My Better Half - 12 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

My Better Half - 12

My Better Half

Part – 12

Story By Mer Mehul

“થેંક્યું” મેં કહ્યું, “તે કહ્યું એવી રીતે જ મેં કર્યું હતું. વૈભબી તરત માની ગઈ”

હું અંજલી સાથે વાત કરતો હતો. રાતનાં સાડા બાર થયાં હતાં. થોડીવાર પહેલાં મેં વૈભવી સાથે વાત કરીને ફોન રાખ્યો હતો, ત્યારબાદ મેં વોટ્સએપ ખોલ્યું તો અંજલીનો મૅસેજ હતો અને વૈભવી વિશે પૂછ્યું હતું. મેં સીધો તેને કૉલ કર્યો હતો.

“મેં તને કહ્યું હતુંને, છોકરીઓને સરપ્રાઈઝ ગમે જ. અમે ગમે તેટલા ગુસ્સામાં હોઈએ પણ કોઈ અચાનક સરપ્રાઈઝ આપે તો ગુસ્સો બાજુમાં રહી જાય છે” અંજલીએ કહ્યું.

“જો તે મને સલાહ ન આપી હોત તો આજે હું વૈભવીને નહોતો મનાવી શકવાનો” મેં કહ્યું.

“એવું કશું ન થાત…તું મનાવી જ લેત પણ બીજીરીતે” તેણે કહ્યું, “મને તારાં પર વિશ્વાસ છે”

“ઓહો…તને મારાં પર આટલી જલ્દી વિશ્વાસ આવી ગયો..!”

“તારાં પર તો આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું” તેણે કહ્યું, “તું જો નિસ્વાર્થપણે મને આટલી મદદ કરી શકતો હોય તો મારો વિશ્વાસ વાજબી છે”

“મને એવી બધી ખબર ના પડે…દિલે કહ્યું તો કરી નાંખ્યું” મેં કહ્યું.

“એ જ મોટી વાત છે અનિરુદ્ધ…લોકો મદદ કરીને અહેસાન કર્યું હોય એવું જતાવે છે..તું તદ્દન વિપરીત છે”

“એ તો હું છું જ…” મેં કહ્યું. હું મુસ્કુરાઈ રહ્યો હતો. મારાં વખાણ થતાં હતાં ને..!

“સારું ચાલ…ફોન રાખું છું..” અંજલીએ કહ્યું, “ગુડ નાઈટ”

“ગુડ નાઈટ” મેં કહ્યું. ફોન રાખીને હું અંજલી વિશે વિચારવા લાગ્યો. એ મને અન્ય લોકોથી વિપરીત સમજતી હતી પણ હકીકતમાં એ સૌથી અલગ તરી આવતી હતી. લોકો સામે જુદી રીતે રહેવું અને વાસ્તવિક જીવનમાં જુદી રહેવું સહેલું નથી હોતું. અંજલી કેવી પરિસ્થિતિમાંથી પસાર થતી હશે એ હું કલ્પી શકતો હતો.

સહસા મારો ફોન રણક્યો. ડિસ્પ્લે પર ‘સચિન’ લખ્યું હતું. સચિન મારો બાળપણનો મિત્ર હતો. કૉલેજ પુરી કરીને એ વિદેશ ચાલ્યો ગયો હતો.

“બોલ ભાઈ…” મેં કૉલ રિસીવ કરીને કહ્યું.

“તું તો ભૂલી જ ગયો બે…” તેણે શરૂઆતમાં જ મને ઉપાડી લીધો, “બે અઠવાડિયાથી ન કોઈ મૅસેજ, ન કોઈ કૉલ…શું છે આ બધું ?”

“તારો ભાઈ છોકરી જોઈ આવ્યો” મેં કહ્યું, “હવે હું બિઝી જ રહીશ”

“ટંકોરો મંદિરનો તું બિઝી રહીશ…મારો કૉલ આવે એટલે બધું બાજુમાં રાખી દેવાનું અને બે દિવસે એકવાર કૉલ કરી લેવાનાં”

“અચ્છા…એવું કરીશું બસ…” મેં હસીને કહ્યું.

“સાંભળ…હું કાલે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ આવું છું…એરપોર્ટે લેવા આવીશને..!” તેણે કહ્યું.

“તું અમદાવાદ આવે છે ?” હું ખુશ થઈ ગયો, તરત જ મેં પોતાનો અવાજ બદલી નાંખ્યો, “પણ સૉરી ભાઈ…કાલે મારે ઓફિસમાં ઘણુંબધું કામ છે”

“મારા માટે એક દિવસ કામ પડતું ના મૂકી શકે ?” તેણે કહ્યું.

“તો તું ‘આવીશને’ એમ કેમ પૂછે છે…આવજે એમ કહેને ટોપા..” મેં હસીને કહ્યું.

“હા, દસ વાગ્યે આવજે બસ” તેણે કહ્યું.

“કેટલા વાગ્યા છે ત્યાં ?” મેં પુછ્યું.

“રાતનાં અગિયાર થયાં છે” તેણે કહ્યું.

“અહીં સાડા બાર થઈ ગયાં છે” મેં કહ્યું.

“હા, અહીં દોઢ કલાક સમય પાછળ છે” તેણે કહ્યું.

“એમ નહિ…મોડું થઈ ગયું છે.. સુવા દે મને” મેં હસીને કહ્યું.

એ પણ હસી પડ્યો. ‘ગુડ નાઈટ’ કહી અમે સંબંધ વિચ્છેદ કર્યો.

સવારે વૈભવી અને અંજલી બંનેના મૅસેજ આવ્યાં. બંનેને જવાબ આપી હું ફ્રેશ થવા ચાલ્યો ગયો. નાસ્તો કરતી વેળાએ મારે અંકલ આવવાનાં છે વાત કહેવાની હતી. જો હું વૈભવીનાં ઘરે ગયો એ વાત કહું તો કોઈ પ્રોબ્લેમ નહોતો પણ પછી પૂરું ફેમેલી માથે ચડી જાય એ ડરથી મેં બીજી રીતે વાત કહી.

“ધરમશીભાઈ.. કાલે તમારાં દોસ્ત આવે છે.. કૉલ આવ્યો હતો કે નહીં ?” મેં પૂછ્યું.

“અમે તો બે દિવસ પહેલાં નક્કી કરી લીધું છે” ધરમશીભાઈએ કહ્યું, “તને કાલે ખબર પડી ?”

“હા..” મેં કહ્યું.

“એ લોકો કાલે સાંજે આવે છે” મમ્મીએ કહ્યું.

મેં હકારમાં માથું ધુણાવ્યું.

“વૈભવી કેવી લાગી ?” મમ્મીએ પૂછ્યું, “વાતચીત થાય છે ને ?”

મેં ફરી હકારમાં માથું ધુણાવ્યું.

“શું ઇશારામાં હા પાડે છે ?, કેવી લાગી એ તો કહે..” મમ્મી બોલ્યાં.

“પહેલાં એક ભાખરી પાસ કરો..”મેં કહ્યું. ભાભીએ મારી પ્લેટમાં એક ભાખરી રાખી.

“આપણે શું નક્કી થયું છે મમ્મી…” મેં મમ્મી તરફ જોઈને કહ્યું, “એક મહિના પછી જવાબ આપીશ…, મહિનો પૂરો થયો હજી ?”

“તમે એકબીજાને સમજવા એક મહિનાનો સમય લ્યો છો એ વાત બરાબર છે પણ છોકરી સાથે વાત કરીને તને ખબર તો પડી જ ગઈ હશેને..!” મમ્મીએ મને સમજાવ્યો.

“જો મમ્મી…શરૂઆતમાં તો બધું સારું જ લાગે. અત્યારે મને પણ એવું લાગે છે કે વૈભવી મને પસંદ છે..પણ સમય સાથે સંબંધ જુના થાય ત્યારે જ હકીકત માલુમ પડે છે અને એટલે જ મેં એક મહિનાનો સમય માંગ્યો છે” મેં પણ મમ્મીને સમજાવી.

“અત્યારની પેઢી કેવી છે એ જ નથી સમજાતું” મમ્મીએ કહ્યું, “એક આપણો સમય હતો જ્યારે લગ્નનાં દિવસે વરનો ચહેરો જોવા મળતો અને એક આ સમય છે જ્યારે લગ્ન કરવા કે નહીં એ વિચારવા માટે એક મહિનાનો સમય લે છે”

“વસુધા..” ધરમશીભાઈ વચ્ચે કુદ્યા, “સમય સાથે પરિવર્તન જરૂરી છે..બાળકો પોતાનાં ભવિષ્ય માટે જ આ બધું કરે છે ને….એ કહે છે કે એક મહિના પછી એ જવાબ આપી દેશે, તો એક મહિનો રાહ જોઈ લો ને”

આટલા માટે જ ધરમશીભાઈ સાથે મારે વધુ ભડે છે. મારી કોઈ પણ વાત એ આસાનીથી સમજી જાય છે.

“કાલનો શું પ્રોગ્રામ છે ?” મેં પૂછ્યું, “સચિન આજે આવે છે, તો મારે એને પણ સમય આપવો પડશે”

“એને પણ બોલાવી લેજે” ધરમશીભાઈએ કહ્યું, “હું સીમા સાથે વાત કરી લઈશ, કાલે થોડો વહેલાં ઘરે આવી જજે”

સીમા મેડમ એટલે મારી બોસ, ધરમશીભાઈની કૉલેજ ફ્રેન્ડ.

“તેઓને પણ બોલાવી લો ને ધરમશીભાઈ..!” મેં ટોન્ટ માર્યો, “લગ્ન થવાનાં છે એ નક્કી જ છે તો ઢંઢેરો પીટવામાં શું વાંધો છે ?”

“બોલાવીશું…પહેલા તું હા કહી દે” ધરમશીભાઈએ કહ્યું.

નાસ્તો પતાવી હું દાદુ પાસે ગયો. તેની હાલત હવે સ્ટેબલ હતી. મારો નિત્યક્રમ જાળવી હું ઓફિસે જવા નીકળ્યો. હું આજે વહેલાં ‘ડીલક્સ પાન’માં પહોંચી ગયો હતો. લગભગ વિસ મિનિટ વહેલો. હજી તો નવને દસ જ થઈ હતી. પ્રણવ કે અંજલી હજી નહોતાં આવ્યાં. પ્રણવની રાહ જોતાં મેં બાંકડા પર રહેલું છાપું હાથમાં લીધું.

છાપું ખોલીને મેં બધી જ હેડલાઈન પર ઊડતી નજર ફેરવી. હેડલાઈન વાંચી હું પેજ પલટાવતો ગયો. મારાં રસનાં વિષય પર એકપણ ન્યૂઝ હજી નહોતાં આવ્યાં. મને સ્પોર્ટનાં ન્યૂઝ વાંચવા પસંદ છે, બે દિવસ પછી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-ટ્વેન્ટી શરૂ થવાની હતી એ મને યાદ હતું. ઉતાવળથી બધી હેડલાઈન વાંચીને સ્પોર્ટનાં પેજ પર જવાની મારી ગણતરી હતી. વચ્ચે રાશિફળની કોલમ આવી અને મારી બધી ગણતરી બદલાય ગઈ. મારી ‘મેષ’ રાશિ હતી એટલે ઉત્કંઠાપૂર્વક મેં તેમાં લખેલું રાશિફળ વાંચ્યું.

‘વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, જુનાં મિત્રો સાથે સંગમ થવાની સંભાવના, થોડાં દિવસ ઝઘડાઓથી દુર રહેવું..સંબંધ વિખેરાવવાની સંભાવના’

મને ઝટકો લાગ્યો. હું રાશિફળમાં માનતો નથી પણ આજે…, આજે તો મારાં માટે જ રાશિફળ લખાયું હોય એવું મને લાગી રહ્યું હતું. રાશિફળ લખવાવાળા પણ ચાલાક હોય છે, વાંચકોની મનમાં શંકા જન્મે એવું કંઈક તો લખેજ, જો ના લખે તો તેઓની કોલમ વાંચે કોણ ?

એ તો મજાકની વાત થઈ..!, મેં રાશિફળનું વિશ્લેષણ કર્યું, પહેલી લાઈનમાં કંઈ વિશ્લેષણ કરવા જેવું હતું નહીં કારણ કે હું બાઇક ધ્યાનથી ચલાવું છું અને જો કોઈ એક્સિડન્ટ જેવું થાય તો એ મારી ભૂલ હોય. મેં બીજી લાઇન પર ધ્યાન આપ્યું. જુનાં મિત્રો સાથે સંગમ થવાનો યોગ સાચો હતો, મારો મિત્ર સચિન આજે આવવાનો હતો. મેં ત્રીજી લાઇન વાંચી, ત્રીજી લાઇન પણ અંશતઃ સાચી હતી. વૈભવી સાથે મેં કાલે જ સમાધાન કર્યું હતું, આગળ પણ ઝઘડો થઈ શકે તેની સંભાવના તો હતી જ.

રાશિફળની વિશ્લેષણ કરતાં સંભાવના અને બિનજરૂરી વાતોનું પ્રમાણ 2:1 નીકળ્યું હતું. મારી નજર છેલ્લી લાઇન પર જ અટકેલી હતી.

વૈભવી સાથે બીનજરૂરી ચર્ચા પર ઉતરવું નહિ એવું નક્કી કરીને મેં પેજ પલટાવી દીધું. હું હજી સ્પોર્ટ ન્યુઝનાં પેજ પર પહોંચ્યો જ હતો, વિરાટ કોહલી અને એરોન ફિન્ચનો ફોટો જોયો જ હતો ત્યાં મારાં કાને અંજલીનો અવાજ પડ્યો,

“આજે વહેલો આવી ગયો..” તેણે કહ્યું. મેં ન્યૂઝપેપર પરથી ધ્યાન હટાવીને અંજલી સામે જોયું. તેણે બ્લ્યુ લેગીસ પર પિંક કુર્તુ પહેર્યું હતું. એ બેશક સુંદર લાગી રહી હતી પણ પ્રણવ જેવા વિચારો મારાં મગજમાં કોઈ દિવસ નથી આવ્યાં.

“હા..આજે વહેલાં આવી ગયો” મેં છાપું બંધ કરીને બાજુમાં રાખીને કહ્યું, “નાસ્તો કરીશ ?”

“ના..” તેણે કહ્યું, “આજે ગુરુવાર છે”

“તું વ્રત રાખે છે ?” મેં પુછ્યું.

“કેમ ના રખાય ?”

“રખાય જ ને…પણ આટલી એજ્યુકેટેડ છોકરી વ્રતમાં માને એવું મેં નહોતું વિચાર્યું” મેં સફાઈ આપતાં કહ્યું.

“એમાં એજ્યુકેશન ક્યાં વચ્ચે આવ્યું, શ્રદ્ધા હોય તો વ્રત રાખવાનું અને ના હોય તો નહીં રાખવાનું” તેણે કહ્યું.

“ભગવાન પર મને પુરી શ્રદ્ધા છે પણ હું ભૂખ્યો નથી રહી શકતો અને આમ પણ આ બધું કામ છોકરીઓનું છે” મેં હસીને કહ્યું.

“હવે એમાં છોકરા-છોકરી ક્યાં વચ્ચે આવ્યાં ?” અંજલીએ સણકો કર્યો, “છોકરા પણ વ્રત રાખે જ છે”

“હશે ચાલો..તારી વાત માની લીધી બસ..” મેં કહ્યું. એટલામાં પ્રણવ આવી ગયો.

“હું ઑફિસમાં છું, તમે લોકો ફૂંકીને આવો” અંજલીએ કહ્યું અને ઓફીસ તરફ ચાલી. મેં અને પ્રણવે સિગરેટ સળગાવી.

“સચિન આવે છે…” મેં કહ્યું, “તારે કૉલ આવ્યો હતો ?”

અમે લોકો સાથે કૉલેજમાં હતાં. સચિન અને પ્રણવ આમ તો એકબીજાને ઓળખતાં નહોતાં પણ સચિન મારો દોસ્ત હતો અને પ્રણવ પણ. તેથી બંને એકબીજાનાં કોન્ટેક્ટમાં આવ્યાં હતાં.

“મારે કોઈ કૉલ નથી આવ્યો” પ્રણવે કહ્યું.

“સાંજે તારી ઘરવાળી ખીજાય નહિ તો રીવરફ્રન્ટ પર બેસવા આવજે” મેં પ્રણવની ખેંચતા કહ્યું.

“એકવાર લગ્ન થવા દે તારાં, પછી હું પણ આવા જ ટોન્ટ મારીશ” પ્રણવે નફટાઈથી કહ્યું.

“સારું ચાલ…એ થાય ત્યારે જોયું જાય છે…આજે બેસવા આવજે” મેં કહ્યું. અમે બંનેએ સિગરેટ પુરી કરી અને ઓફીસ તરફ ચાલ્યાં. બાકીનો અડધો દિવસ રોજનાં શેડ્યુલ મુજબ જ પસાર થયો હતો. અમે સિગરેટ પીવા આવ્યાં ત્યારે અંજલી સાથે આવી હતી પણ તેણે નાસ્તો નહોતો કર્યો. મેં તેને ફરાળી ચેડવો લેવા સલાહ આપી પણ તેણે નકોરડા ઉપવાસ કર્યા છે એવું મને જાણવા મળ્યું.

બપોર પછી હું ઓફિસે નહોતો. મારે ત્રણ વાગ્યે એરપોર્ટ પર જવાનું હતું એટલે દોઢ વાગ્યે હું નીકળી જવાનો હતો. મેં મારું કામ પ્રણવ અને અંજલી વચ્ચે વહેંચી દીધું અને દોઢ વાગ્યે સચિનને લેવા નીકળી ગયો.

પોણા ત્રણ વાગ્યે હું એરપોર્ટ બહાર પહોંચી ગયો હતો. મેં સચિનને કૉલ કર્યો પણ તેનો કૉલ નેટવર્ક બહાર આવતો હતો. હજી ફ્લાઇટમાં હશે એટલે એરોપ્લેન મોડ પર રાખ્યો હશે એમ વિચારીને હું પાનનાં ગલ્લે પહોંચી ગયો અને સિગરેટ સળગાવી. મને કંટાળો આવતો હતો, મેં વૈભબી સાથે વાત કરવાનું વિચાર્યું અને તેને ફોન જોડ્યો.

“ઓહો…આજે સામેથી કૉલ અને એ પણ ઓફીસ ટાઈમ પર..” વૈભવીએ અલગ જ અંદાજમાં કહ્યું.

“એરપોર્ટે આવ્યો છું” મેં કહ્યું, “દોસ્તને લેવા માટે. હજી એ નથી આવ્યો તો વિચાર્યું તારી સાથે વાત કરી લઉં”

“ઓહહ..” તેણે કહ્યું, “ચાલો તે આજે સામેથી કૉલ તો કર્યો, નહીંતર મારે જ કરવો પડતો”

“સમય મળે તો હું પણ કરી લઉં” મેં કહ્યું અને સિગરેટના ધુમાડા બહાર કાઢ્યાં.

“તું સિગરેટ પીએ છે ?” તેણે પૂછ્યું. મારાં મગજમાં ધ્રાસકો પડ્યો. આજનું રાશિફળ મને યાદ આવ્યું. નક્કી રાશિફળ લખવાવાળા ચા પીધા વિના જ બેઠાં હશે એવું મને લાગ્યું.

“હા..” મેં ધીમેથી કહ્યું. મને લાગતું હતું એ મને ખિજાશે પણ બન્યું તેનાંથી સાવ ઉલ્ટું.

“ઓછી પીજે” તેણે શાંત સ્વરે કહ્યું. મેં હાશકારો અનુભવ્યો.

“ઑકે.. મિસ. ચશ્મિશ” મેં વહાલથી કહ્યું.

“તું શું કરતી હતી ?” મેં પૂછ્યું.

“કંઈ ખાસ નહિ, થોડીવાર પહેલાં ઉઠી. ચા પીને વાંચવા બેઠી છું” તેણે કહ્યું.

“આંટી આવી ગયા ?”

“કાલે સવારે આવશે” તેણે કહ્યું.

“કાલે સાંજે તમારે લોકોને આવવાનું છે” મેં કહ્યું, “યાદ છે ને ?”

“યાદ જ હોયને.!” તેણે કહ્યું, “કાલે મારે શું પહેરવું એ પણ મેં નક્કી કરી લીધું છે”

“મને તો જણાવ..” મેં કહ્યું, “આપણે સેમ સેમ કપડાં પહેરશું”

“ના હો…” તેણે સણકો કર્યો, “તું કાલે સાંજે જ જોઈ લેજે”

દૂરથી મને સચિન નજરે ચડ્યો,

“દોસ્ત આવી ગયો છે, સાંજે વાત કરીએ” મેં કહ્યું.

તેણે હા પાડી એટલે મેં કૉલ કટ કરી દીધો.

“સાલા…તું તો જામી ગયો” બેગ સાઈડમાં રાખીને મને ગળે મળતાં સચિને કહ્યું, “દાઢી-બાઢી વધારીને સ્ટર્ડ થઈ ગયો તું તો…!”

“તું કેમ સાલા લેવાઈ ગયો…” મેં કહ્યું, “તારે દાઢી નથી એટલે તારી બળે છે ને…”

“એવું કંઈ નથી” તેણે કહ્યું, “અમારે ત્યાં બધા ક્લીન શેવમાં જ હોય એટલે મારે તકલીફ નથી પડતી”

“બહાનું સારું છે…” છુટા પડતાં મેં કહ્યું, “ચાલ ચા પીઈએ”

અમે બંને ચાનાં સ્ટોલ પહોંચી ગયાં. ચા પીને બંનેએ સિગરેટ સળગાવી.

“કેમ અચાનક અમદાવાદ આવવાનું થયું ?” મેં પૂછ્યું.

“છોકરી જોવા માટે…” તેણે કહ્યું, “પપ્પાએ કોઈ છોકરી પસંદ કરી છે તો મને જોવા માટે બોલાવ્યો છે”

“કોઈ ગોરી જોડે સેટ થઈ જા ને…” મેં આંખ મારીને કહ્યું.

“ના ભાઈ….એ લોકો બે મહિનામાં બોયફ્રેન્ડ બદલે અને વર્ષમાં હસબન્ડ…આપણે ના ફાવે” તેણે કહ્યું, “મારે તો કોઈ ઇન્ડિયન છોકરી જોડે જ લગ્ન કરવા છે”

“તારી ઈચ્છા…” મેં કહ્યું, “તારી સામે કોઈએ ગુલાબજાંબુ રાખ્યાં છે તો પણ હજી તું ચાસણીમાં જ પડ્યો છે”

“ગુલાબજાંબુ પુરા થઇ જાય પછી ચાસણી જ વધે છે ભાઈ”તેણે કહ્યું.

“એ પણ સાચું” મેં કહ્યું.

“તું પણ છોકરી જોવા ગયો હતો ને…!” તેણે કહ્યું, “નક્કી થયું કંઈ ?”

“વાત ચાલે છે…એક મહિના પછી જવાબ મળશે” કહેતાં બધી ઘટનાથી મેં તેને માહિતગાર કર્યો.

“અરે વાહ..વિચાર સારો છે તમારો બંનેનો.., લગ્ન પહેલાં એકબીજાનાં વર્તનથી વાકેફ હોઈએ તો આગળ જતાં ઓછી પ્રોબ્લેમ થાય” સચિને કહ્યું, “આપણા બંનેના લગ્ન થઈ જાય પછી બંને કપલ શિમલા હનીમૂન માટે જઈશું”

“ના હો…આપણે તો માઉન્ટ આબુનું નક્કી છે” મેં કહ્યું, “તારે આવવું હોય તો આવજે”

“પહેલા માઉન્ટ આબુ જશું અને પછી શિમલા” તેણે કહ્યું. થોડીવાર અહીં-તહીંની વાતો કરી અમે બંને ત્યાંથી નીકળી ગયાં. સચિન આજે મારી સાથે જ રહેવાનો હતો, એક દિવસ માટે ન તો વૈભવીની યાદ આવવાની હતી, ના તો અંજલીની વાતો. માત્રને માત્ર બે દોસ્ત અને એની દોસ્તીની વાતો થવાની હતી.

(ક્રમશઃ)