ઓલ ઈઝ વેલ - ૫ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓલ ઈઝ વેલ - ૫

છોડો કલ કી બાતેં

‘‘અને હવે મેષ રાશિના જાતકો માટેનું રાશિફળ...’’ ગુજરાતી ચેનલ પર નિષ્ણાંત જયોતિષશાસ્ત્રી અરૂંધતી ઉપાધ્યાયનો અવાજ કમરાની દિવાલ ઓળંગીને, પલંગ પર સૂતેલા, પાંસઠ વર્ષની ઉંમરના બિમાર વૃધ્ધા અમરતકાકીના કાનમાં પ્રવેશ્યો, અને ન ઇચ્છવા છતાં, એક પ્રકારની ઉત્કંઠા સાથે, મન, બુધ્ધિ સહેજ સતેજ થયા. આગળના શબ્દો કાને પડયા ‘‘જે જાતકના નામ અ, લ કે ઈ અક્ષરથી શરૂ થતાં હોય તેવા જાતકો માટે તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૦થી તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના પંદર દિવસો ખૂબ જ આકરા, તન, મન અને ધનની બાબતમાં પાયમાલી સર્જે તેવા જાય એવી ગોઠવણ ગ્રહોની દેખાઈ રહી છે. ભાગ્યનો સાથ મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી.
ન્યાયના દેવ- શનિદેવ ખૂબ જ રોષે ભરાયા છે. બધાં જ પાસાં ઉલટા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. દુર્ભાગ્ય તમારાથી બે ડગલાં આગળ ચાલી રહ્યું છે. કોઇ પણ કાર્ય - નવું કાર્ય આરંભશો નહીં. સમય પસાર થઈ જવા દો.’’
અવાજ હજુ ચાલુ હતો પણ અમરતકાકીના મન, બુધ્ધિએ એ બાજુથી ધ્યાન હટાવી લીધું હતું. બેજાન બની ગયેલી આંખ, ક્ષીણ બની ગયેલો દેહ, માંડ-માંડ શ્વસન કરી રહેલું હૃદય અને હૃદય પર વધી રહેલો અસહ્ય ‘બોજ’.

‘બોજ’ આખી જિંદગી દરમિયાન ‘વીતેલી ક્ષણો’નો, ‘અશુભ ક્ષણો’નો, ‘દુર્ભાગ્યપૂર્ણ ક્ષણો’નો.. પોતે ખાટલે પડયાને આજે પંદરમો દિવસ હતો. પંદર દિવસ પહેલા તો પોતે લાકડીના ટેકે ટેકે નાના-મોટા કામ કરતાં જ હતાં. બાજુની શેરીના છેડે આવેલી ‘મનુ અદા’ની દુકાનેથી દહીં લાવવું, એ દુકાન પાસેથી વળાંક લઈ , બે શેરી વટાવતા સોસાયટીના ખૂણા આગળના ગાયત્રી માતાજીના મંદિરના દર્શન કરવા, ત્યાંથી પાછા વળતી વખતે, ચોકમાં શાકભાજીની રેકડી વાળા પાસેથી થોડું શાકપાંદડું લેવું અને ઘરે પાછા ફરવું. જોકે આવું કરવામાં ખાસ્સો સમય વીતી જતો, થાકી જવાતું અને હવે ઉંમરેય એવડી થઈ હતી કે ક્યારે શ્વાસ તૂટે એ કંઈ કહેવાય નહીં.
પથારીમાં પડયે પડયે અમરત કાકીએ છતની દિવાલ તરફ જોયું. જાણે દૂર દૂર સભા ભરીને બેઠેલા ઈશ્વર સામે જોયું. દિવ્ય દૃષ્ટિ નહોતી અમરત કાકી પાસે.
નહિંતર એ જોઈ શકયા હોત.. પૃથ્વીને ઘેરીને પંદર-વીસ કિલોમીટર સુધી વિસ્તરેલા વાતાવરણથી ઉપર.. આકાશથી ઉપર...અંતરિક્ષની પેલે પાર... દૂર દૂર દૂર... એક અજાયબ અલૌકિલ ઓફિસ
હતી ચિત્રગુપ્તની. અદ્યતન, હાઇટેક ઓફિસમાં સજીવના જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીની તમામ ક્ષણોનો હિસાબ સુપર કમ્પ્યૂટર પર મેનેજ થતો હતો. નો એરર.. સમગ્ર વિશ્વના તમામ સજીવનો પરફેક્ટ હિસાબ અહીં જનરેટ થતો હતો અને આ ક્ષણે ચિત્રગુપ્ત સુપર કમ્પ્યૂટર પર ચાલતા ઓનલાઇન લાઇવ સોફટવેરના રિપોર્ટ મેનુના ડેથ વૉરંટ્‌સ ઓપ્શન પર ક્લિક કર્યું હતું, સ્ક્રીન પર મેસેજ હતો, જેમાં મિનીમમ શ્વાસોની લિમિટ એન્ટર કરવાની હતી. ચિત્રગુપ્તે બોકસમાં ‘૨ લાખ’ લખી એન્ટર કી દબાવી. દરેક મનુષ્યના જન્મના સમયે જ એણે જીવન દરમિયાન લેવાના કુલ
શ્વાસ ‘નક્કી’ થઈ જતાં હતાં. જેમ જેમ શ્વાસ લેવાતા જાય તેમ તેમ બેલેન્સ ઘટતી જતી હતી.
નિયમ પ્રમાણે દર પખવાડિયે ચિત્રગુપ્તે જેના શ્વાસોની સંખ્યા ‘બે લાખ’ કે તેથી ઓછી થઈ ગઈ હોય તેનું લિસ્ટ પ્રભુના દરબારમાં મોલવાનું રહેતું, જેના પર પ્રભુની સહી થતાં તે ડેથ વૉરંટ બની જતું.
એ જ લિસ્ટ કાઢવા માટે બે લાખ લખી ચિત્રગુપ્તે જેવી એન્ટર કી દબાવી કે તરત જ સુપર કમ્પ્યૂટર સાડા છ અબજથી વધુ રેકોર્ડ ધરાવતા ડેટાબેઝમાં ફરી વળ્યું.
તમામની બેલેન્સ ચકાસી અને જેની બેલેન્સ બે લાખથી ઓછી હતી એવા પંદર હજાર નવસો છત્રીસ નામો તેના અક્ષાંશ-રેખાંશ વાળા એડ્રેસ સહિત, ફિલ્ટર કરી સ્ક્રીન પર દર્શાવ્યા.
ચિત્રગુપ્તે યાદી પર એક નજર નાંખી. બે હજાર ત્રણસો સોળમું નામ ‘અમરત કાકી’નું હતું. શ્વાસની બાકી બેલેન્સ હતી એક લાખ બત્રીસ હજાર. એનાથી આગલું નામ અમરત કાકીથી ચાર ઘર દૂર રહેતા નિર્મળાબહેનનું હતું. શ્વાસની બેલેન્સ એક લાખ આઠ હજાર. એનાથી આગલું નામ ‘મનુ અદા’નું હતું. શ્વાસ બાકી હતા નેવું હજાર.
આ અલૌકિક માયાવી વિશ્વથી અજાણ, અમરત કાકી છત સામે તાકીને શ્વાસ લઈ રહ્યાં હતાં. શ્વાસની બેલેન્સ ઘટાડી રહ્યા હતા. દુર્ભાગ્યને કોસી રહ્યાં હતાં. કેવું વળગ્યું હતું દુર્ભાગ્ય! પંદર દિવસ સુધી ખેંચાયેલી બિમારીએ અમરતકાકીને ખરેખર ‘ચૂંથ્યા’ હતા. કેમ હું ‘સાજી’ નથી થઈ રહી! ગયા વખતે બે મહિના પહેલા માંદી પડી ત્યારે બે જ દિવસમાં સાજી થઈ ગયેલી. એની પહેલાં છ મહિના પહેલા પણ ચાર જ દિવસનો ખાટલો પકડયો હતો, પણ આ વખતે પંદરમો દિવસ વીતી રહ્યો હતો અને બિમારી ઘટવાને બદલે વધી રહી હતી. એથીયે વધુ વધતો જતો હતો ‘બોજ’. કાળજાંને કોરી ખાતો ‘બોજ’, મનને મૂંઝવી મારતો ‘બોજ’. ‘બોજ‘ હતો જીવનની ‘કંગાલિયત’નો, બોજ હતો પોતાના અસફળ ‘સંસાર’નો, બોજ હતો બાજુના રૂમમાં બેઠી બેઠી ટીવી જોઈ રહેલી, છૂટાછેડા લઈ ચૂકેલી
સાડત્રીસ વર્ષની પુત્રી ઈલાનો, બોજ હતો થોડી વાર પહેલા જ રૂમમાં આવી પગ પછાડી ગયેલા - જેની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસામણે બેઠી છે એવા ઓગણચાલીસ વર્ષીય પુત્ર અરૂણનો, બોજ હતો આ બંનેના જીવતરને ‘ઝેર’ કરવાનો પોતાના પર લાગેલા આરોપનો. અમરતકાકીની બંને આંખમાંથી આંસુના બુંદ આંખની કોરેથી ગાલ પર થઈ તકિયા તરફ જઈ રહ્યા હતા. છત હજુયે અમરતકાકીના વિચારોને એક ધ્યાને સાંભળવા આતુર હતી. છતથી જોજનો દૂર રહેલા ચિત્રગુપ્તના સુપર કમ્પ્યૂટરે વીતેલી પાંચ મિનીટ દરમિયાન અમરતકાકીએ ગુમાવેલા બસો અડતાલીસ શ્વાસો એમની બેલેન્સમાંથી બાદ કરી નાંખ્યા હતા. બાકી બેલેન્સ હતી એક લાખ એકત્રીસ હજાર સાતસો બાવન.

‘‘શું પોતે ખરેખર ‘જવાબદાર’ હતાં? દિકરો-દિકરી દુખી હતા એનું કારણ પોતે હતાં ખરાં?’’ અમરતકાકી ઘણીવાર આ પ્રશ્ન પોતાને પૂછી ચૂક્યા હતાં. ખુદની સાથે ચર્ચી ચૂકયા હતાં. ‘‘મેં તો માત્ર સહકાર આપ્યો હતો દીકરીને, હૂંફ આપી હતી પોતાની વહાલસોયી ઈલાને. આમાં ‘ઝેર’ આવ્યું ક્યાંથી? પ્રેમલગ્ન કરનાર ઈલાને તેના સાસુ-સસરા સ્વીકારી શક્યા નહોતા. અમરતકાકીએ પોતેય ક્યાં અંદરથી આ ‘લગ્ન’ને માન્યતા આપી હતી! પણ કોઈ ‘જોર’ ચાલે તેમ નહોતું એટલે પુત્રીના પ્રેમલગ્નનો ‘આઘાતજનક’ પ્રસંગ નાછૂટકે સ્વીકારી લીધો હતો અમરતકાકીએ. પહેલી વાર દિકરી જયારે ઘરે આવી ને ‘પતિએ થપ્પડ માર્યાની ફયિાદ લાવેલી ત્યારે અમરતકાકીનો પેલો દબાઈ બેઠેલો ‘આઘાત’ સ્પ્રિંગની જેમ ‘પ્રત્યાઘાત આપવા ઉછડ્યો હતો. દિકરીના દુઃખમાં ભલે પોતાને સુખ તો નહોતું જ મળ્યું, પણ ઊંડે ઊંડે થયું હતું કે પુત્રીના પ્રેમલગ્નના અંદરખાને ઉઠેલા વિરોધ પાછળનું કારણ જમાનાને જાણી ચૂકેલું પોતાનું ‘પરિપક્વ મન’ હતું. પોતાની પરિપક્વ ‘સમજદારી’ હતી અને ‘પાછી ફરેલી’ દિકરીએ અમરતકાકીના મનની, સમજદારીની પરિપક્વતાને જાણે સાચી હોવાનું સર્ટીફિકેટ આપ્યું હતું.
બહુ જાગૃત રીતે ‘કેસ’ હેન્ડલ કરવા માંગતા હતાં અમરતકાકી. એટલે જ જમાઈ જ્યારે ઈલાને લેવા આવ્યા ત્યારે જમાઈના સ્વાભિમાનને ઠેસ પહોંચાડ્યા વિના અમરતકાકીએ ‘ઈલા અનાથ નથી’ એ વાત જમાઈને ઠસાવી જ દીધી હતી. ત્યારે જમાઇ તેડી ગયા હતા ઈલાને. છાને ખૂણે અમરતકાકીએ ઈલાને પણ કહી દીધું હતું કે "દિકરી, તું સાસરે સમજીને રહેજે. એ જ તારું સાચું ઘર છે. પ્રેમ તેં કર્યો છે, પ્રેમવિવાહ તેં કર્યા છે, હવે તારે જ એ ‘સફળ’ કરી દેખાડવા જોઈએ. થોડું ઘણું જતું કરવું." અને છેલ્લે ઉમેર્યુ હતું કે "તું ચિંતા ના કરતી. બધાં સારા વાનાં થઈ જશે. અમે બેઠા છીએ તારી પાછળ."

અને બીજા જ મહિને ઈલા પાછી આવી હતી. આ વખતે પણ હાથાપાઈ થઈ હતી અને આ વખતે ઈલાએ પણ સામો હાથ ઉપાડ્યો હતો. દિકરી દબાઈ નહીં એ વાતના ‘રાજીપા’ કરતાં દિકરી જમાઈ વચ્ચે પડી રહેલી ‘તિરાડ’નું દુઃખ વધુ થયું હતું અમરતકાકીને. આ વખતે જમાઈ આવે ત્યારે જ્ઞાતિના પાંચ માણસોને ભેગાં કરવા અને
એમની હાજરીમાં દિકરી-જમાઈ તથા તેના સાસુ-સસરા વચ્ચે ‘સુમેળ’ કરાવવાની ‘યોજના’ અમરતકાકીએ ઘડી કાઢી હતી. આ માટે અમરતકાકી જ્ઞાતિના પાંચ માણસોને મળ્યાયે હતાં, વાતેય કરી રાખી હતી.

એક મહિનો વીતી ગયો, છતાંય જમાઈ તેડવા નહોતા આવ્યા ત્યારે ક્ષણભર અમરતકાકી ઢીલાયે પડયા હતાં, વિચાર આવ્યો હતો ‘ક્યાંક કંઈક ખોટું તો નથી થઈ રહ્યું? પણ ના. બીજા મહિનાના અંતે જમાઈ આવ્યા હતા. બે મહિનાથી જેનો ઈંતજાર હતો એ પુરૂષને જોતા જ કોણ જાણે ક્યાંથી મા-દિકરી બંનેને રોષ ચઢ્યો. જમાઈએ ‘માફી’
માંગી હતી, પણ મક્કમ અમરતકાકી ‘દર મહિને’ ઊભો થતો પ્રશ્ન ‘કાયમ’ માટે ઉકેલી નાંખવા માંગતા હતાં. એણે જમાઈને સમજાવીને કહ્યું હતું કે એ એમના પાંચ વ્યવસ્થિત જ્ઞાતિજનોને લઈ આવે. તેઓ ‘જવાબદારી’ સ્વીકારે તો દિકરી આપવી છે નહિંતર નહીં.. અને વાત લંબાઈ ગઈ.
એક-બે વાર જમાઈ પોતાના મિત્રને લઈને સમજાવવા આવ્યા હતા, પણ અમરતકાકી એકના બે ન થયા. ઈલા સમજતી હતી. મા પોતાના માટે થઈને લડત આપી રહી હતી. અમરતકાકી સમજતા હતા કે ‘બાપ વિનાની’ ઈલાની ‘સવાઈ બાપ’ જેવી મા હજુ જીવતી છે એ પૂરવાર કરી બતાવવું હતું.
પણ...

દુર્ભાગ્ય અમરતકાકીનું...
છ મહિના વીતી ગયા...
સંબંધો પરની પકડ ‘ઢીલી’ પડવા માંડી... અને ધીમે ધીમે એક દિવસ એ પકડ ‘સાવ’ છૂટી ગઈ. ઈલાના છૂટાછેડા થઈ ગયા. એ દિવસે ઈલાના મોં પર છવાઈ ગયેલી ગમગીનીથી અમરતકાકી ઢીલા પડી ગયા હતા. પ્રશ્ન ઉકેલાઈ જશે એમ લાગતું હતું એની બદલે દિકરીનો સંસાર સંકેલાઈ ગયો. દિવસો સુધી ઉદાસી છવાઈ રહેલી ઘરમાં. કયારેક.. દિકરી ઇલા માની આંખમાં ક્ષણ - બે ક્ષણ એવી રીતે ત્રાટક રચતી જાણે માએ વિશ્વાસઘાત કર્યો હોય, પણ
પછીની જ ક્ષણે ઈલા એવી રીતે નજર ફેરવી લેતી જાણે કહેતી હોય ‘એમાં બિચારી માનો શો દોષ?’
જીરવી નહોતા શકતા અમરતકાકી આ ક્ષણોને. આ જ રૂમમાં, આ જ ખાટલા પર પડયે પડયે આ જ છત સામે તાકી રહેતા. આમ જ.. સંભળાતું હતું કેવળ ટક..ટક..ટક..ટક.. સમયના પ્રવાહનું ધીમે ધીમે અવિરત વહેતું ઝરણું...

અત્યારે એ ટક..ટક...વહી રહ્યું હતું... બીજા નવસો છ્યાસી શ્વાસ અમરતકાકી વેડફી ચૂકયા હતાં. ચિત્રગુપ્તનું સુપર કમ્પ્યૂટર અમરતકાકીની નવી બેલેન્સ બતાવતું હતું એક લાખ ત્રીસ હજાર સાતસો છાસઠ. વિચારો ચૂંથી રહ્યા હતા અમરતકાકીના જીવાત્માને. ઊંડે ઊંડે છેક અંદરથી જરાક અમથું ‘દિલગીર’ હતું અમરતકાકીનું મન. વિરાટ મનના, કોઈ એક ખૂણાના, સાવ નાનકડા હિસ્સામાં ‘ખેદ’ હતો. ભૂલ તો હતી જ. ગમે તેની હોય, ભૂલ તો હતી જ. ભલે આખેઆખો દોષનો ટોપલો મારા પર ઢોળાતો હોય એ ખોટું હતું, પણ હું સાવ
નિર્દોષ છું એ વાતેય સાચી તો નહોતી જ. કંઈક ખોટું હતું. ગણતરી ખોટી હતી. જો બધું જ સાચું હોય, સાચા મનથી, ચોખ્ખી ભાવનાથી થયું હોય તો દિકરા-દિકરીના દુઃખમય વર્તમાન બદલ અંતરાત્મા આટલો બધો ચૂંથાય નહીં. લાગણી સમજવામાં ભૂલ થઈ ગઈ, ભાવના સમજવામાં ગરબડ થઈ ગઈ. આ ‘ગરબડ’ તો જીવન આખાને વીંટીને બેઠી હતી. આખા જીવનને છેક શરૂઆતથી જ...
અને અમરતકાકી બહુ જૂના ભૂતકાળમાં સરી પડયા. બહુ જૂના... પાંસઠ વર્ષના અમરતકાકી ત્યારે અમરતકાકી નહીં, અમ્રિતા હતા. સુંદર, નાજુકડી, સોળસી કન્યા અમ્રિતા.. ખીલતી કળી જેવી મોહક, રંગબેરંગી પતંગિયા જેવી આકર્ષક અને વિશ્વામિત્રનો તપોભંગ કરનાર મેનકા જેવી સુડોળ અમ્રિતા. બધું જ માપસરનું. લાંબા વાળ, માપસરનું
કપાળ, ચૈતન્યથી ભરેલી આંખ, નાનકડા હોઠ.. અને આ બધાંને ઝાંખા પાડી દે એવી અમ્રિતાની માપસરની જીવનપધ્ધતિ.
નવી સવી ‘આઝાદી’ મળી હતી ભારત દેશને. સંસ્કારો સર્વત્ર ફેલાયેલા હતા. સ્પર્ધાઓ થતી દેશભકિતના ગીતોની, સંસ્કૃતના શ્લોકોની, નૃત્ય નાટિકાઓની. બધું યાદ આવ્યું અમરતકાકીને.
ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે સમવેતા યુયુત્સવ
મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય.
ગીતાના એકેક શ્લોકના એકેક શબ્દને શુધ્ધ રીતે અમ્રિતા ઉચ્ચારતી અને ખાટલે બેઠેલાં
ગંગાબા, ગોમતીમાસી, પારવતીમાસી અને જીવણકાકા તરબોળ થઈ જતાં.
અમદાવાદ હજુ ખૂબ જ નાનું, એક પોળ જેવડું શહેર હતું. હજુ શહેરોમાં પણ લાકો ખાટલા, ગાય, ભેંસ રાખતા. બસ કે મોટરની સામે જરા કૂતુહલથી જોઈ રહેતા. હિંદીના શિક્ષક દ્વારકાપ્રસાદે દિકરીનું હિંદી ઉચ્ચાર વાળું નામ ‘અમ્રિતા’ પાડેલું. ત્યારે સૌએ નવાઈભેર સ્વીકારી લીધેલું. જેમ જેમ અમ્રિતા મોટી થતી ગઈ તેમ તેમ તેની નામના વધવા માંડી. ડાહી હતી, સમજુ હતી, હોંશિયાર હતી અને બધાંથી ઉપર, આટલી બધી રૂપાળીયે હતી. સંસ્કાર તો ઠાંસી ઠાંસીને ભર્યા હતા. કદી કોઈએ અમ્રિતાને તોછડું બોલતી સાંભળી નહોતી. બધાંનું માન સાચવતી, બધાંનું મન સાચવતી, ડાહી ડમરી અમ્રિતાએ ગીતાના અઢાર અધ્યાયની પરીક્ષામાં ફોર્મ ભર્યું હતું. એ શ્લોકો પાકા કરતી. રોજ સાંજે ગંગાબા, ગોમતીમાસી, પારવતીમાસી અને જીવણકાકા સમક્ષ એ શ્લોકો બોલતી. સીદન્તિ મમ ગાત્રાણિ, મુખં ચ પરિશુષ્યતિ....
એ બોલ્યે જતી. માહોલ જામતો જતો.

પણ.. ભાગ્ય તો જુદી જ ‘બાજી’ ગોઠવીને બેઠું હતું.
બધી જ પરીક્ષાઓ સારી રીતે પાસ કરી અમ્રિતા કોલેજમાં પ્રવેશી. એ સમયે કોલેજ સુધી બહુ ઓછા પહોંચી શકતા. જે પહોંચે તે ‘વિદ્વાન’ ગણાવા માંડી જતા. અને એ સમયે પણ કોલેજના દિવસો રંગીન ગણાતા, પણ આ રંગોની તીવ્રતા ખૂબ મંદ હતી. રંગીની ખરી પણ માપસરની. રોમાંસ શબ્દ તો હજુ જન્મ્યોયે નહોતો. કોલેજીયન છોકરા અને
છોકરી વચ્ચે મીટરનું નહીં, કિલોમીટરનું અંતર હતું. એકાદ વાર કોઈ છોકરો-છોકરી કોલેજ ગ્રાઉન્ડ પર વાત કરે તોયે દિવસો સુધી, મહિનાઓ સુધી વાતો ચર્ચાયા કરતી. સાડી પહેરવી ફરજિયાત હતી છોકરીઓ માટે અને છોકરાઓ માટે બ્લેઝર. આવા સભ્ય વાતાવરણને વેર વિખેર કરી નાંખતો એક બનાવ બન્યો અને અમ્રિતાની જિંદગીની દશા-દિશા બદલી ગઈ.

હોસ્ટેલમાં રહી કોલેજમાં ભણતા એક અતિ સંવેદનશીલ યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પોલીસ હોસ્ટેલમાં પહોંચી. તપાસ કરતા એક ડાયરી મળી જેમાં આ યુવાને અમ્રિતાના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગમતી અમ્રિતા એને. અઢી વર્ષમાં એ એક પણ વાર અમ્રિતા સામે જઈ ના શકયો. દૂરથી જ પ્રીત પાંગરતી રહી, એક તરફી પ્રીત... બસ, પોલીસ કોલેજમાં આવી. ચારેબાજુ અમ્રિતાની ચર્ચા થઈ. પોલીસ અમ્રિતાના ઘરે પહોંચી. નાનું અમથું બયાન લીધું અને ચાલી ગઈ,
પણ જતાં જતાં અમ્રિતાના પિતાને હળવો હાર્ટ એટેક આપતી ગઈ. અમ્રિતાની સરળ જિંદગીને એક ખતરનાક ઊંડાણવાળી ખીણમાં ધકેલતી ગઈ. છોકરાનો આપઘાત અને પોલીસની તપાસ દ્વારકાપ્રસાદના સીધા સાદા સાત્વિક જીવનસાગરમાં એવી ‘ત્સુનામી’ જન્માવી ગયા કે એમાં ‘અમ્રિતા’ નામની ‘ટાઇટેનિક’ ડૂબી ગઈ. ભાંગી પડેલા પિતાએ તાબડતોબ અંગત ઓળખીતાઓને, સગાં વહાલાઓને ટપાલો લખી અને સત્તર જ દિવસમાં અમ્રિતાના વિવાહ નક્કી કરી નાંખ્યા.

‘કાય...પો... છે.......!’ એવી ચીસ સાંભળી અમરતકાકી વર્તમાનમાં પટકાયા. છત પર રચાયેલા દૃશ્યો ગાયબ થઈ ગયા. સ્થિર પંખો દેખાયો, ત્યાંથી જમણી બાજુની દિવાલનું ખૂલતું બારણું દેખાયું. બારણે પ્રવેશી રહેલી દિકરી ઈલા દેખાઈ. ઈલાના હાથમાં થાળી દેખાઈ. ખીચડી અને દહીં હતા એ થાળીમાં. દિકરીની નિરાશ આંખ, ઊંડી ઉતરી
ગયેલી આંખ, અમરતકાકીને વીંધી ગઈ. લાકડાના નાનકડા ટેબલ પર થાળી મૂકી, પતરાની ખુરશી ઢાળી બેસતા દિકરી ‘‘બા.. થોડું ખાઈ લે.’’ કહી બાને બેઠી થવા માટે વાંસેથી હળવા હાથે ટેકો આપવા માંડી.
પરાણે બેઠાં થયાં અમરતકાકી. દિકરીએ ખીચડી સાથે દહીં ચોળી, કોળિયો બનાવી, હાથમાં લઈ, માના મોં આગળ ધર્યો. ઘડી-બે-ઘડી તાકી જ રહ્યા અમરતકાકી પોતાની વહાલસોયી દિકરીને. છાતીમાં જાણે ગરમ, સળગતાં કોલસા પડયા હોય એવી બળતરા ઊભરી. મોં ખૂલ્યું, કોળિયો આવ્યો, ચવાયો, ગળા નીચે ઉતરી ગયો. ત્યાં સુધીમાં
અરમતકાકી થાકીને લોથપોથ થઈ ચૂકયા હતાં.
બે-ત્રણ કોળિયા માંડ ખવાયા.
પાણીના બે ઘૂંટ માને પીવડાવી, માના માથા પર વહાલથી હાથ ફેરવી, ટેબલ સાફ કરી, થાળી લઈને દિકરી ગઇ.
દિકરીની ખામોશી ખતરનાક હતી. એથીયે વધુ ખતરનાક હતી, અમરતકાકીની છાતીમાં જન્મેલી પીડા. ધીમે રહી એ ફરી સૂતાં, ફરી છત અને ફરી પેલા દૃશ્યો દેખાવા શરૂ થયા. ડૂસકાં ભરતી અમ્રિતા માને શોધી રહી હતી. દુલ્હનના લિબાસમાં, આ ઘર - આ આંગણેથી સદાય માટે પરાઈ થઈ જવા, મહેમાન બની જવા આડે થોડી જ ક્ષણો બાકી
હતી ત્યારે જ બા દેખાતી નહોતી. બહેનપણીઓ, માસી, ફૈબા સૌને વળગતી-રડતી અમ્રિતા બ્હાવરી આંખે, વ્યાકુળ હૈયે બાને શોધતી હતી.
અમ્રિતાએ જોઈ હતી બાની કોશિષ. દિકરીને વાંક ગુના વિના આમ ઉતાવળે પરણાવી રહેલા પતિ સાથે રીતસર ઝઘડી હતી બા. બે દિવસ પતિ સાથે બોલીય નહીં. પણ એથી તો દ્વારકાપ્રસાદની છાતીમાં દુઃખાવો ઉપડ્યો એટલે બા લાચાર થઈ ગઈ. અમ્રિતા લાચાર થઈ ગઈ બાની લાચારી આગળ. લગ્ન નક્કી થયા, અમદાવાદથી ઘણે દૂરના શહેરના વેપારીના પુત્ર સાથે. પોતાની જ જ્ઞાતિના, ઓછું ભણેલા, ગ્રેઇનમાર્કેટમાં બે બારણાંવાળી દુકાનવાળા એ પૈસાપાત્ર માણસોને ત્યાં દિકરીને કોઈ વાતે દુઃખ થવાનું નહોતું.

પ્રશ્નો ઘણાં સળગ્યા હતા અમ્રિતાના મનમાં, જીગરમાં, આત્મામાં, પણ બધું વ્યર્થ. વાજતે ગાજતે લગ્ન લેવાયા અને કન્યા વિદાયનો સમય પણ આવી ગયો. "બા કયાં?" કરતી અમ્રિતા છેક અંદરના ઓરડામાં પહોંચી ગઈ. રિવાજ તોડીને, છેડાછેડીનો છેડો પતિ સાથેથી છોડાવીને, છેલ્લીવાર એ બાના ઓરડે-ખોરડે જઈ ઊભી... અને બંધ બારણે મા-દિકરી વળગી પડયા. ડૂસકે-ડૂસકે, ધ્રુસકે-ધ્રુસકે રડયા. જાન બહાર ઊભી હતી. દ્વારકાપ્રસાદ ઊંચાનીચા થતા હતા. પણ છેલ્લે બાએ જે કર્યું, જે કહ્યું એ અમ્રિતા માટે જાણે મરણમૂડી હતું. છાતીએ વળગેલી અમ્રિતાને સહેજ અળગી કરી, પોતાની સામે, પોતાને બરાબર દેખાય એમ અમ્રિતાનો ચહેરો રાખી ગંગામાએ જયારે દિકરીની બંને આંખ પર વારાફરતી ત્રાટક રચ્યું ત્યારે અમ્રિતાને અલૌકિક અનુભવ થયો. ખભા પર, ગાલ પર ફરતો માનો હાથ જાણે પરમપિતા પરમેશ્વરના પ્રેમથી તરબોળ હતો. જાદુઈ અસર હતી. અમ્રિતાની છાતીમાં સળગતી જવાળાઓ શમી ચૂકી હતી. આંખોમાં આંસુ થીજી ગયા હતા. માએ અમ્રિતાનો ચહેરો પોતાના મોંની નજીક લીધો હતો. હતી એટલી બધી જ હૂંફ, હતું એટલું બધું જ ચૈતન્ય, હતું એટલું બધું જ વહાલ... ગંગામાના શરીરની નસેનસમાંથી ખેંચાઈને હોઠ પર
પહોંચી ગયું હતું. એ હોઠ અમ્રિતાના કપાળ પર ભીડાયા કે જાણે લિસોટો પડયો. માથેથી પગ સુધીનો સળંગ સડસડાટ લિસોટો. દિકરીની રગેરગમાંથી માએ જાણે સંતાપ ચૂસી લીધો અને અમ્રિતા હળવીફુલ બની ગઈ.
અત્યારેય અમરતકાકીનો હાથ કપાળ પર પહોંચી ગયો. આંગળીઓ બરાબર કપાળની વચ્ચે ફરવા માંડી. એ જ જગ્યાએ જયાં બાએ ચુંબન કર્યું હતું. આખરી ચુંબન. અત્યારેય એ ચુંબનની, એ વહાલની, એ હૂંફની અસર તળે અમરતકાકીના શરીરનો રકતપ્રવાહ તેજ બન્યો. અજાણી તાકાત અનુભવી અમરતકાકીએ. દૂર-દૂરથી બાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ‘‘દિકરી.. મારી વહાલી અમી..’’ એ ફફડતાં હોઠમાંથી નીકળતો અવાજ, છેક બાના અંતરાત્માના તળિયેથી ઉઠતો હતો અને અમ્રિતાનું રૂંવાડે રૂંવાડું એ શકિતવર્ધક, જીવનવર્ધક, અમૃતમય ઉચ્ચારોનો રસ પી રહ્યું હતું. જાણે કુરુક્ષેત્રના રણમેદાનમાં પૂર્ણપુરૂષોતમ યોગેશ્વર શ્રીકૃષ્ણ કહી રહ્યા હોય અને અર્જુન સાંભળી રહ્યો
હોય એમ જ અમ્રિતાનો અંતરાત્મા બાના મોંએથી નીકળતી ગીતાવાણીને સાંભળી રહ્યો હતો. ‘‘બેટા, જો શાંત ચિત્તે ગણવા બેસ ને, તો જીવનમાં દુઃખના પ્રસંગો બહુ ઓછાં, આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. એને યાદ કરી કરી, નબળું માનસ દિવસો સુધી, વર્ષો સુધી આવી દુઃખદ ઘટનાનું આયુષ્ય લંબાવી દેતું હોય છે. એ આવી દુઃખદ માનસિક અવસ્થા દરમિયાન બનતી સુખદ ઘટનાઓ, પ્રભુના પ્રસાદ જેવી સાત્વિક ઘટનાઓ માણવાનું ચૂકી જતું હોય છે. નાની અમથી દુઃખદ ઘટના બને કે તરત જ સુખદ ઘટનાઓનું લિસ્ટ
કાઢીને વાંચવા બેસી જવું. માનસને આદત પાડવી સુખ યાદ રાખવાની. સતત યાદ કરવું સુખને. દિવસો સુધી વાગોળવી સુખદ ઘટનાને. દુઃખદ ઘટનાનું આયુષ્ય ક્ષણાર્ધનું હોય તો ભૂલથીયે એને એક ક્ષણ સુધી પણ લંબાવા દેવું નહીં, જાગૃત રહીને, ધ્યાનપૂર્વક દુઃખને ક્ષણાર્ધમાં જ ભૂલી સુખમાં પરોવાઈ જવું. ભગવાનની પરમ વ્યવસ્થા છે આ વિશ્વ. ભગવાને ગોઠવેલો, ભગવાનના આંગણે ચાલતો એક અદ્‌ભૂત પ્રસંગ છે આ માનવ જીવન. પ્રસંગની પૂરેપૂરી વ્યવસ્થા ભગવાને પોતે કરી રાખી છે. મહેમાનની જેમ મહાલવાનું છે માનવે. હસવાનું છે, રમવાનું છે, જે જોઈએ તે માંગવાનું છે. વ્યવસ્થામાં ક્યાંય કશી ખામી નથી. ભગવાન ખુદ હરતાં ફરતાં સૌનું ધ્યાન રાખે છે, આવકારે છે, આગ્રહ કરે છે, માન આપે છે, સન્માન આપે છે. આપણે તો માત્ર રાજીખુશીથી માણવાનો છે આ ભવ્ય માનવ જીવનના પ્રસંગને. મોં ચઢાવ્યા વિના, ફરિયાદ કર્યા વિના, ખામી શોધ્યા વિના, ઝઘડ્યા
વિના. બસ.. સાક્ષાત ઈશ્વરના આ પ્રસંગને દીપાવવાનો છે. ઉત્સાહથી નાચી ઉઠવાનું છે, થનગનવાનું છે, શોભા વધારવાની છે, વ્યવસ્થા વખાણવાની છે. કારણ આ જીવન એ ઈશ્વરનો પ્રસંગ છે. બધું જ ભગવાને ગોઠવી રાખ્યું છે. તસ્માત્ ઉતિષ્ઠ કૌન્તેય, યુધ્ધાય કૃતનિશ્ચય.’’ જાણે શંખનાદ સંભળાયો અમરતકાકીને. બાની વાણી થંભી. અવિરત વાણી. મા સર્જક હતી, પોતે સર્જન. એ દિવસે સ્વયં સર્જનહાર પોતાના સર્જનને, સ્વયં પરમાત્મા પોતાનામાંથી અલગ થયેલા જીવાત્માને, પૂર્ણત્વ પોતાના અંશને વહાલ કરી રહ્યું હતું.

અત્યારેય અમરતકાકીનું હૃદય વધુ ઝડપે ધબકવા માંડયું. એની આંખ ચકળવકળ થવા માંડી. જાણે કોઈ ભીતરી શકિત અંદરથી પ્રગટવા આતુર બની હતી. પથારીમાં બેઠાં થયા અમરતકાકી. ત્યાં જ બારણું ખૂલ્યું. ઈલાએ ડોકું કાઢ્યું. ‘‘બા, ગ્રહણ છૂટયું.’’ વાકય પૂરું થતાં થતાં ઈલાને બાની આંખમાં સૂક્ષ્મ ચમકારો દેખાયો. શું હતું બાની આંખમાં, જે ચમકતું હતું? શું હતું જે જાણે ઝગમગતું હતું? એક વિશ્વાસ, એક અલૌકિક પ્રસન્નતા દેખાતી હતી માની આંખમાં. ક્ષણ - બે ક્ષણ ઈલા જોતી જ રહી ગઈ.
અમરતકાકી પણ દિકરી સામે એ જ અલૌકિક નજરે તાકી રહ્યા. દિકરી નજીક આવી. સહેજ હસી. ‘‘શું જુએ છે બા?’’ ઘણા દિવસે દિકરીની આંખમાં નિરાશાની બદલે નવાઈ દેખાઈ હતી. દિકરીના હોઠ પર સહેજ મુસ્કાન દેખાઈ હતી. તરત જ જાગૃત થયા અમરતકાકી. દૂર-દૂરથી માનું ચુંબન શકિતસંચાર કરી રહ્યું હતું. દિકરીની નિરાશાને ક્ષણાર્ધમાં ભૂલી નવાઈ અને મુસ્કાન પર ધ્યાન કેન્દ્રિત કરતાં અમરતકાકીએ કહ્યું, ‘‘નજીક આવ દિકરી, મારી પાસે બેસ." ક્ષણાર્ધ પહેલા જાગેલી અલૌકિકતા જાણે ગાયબ થઈ ગઈ અને ફરી નિરાશા યાદ આવી ગઈ ઈલાને. બાની નજીક, પલંગ પર બેઠી ઈલા, પણ બાની અલૌકિકતા હજુ
ઝળહળતી જ હતી. અમરતકાકી હજુ પોતાની બા, ગંગાબાના ચુંબનની અમૃતવર્ષા નીચે ભીંજાઈ રહ્યા હતાં. એ બોલ્યા, "ગ્રહણ છૂટી ગયું?"

‘‘હા બા.. હમણાં જ ટીવી પર સમાચાર ચાલતા હતા.’’
‘‘સારું થયું. હવે બધાં ‘સારા વાનાં’ થઈ જશે.’’ ઈલાના નિરાશ મનને કંઈ ખાસ અસર ન થઈ ‘સારા વાનાં’ શબ્દની, પણ અમરતકાકી તો માએ આપેલી ગીતામય શિખામણને યાદ કરી ‘‘કરિષ્યે વચનં તવ’’ કહેતા આ જ જાગૃતિપૂર્વક, ધ્યાનપૂર્વક પોતાની જીવનદાતા પર પૂર્ણ શ્રધ્ધા રાખીને યુધ્ધના નિશ્ચય સાથે ઉઠયા હતા. ‘‘હવે સો ટકા બધા સારા વાનાં થવાના. તું જોજે દિકરી.. જમાઈ ફરી આપણાં આંગણે આવવાના. તારો પતિ, તારો પ્રેમ.. ફરી આપણા ઘરે આવશે અને લઈ જશે તને, પોતાની પ્રિય પત્નિને.’’

બા આ શું બોલતી હતી? ઈલા તાકી રહી. બા ગાંડી થઈ ગઈ છે કે શું? પણ ના, અમરતકાકીની આંખમાં ગાંડપણ નહોતું, ચમક હતી, શ્રધ્ધા હતી, વિશ્વાસ હતો અને અમરતકાકી જીવનપ્રસંગને દીપાવતી ઘટના જાણે નજર સામે જોઈ રહ્યા હતાં. ‘આ વખતે એ આવશે ને દિકરી, ત્યારે એ મારો જમાઈ નહીં, તારો પ્રેમી નહીં, મારો દિકરો બનીને
આવશે. તું તૈયાર રહેજે, સોળે શણગાર સજી લેજે. આજ ગ્રહણ છૂટી ગયું છે. ઉજાસ ફેલાઈ રહ્યો છે.’’
કહી અમરતકાકીએ ઈલાના માથા પર હાથ મૂકયો. ગજબની હૂંફ હતી એ હાથમાં. જાણે બધાં જ સારા વાનાં થઈ જવાના હોય એવો વિચાર પ્રવાહ એ હાથમાંથી ઈલાના મગજને ઘેરવા માંડયો.

અમરતકાકી ઊભા થયાં. "દિકરી, હું જરા નિર્મળાને મળતી આવું. નિર્મળા માસીને ઘણાં વખતથી મળી નથી.’’ લાકડી લઈ ધીમા ડગલે અમરતકાકી
બારણા સુધી પહોંચી ગયા, ત્યાં સુધી ઈલા હજુ સંમોહનમાં હતી. એ દોડીને બાની નજીક ગઈ ‘‘બા, તું બિમાર છે, પંદર દિવસથી પથારીમાં...’’
"ના બેટા.." વચ્ચે જ બોલ્યા અમરતકાકી, ઈલાની આંખમાં આંખ પરોવીને. એ તાકાત સભર આંખ જોઈ ઈલા ખામોશીથી સાંભળી રહી. "બિમાર એ બધાં જ છે દિકરી, એ બધાં જ બિમાર છે જે સાજાં થવાની ઈચ્છા અને પ્રયત્ન છોડીને બેસી ગયા છે. હું બિમાર હતી, હવે નથી, કારણ કે મારી ઈચ્છા છે સાજાં થવાની અને આ બે ડગલાં ચાલી એ મારો પ્રયત્ન છે. નિર્મળા માસીને મળીને પાછી આવીશ ત્યારે તું જોજે મને. અને હા, સાંજે જમવામાં મને શીરો બનાવી આપજે. આજે ખૂબ ઈચ્છા થઈ છે શીરો ખાવાની." કહી અમરતકાકી બારણાં બહાર નીકળી ગયા. ઈલા કશું જ ના કહી શકી. બા ફળીમાં પહોંચી, ડેલો ખોલ્યો, બહાર નીકળી, ડેલો બંધ કર્યો ત્યાં સુધી ઈલા સજ્જડ મૂર્તિની જેમ બારણે જ જડાઈ રહી.
કેટલીયે પળો..મિનીટો સુધી ઈલાનું મન, મા જતાં જતાં જે સ્વપ્નમય શબ્દો બોલી ગઈ હતી એના પડઘાં સાંભળતું રહ્યું. ‘‘તારો પ્રિયતમ આવશે.. તારો પ્રેમી આવશે... તારો પતિ આવશે...’’ મન કેમ આજે આ વાત માની લેવા ઇચ્છતું હતું ? એ ન સમજાયું ઈલાને. એ મનને અટકાવી રહી હતી. ન વિચાર, આવું કંઈ નહીં થાય. છ વર્ષ વીતી ગયા છે. છ વર્ષમાં જે એકેય વાર તને મળવા ન આવ્યો એ માએ બોલ્યું એટલે આવી જશે એમ માનવા માંડી ગઈ! જરા વિચાર તો કર, છ વર્ષ એટલે શું?
માની ઈચ્છા મુજબ શીરો બનાવવાની તૈયારીમાં ઈલા પરોવાઇ ત્યારે એને પોતાના ગૃહસ્થ જીવનનો એ સોહામણો દિવસ યાદ આવ્યો. લગ્ન થયાનું બીજું અઠવાડિયું હતું. પ્રેમાળ પ્રેમી, પતિ બન્યા પછીયે અખૂટ પ્રેમ વરસાવતો. તે દિવસે રસોડામાં પોતે આવી જ રીતે શીરો બનાવતી હતી અને એ રેસિપી વાંચતો હતો. લોટ, ઘી, બદામ, સૂકી દ્રાક્ષ... એ બોલતો હતો, ઈલા એ મુજબ કરતી જતી હતી. બોલતા બોલતા, એનો હાથ, ઈલાની કમર ફરતે વીંટળાતો , ઈલા ત્રાંસી નજરે કાતર મારી, હોઠ ભીડી, ‘સ્ટુપીડ’ એવું બોલતી, અને એના માથા પર ટપલી મારતી, ‘ઓકે ઓકે.. સોરી સોરી’ બોલતો એ ફરી રેસિપીની આગળની લીટી વાંચતો. અત્યારેય ઈલાને એ લીટીઓ સંભળાઈ રહી હતી. ‘‘ત્રણ ચમચા ઘી નાંખો, ધીમે ધીમે તાવીથા કે મોટા ચમચા વડે શેકાઈ રહેલા લોટ-ઘીનેફેરવતા
રહો...’’ અને શીરો તૈયાર થઈ ગયો હતો.
પતિ-પત્ની બંને હેતથી ગયા હતા સાસુ પાસે. સાસુએ ચાખ્યો હતો શીરો. ઈલાનો જીવ આંખમાં આવીને સાસુના હાવભાવ વાંચી રહ્યો હતો. ભાવ્યો શીરો સાસુને, પણ એ બોલ્યાં હતાં ‘હજુ બે આંટા વધુ ફેરવવાની જરૂર હતી, પણ કંઈ વાંધા જેવું નથી, સરસ બન્યો છે.’ ઈલાને ગમ્યું હતું. સાસુ ખુશ થયા હતાં. એણે કહ્યું હતું કે સરસ બન્યો છે, પોતાને શીરો બનાવતા આવડે છે એવુ સાસુએ જાણે સર્ટિફીકેટ આપ્યું હતું.

અત્યારેય તાવીથો ફેરવતી ઈલા સહેજ મલકી ઊઠી. સહેજ ખુશ થઈ ગઈ અને જાણે કોઈ આવ્યું હોય એમ રસોડાના બારણાં તરફ અચાનક જ આશાભરી નજરે ગરદન ઘૂમાવી. કોઈ નહોતું... ગુલાબી ભૂતકાળમાંથી કાળો વર્તમાન સામે આવી ગયો. ઈલા વર્તમાનમાં પટકાઈ. ક્યાંનું ક્યાં પહોંચી ગયેલું મન વર્તમાનમાં આવ્યું. જ્યાં કંઈ જ નહોતું, ન પ્રેમ, ન મજાક મસ્તી, ન છેડખાની, ન વિશ્વાસ, ન વહાલ, ન ઉમંગ, ન ઉત્સાહ કે ન જીવન...
હતી કેવળ પ્રતીક્ષા...
પ્રતીક્ષા કંઈક બને એની, પ્રતીક્ષા કોઈ ચમત્કારી ઘટનાની, પ્રતીક્ષા કોઈ એવા બનાવની કે જે બધા સારા વાનાં કરી શકે અને જો એવું કંઈ ન થાય તો પ્રતીક્ષા હતી મૃત્યુની.
થોડી ક્ષણો પહેલા ઈલામાં જાગેલી તરંગી રમતો, જાણે ખામોશ થઈ ગઈ. શીરો બનાવવાનો થોડી ક્ષણો પહેલા જાગી ઉઠેલો આનંદ અદૃશ્ય થઈ ગયો, પ્રાણ ચૂસાઈ ગયા અને યંત્રવત્ રીતે ઈલા તાવીથો ફેરવતી રહી. કેટલોયે સમય વીતી ચૂક્યો હતો.
ડેલો ખખડયો ત્યારે છેક ઈલાને યાદ આવ્યું કે મા નિર્મળામાસીને મળવા ગઈ હતી. મા પ્રવેશી. શું હતું એના ચહેરા પર, આંખમાં? ઈલા તાકી રહી. આ ક્યો ભાવ હતો? ઈલાએ જોયું. મા માંડ માંડ ડગલા ભરતી હતી. શું થયું હશે? થાક તો દેખાતો જ હતો. પણ ચાલમાં, શરીરના હાલવા-ડોલવામાંથી કંઈક જુદું ટપકતું હતું. નિરાશા, હતાશા?

કેવળ, કેવળ આંખનો ‘ભાવ’ ઈલા સમજી નહોતી શકતી. ઈલાએ ટેકો આપ્યો બાને. અમરતકાકી ધીમે ધીમે માંડ માંડ પોતાના પલંગ સુધી પહોંચ્યા. થોડી વાર એમ જ બેસી રહ્યા. ઈલાએ થોડું પાણી આપ્યું.
પછી શીરાની ડીશ લઈ બાની સામે ધર્યો. સહેજ હસીને બોલી ‘મળી આવી નિર્મળા માસીને?’
જાણે તંદ્રા તૂટી હોય એમ અમરતકાકી ફાટી આંખે ઈલા સામે તાકી રહ્યા. પછી શીરા સામે જોયું. અને જોતાં જ રહ્યાં શીરા સામે. જાણે ગંગામા નાનકડી અમ્રિતાને શીરો ધરતાં હોય એવું દૃશ્ય દેખાયું અમરતકાકીને અને એ દૃશ્ય સાથે ફરી ચહેરાના હાવભાવ બદલ્યા. મક્કમતા, નિશ્ચયાત્મકતા, અને ઝીણી ઝીણી જીવંતતા, જિંદગી દેખાઈ એમની
આંખમાં. શીરાની ડીશ પકડી, દિકરીના માથે હાથ ફેરવી, ક્ષણભર એને તાકી, પછી શીરાનો એક નાનકડો કોળિયો માએ મોંમાં મૂક્યો. બોખું મોં શીરો ચાવવા માંડયું. અને જાણે આખું શરીર મીઠાશથી ભરાવા માંડયું.

‘‘બહુ સરસ બન્યો છે. જાણે પ્રભુનો પ્રસાદ.’’ અમરતકાકી બોલ્યા પછી તરત પૂછયું ‘‘ભાઈ આવી ગયો?’’
‘‘ના હજુ નથી આવ્યો.’’ ઈલા બોલી.
‘‘આવે એટલે જરા મારી પાસે મોકલજે.’’ કહી શીરાનો બીજો કોળિયો અમરતકાકીએ મોંમાં મૂક્યો. ઈલા જોતી જ રહી. બાની આંખમાં કંઇક તો નવીન હતું જ, પણ એને એ સમજાયું નહીં. બા ખાતી રહી, ઈલા જોતી રહી. થોડી વારે ખાલી ડીશ લઈ ઈલા ગઈ. બા માટે પાણી લાવી. પાછી જતી રહી અને અમરતકાકી એકલાં પડ્યાં. પથારીમાં લાંબા થયાં અને નજર પેલી હંમેશાની સાંભળનારી ઉત્સુક, આતુર છત પર પડી. જાણે છત પૂછતી હતી: ક્યાં ગયાં હતાં? શું થયું? શું કરી આવ્યા?
આમ જુઓ તો, કંઈ ખાસ નહોતું ઉકાળી આવ્યા અમરતકાકી, અને આમ જુઓ તો આજે જે બન્યું એ વર્ષો પહેલા બનવાની જરૂર હતી એવું બન્યું હતું. ઘટના કંઈ જ નહોતી બની. ઘરની બહાર નીકળ્યા, નિર્મળા માસીના ઘરે પહોંચ્યા, થોડી વાર બેઠાં, સુખ દુઃખની વાતો કરી અને પાછા અહીં આવી ગયા. બસ બીજું કંઈ જ નહોતું બન્યું. પણ તોયે... નિર્મળા માસીના એ શબ્દો અમરતકાકીના કાનમાં હજુ ઘૂમરાતાં હતાં.

‘‘કાકી...’’ કોઈ નહોતું રૂમમાં ત્યારે નિર્મળા માસીનો તૂટક અવાજ સંભળાતો હતો. ‘‘આજ બહુ બદલાયેલા લાગો છો.’’ ચમક્યા હતાં અમરતકાકી. નિર્મળાને શું દેખાતું હતું? એમણે નિર્મળાની આંખ સામે વહાલથી જોયું. ‘‘કાકી આજ તમારી આંખ કેમ આટલી બધી ચોખ્ખી ચણાંક લાગી રહી છે? આંખની પાછળ ક્યાંય સુધી.. દૂર -દૂર સુધી ક્યાંય
વિષાદ કળાતો નથી કાકી.’’

અમરતકાકીને સમજાઈ ગયું. આજે ઘણાં દિવસે ઘણાં વર્ષો બાદ, પોતે વેદનાના ઘેનમાંથી બહાર નીકળ્યા હતાં. ભૂતકાળના કાળાં - ઘેરાં પડછાયામાંથી બહાર નીકળ્યા હતાં. માના ચુંબનની એ અલૌકિક અસર તળે, આજ અમ્રિતામાંથી વર્ષો વીતાવીને અમરતકાકી બહાર આવ્યા હતાં. આજ પોતે મુકત થયા હતાં ભૂતકાળના સકંજામાંથી. જાણે વર્ષોથી ન વધેલી ઉંમર આજે વધી હતી. જેમ જેમ નિર્મળા બોલતી ગઈ તેમ તેમ અમરતકાકી વધુને વધુ મુક્તિ અનુભવવા લાગ્યા હતાં. ભૂતકાળમાંથી, ઈતિહાસમાંથી, ઈતિહાસના બની ચૂકેલા બનાવના આક્રોષના ભયંકર, મુશ્કેટાટ બાંધેલા બંધનો મિનીટે મિનીટે છૂટતા ગયા અને એક ક્ષણે અમરતકાકીની આંખ ભીની થઈ. ‘‘રડી લે અમરત.. આજ પેટ ભરીને રડી લે..’’ નિર્મળામાસી બોલ્યા અને બંને બહેનપણીઓ ડૂસકે ચઢી હતી. આંખના આંસુ સાથે બધું વહેવા માંડયું. છાતીમાં ધરબાયેલું દર્દ, હૃદયને વીંટળાઈ વળેલી વેદના, બધું જ. આંસુ ખાલી થઈ ગયા, હૃદય ખાલી થઈ ગયું. શાંતિ મળી હૃદયને..
અને થોડી ઘણી અંતિમ વાતો કરી અમરતકાકી પાછા ફર્યા હતાં. પથારીમાં પડયા હતાં. વર્ષોનો થાક આજ ઉતરી રહ્યો હતો. છત તાકી રહી હતી અમરતકાકીના એ શાંતિભર્યા ચહેરાને. આંખ બંધ થઈ ચૂકી હતી અમરતકાકીની. પગથી માથા સુધી. સંપૂર્ણ દેહ શાંત હતો. કશું જ ખેંચાયેલું નહોતું. ન બાહ્ય શરીર, ન માનસિક વિચારો...
આજે અમરતકાકી સંપૂર્ણ વર્તમાનમાં હતાં.
આજે અમરતકાકી સંપૂર્ણ ચૈતન્ય હતાં.
મુખ પર નાના બાળક જેવી પ્રસન્નતા રમતી હતી. બધું જ શમી ચૂક્યું હતું. બધું જ શાંત થઈ ચૂક્યું હતું.

બંધ આંખના પોપચાની પાછળ, સહેજ વધુ ઊંડાણમાં, ભીતરના ભાગે ક્યાંક, ગહેરાઈમાં શાંત વાતાવરણ વચ્ચે અલૌકિક ધ્વનિ વહેતો હતો. જાણે સામે ઊભેલા પોતાના દિવ્ય આત્માની ઝળહળતી જ્યોતના ચરણોમાં બેસીને શાંત થયેલું મન બોલી રહ્યું હતું. બસ હવે વધુ નહીં... હવે નહીં.. આજે મારે સૌને મુક્તિ આપી દેવી છે. સૌને... હે પરમાત્મા, મારા જીવ સાથે, મારા જીવન સાથે, મારી સાથે જે કોઈએ , જે કાંઈ પણ કર્યું હોય, આજે હું એમને માફ કરું છું. એમને મુક્ત કરું છું. મારા ગભરું પિતાને, મારી પ્રેમાળ માને બહુ કોસ્યા છે મેં. જિંદગી આખી એમને અપરાધી માનતી રહી. પણ ના.. હવે નહીં. આજે હું એમને મુક્ત કરું છું. એમને સુખ મળે, શાંતિ મળે, સંતોષ મળે એવી મારી પ્રાર્થના. મારા પતિ, જે મને સમજી ના શક્યા, એ માટે હું વર્ષો સુધી એમને ગુનેગાર માનતી રહી. એમના મૃત્યુ બાદ પણ હું એમને માફ કરી નહોતી શકી. એમને આજે હું ખરા હૃદયથી માફ કરું છું. મારા જીવનમાં થયેલી ઉથલપાથલમાં એમને મેં વધુ પડતા દોષી માની લીધા. પણ ના... હવે નહીં. એમને પ્રભુ, પરમ તૃપ્તિ આપો, પરમ શાંતિ આપો. જેમ જેમ અમરતકાકી માફી આપતા જતાં હતાં તેમ તેમ ખુદ જ હળવા અને મુકત થતાં જતાં હતાં. મનના વિચારોની માયાજાળમાં કેદ થઈ થીજી ગયેલું એમનું જીવન ઝરણું ધીમે ધીમે પીગળવા માંડયું હતું. અંતરમાં ઉજાસ વધતો જતો હતો. અને માનું અમૃતમય ચુંબન આજ દિકરીના હૃદયની ભીતરે ચાલી રહેલા સંવાદ સાંભળી વાત્સલ્ય વહાવતું
અમરતકાકીને તાકી રહ્યું હતું. ભીતરનો સંવાદ ચાલતો રહ્યો. એ યુવાન કે જેણે હોસ્ટેલમાં આપઘાત કરેલો, એ પોલીસ ટુકડી, એ સગાં વહાલા, જેમણે અમ્રિતાના લગ્ન ગોઠવી આપ્યા અને એ સાસુ સસરા.... આજે સૌ મુક્ત થઈ રહ્યા હતા. વર્ષોથી અમરતકાકીના ચિત્તતંત્રમાં કેદ થયેલાં આ તમામ પાત્રો એક પછી એક વિદાય લઈ રહ્યા હતાં. એકેક ઘટના, એકેક શબ્દ, અમરતકાકી યાદ કરતા જતાં હતાં. મન અને આત્મા એકાકાર થઈ આ તમામ ઘટનાઓ, પાત્રો ઉપરથી પસાર થઈ રહ્યા હતાં અને બંધ પોપચાની પાછળ ચાલતી આ ઐશ્વરીય ઘટનાને અમરતકાકી સાક્ષીભાવે અનુભવી રહ્યા હતાં, જીવી રહ્યા હતાં. આ બહુ મોટી પ્રક્રિયા હતી નવોઢા અમ્રિતામાંથી અમરતકાકીના રૂપાંતરણની. વર્ષોથી જે ઘટનાઓને મન નહોતું સ્વીકારી શક્યું, એ તમામ ઘટનાઓ આજે દિવ્ય આત્મશકિતના ચરણે ધરાઈ રહી હતી. ઘણી ઘટનાઓ સારીયે હતી. જેમકે આ ઈલાનો જન્મ, આ અરૂણનો જન્મ, એમનું બાળપણ, એમનું ભોળપણ, પણ બહાર બનતી આ તમામ ઘટનાઓથી અમરતકાકીનું ભીતર તો અલિપ્ત જ રહ્યું હતું. દિવસો, મહિનાઓ, વર્ષો સુધી. બાહ્ય જગત અને એના પાત્રો અમરતકાકીને હળતાં મળતાં અને ભીતરે અમ્રિતા હજુ નવોઢાના વેશે જ દર્દનાક ચીસો પાડતી હતી. સૌએ છેતર્યાની ફરિયાદ કર્યા કરતી હતી.

શરીરની તમામ ઊર્જાનો બહુ મોટો ભાગ મનમાં રચાયેલી એ અમ્રિતાની દુખ-દર્દ ભરી મહેફિલમાં વપરાઈ જતો હતો, રોકાઈ જતો હતો અને જે થોડી ઘણી ઊર્જા બાકી રહેતી હતી એ અમરતકાકીના બુઢાપાને, અમરતકાકીના વર્તમાનને માંડ માંડ વેંઢારી રહી હતી. પરિણામે વર્તમાન નિષ્ફળ, નિરાશ, નીરસ બની ગયું હતું. પણ આજે અમ્રિતા વિદાય લઈ રહી હતી. આજે એ ભૂતકાળની મહેફિલ સંકેલાઈ રહી હતી. આજે ઊર્જા મુક્ત થઈ રહી હતી. બંધ આંખની પાછળ ક્ષણે ક્ષણે આજે દિવસો, મહિનાઓ, વર્ષો વીતતા હતા. મનની ઢીલી પડેલી પકડને કારણે આજે અમરતકાકી પોતાના દિવ્ય આત્માની ઝાંખી કરી રહ્યા હતાં. આ દૈવી સાક્ષાત્કાર પાછળ ગંગામાનું પેલું ચુંબન અને ગીતાવાણીના દિવ્ય સ્વરબધ્ધ શબ્દો મુસ્કુરાતા હતા. દિકરીમાં સ્વપ્રત્યે જાગેલી શ્રધ્ધા આજે ગંગામા અંજલિ ભરીને પી રહ્યાં હતાં. જાણે દિકરી માને આજે શ્રધ્ધાંજલિ આપી રહી હતી.

આખી રાત અમરતકાકી હલ્યા-ચલ્યા વિના, એક જ પડખે સૂતાં રહ્યાં. ખરેખર તો ભીતરે અમ્રિતા આજે સૂતી, પહેલીવાર.. અને કદાચ આખરી વાર. એક જ રાતમાં અનેક રાત્રિઓ પસાર કરી એ જાગી ત્યારે અમરતકાકી બની ચૂકી હતી. આંખ ખોલી અમરતકાકીએ ત્યારે સવાર થઈ ચૂકી હતી. અનાસકત રીતે એમણે ચોતરફ જોયું. હવે બધાં પ્રશ્નોના ઉકેલ એમને સ્પષ્ટ દેખાતા હતા. દિકરા અરૂણને બોલાવ્યો. હાથ જોડી, એક વાર પોતાને વહુના ઘરે લઈ જવા કહ્યું. અચરજ તો થયું અરૂણને, પણ માની આંખમાં જે બદલાવ હતો એ જોઈ, એ ના ન પાડી શકયો. સાસરે ફોન જોડ્યો. ત્યાં થોડી આનાકાની થઈ પણ આખરે મળવાનું નક્કી થયું.

વહુ સામે બેસીને અમરતકાકી એટલું જ બોલ્યા, ‘‘દિકરી.. સાચું કહું છું. બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તને માત્ર એટલું જ કહેવા આવી છું કે મને ‘માફી’ આપ.’’ જોઈ રહી વહુ, પોતાની સાસુ સામે. તાકી રહી. ન નાટક દેખાયું, ન લુચ્ચાઈ, કેવળ એકરાર, કરૂણા અને અફસોસ દેખાયા. ક્ષણ - બે ક્ષણથી વધુ એ જીરવી ના શકી અને પડી ગઈ અમરતકાકીના ચરણોમાં. બંને સાસુ-વહુ કેટલીયે મિનીટો સુધી રડતાં રહ્યાં. અરૂણ માની આ અતર્ક્ય, સીધી-સાદી, સહજ વર્તણુંક પહેલી વાર જોઈ રહ્યો હતો. કોઈને કંઈ શબ્દો મળતા નહોતા.

આખરે અમરતકાકીએ વેવાણ સમક્ષ હાથ જોડી કહ્યું ‘‘મારી દિકરી મને પાછી આપશો? એકવાર મારા પર ભરોસો મુકશો?’’ બંને સાસુઓ એક બીજાને ભેટી પડી. અરૂણ, વહુ અને અમરતકાકી ઘરે આવ્યા ત્યારે ઈલા તો આશ્ચર્યચકિત આંખે ભાઈ, ભાભી અને માને તાકી જ રહી. શું થયું? કેવી રીતે થયું? એવા પ્રશ્નો પૂછવા તો ગઈ, પણ માના ચહેરા પર રમતાં નિર્દોષતા, નિખાલસતા અને સૌમ્યતાએ જાદુઈ અસર કરી અને ઈલા ભાભીને ભેટી પડી.

બપોરે અમરતકાકી, ઈલા તથા અરૂણને લઈ ઈલાના સાસરે પહોંચ્યા. એ જ સચ્ચાઈ, એ જ ઇમાનદારી, એ જ રજૂઆત અને એજ માફી...
ઈલા સ્વીકારાઈ ગઈ.
નિર્બોજ, હળવાફૂલ થઈ ગયા અમરતકાકી. પાછા ફર્યાં. ઘરના આંગણે નિર્મળામાસીએ એમને સમાચાર આપ્યા કે ‘મનુઅદા’નો સ્વર્ગવાસ થઈ ગયો, હજુ અર્ધા કલાક પહેલાં. ત્યારે અમરતકાકીએ એક દુઃખભરી નજરે સામે
ઊભેલી નિર્મળા સામે જોયું અને પછી સંતોષપૂર્ણ વિજયી સ્મિત એમણે દૂર-દૂર ઢળી રહેલા સૂર્ય સામે વેર્યું.
===================================================