ્યું.
"કહે, એવું તે શું ખાસ કામ છે?" સુકેતુએ જ્યોતિબહેન ને પૂછ્યું.
જ્યોતિબહેને ઉત્તર આપતાં કહ્યું, "મારા આશ્રમમાં એક છોકરી રહે છે અલબેલી. જેની ઉંમર દસ વર્ષ છે. દસ વર્ષ પહેલાં એક પાગલ માણસ આ છોકરીને અહીં મારા આ આશ્રમમાં મૂકી ગયો હતો. હું નથી જાણતી કે એ માણસ કોણ હતો અને આ છોકરી જોડે એનો શું સંબંધ છે પણ કંઈક તો સંબંધ હશે જ ને! અને જો એનો આ છોકરી જોડે સંબંધ હોય તો એ એને અહીં શા માટે મૂકી ગયો છે? એ જ સમજાતું નથી. પણ હું ઈચ્છું છું કે, તું મને એ માણસને શોધવામાં મદદ કરે." જ્યોતિબહેને પોતાની વાત રજૂ કરતાં કહ્યું.
"પણ એમાં હું તને કઈ રીતે મદદરૂપ થઈ શકું?" ન સમજાતા સુકેતુએ પૂછયું.
"તું મને એ રીતે મદદરૂપ થઈ શકે કે, તું સમાચારપત્ર નો એડિટર છો અને હું ઈચ્છું છું કે, તું તારા છાપામાં એક જાહેરખબર આપે આ છોકરી વિષે. અને એવી પ્રકારની જાહેરાત આપે કે, આ છોકરી અલબેલી ને દસ વર્ષ પહેલાં એક પાગલ માણસ મારા અનાથાશ્રમમાં મૂકી ગયો હતો અને સાથે એ જન્મી ત્યારનો અને અત્યારનો એનો ફોટો પણ મૂકે અને એને આશ્રમનો સંપર્ક કરવાનું કહે. જેથી જો એ પાગલ માણસ કદાચ સાજો થઈ ગયો હોય અને આ જાહેરાત જુએ તો કદાચ અમારો સંપર્ક કરી શકે અને એ આ છોકરીના પરિવાર વિષે કદાચ આપણને જણાવી શકે અને અલબેલી ને આપણે એના પરિવાર સાથે મેળવી પણ શકીએ. એટલું જ ઈચ્છું છું સુકેતુ!" આટલું કહી જ્યોતિબહેને અટક્યા.
"હા, હું તને આમાં ચોક્કસ મદદરૂપ થઈ શકું પરંતુ તું બહુ આશા ન રાખતી કે, જાહેરાત આપ્યા પછી પણ કંઈ થશે જ. જેટલું સહેલું લગે છે એટલું બધું સહેલું નથી હોતું જ્યોતિ." સુકેતુ એ સત્ય હકીકત જણાવતાં કહ્યું.
"હા, પણ પ્રયત્ન કરવામાં આપણું શું જાય છે? કદાચ ઝૂડાની છેલ્લી ચાવી તાળું ખોલી પણ શકે છે." જ્યોતિબહેને ઉદાહરણ આપતા કહ્યું.
"ઠીક છે ત્યારે, તારું કામ થઈ જશે. આવતીકાલના સવારના છાપામાં તે કહ્યું હશે એ પ્રમાણેની જાહેરાત હશે. પણ એ માટે મારે અલબેલી ને અત્યારે મળવું પડશે અને એના થોડા ફોટો લેવા પડશે." સુકેતુએ કહ્યું.
જ્યોતિબહેને અલબેલીને બોલાવી. અલબેલી આવી અને સુકેતુએ એને થોડા ફોટા પણ લીધા અને પછી તેણે આશ્રમમાંથી વિદાય લીધી.
સુકેતુના ગયા પછી જ્યોતિબહેન વિચારમાં પડ્યા કે, શું હું આ જે કંઈ પણ કાર્ય કરી રહી છું તે યોગ્ય તો છે ને? શું આ જાહેરાત આવ્યા પછી કોઈ અમારો સંપર્ક કરશે ખરા? આવા અનેક વિચારો જ્યોતિબહેનના મનને ઘેરી વળ્યાં હતા.
એક કોડિયામાં પ્રકટી રહ્યો છે દીવો.
ને આ દીપજ્યોતિ ફેલાવી રહી પ્રકાશ.
"પ્રીત"ના કોડિયામાં કોઈ તો ઘી પુરાવો .
ફેલાવશે એ પ્રકાશ કાયમ છે એ આશ.