“બાની”- એક શૂટર - 54 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 54

બાની- એક શૂટર

ભાગ : ૫૪


"બાની.....!! બસ થયું....!! હું એક શબ્દ પણ હવે મારા મોમનાં ખિલાફ સાંભળવાનો નથી. તને મારી જાન જ જોઈતી હોય તો તારા પિસ્તોલથી ધરબી નાંખ મને....!! કેમ કે હું તારા મૂખેથી મારી ભોળી મોમ માટેના આટલા ગંભીર આરોપો નથી સાંભળી શકતો." એહાને ક્રોધમાં કીધું.

"ઓહહ એહાન હું જાણું છું....જાણું છું તારી ભોળી અને પવિત્ર મોમને....!! પણ અહીં હું તારી માસી મોમ વિશે નથી કહી રહી....!! વેલ...!! તું દંભ કરી જ રહ્યો છે અને તને મારા મૂખેથી જ સચ્ચાઈ સાંભળવી હોય તો એ પણ હું કહી દઉં છું....!!" બાનીએ સચોટ શબ્દોમાં કહ્યું.

"ઓહહ બાની પ્લીઝ...!! મારે હવે કશું નથી સાંભળવું." એહાને નિસાસો નાંખતા કહ્યું.

"સાંભળવું તો પડશે જ એહાન તને...!! કેમ કે તારો દંભી થવાનો નાટક મને બંધ કરવો છે...!!" બાનીએ દાંત ભીડતા કહ્યું.

"બાની...!!" એહાન અકળાયો.

"ચિલ્લાવ નહીં એહાન....!!" બાનીએ ગુસ્સાથી કહ્યું. પછી ટિપેન્દ્ર, ઈવાન, કેદાર પર ઝડપથી નજર નાંખી બાની એહાનની નજદીક ગઈ. એનું જડબું પકડતા કહ્યું, " હું તારી પવિત્ર ભોળી મોમ અને કાતિલ મોમને સારી રીતે જાણું છું. તારી તો બે મોમ છે રાઈટ...!! એક તારી માસી મા...!! જેમની હું આજના ઘડીએ પણ ઈજ્જત કરું છું. અને એક તારી જન્મ આપનારી મોમ...!!" એટલું કહીને બાનીએ ગુસ્સામાં જ જડબું છોડ્યું.

"બાની...!! મને તકલીફ આપીને શું તું ખુશી અનુભવી રહી છે??" એહાને દર્દભરા સ્વરે કહ્યું.

"તકલીફ....!!" બાનીએ કહ્યું અને એના સીનામાં દર્દ ઉભરી આવ્યું. "પ્રેમ કરીને દગો આપનાર વ્યક્તિને વળી તકલીફ થતી હશે?? તું મારા દુશ્મન સાથે ભળીને મારા ખિલાફ સાજીશ રચતો ગયો એને વળી કેવી તકલીફ...!!" બાની દુઃખી થતાં કહ્યું.

"બાની... નક્કી તારી ગેરસમજ થઈ છે." એહાને કહ્યું.

"એ ગેરસમજ જ દૂર કરી રહી છું. ખૈર...!! યાદ છે એહાન...!! આ આઠ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે તે તારા પાસ્ટ વિષેની માહિતીથી મને અવગત કરાવી હતી. તારી મોમ આરાધના લાઈફ પ્રત્યે ખૂબ જ સિરિયસ હતી. એ મહત્વકાંક્ષી ઓરત હતી. પરંતુ એણે એક એવા આદમી સાથે લગ્ન કરી લીધા હતાં કે દિમાગથી માંદા હતાં. એવામાં જ એને એક બાળક પણ થયું. એ બાળક એટલે એહાન...!! તારી મોમ આરાધનાને એવી લાઈફ સહન થતી ન હતી. એક દિવસ પોતાનું જ નાનું બાળક એહાનને છોડીને જતી રહી જે ફક્ત એક વર્ષનું જ બાળક હતું...!! તે દિવસોમાં કુંવારી માસીએ જ તને ગોદ લઈ લીધો. થોડા સમયમાં તારા ડેડનું પણ મૃત્યુ નીપજ્યું હતું. એના બાદ તો તારું સર્વસ્વ તારી માસી માં જ હતા પછી આટલા વર્ષે તું કેમ એહાન આરાધનાને મળ્યો?? તને તો તારી મા આરધનાને મળવામાં કે પછી એની શોધ કરવામાં કોઈ રસ ન હતો તો એની સાથે મારા ખિલાફનો ચક્રવ્યું રચવામાં કેવી રીતે રસ જાગ્યો એહાન....???" બાનીએ છેલ્લા શબ્દો પર ભાર આપી ગુસ્સાથી પૂછ્યું.

એહાનને બધી જ વાત યાદ આવી હોય તેમ એના ચહેરા પર અજબના હાવભાવ આવવા લાગ્યાં. પણ એ સચ્ચાઈ જીરવી શકતો ન હતો.

"બાની....!! આરાધના મારી મોમ છે પણ એ માસ્ટરમાઈન્ટ તો નથી જ....!!" એહાન પોતાની વાત પર અડગ રહ્યો.

"ઓહ...!! એહાન કેટલા વર્ષથી ઓળખે છે તું તારી મોમ આરાધનાને...?? ચેતી તો મને ત્યારે જ જવું જોઈતું હતું જ્યારે હું સંતોષ સાહેબના બંગલે અમન સાથે આવી હતી. અમન, બાની એટલે કે અભિનેત્રી મિસ પાહીને લગ્ન માટે સંતોષ સાહેબ અને એમની પત્ની આરાધના સાથે ઓળખાણ કરવા લઈ ગયો હતો. એ જાજરમાન ઓરતને જોઈને મને કશુંક યાદ આવવા લાગ્યું...!! પરંતુ હું પકડી શકતી ન હતી. તું પણ એ જાજરમાન ઓરતને તે દિવસે મળવા આવેલો હતો ને?? આખી ઘટનાને સવિસ્તાર એકાંતમાં યાદ કરતાં મને જાણ થઈ ગઈ કે તું આરાધનાનો દિકરો છે જેનો ચહેરો હૂબહૂ તારી સાથે મળતો આવતો હતો. દેખાવે તું તારી મોમ પર ગયો છે એમાં કોઈ શંકા ન હતી...!! પરંતુ એહાન એ માસ્ટરમાઈન્ટ સાથે તું ક્યારે ભળી ગયો??" અકળાઈને બાની ફરી ફરીને એક જ પ્રશ્ન પર આવી જતી.

"બાની પરંતુ એનાથી કેવી રીતે સાબિત થઈ શકે કે મારી મોમ જ માસ્ટરમાઈન્ટ છે!!" એહાને કહ્યું.

"એહાન સાબિતી આપવા માટે તને બાનમાં નથી રાખ્યો. તું કેવી રીતે ભળ્યો?? કેટલા વર્ષથી છો તું એ માસ્ટરમાઈન્ટ સાથે...?? તમારો આગળનો પ્લાન ?? આ બધા જ પ્રશ્નોના જવાબ જોઈએ છે મારે...!!" બાનીએ કહ્યું.

"બાની....!! ભળવાનું તો દુરની વાત...!! પરંતુ મારી મોમ માસ્ટરમાઈન્ટ નથી જ...!!" એહાને કહ્યું. વાતાવરણ તંગ બનતું જતું હતું. એહાને પોતાની વાત ચાલું જ રાખી, " બાની...!! કદાચ તને યાદ હશે કે નહીં...!! પરંતુ જ્યારે હું તને પિછાણી ગયો હતો કે પાહી જ બાની છે ત્યારે બીજી મુલાકાત દરમિયાન જ તને રિઝવવા માટે તેમ જ મારા તરફથી વિશ્વાસ જગાડવા માટે મારી મોમ આરાધના સાથેની મુલાકાતની વાત છેડી હતી કે મારી મોમ એ જીવંત છે. એમની સાથે મુલાકાત પણ થઈ છે. પરંતુ ત્યારે એવો સમય ન હતો કે તું આ બધી જ વાતોમાં રસ લે." એહાને જણાવ્યું. બાની એ બધી જ વાત યાદ કરવા લાગી.

"બાની હું ફેમસ યુટ્યુબર છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં પણ જાણીતા કલાકારોના મેં ઈન્ટરવ્યુઝ લીધા છે. મારી મોમ આરાધના પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે. મેં તને પહેલા જ કહ્યું હતું તેમ કે મને મારી મોમની શોધમાં જરા પણ રસ ન હતો. તેમ જ મારી મોમ મને શોધતા હતાં એવું તો ન કહી શકાય કારણકે એમને તો જાણ જ હતી પહેલાથી જ કે હું માસી માં સાથે રહું છું. કદાચ બની શકે કે આટલા વર્ષો બાદ એમની મમતા ઉભરાઈ હોય...!! ટૂંકમાં કહું તો એમને એક મુલાકાત અમારી બંનેની ગોઠવી હતી. તે દરમિયાન જ એમને ખુલાસો કર્યો હતો કે એ મારી મોમ છે જેમણે એક વર્ષના બાળકને મૂકીને જતું રહેવું પડયું..!! એના બાદ પોતાના તરફથી કેટલી વાર પણ માફી માગી હતી. અંતે હું પણ મારી માસી માં ની પરવાનગી લઈને મોમને માફ કરી. મારી મોમ સાથેની મુલાકાત વધતી ગઈ હતી. હું નવજુવાન છું, લગ્નનાં બંધનમાં હજુ કેમ જોડાયો નથી...?? એવા પ્રશ્નો એ હંમેશા કરતી..!! ક્યારેક મજાકમાં પણ પૂછી લેતી કે કોઈ ગર્લફ્રેંડ હોય તો મુલાકાત તો એક કરાવ...!! તારા લગ્ન ધામધૂમથી હું કરીશ એવા બધા સપના જોતી એ કહેતી. પરંતુ હું આ બધી જ વાતોમાં મૌન સેવતો." એહાન એટલું કહીને ચૂપ થયો. પરંતુ અડ્ડા પર ઉપસ્થિત બધા જ બાની સાથે ધ્યાનથી વાત સાંભળી રહ્યાં હતાં.

"ધીરે ધીરે આરાધના મોમ, મારી માસી મા સાથે પણ મુલાકાતો કરતા ગયા. માસી માએ પણ મોમને માફ કરી દીધા હતા. મારી માસી માં તેમ જ આરાધના મોમ બંને હવે મારા લગ્નને લઈને પહેલા પ્રશ્ન પૂછતાં કે ક્યારે કરે છે મેરેજ...!! પરંતુ મારા કશા પણ પ્રકારના જવાબ ન આપવા બદ્દલ તેઓ ચિંતામાં રહેવા લાગ્યા કે હું લગ્ન વિષય પર કેમ હંમેશા ચૂપકીદી સાદી રાખી હતી. આ જ સમય દરમિયાન મારી નજર ક્રિશનાં મેરેજ પાર્ટીમાં અભિનેત્રી મિસ પાહી પર ગઈ. મનોમંથન દરમિયાન હું નિર્ણય પર આવી ચુક્યો હતો કે મિસ પાહી એ જ મારી બાની છે. હું તો તારા સમક્ષ પણ અડગ જ હતો કે અભિનેત્રી પાહી એ જ મારી બાની છે. તારા મૂખેથી જ મને સચ્ચાઈ સાંભળવા મળી કે તું જ બાની છે. મને ફરી એકવાર તારું પડખું મળ્યું. હું અનંત તારા પ્રેમમાં ખૂશ હતો. બાની તને ફરી પામીને હું ધન્ય અનુભવતો હતો. મારી ખુશીની સીમા ન હતી. એ સમય દરમિયાન જ મારી માસી માં તેમ જ આરાધના મોમ બંનેના પ્લાન પ્રમાણે જે વાતથી હું બેખબર હતો..!! મારી જ હમઉંમર છોકરી સાથે મુલાકાત ગોઠવી હતી. મુખ્ય ઉદ્દેશ્યની જાણ તો મને અંતમાં થઈ કે એ છોકરીને લગ્ન માટે મને પસંદ કરવાનું હતું..!! હું અકળાયો અને એ ચાલું મુલાકાતના પ્રસંગથી ત્યાંથી ઉઠીને ચાલતી પકડી હતી...!!" એહાને કહ્યું.

બાની બધી જ વાત ધ્યાનથી સાંભળી રહી હતી.

"એના બાદ મને ઘણા આડકતરી રીતે પણ બંને માસી માં તેમ જ આરાધના મોમ દ્વારા પ્રશ્નો પુછાતા ગયા પરંતુ હું તદ્દન રીતે ચૂપકીદી સાદી હતી. બંને માટે હું અકળામણ પૈદા કરી રહ્યો હતો કે હું લગ્ન માટેનો વિષય આવતાં જ કેમ ચૂપ થઈ જતો.

મને પજવી નાંખે એ હદે મને પ્રશ્ન બંને માઓ દરમિયાન પુછાતા ગયા. અંતે મેં મારી ચૂપકીદી તોડી....!! મેં મારી માસી મા તેમ જ આરાધના મોમ પાસેથી પ્રોમિસ માગ્યું કે જે હું એમને સચ્ચાઈનો ખુલાસો કરું છું એને બહાર ક્યારે પણ પાડતાં નહીં. હું અભિનેત્રી મિસ પાહીને ચાહું છું જેમાં હું મારી બાનીની છબી જોઉં છું. ફક્ત એટલો ખુલાસો કરીને વાતને ત્યાં જ પડતી રાખી હતી બાની....!! તો શું આ બધી વાતોથી મારી મોમ આરાધના તને માસ્ટરમાઈન્ટ લાગે છે?? એ તને તારી દુશ્મન લાગે છે??" એહાને પોતાની વાત પૂરી કરીને બાનીને જ વળતો પ્રશ્ન પૂછ્યો.

બાની સાથે બધાએ જ એહાનની એક એક વાત ધ્યાનથી સાંભળી.

"એહાન.....!! માસ્ટરમાઈન્ડ તારી મોમ જ છે... અને મારી અંગત સચ્ચાઈનો ખુલાસો એક નાના બાળકની જેમ તું કેવી રીતે કરી શકે??" બાની અકળાઈ ઉઠી.

"બાની એહાનની વાતો સાંભળી મને એમ લાગે છે કે એહાન નિર્દોષ છે. હવે આ વાતને જવા દઈએ. આપણે માસ્ટરમાઈન્ડ આરાધના સુધી કેવી રીતે પહોંચીએ એ પ્લાન પર ધ્યાન આપવાનું છે." ટિપેન્દ્રએ ઝડપથી કહ્યું.

"હું આ બનવા નહીં દઈશ. કેમ કે મારી મોમ આરાધના સરળ સ્વભાવના છે. એ માસ્ટરમાઈન્ડ નથી."એહાને કહ્યું.

"એહાન યાદ છે તને?? જાસ્મિનનાં ખૂનનો બદલો લેવા માટે જ્યારે મેં આઠ વર્ષ પહેલાં ષડ્યંત્ર તૈયાર કર્યું હતું તે વખતે પણ તું આડો આવતો હતો...!! તારા સિદ્ધાંતો યાદ કરાવીને તું કાનૂની રીતે લડાઈ લડ એમ કહેતો હતો...!! આજે ફરી તારા એ જ મમતાને લગતા સિદ્ધાંતો આડા આવી રહ્યાં છે. ફરી એકવાર તું મારા પ્રતિશોધ વચ્ચે આવી રહ્યો છે....!! જે મારા બરદાસ્તની બહાર છે." બાની ગુસ્સાથી ચીખી.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)