શૌર્યાગ્નિ
સોસાયટીનો માથાભારે, વંઠેલો, બગડેલો, દારૂડિયો, જુગારી છોકરો એટલે રૂપરાજ. સૌ કોઈ તેનાથી ત્રાસેલા હતા. એક દિવસ મંદિરની પાછળ એણે સોસાયટીની સીધી-સાદી છોકરીનો હાથ પકડી લીધો. કિશોરાવસ્થામાં હજુ હમણાં જ પ્રવેશેલી એ છોકરી ડરી ગઈ. મંદિરના પૂજારીએ તેનો હાથ છોડવા આજીજી કરી તેથી તો જાણે તેની હિંમત વધી ગઈ. એ ગાળો બોલવા લાગ્યો એ સાથે જ પબ્લિક વિખેરાઈ ગઈ. રૂપે પેલી કિશોરીના ગાલે ચુંબન ચોંટાડ્યું. પેલી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. સૌ ઈચ્છતા હતા કે આ અટકવું જોઈએ, આ અટકાવવું જોઈએ. પણ સૌ જાણતા હતા કે રૂપ કોઈનાથી ડરતો ન હતો કે તે કોઈના તાબે થવાનો ન હતો.
કિશોરીની આંખમાં આંસુ ધસી આવ્યા. એકલ દોકલ માણસો, વૃદ્ધો એની સામે લાચારીથી તાકી રહ્યા હતા. પૂજારીએ ફરી બે ડગલાં નજીક જઈ રૂપને 'બેટા-દીકરા' કર્યુ, ત્યાં તો રૂપનો બીજો હાથ હવામાં વીંઝાતો સીધો પૂજારીના ગાલ પર પડ્યો. પૂજારી ગોથું ખાઈ દૂર ફંગોળાઈ ગયા. એમની આંખમાં ભય ઉપસી આવ્યો. "આજે કોઈ વચ્ચે ના આવતા.. નહિતર..." રૂપના મોંમાંથી ફરી બે કટકા સરી પડી. "એય બંટીડા..." રૂપે થોડે દૂર ઉભેલા બે મળતિયાઓને હાંક મારી. "લઈ આવ તારી રિક્ષા.."
રૂપ હવે શું કરશે એ વિચારે સામે ઉભેલા તમામ વડીલો સમસમી ઉઠ્યા. "આ તો ન જ થવા દેવાય." બધાના મનમાં એક જ અવાજ આવ્યો. "છોકરીને રિક્ષામાં નાખીને રૂપ ભગાડી જાય ને ન કરવાનું કરી બેસે તો?" સૌનો ભીતરી અવાજ તીવ્ર બન્યો. "આગળ વધો. અધર્મ તમારી સામે સ્પષ્ટપણે આચરાઈ રહ્યો છે. જરાક હિંમત કરશો અને સૌ સાથે હશો તો રૂપને સો ટકા તાબે કરી જ શકશો." સૌએ એકબીજા સામે ઈશારા કર્યા. ત્યાં સુધીમાં દૂરથી રિક્ષા નજીક આવતી દેખાવા માંડી. રૂપે પેલી કિશોરીને જબરદસ્તીથી તેડી લીધી. એ રાડો પાડીને રડતી રહી. "રે'વા દે.. કૂતરા.." એક વૃદ્ધ માજી તેજીથી ડગુમગુ ચાલે રૂપ તરફ ધસ્યા પણ રૂપે તેમને પોતે તેડેલી કિશોરીના પગની ઠોકરથી પછડાટ મારી દીધી. માજીના ચશ્માં ઉડી પડ્યાં અને એ પોતે પણ જમીન પર ફસડાઈ પડ્યા. તમામ વડીલો રૂપને ઘેરતા તેની નજીક જવા લાગ્યા. હવે રિક્ષા પણ રૂપથી બહુ દૂર ન હતી. રૂપના બંને મિત્રો પણ તેની નજીક પહોંચી ગયા. "એય બુઢિયાઓ... કબડ્ડી રમવું છે?" છોકરીને પોતાના મિત્રના હાથમાં સોંપતા રૂપે પગના મોજામાંથી છરો કાઢ્યો. એની લાલ નશીલી આંખ વિકૃતિ અને પાગલપનથી છલકાતી હતી.
વડીલોના પગ થંભી ગયા. ભીતરી સમજદારીએ ઉભરી આવેલા શૂરાતન સામે અંકુશ ધર્યો. "સાલો પાગલ થઈ ગયો છે. ક્યાંક છરો મારી દે અને ગરદન, છાતી કે હાથ પર ઊંડો ઘા થાય તો?" સૌ એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે ક્ષણભર જોઈ રહ્યા. તેઓના પગ અટક્યા એટલે રૂપનું જનૂન વધ્યું. "કાં બાયલાઓ.. આવો ને! કૂતરાઓ.. હું સિંહ છું સિંહ. તમારા જેવા સો કૂતરાઓ ભેગાં થાય ને તોય મારો શિકાર નહીં કરી શકે." કહેતા એણે હવામાં છરો વીંઝ્યો. વડીલો વિચારતા હતા, છરો લાગતા તો માત્ર એક ક્ષણ, પણ રૂઝાતા તો મહિનાઓ લાગશે. કદાચ ઘા જીવલેણ પણ નીવડે. તમામ વડીલોનું ભીતરી કંપન વધવા માંડ્યું. એકે કહ્યું, "પણ આ છોકરી હજુ શુધ્ધ છે, એને બચાવવી એ આપણો સૌથી પહેલો ધર્મ છે. રૂપ તો પાગલ થઈ ગયો છે, આપણે તો ડાહ્યા છીએ ને! એ તોઅંધ થઈ ગયો છે, આપણે તો જોઈ શકીએ છીએ ને! આગળ તો વધવું જ પડશે." પણ રૂપનો વીંઝાતો છરો, એનું તાકાતસભર શરીર, બંધ મગજ અને મગજનો કબજો લઈ ચૂકેલું શૂરાતન.. કોઈ એક વડીલ તો ઘાયલ થવાના જ એ નક્કી હતું. પેલાં માજી હજુ જમીન પર પડ્યાં પડ્યાં કણસતાં હતાં. ઉંહકારા કરતાં કશુંક બબડતાં હતાં.
હવે રિક્ષા સાવ નજીક આવી પહોંચી હતી. છોકરીને રિક્ષામાં હડસેલતાં રૂપે હાંક મારી. "નાંખો આને અંદર." પેલા બંને લુખ્ખાઓએ છોકરીને બળજબરીથી રિક્ષામાં નાંખી. વડીલો હવે આખરી તક શોધતા સહેજ નજીક ધસ્યા. રૂપ રિક્ષામાં બેસવાની બદલે તેમની નજીક આવ્યો. "છે હિંમત કોઈનામાં? તો આવો આગળ." રૂપે સામી છાતીનો પડકાર ફેંક્યો. રૂપે એક પછી એક તમામ વડીલો પર નજર નાખી. "કાં.. આવો ને! નજીક આવીને આ રામપુરીનો સ્વાદ તો ચાખો કૂતરાઓ.."
આગળ વધવા જેવું ન હતું. જો વડીલો આગળ વધે ને આ હરામખોર છરો મારી બેસે તો? શું આગળ વધવું એ ભૂલ હતી? કે આ હરામીને પેલી નાજુકડી દીકરી ઉઠાવી જવા દેવાથી મોટી ભૂલ થવાની હતી? જીવ કોચવાવા લાગ્યો વડીલોનો. બળવાન રૂપરાજ સામે નિર્બળ વડીલો લાચાર હતા. વીતી રહેલી તમામ ક્ષણો ભારેખમ હતી. જો રૂપરાજ આ છોકરીને ઉઠાવી જાય, કુકર્મ આચરે તો એ બિચારીની જિંદગીનું પતન થઈ જાય. પણ અત્યારે જો કોઈ રૂપને રોકવા માટે આગળ વધે તો તેનું પતન તો અત્યારે જ નક્કી હતું.
રૂપરાજનો ભય આખી સોસાયટીમાં ફેલાયેલો હતો. તે પોતાના ચાર-પાંચ નપાવટ સાગરીતો સાથે મળી સોસાયટીના યુવાનો સાથે ઝઘડતો રહેતો. અવારનવાર તેમની સાથે મારામારી પણ કરી લેતો. એકવાર તો તે જેલમાં પણ જઈ આવ્યો. પણ જેલમાં જવાથી તેનામાં સુધારો થવાને બદલે બગાડ જ વધુ થયો.
રૂપરાજ જેને ઉઠાવી જઈ રહ્યો હતો તે ગરીબ ભોલારામ શાકવાળાની દીકરી હતી. ભોલારામની ખડકી સોસાયટીના છેડે હતી. તેની પત્ની શિવરાત્રિનું ફરાળ બનાવી રહી હતી અને રમા શિવમંદિરે દર્શન કરવા આવી હતી. દીકરો બાબુ તો ક્યાંય રખડતો હશે! જોકે બાબુ મંદિર બહાર ઘટી રહેલી ઘટનાથી બહુ દૂર ન હતો. મંદિરથી થોડે દૂરની સોસાયટીના રસ્તા પર મોહન ચાવાળાની કેબિનની પાટલી પર તે બેઠો હતો. તે સામે બેઠેલા લબરમુછીયા, ભોળા હૃદયના, સિદ્ધાંતવાદી મિત્ર શક્તિને સમજાવી રહ્યો હતો. શક્તિના માથા પર પાટો બાંધેલો હતો. ચાર દિવસ પહેલાં જ શક્તિએ કેરોસીનની લાઈનમાં રૂપરાજ સાથે ઝઘડો કર્યો હતો. જો રૂપરાજના ચાર-પાંચ મળતિયાઓ સાથે ન હોત તો શક્તિએ તેને ચોક્કસ ઘમરોળી નાખ્યો હોત. તે બધાએ મળીને શક્તિને ખૂબ માર માર્યો. સાથે રહેલા બાબુને પણ બે - પાંચ લપડાક પડી હતી. શક્તિ અને બાબુની ખડકીઓ પાસપાસે હતી. શક્તિના બાપુ રિક્ષા ચલાવતા. શક્તિનું મગજ કોણ જાણે કેવું કે તેને આખા મહિનામાં કોઈને કોઈ સાથે તો ઝઘડો થાય જ. તે દિવસે કેરોસીનની લાઈનમાં તેણે પોતાનો ડબ્બો રાખ્યો. લારીવાળો લાઈનમાં કેરોસીન ભરવા માંડ્યો. ત્યાં રૂપરાજ બે ત્રણ ડબ્બા લઈને આવ્યો. અનેકવાર રૂપરાજના હાથનો માર ખાઈ ચૂકેલા લારીવાળાએ તરત જ વચ્ચેથી રૂપરાજના ડબ્બા ભરવા માંડ્યા. શક્તિ ઉશ્કેરાઈ ગયો. હંમેશા ગાળોથી જ વાત કરનારા રૂપે આજે શક્તિને શાંતિથી ચૂપ થઈ જવા અને દૂર ખસી જવા તથા પોતાનો ડબ્બો પણ વચ્ચેથી ભરી લેવા સમજાવ્યો. પણ સિદ્ધાંતવાદી શક્તિએ તો ઈમાનદારી, સત્ય અને સજ્જનતાના જ બણગાં ફૂંક્યે રાખ્યા. જેમાંનો એક પણ શબ્દ રૂપરાજ કે તેના સાગરીતોને સમજાતો ન હતો. રૂપરાજ માટે તો આવી બેઈમાની રોજની હતી. આવા અનૈતિક કૃત્યો કરતી વખતે એ ગજબ ખુમારી અનુભવતો. પોતાની આવી મર્દાનગીથી થથરતા સ્ત્રી-પુરુષો, યુવક-યુવતીઓને જોઈ તેને સંતોષનો ઓડકાર આવતો. કેરોસીનની લાઈનમાં રૂપરાજ અને શક્તિ વચ્ચેનું અંતર ઘટતું ગયું અને ઝપાઝપી વધતી ચાલી. શક્તિ પર રૂપરાજના પાંચ મળતિયાઓ તૂટી પડ્યા. બાબુ તો અંદર ગયો હતો શક્તિને સમજાવવા, પણ બે-ચાર થપ્પડ તેને પણ પડી શક્તિના સાથી તરીકે.
રૂપરાજ પૂરેપૂરો અસામાજિક બની ગયો હતો. દારૂ, જુગાર, છેડતી, ચોરી, મારામારી જાણે તેની નસોમાં લોહી બનીને વહેતાં હતાં. કથાકારો કે સમજદારો કે ભકતો તેને નિર્બળ ને મૂર્ખ લાગતા. રૂપરાજના આવા અસામાજિક મગજને કોઈ કાળે સમજાવી શકાય તેમ ન હતું. અને આ શક્તિ તેને જ સત્ય, ઈમાનદારી અને પ્રામાણિકતા સમજાવવા બેઠો હતો. બાબુ આજે છેલ્લીવાર શક્તિને સમજાવવા ગયો. "જો ભાઈ.. આવા અસામાજિક માણસોને સુધારવાની કે સીધા કરવાની જવાબદારી આપણી નથી. એના માટે પોલીસ છે, ને પોલીસ ના પહોંચે તો હજાર હાથવાળો તો છે જ. આ સાલા કંસના પાપનો ઘડો ભરાશે એટલે કૃષ્ણ એને ચપટીભરમાં ખતમ કરી નાખશે. બાકી આવા માતેલા સાંઢની સામે થવાની મૂર્ખામી ક્યારેય ન કરતો."
પણ શક્તિએ તો ઈમાનદારી, સત્ય, મારો દેશ ને રાષ્ટ્રપ્રેમના જ બણગાં ફૂંક્યે રાખ્યાં. બાબુને ખાતરી થઇ ગઈ કે સમજદારી કે પ્રેક્ટિકલપણાની કોઈ વાત આ ચસકેલ મગજને નહીં સમજાય. આખરે તેણે મિત્રતા સંકેલતા કહ્યું, "શક્તિ.. તારે જે કરવું હોય તે કર. હું ગજા બહારનું સાહસ કે યુદ્ધ કરવા તૈયાર નથી. પારકાં સળગતાં ઉપાડવા તો બિલકુલ નહીં."
બરાબર એ જ સમયે થોડે દૂરથી પૂરપાટ વેગે દોડી આવતી રિક્ષા તરફ બંનેનું ધ્યાન ગયું. રિક્ષાની ઝડપ અસાધારણ હતી. તેમાં બેઠેલો રૂપરાજ તો તે બંનેને દેખાયો પણ બીજું કોઈ દેખાયું નહીં. તરત જ શક્તિ પાટલી પરથી ઊભો થઈ ગયો. બાબુને ખાતરી થઇ ગઈ કે શક્તિ ફરી સળગતું ઉપાડવા જ થનગની રહ્યો હતો. કપાળ પર બાંધેલો પાટો હજુ છૂટ્યો ન હતો અને નવો ઘા ઝીલવા આ પાગલ આતુર બન્યો હતો. બાબુએ શક્તિ ને ન જવા અને જાય તો પોતાની મિત્રતા પર પૂર્ણવિરામ મૂકાઈ જવાની વાત કરી. પણ શક્તિ ભીતરી ખળભળાટથી મજબૂર હતો. બાબુને એની આંખ અને પથ બંને અંગારાઓથી ભરેલાં લાગ્યાં. "દોસ્ત.. આજે છેલ્લીવાર મને જવા દે.." કહી શક્તિ ભીંત પાસે ટેકવેલી પોતાની સાઇકલ લઇને પૂર ઝડપે ટૂંકા રસ્તે ધસી ગયો. નિરાશા સાથે બાબુ પોતાના ઘેર જવા નીકળ્યો.
આ બાજુ પોતાની દીકરી રમાને શોધવા ભોલારામ શાકવાળો અને તેની પત્ની હાંફળા ફાંફળા, ચિંતાતુર ચહેરે મંદિર પાસે આવી પહોંચ્યા. ત્યાં ઘવાઈને પડેલા વૃદ્ધોએ કટકે કટકે બે-ચાર વાક્યોમાં જે કહ્યું તેમાં તે બંને સમજી ગયા કે આજે તો દીકરીનો ભવ બગડ્યો. જે દિશામાં રિક્ષા ગઈ હતી તે દિશામાં ભોલારામ "રમલી.. રમલી... મારી દીકરી.." કરતો દોડવા લાગ્યો. તેની પાછળ તેની પત્ની અને તેની પાછળ લથડતી ચાલે પેલા વડીલો પણ દોડવા લાગ્યા.
મોહનની કેબિનેથી નીકળેલા બાબુને બૂમો પાડતાં, સામેથી આવી રહેલાં બા-બાપુ અને તેમની પાછળ વડીલોનું ટોળું દેખાયું. બાબુના પેટમાં ફાળ પડી. બાપુના બે-ચાર શબ્દોમાં જ તેને બધું સમજાઈ ગયું. હજુ બાબુ કંઈ નિર્ણય લે એ પહેલાં જ રમા તેને સામેથી દોડી આવતી દેખાઈ. સૌ રમાને બાઘાની જેમ જોઈ રહ્યા. માની ન શકાયું. ચમત્કાર થયો કે શું? રૂપના સકંજામાંથી કોઈ આમ હેમખેમ છટકી શકે ખરું? રમાએ દોડતાં-દોડતાં જ બૂમ પાડી, "ભૈલા... જલ્દી જાઓ.. શક્તિભાઈને બચાવો.." સૌએ ઝડપથી ત્યાં પહોંચીને જોયું તો રૂપ અને તેના સાગરીતો લોહીથી ખરડાયેલા ઉંહકારા કરતા પડ્યા હતા. શક્તિ પણ ઘવાયો હતો. વડીલોએ સૌથી પહેલું કામ શક્તિને હોસ્પિટલે પહોંચાડવાનું કર્યું.
મોડી રાત્રે દૂરના મંદિરમાં શંખનાદ થયો ત્યારે આખા વિસ્તારનો માનવ મહેરામણ હોસ્પિટલની બહાર 'મૃત્યુંજયં મહાદેવં'નો જાપ કરી શક્તિ માટે પ્રાર્થના કરી રહ્યો હતો. સાત દિવસ બાદ શક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અનેક ગંભીર ગુના સબબ રૂપરાજ અને તેના સાગરીતોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા. રૂપરાજની બેઈમાની અને અસત્ય સામે શક્તિની ઈમાનદારી અને સત્યનો વિજય થયો. શક્તિના હૃદયમાં સતત બળતા આ શૂરવીરતાના અગ્નિએ આજે અનેક સૂતેલાં હૃદયોને ફરી જાગૃત કર્યા હતા. આજે શક્તિના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. પત્રકારો આ ઘટનાને સમગ્ર રાજ્ય સમક્ષ બહુ ભારપૂર્વક રજૂ કરતા, શક્તિની ખુમારી વર્ણવતા દુષ્યંતકુમારની આ પંક્તિઓ કહી રહ્યા હતા.
"સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
સારી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે.
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી
હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિયે.”