અંક - ૪
આમ બંને એક બીજા ને એજ સ્થાન પર મૂકી ચુક્યા હતા, એટલો જ પ્રેમ કરી રહ્યા હતા જે આ ઘટના પહેલા હતો પણ સામે વાળા પાસેથી એવી અપેક્ષા ન હતી. વિશ્વ્ ન્યારા માટે હમદર્દી અનુભવી રહ્યો હતો એને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો જે પહેલા કરતો હતો . એના પ્રેમ માં આ ઘટના પછી લેશ માત્ર ફરક ન આવ્યો હતો પણ એ બાબતે અચોક્કસ હતો કે ન્યારા પણ એવું જ વિચારતી હશે. એવું વિચારતી હશે કે વિશ્વ્ એ બનતા પ્રયત્નો કર્યા હોવા છતાં એ ન્યારા ને ન બચાવી શક્યો. એને એટલોજ પ્રેમ કરતી હશે જેટલો પહેલા કરતી હતી.જયારે ન્યારા એવું માનતી હતી કે વિશ્વ્ એ એના માટે પોતાની જાનની બાજી લગાવી દીધી પણ એવું ના વિચારી શકી કે આ ઘટના ને લીધે વિશ્વ્ ના પ્રેમ માં કોઈજ ઓટ નથી આવી.
ન્યારા અને વિશ્વ ને એક અઠવાડિયા પછી રજા આપવામાં આવી. બંને ઘરે આવ્યા. ઉર્મિલા બેન એ પણ થોડા દિવસ ત્યાંજ એમની સાથે રહેવાનું નક્કી કર્યું. બે બેડરૂમ ના એ ઘર માં જ્યાં ઠેર ઠેર બંને ના ફોટા લગાડેલા હતા ત્યાં આવતા જ ન્યારા થી ના રહેવાયું અને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. વિશ્વ પણ રડી પડ્યો. ઉર્મિલા બેન એ ન્યારા ને આશ્વાસન આપતા ગળે લગાડી. એમણે જોયું કે વિશ્વ્ પણ ન્યારા ની તકલીફ અનુભવી રહ્યો છે . ઉર્મિલા બેન વિશ્વ્ ની આંખો મા ન્યારા માટે પ્રેમ,હમદર્દી અને કરુણા આ બધી જ લાગણી જોઈ શક્યા. એમને પોતાના દીકરા વિશ્વ માટે માન ઉપજ્યું. એમણે વિશ્વ્ ને પોતાની પાસે બોલાવ્યો અને એને પણ ગળે લગાડ્યો. બંને બાળકો માં ના ખભે રડતા રહ્યા જાણે એ ઘટના ને આંસુ ઓ થી ભૂંસી નાખવા માંગતા હોય. હોસ્પિટલ માં વિશ્વ ની માંદલી હા પછી પોતાના ઉછેર પર શંકા કરનાર ઉર્મિલા બહેન ને હવે પોતાના ઉછેર પર કોઈજ શંકા ન રહી. એ સમજી ચુક્યા હતા કે એમનો ઉછેર એટલો પાંગળો ન હતો કે કોઈ વાંક ગુન્હા વગર ન્યારા ને આ ઘટના ની સજા આપે! એ સમજી ચૂક્યા હતા કે વિશ્વ ન્યારા ને ક્યારેય નહિ છોડે, આ ઘટના પછી વધારે પ્રેમ કરશે!
આ તરફ વિશ્વ્ વિચારી રહ્યો હતો કે ન્યારા પહેલા ની જેમ મારા આલિંગન માં રડી પણ ના શકી. મેં તો મારા બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા પણ ન્યારા, હું તને ના બચાવી શક્યો. શું હું હવે તારા મન પર થી ઉતરી ગયો છું? આજ વાત એને ન્યારા પાસે જતા રોકી રહી હતી. ન્યારા ઉર્મિલા બેન ના આલિંગન માં એમ વિચારી રહી હતી કે વિશ્વ્ મને આવા સમયે પણ ગળે ના લગાડી. શું હું એના માટે આટલી અપવિત્ર થઇ ગઈ ? શું મારે હવે આખી જિંદગી એની સાથે આમ લાગણી વગર રહેવાનું ?
બંને એક બીજા ને જોતા ઉર્મિલા બેન ના બંને ખભા પર રડતા રહ્યા. પછી ઉર્મિલા બેન એ ઉભા થઇ બંને ને પાણી આપ્યું અને કહ્યું છોકરા ઓ જે થઇ ગયું એ તો આપણે નહિ બદલી શકીયે પણ આપણે એને પાછળ ધકેલી ને આગળ વધવાનું છે. આ બનાવ ને તમારી જિંદગી નો અવરોધ નથી બનવા દેવાનો. બંને ચૂપ જ હતા.
ઊર્મિલા બેન સમજી ચુક્યા હતા કે આ બંને ને કોઈ વાત ખટકી રહી છે. એમણે કળ થી કામ લેવાનું નક્કી કર્યું. એ બોલ્યા કે વિશ્વ તું ગેસ્ટ રૂમ માં સુઈ જા અને હું તથા ન્યારા તમારા રૂમ માં સુઈ જઈશું. એમના વર્ષો ના બહોળા અનુભવ પરથી એ એટલું તો સમજી જ ગયા હતા કે આ બન્ને એકબીજાને ખુબ ચાહે છે પણ કદાચ ગેરસમજ ને લીધે એક બીજા ના મન ની વાત નથી સમજી નથી શકતા. અને એમ ને આ ગેરસમજ ને દૂર કરવાનું નું બીડું ઉઠાવ્યું. ન્યારા પર જે વીતી એ એટલી મોટી ઘટના હતી કે હવે ન્યારા જીવન માં ફક્ત અને ફક્ત સુખ અને શાંતિ જ હોવા જોઈએ ને એ માટે જે ઘટતું હશે એ હું કરીને જ રહીશ , એવું એમણે પોતાને વચન આપ્યું.
એ ભયાનક ઘટના પછી ન્યારા રાત્રે ઊંઘ માંથી એકદમ જાગી જતી અને કેટલી વાર સુધી ઊંઘી ના શકતી. હજી આજે પણ વિચારતી કે એ વખતે એવું શું બન્યું હોત કે, કોઈ પણ રીતે એ ઘટના રોકી લેવાઈ હોત. હોસ્પિટલ માં તો સગા ને રહેવાની છૂટ ન હતી પણ હવે જયારે ઉર્મિલા બેન ન્યારા સાથે સુઈ ગયા અને જે રીતે ન્યારા ઊંઘ માંથી ઉઠી ગઈ એના પછી એમણે અહેસાસ થયો કે ન્યારા અંદરથી કેટલી ભાંગી ગઈ છે. કદાચ કોઈ પણ સ્ત્રી ભાંગી જાય અને એટલે જ ઉર્મિલા બેન એ મનોમન નિર્ણય લઇ લીધો.
વધુ આવતા અંકે