વિશ્વ ની ન્યારા - 1 CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ ની ન્યારા - 1

વિશ્વ ની ન્યારા


પ્રસ્તાવના:


પ્રિય વાચક મિત્રો,
મારી ત્રીજી નોવેલ series “ વિશ્વ્ ની ન્યારા “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.
આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” માતૃભારતી પર આવી ચુક્યા છે.

મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” અને “ સરહદ ને પેલે પાર ની દોસ્તી “ પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે.
તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે.

©આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com


અંક - ૧


ન્યારા અને વિશ્વ, ખૂબ જ ક્યુટ અને એક બીજા ને કોમ્પ્લીમેન્ટ કરતું કપલ. બને MCA થયેલા હતા. એક જ નાતના બન્ને જણા ના અરેન્જ મેરેજ હતા .


ગોરો વર્ણ, હેલ્થી કહી શકાય એવું શરીર,૫”૭ ઊંચાઈ, ઘટ્ટ વાકડીયા વાળ અને જમણી બાજુ ના ગાલ પર પડતા ખાડા વાળી ન્યારા. તો સહેજ ભીનેવાન રંગ, ૫”૧૧ ઇંચ ની ઉંચાઈ ,ખડતલ શરીર ધરાવતો અને ડાબા ગાલ પર પડતા ખાડા વાળો વિશ્વ, ન્યારા સાથે સુંદર લાગતો. બંને સાથે ઉભા હોય ત્યારે હસતી વખતે ન્યારા ના જમણા ગાલ અને વિશ્વ ના ડાબા ગાલ પર પડતા ખાડા ને કારણે સુંદર દ્રશ્ય સર્જાતું.


બંને ના અરેન્જ મેરેજ હોવા છતાં બંને વચ્ચે ની કેમિસ્ટ્રી એટલી સરસ હતી કે કોઈ પણ થાપ ખાઈ જાય કે જરૂર બંને ના લવ મેરેજ હશે. બોલ્યા વગર એક બીજાની વાત સમજી જતા અને એક બીજા ની પસંદ નો પૂરો ખ્યાલ રાખતા . આંખો આંખો માં જાણે કેટલીય વાત કરી જતા. ખરેખર, કોઈ ની નજર લાગી જાય એવી સરસ એમની જોડી લાગતી.


બન્ને પૂનામાં IT પાર્ક માં અલગ અલગ કંપની માં કામ કરતા.બન્ને ની અલગ અલગ કાર હતી. પણ એક જ એરિયામાં ઓફિસ હોવાથી બંને કાર પુલ કરતા .વીક એન્ડ માં બહાર મુવી જોવા જવું , નવી નવી રેસ્ટોરન્ટ ટ્રાય કરવી, લોન્ગ ડ્રાઈવ જવું , છ એક મહિના માં કોઈ રિસોર્ટ માં જવું આ બન્ને ના કોમન શોખ હતા. હા ન્યારા ને વાંચનનો શોખ હતો તો વિશ્વ જિમિંગ અને ફિટનેસ માં વધારે માનતો. અને બન્ને એક બીજા ના આ શોખ ને પૂરો સમય અપાય એનું ધ્યાન રાખતા. આવા કોમ્પિટિબલ કપલ ન્યારા અને વિશ્વ ખૂબ જ મજા થી જિંદગી ને માણી રહ્યા હતા.


આમ તો બંને અમદાવાદ ના વતની હતા પણ નોકરી ને કારણે પુના માં રહેતા. લગ્ન ને બે એક વર્ષ થઇ ગયા હતા અને એમણે પોતાનો નાનકડો એપાર્ટમેન્ટ પણ લઇ લીધો હતો. હવે તો બેબી પણ પ્લાન કરતા હતા.


એક શનિવાર બન્ને લોન્ગ ડ્રાઈવ પર ખુબ દૂર નીકળી ગયા હતા . લગભગ ૧ વાગી ગયો હોવા છતાં હજી પુણે શહેર થી ૫૦ એક કિમિ દૂર હતા. ગાડી ૬૦ કિમિ પર કલાક ની સ્પીડે ચાલી રહી હતી અને અમિત કુમાર નું બડે અચ્છે સોન્ગ, રીમિક્સ version વાગી રહ્યું હતું. આ ગીત સાંભળતા સાંભળતા બંને એક મદહોશી માં ખોવાયેલા હતા. વિશ્વ્, પોતાની ન્યારા માટે આ ગીત ગાઈ રહ્યો હતો. લાલ કલર ની કુર્તી માં ગોરી ન્યારા સાચ્ચે જ સુંદર ગુલાબ ના ફૂલ જેવી લાગી રહી હતી. ન્યારા પણ વિશ્વ્ ના અવાજ માં પોતાના માટે ગીત ના સ્વરૂપે થઇ રહેલ વખાણ સાંભળી ને મલકાઈ રહી હતી, છલકાઈ રહી હતી એના પ્રેમમાં. બંને ના મન માં કંઈક કેટલી ઈચ્છાઓ જાગી રહી હતી કે અચાનક ગાડી ના આગળ ના પૈડાં માં કંઈક સળવળાટ થયો અને બેલેન્સ બગડ્યું. વિશ્વ એ ગાડી ને ધીમી કરીને બ્રેક મારી જેથી ગાડી ઉછળી ના પડે. બન્ને સમજી ગયા કે પંચર પડ્યું છે.

બન્ને ઉતરી ને સ્પેર વ્હીલ બદલવા લાગ્યા. ટાયર માં બે ખીલી હતી. ત્યાંજ બાજુ ની ઝાડી માંથી પાંચ એક છોકરા નીકળ્યા. એમ ને જોઈને વિશ્વ ને અંદાજો આવી ગયો કે કદાચ રસ્તા પર એ લોકો એ જ ખીલી નાખી હશે. એ લોકો થોડા પીધેલા હોય એવા લાગતા હતા એમણે આવી ને વિશ્વ સાથે પૈસા માટે રીતસર ઝપાઝપી કરવા માંડી. ન્યારા એ બૂમ મારતા બે જણા ન્યારા પાસે ગયા અને એના કપડાં ફાડવા લાગ્યા. વિશ્વ એમને રોકવા ગયો તો બે જણા એ એને પકડી લીધો અને એક જણ એને મારવા લાગ્યો. બીજા બે જણા રીતસર ભૂખ્યા વરુ ની જેમ ન્યારા પર તૂટી પડ્યા. વિશ્વ માર ખાતો, સામે મારતો,બેભાન થયો ત્યાં સુધી આ બધું જોતો રહ્યો. ન્યારા બમણી વેદના થી બૂમો પાડતી રહી. પીંખાતી રહી. પછી એ લોકો વિશ્વ્ અને ન્યારા નો ફોન અને પૈસા બધું લઈને ભાગી રહ્યા હતા. ન્યારા ઢસડાતા ઢસડાતા વિશ્વ પાસે ગઈ અને એને ઢંઢોળવા નો પ્રયત્ન કરવા લાગી. ત્યાં જતા-જતા એક જણ એના માથા પર લાત મારતો ગયો જેનાથી એને તમ્મર આવી ગયા.


ક્યાંય સુધી એમ જ પડી રહેલા વિશ્વ અને ન્યારા ના શરીર ની આજુ બાજુ લોહી ચાટતા ઉંદર ફરી રહ્યા હતા. ઉપર આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર બે નિર્દોષ માણસ ને આમ બેભાન અવસ્થામાં પડેલા જોઈ રહ્યો હતો. શું વાંક હતો એમનો?જિંદગી સરસ વહેણ માં વહી રહી હતી પણ કદાચ ખુશી ને નજર લાગતા વાર નથી લાગતી. જયારે એમ લાગવા માંડે કે બધું બરાબર ચાલે છે ત્યારે જ કોઈ એવો વળાંક લઇ ને આપણ ને કહી દે કે , હે માણસ તારા કાબુ માં કંઈ નથી.

વધુ આવતા અંકે...........