My Better Half - 4 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

My Better Half - 4

My Better Half

Part - 4

Story By Mer Mehul

મને લાગતું હતું કે અમારાં પર પ્રશ્નોનો મારો થશે. આ પહેલાં જ્યારે મેં ચાર છોકરી જોઈ ત્યારે ત્યાં એવું જ બન્યું હતું પણ અહીં તો બાજી પલટાઈ ગઈ હતી.

“વૈભવી અને અનિરુદ્ધભાઈ એકબીજાને પસંદ કરે છે” સ્નેહભાભીએ કોઈ એન્કરની માફક એનાઉન્સમેન્ટ કર્યું, “પણ હા પાડતાં પહેલાં તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે એ માટે એક મહિનાનો સમય માંગે છે”

ઓહ..! તો ભાભી અંદર વૈભવીને લેવા માટે નહીં પણ તેની પાસેથી જવાબ જાણવા ગયાં હતાં. સ્ત્રીઓમાં આવી ખૂબી પહેલેથી જ હોય છે જ્યારે તેની સરખામણીમાં પુરૂષો આવું કશું વિચારતાં જ નથી.

ભાભી મારા માટે જેઠાલાલનાં ફાયરબ્રિગેડ સમાન તારક મહેતા બની ગયા હતાં. તેઓએ પુરી બાજી સાંભળી લીધી હતી. મેં આંખોનાં ઇશારાથી ભાભીનો આભાર માન્યો. ત્યારબાદ અમને કોઈ સવાલ પૂછવામાં નહોતાં આવ્યાં. અમારો પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકારમાં આવ્યો હતો. આગળનાં એક મહિનામાં અમે બંને એકબીજાને સરખી રીતે ઓળખી લઈએ પછી જવાબ આપવો એવું નક્કી કરવામાં આવ્યું.

ત્યારબાદ બંને ફેમેલી વચ્ચે ફોર્મલ વાતો થઈ. મમ્મી અને ભાભી વૈભવી સાથે વાતો કરી રહ્યાં હતાં. એ વાતોમાં વૈભવીને પ્રશ્નો જ પૂછવામાં આવી રહ્યાં હતાં. વૈભવી હસીને તેનાં જવાબ આપી રહી હતી. બીજી તરફ પુરૂષ વિભાગમાં બેઠક જામી હતી. બંને દોસ્ત પોતાનાં જુના દિવસોની યાદો તાજી કરવામાં વ્યસ્ત હતાં. મોટાભાઈ મોબાઈલ મચેડવામાં વ્યસ્ત હતાં અને હું..!

મેં વંશ સાથે ગમ્મત શરૂ કરી. હું નર્વસ નથી એવું મારે જતાવવાનું હતું. વૈભવી વચ્ચે વચ્ચે મારી સામે જોઇને સ્માઈલ કરતી હતી. હું પણ એવું જ કરતો હતો. અમે આવ્યાં એને એક કલાક થઈ ગઈ હતી. આઠ વાગી ગયાં હતાં. જો વધુ સમય અહીં રોકાયા તો ડિનર પણ અહીં જ લેવું પડે એમ હતું.

ધરમશીભાઈ ઘરનાં મુખીયા હતાં. કેબિનેટનાં મુખ્ય પ્રધાન. પોતાનાં મંત્રીઓને કેવી રીતે ટ્રીટ કરવા તેનો લાંબો અનુભબ તેઓની પાસે હતો. તેણે ખૂબ સિફતથી જલ્દી વાતો પતાવી અને રજા લેવાનો પ્રસ્તાવ મુક્યો. જમવાનો સમય હતો એટલે નાસ્તાને કોઈ સ્થાન નહોતું. છેલ્લે ઠંડુપીણું લઈને અમે બધાએ વિદાય લીધી.

અંકલ અમને ઇનોવા સુધી છોડવા આવ્યાં. પૂર્વવત બેઠક લઈ, ‘આવજો’ કહીને અમે ત્યાંથી નીકળી ગયાં.

મને ખબર હતી, ભલે એક પ્રશ્નનાં મારાથી હું બચી ગયો પણ અહીં મારે બચવાનાં કોઈ ચાન્સ નહોતાં. ઇનોવા રોડે ચડી એટલે એક સાથે બધાએ પ્રશ્નોનો મારો કર્યો.

“કેવી લાગી વૈભબી..?’ મમ્મીનો સવાલ.

“એને તું પસંદ આવ્યો કે નહીં…?” મોટાભાઈનો સવાલ.

“મને તો ભાભી પસંદ છે” દેવાંશીનો નિર્ણય.

“એક મહિનાનો સમય સાચે ઓળખવા માટે લીધો છે કે બીજી છોકરી જોવાની ઝંઝટમાંથી બચવા..?” ધરમશીભાઈનું અનુભવી દિમાગ.

“જોડી જામશે હો અનીભાઈ..” ભાભીનું કોમ્પ્લીમેન્ટ.

“દાદા માલે પણ લદન કલવા છે…” ત્રણ વર્ષનાં વંશની હઠ.

વંશની વાત સાંભળીને પૂરો પરિવાર હસવા લાગ્યો.

“એક મહિના પછી હું જવાબ આપીશ” સૌનાં સવાલનો મેં એક વાક્યમાં જવાબ આપ્યો.

અમે ઘરે પહોંચ્યા. મમ્મી, ભાભી અને દેવાંશીએ રસોડામાં પોતાનું કામ સંભાળી લીધું. ધરમશીભાઈ પોતાનાં પૌત્રને લઈને સોફા પર બેસી ગયાં. મોટાભાઈ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. મેં દાદાનાં રૂમ તરફ ડગલાં ભર્યા. હું રૂમમાં પહોંચ્યો ત્યારે દાદી ખુરશી પર બેસીને ભગવદ્દ ગીતા વાંચી રહ્યાં હતાં. દાદીએ એનાં સમયમાં કોલેજ કરેલી. તેઓ મારાં માટે પ્રેરણાનાં સ્ત્રોત હતા. દાદા આંખો બંધ કરીને સુવાની કોશિશ કરતાં હતાં.

મેં દાદાનાં બેડ પર જઈને ખુરશી ખેંચી અને બેસી ગયો.

“આવી ગયો અની…” દાદીએ ગ્રંથમાંથી ડોકિયું કરીને પૂછ્યું, “પાંચમી રિજેક્ટ કરીને ?”

દાદી ભલે સિત્તેર વટાવી ચુક્યા હતાં પણ હજુ એ એટલા જ જિજ્ઞાસુ હતાં.

“આ વખતે દાદુને સ્વર્ગમાં મોકલવાની વ્યવસ્થા કરીને આવ્યો છું” મેં હસીને કહ્યું.

“શું કહ્યું…” દાદીએ ગ્રંથમાં લટકતી દોરીને બે પેજ વચ્ચે રાખીને ગ્રંથને ટેબલ પર રાખ્યો, “તને છોકરી પસંદ આવી ગઈ …!”

તેઓનાં અવાજમાં આશ્ચર્ય હતું. હું તેઓનાં તરફ ફર્યો.

“આવી જ ગઈ સમજો, એક મહિનામાં અમે એકબીજાને ઓળખી લેશું પછી નક્કી કરવાનું છે”

“આખરે કાનાએ મારી વાત સાંભળી” દાદી ખુશ થઈને બોલ્યા, “હું દર્શન કરી આવું”

એ ઊભા થઈને જતાં રહ્યાં. મેં દાદુનાં પગ પર હાથ રાખીને તેઓને ઢંઢોળ્યા. તેઓએ એક આંખ ખોલી.

“જાગુ જ છું” દાદુએ કહ્યું, “તારાં દીકરાને હેત કર્યા પહેલાં હું ક્યાંય નથી જવાનો”

મારાં દીકરા વિશે વિચારીને જ મને હસવું આવી ગયું.

“કેવી છે દીકરી ?” દાદુએ પૂછ્યું, “ફોટો હોય તો બતાવ”

તેનો ફોટો મારી પાસે નહોતો.

ઓહહ.. અમે બંનેએ એક મહિનામાં એકબીજાને ઓળખાવનું તો નક્કી કર્યું હતું પણ ઓળખવા માટે મળવું પડે, એકબીજા વચ્ચે વાતોની આપ-લે થવી જોઈએ અને હું તેની પાસે નંબર લેતાં તો ભૂલી જ ગયો હતો.

“એનો ફોટો તો નથી દાદુ” મેં કહ્યું, “તમે કહેતા હોવ તો બીજા ફોટા બતાવી શકું”

“ના..” દાદુએ કહ્યું, “ઘડપણમાં બુઢ્ઢા પાસે કેટલી મહેનત કરાવીશ..!”

અમે બંને હસી પડ્યા.

“તમે આરામ કરો દાદુ, હું ફ્રેશ થઈ આવું” કહીને ઉભો થયો અને પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.

ફ્રેશ થઈને હું ગેલેરીમાં આંટા મારતો હતો. મારું મન વૈભવીનાં વિચાર કરતું હતું. મારાં મગજમાં તેનો નંબર કેવી રીતે મેળવવો, તેની સાથે મુલાકાત કેવી રીતે ગોઠવવી તેની ગડમથલ ચાલતી હતી.

‘ધરમશીભાઈને કહીને અંકલ પાસેથી નંબર લઈ લઉં ?’ મને વિચાર આવ્યો.

‘મૂરખ જેવું ના વિચાર, છોકરીનાં પપ્પા પાસેથી કોણ નંબર લે.! તરત જ જવાબ મળ્યો.

‘ભાભીની મદદ લઇ શકાય ?’

‘લઈ શકાય પણ ભાભી કેવી રીતે મદદ કરે ?’

હું વિચારોમાં ખોવાયેલો હતો ભાભી સાક્ષાત મારાં રૂમમાં પ્રગટ થઈ ગયાં.

“ઓહો અનીભાઈ..!, મેસેજની રાહ જોવાય રહી છે કે શું..!” ભાભીએ હસીને કહ્યું.

ભાભીને કોણ સમજાવે ?, જેની રાહ જોવાય રહી છે એનો મૅસેજ આવવાની કોઈ સંભાવના નથી. મેં નિઃસાસો નાંખ્યો.

“ભાભી, અમે એક મહિનાનો સમય તો માંગ્યો છે પણ હું તેને નંબર આપતાં ભૂલી ગયો છું” મેં ભોંઠપ સાથે કહ્યું.

“ઓહો…” ભાભીએ સણકો કર્યો, “હથિયાર વિના કેવી રીતે જંગ જીતશો ?”

“એ જ ને, મારે એનો નંબર જોઈએ છે પણ કેવી રીતે મેળવું એ જ નથી સમજાતું” મેં કહ્યું, “હવે તમે જ કંઈક મદદ કરો”

“હું કેવી રીતે મદદ કરી શકું ?” ભાભીએ કહ્યું, “આ કામ તો તમારે જ કરવું પડશે”

કરવું પડશે…પણ કેવી રીતે..?

મારે કોઈ પણ હાલતમાં વૈભવીનો નંબર મેળવવો હતો પણ કેવી રીતે મેળવવો એ જ નહોતું સમજાતું.

*

હું ભાભીની મદદ લઈને વૈભવીનો નંબર મેળવવાની કોશિશ કરતો હતો પણ ભાભીએ હાથ ઊંચા કરી દીધાં હતાં. વૈભવીનો નંબર કેવી રીતે મેળવવો એ મને સમજાતું નહોતું. સહસા મારાં મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પૉપ-અપ થઈ. મેં લૉક ખોલીને મૅસેજ જોયો. કોઈ અજાણ્યા નંબર પરથી ‘હેલ્લો’ નો મૅસેજ હતો. તેનાં નંબર નીચે ‘Typing…’ એવું લીલાં અક્ષરે લખેલું આવતું હતું.

‘વૈભવી હિયર….’ બીજો મૅસેજ આવ્યો.

કેવી રીતે પણ…! મને આશ્ચર્ય થયું. મેં તો એને પોતાનો નંબર નહોતો આપ્યો.

મેં ભાભી સામે જોયું. તેઓ મરકમરક હસી રહ્યાં હતાં.

“ભાભી, આ કામ તમારું છે ?” મેં ગંભીર થઈને પૂછ્યું.

“હા, હું એને રૂમમાં મળવા ગઈ ત્યારે એણે તારો નંબર માંગ્યો હતો” ભાભીએ કહ્યું.

“ઓહહ..ભાભી..તમે દુનિયા શ્રેષ્ઠ ભાભી છો” ખુશ થઈને મેં તેઓનાં ગાલ ખેંચ્યા.

“બસ બસ..બાકીનો પ્રેમ મારી દેરાણી માટે સાચવીને રાખો. જમવાનું થઈ ગયું છે. પહેલાં જમી લો પછી વાત કરજો” ભાભીએ કહ્યું.

“બે જ મિનિટમાં હું નીચે આવું છું” મેં કહ્યું અને મોબાઈલમાં નજર કરી, તેનાં બે મેસજ આવી ગયાં હતાં અને હજી એ કંઈક લખતી હતી.

ભાભી નીચે ગયાં. મેં બેડ પર કૂદકો માર્યો અને આડો પડીને મૅસેજ વાંચ્યા,

‘બુદ્ધુ છે સાવ તું…’

‘એકબીજાને જાણવા માટે નંબર પણ ન માંગી શક્યો…’

‘શું કરે ?’

‘જમી લીધું ?’

મૅસેજ વાંચીને મારાં ચહેરા પર સ્માઈલ ખેંચાઈ ગઈ. મેં જવાબ આપ્યો,

‘હવે વાતોથી જ પેટ ભરાશે, જમવાનું તો છોડી દીધું છે’

હસતાં ઇમોજીવાળો તેનો જવાબ આવ્યો.

‘જમી લે, પછી વાત કરીએ’

‘મેં અંગૂઠો બતાવ્યો’

એ ઓફલાઇન થઈ ગઈ. મોબાઈલ ચાર્જિંગમાં રાખીને હું દોડાદોડ નીચે ગયો. આજે મારાં લગ્ન બાબતે કોઈ વાતચીત ના થઇ. થઈ હોય તો પણ મારું ધ્યાન નહોતું. બે દાઢે કોળિયા ચાવી, પાંચ મિનિટમાં જમવાનું પતાવીને હું મારા રૂમમાં આવી ગયો. મોબાઈલ અને ઈયરફોન હાથમાં લઈ હું બાલ્કનીમાં આવી ગયો.

દસ વાગ્યાં હતાં. મેં ઈયરફોન કાનમાં ચડાવ્યા અને સોંગ શરૂ કરીને વોટ્સએપ શરૂ કર્યું. એ હજી ઓફલાઇન જ હતી.

‘હેલ્લો.. મિસ..ચશ્મિશ’ મેં આંખ મારતાં ઇમોજી સાથે મૅસેજ મોકલ્યો. મારાં જ મેસેજની રાહ જોઇને બેઠી હોય એવી રીતે વૈભવી તરત ઓનલાઈન આવી.

‘હાય….મી. સ્ટર્ડ’ તેનો પણ એવો જ રીપ્લાય આવો.

‘નોટ બેડ…હું સ્ટર્ડ લાગુ છું ?’

‘અફકોર્સ…સ્ટર્ડ એન્ડ હેન્ડસમ..!’ તેનો જવાબ આવ્યો.

‘આટલી જલ્દી જમી લીધું ?’

‘ચાંદને જોવા માટે રાત્રે સમયસર અગાસી પર પહોંચી જવું પડે, લેટ થાય તો તેનાં દર્શન નથી થતાં’ મેં પંચ લાઇન મારી.

‘જી એકવાર લગ્ન કરી લો, ચાંદ તમારી રાહ જોશે’ તેનો મૅસેજ આવ્યો.

અમારી બંને વચ્ચે શાયરીની ભાષામાં વાત શરૂ થઈ ગઈ હતી. મને સાહિત્ય રસ નથી પણ અત્યારે હું કોઈ શાયર જેવું ફિલ કરી રહ્યો હતો.

‘ગીવ અપ…મને આ ભાષા નથી આવડતી’ મેં ચહેરા પર સ્માઈલ અને કપાળે પાણીનાં ટીપાંવાળા ઇમોજી સાથે મૅસેજ મોકલ્યો. પાણીનું ટીપું જ ને..!

‘આટલી જલ્દી હાર માની લીધી…હજી તો શરૂઆત પણ નથી થઈ’ તેનો મૅસેજ આવ્યો.

‘ઘણીવાર હારમાં જ જીત છુપાયેલી હોય છે’ મેં લખ્યું.

‘તમે તો અનુભવી જણાવ છો’ તેનો મૅસેજ આવ્યો, ‘કેટલીને ફસાવી છે ?’

મેં હસતાં ઇમોજી મોકલ્યાં.

‘હિસાબ રાખીને ક્યાં જશો ?, નવા ચોપડે નવી શરૂઆત. શ્રી ગણેશાય નમઃ’ મેં મૅસેજ મોકલ્યો.

‘તો હું પણ બીજાને ના કહી દઉં ને.!’ તેનો મોઢું ફાડીને હસતા ઇમોજી સાથે મૅસેજ આવ્યો.

‘બેશક…એ કંઈ પુછવા જેવી વાત છે’

‘કિડિંગ…હું સિંગલ જ છું’ તેનો મૅસેજ આવ્યો.

‘હોય તો પણ મેટર નહિ કરતું, ટ્રેન્ડ છે અત્યારે’

‘અચ્છા, સારા પતિનાં ગુણ છે કે જાળ બિછાવો છો ?’

‘એ તો એક મહિના પછી કહી શકાય’

અમારી વચ્ચે મોડી રાત સુધી વાતચીત થઈ. અત્યારે અમે બંનેએ હસી-મજાકવાળી વાતોથી શરૂ કર્યું હતું. આવી વાતોમાં સ્વભાવ વિશે તો ના જાણી શકાય પણ આગળની જે વાતો થવાની હતી તેની નિવ અહીં રાખી શકાય.

રાત્રે દોઢ વાગ્યે અમે બંનેએ એકબીજાને ગુડ નાઈટ કહ્યું. એ તો કદાચ સુઈ ગઈ હશે પણ મારી નજર સામેથી તેનો ચહેરો હટતો નહોતો. આંખો ખુલ્લી રાખું કે બંધ રાખું, એ જ મારી નજર સામે આવતી હતી. બેશક, આ પ્રેમ તો નહોતો જ પણ પ્રેમની શરૂઆત કહી શકાય. કહી શકાય ને…!

*

બીજા દિવસની સવાર નોર્મલ નહોતી. ક્રમશઃ દાદી, મમ્મી અને ભાભીએ આવીને મને જગાવવાની કોશિશ કરી હતી પણ જાગતો નહોતો. આખરે ભાભીએ ફ્રીજનું પાણી મારાં મોંઢા પર ફેંક્યું ત્યારે હું બેડથી દૂર ગયો. નાસ્તો કરતી વેળાએ બધા મારી મજાક ઉડાવી રહ્યાં હતાં.

“ચાલો જલ્દી જઈએ અને છોકરી રિજેક્ટ કરીને આવતાં રહીએ” દેવાંશીએ મારી મિમકરી કરી.

“પણ મારે લગ્ન જ નથી કરવાને” ભાભીએ પણ ચુગલી કરી.

બધાનાં ટોન્ટ મારે સાંભળવા પડ્યા હતાં. હું મૌન બેઠો હતો. મોટાભાઈ અને ધરમશીભાઈ આ તમાશાનાં દર્શક બનીને મજા લઈ રહ્યાં હતાં. છેલ્લે દાદાને મળીને અમે કામ પર જવા રવાના થયાં.

મારી ઑફિસ આવી એટલે ઇનોવા ઉભી રહી. હું નીચે ઉતરી ગયો અને ઓફીસ તરફ ચાલવા લાગ્યો. જેવી ઇનોવા નીકળી ગઈ એટલે મેં રસ્તો બદલ્યો અને ડીલક્સ પાને આવી ગયો.

“કેમ ભાઈ, આજે ચહેરો ખીલેલો કેમ જણાય છે ?” પ્રણવે પૂછ્યું.

“ઊંઘ આવે છે, પહેલા સિગરેટ આપ” મેં કંટાળાજનક અવાજે કહ્યું. તેણે બે સિગરેટ લઈ, એક મને આપી. મને યાદ આવ્યું, મેં વોટ્સએપ ચૅક નહોતું કર્યું. સિગરેટ બે હોઠ વચ્ચે દબાવીને મેં મોબાઈલ હાથમાં લીધો અને વોટ્સએપ ખોલ્યું.

‘ગુડ મોર્નિંગ ડિયર, જય શ્રી કૃષ્ણ…હેવ અ ગ્રેટ ડે’ સાતને પંચાવન મિનિટે તેનો મૅસેજ આવ્યો હતો. અત્યારે નવને દસ થઈ હતી. ઊંઘણશી સમજશે મને..!

‘વેરી ગુડ મોર્નીગ, જય શ્રી કૃષ્ણ એન્ડ સેમ ટૂ યુ’ મેં મૅસેજ કર્યો. પ્રણવ મારી સામે જોઈ રહ્યો હતો. તેણે ક્યારનું લાઈટર સળગાવીને રાખ્યું હતું. મેં તેને જોઈને આંખ મારી અને સિગરેટ સળગાવી.

“પસંદ આવી ગઈ એમને..!” પ્રણવે સિગરેટનો કશ ખેંચીને પૂછ્યું.

“તને કેવી રીતે ખબર પડી ?”

“તારો ચહેરો બરાડીને કહે છે…”

મેં મોબાઇલની સ્ક્રીન પર પોતાનો ચહેરો જોયો.

“હટ્ટ સાલા” પ્રણવે કહ્યું, “ના ના કહીને હા કહી આવ્યો”

“બે..હજી પસંદ નથી કરી મેં, એક મહિના પછી જવાબ આપવાનો છે” મેં કહ્યું.

“તો આ એક મહિનામાં શું કરશો ?”

મેં હાથ વડે ઈશારો કર્યો. અમે બંને તકરાર કરવામાં વ્યસ્ત હતાં એ સમય દરમિયાન અંજલી ત્યાંથી નીકળી. તેણે બ્લેક જીન્સ પર કૉફી કલરનાં શર્ટનું ઇનશર્ટ કર્યું હતું.

“આમાં સેટિંગ કરાવી આપને લ્યા” પ્રણવે અંજલી તરફ જોઈને કહ્યું.

“કાલે તો કહ્યું હતું, ઔકાતમાં રહીને વાત કર. તું એને લાયક નથી” મેં હસીને કહ્યું.

પ્રણવે મોઢું બગાડ્યું. સિગરેટ પુરી કરીને અમે ઑફિસ તરફ ચાલ્યાં. મને કંટાળા સાથે બગાસાં પણ આવતાં હતાં પણ જ્યારે હું મારા ડેસ્ક પર પહોંચ્યો ત્યારે સટાકથી મારી ઊંઘ ઊડી ગઈ. મારાં ડેસ્ક પર અંજલી બેઠી હતી. તેણે કોમ્પ્યુટરમાં પોર્નવાળું ફોલ્ડર ખોલેલું હતું. મારા તો મોતીય મરી ગયાં.

આ બધું છોડીને અત્યારે જ અહીંથી ફરાર થઈ જવાનું મને મન થયું. મારી નોકરી હવે જશે જ અને સાથે ધરમશીભાઈનો ગુસ્સો સહન કરવો પડશે એ જુદું. આ ઑફિસની બોસ ધરમશીભાઈની દોસ્ત હતી અને મને શા માટે ફાયર કરવામાં આવ્યો છે તેનું કારણ જ્યારે ધરમશીભાઈને ખબર પડશે ત્યારે મારું તો આવ્યું જ બનશે.

(ક્રમશઃ)