All is well - 3 books and stories free download online pdf in Gujarati

ઓલ ઈઝ વેલ - 3

વાર્તા:- મા તે મા
લેખક :- કમલેશ જોષી



હા પણ હવે એ આટલો મોટો માણસ બન્યો કેવી રીતે? સંજરીનું આંતરમન તેનો પીછો નહોતું છોડતું. એ મોટો માણસ બન્યો એ ગમ્યું તો હતું સંજરીને. પણ છતાં અંતરના ઊંડાણમાં આ પ્રશ્ન ખટકતો હતો. હજુ હમણાં જ બની હોય એવી લાગતી હતી ત્રણ વર્ષ પહેલાની એ ઘટના. સંજીવ સામે જ ઊભો હતો અને પોતે અહીં ચોથા પગથિયે ઊભી હતી. બંને વચ્ચે ત્રણ પગથિયાનું જ અંતર હતું. વિવશ હતી સંજરી સંજીવના પ્રસ્તાવને ઠુકરાવવા. સીધોસાદો સંજીવ આશાભરી આંખે સંજરી સામે મીટ માંડી ઊભો હતો. બે-ત્રણ વાર સંજરીએ કોશિશ કરી એની આંખમાં આંખ નાખીને ત્રાટક રચવાની. ત્રાટક રચાયું પણ ખરું, હૃદય કંપ્યુ, મન અશાંત થયું. પણ આખરે જીત થઈ માતૃભક્તિની. હારી ગયો સંજીવનો સીધોસાદો પ્રસ્તાવ - પ્રેમ. ઈનકાર કરી સંજરી પગથિયા ચઢવા માંડી. પણ એને ખાતરી હતી કે સંજીવ હજુ ત્યાં જ ઊભો હશે. સંજરીએ ગરદન મરોડી જોયું તો એનો ચહેરો ઢીલો પડી ગયો હતો. એણે સહેજ હસવાની કોશિશ કરી પણ સંજરીની આંખમાં આંખ મિલાવી ન શક્યો. ક્ષણ - બે ક્ષણ નીચું જોઈ ગયો. જાણે એ પોતે કોઈ અપરાધ કરી બેઠો હોય એમ.
સંજરીની પણ ઈચ્છા નહોતી આ પ્રસ્તાવને ઠુકરાવવાની. પણ સંજોગો જ એવા હતા. માની મમતા આગળ સંજરી નતમસ્તક હતી. કાશ, જુદો માહોલ સર્જાયો હોત.. કાશ, માએ પોતે જ આ વાત વધાવી લીધી હોત.. કાશ, આ ક્ષણ ઈનકારની નહીં, સ્વીકારની હોત... પણ ના, આવું કશું જ નહોતું થયું. બધું જ સ્પષ્ટ હતું. માનો નિર્ણય સ્પષ્ટ હતો, ઈનકાર.. સંજરી માટે તો મા એટલે મા.. ત્રિલોકનો વૈભવ જેની પાસે તુચ્છ લાગે એ મા. સંજરીનો એક માત્ર સહારો મા અને માનો એકમાત્ર આધાર સંજરી.
આ પહેલા પણ સંજરીએ અનેક વખત માનું કહ્યું માની પોતાના નિર્ણયો બદલ્યા હતા. આર્ટ્સ રાખવું, કોમર્સ કે સાયન્સ? નોકરી કરવી કે ટ્યૂશન? ડ્રેસ લેવો કે સાડી? દરેક દુવિધા વખતે સંજરીને માનો નિર્ણય જ યોગ્ય લાગ્યો હતો. એનો કાયમનો અનુભવ હતો કે માનો નિર્ણય પોતાના નિર્ણયથી વધુ ઉમદા સાબિત થયો હતો. આજે સંજરી પાસે ટ્રોફીઓનો ઢગલો હતો એનું કારણ હતી મા. પેટે પાટા બાંધીને ઉછેરી હતી માએ સંજરીને. અને આજે સંજરી ઝગમગતો દીવો બની હતી. સંજીવનો પ્રસ્તાવ મા સમક્ષ જ મૂકવામાં આવલો. પોતાની જ જ્ઞાતિનો સંજીવ સંજરી કરતા પાંચેક વર્ષ મોટો હતો ઉંમરમાં. પણ સંજરીની પરિપક્વતા, મહેનત, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને સાદગી સામે સંજીવ ઘણો નાનો હતો.
સંજીવ પ્રત્યે માન હતું સંજરીને. બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. અનેકવાર સંજીવ નિર્દોષ હોવા છતાં ફસાઈ જતો, ઉપરીઓના ષડયંત્રનો શિકાર બનતો. એટલે સંજરીને તેના પ્રત્યે વધુ સહાનુભૂતિ થતી. સંજરી હોંશિયાર હતી, ચાલાક હતી, ઓફિસની આખી બિલ્ડિંગમાં એ સિંહણ ગણાતી. ક્યારેક સંજીવની ઓફિસમાંથી થતી હકાલપટ્ટી પણ સંજરી અટકાવતી. જોકે એ માત્ર સહાનુભૂતિને ખાતર.. ઘણીવાર બંને અંગત વાતો કરતા. ઘર વિશે, સિદ્ધાંત વિશે, તકલીફો વિશે, ભવિષ્ય વિશે.. આ જ વાતોને સંજીવ પ્રેમ સમજી બેઠો. એણે સંજરીના મમ્મી સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂકાવ્યો અને માએ ના પાડી..
સંજરીએ વિચાર્યુ કે સંજીવમાં એક માનવ તરીકેના ગુણો ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. પણ ઘણું બધું એવું હતું જે સંજીવમાં દબાઈને પડ્યું હતું, ખીલ્યા વિનાનું પડ્યું હતું, પ્રગટ્યા વિનાનું પડ્યું હતું. ન દેખાયું માને એ અપ્રગટ સ્વરૂપ.. ના પાડી માએ.. એટલે જ ના પાડી સંજરીએ.. ગરદન ઘૂમાવી ઝડપથી પગથિયાં ચડી ગઈ હતી સંજરી.. એણે એ જોવાનું ટાળ્યું કે સંજીવ ત્યાં ક્યાં સુધી ઊભો રહ્યો.. એ જોવાથી નાહકની તકલીફ જ થવાની હતી. નિર્ણય અણગમતો હતો પણ અફર હતો. નિર્ણય વિશે ક્ષણિક વિચાર પણ મા પ્રત્યે દૂરી સર્જનારો હતો. સંજરીને આવી દૂરી કોઈ કાળે મંજૂર નહોતી.
ઓફિસમાં પ્રવેશતા જ સંજરીએ પોતાના તમામ અવયવોને ફાઈલોમાં પરોવી દીધાં. વિચારોને કમ્પ્યૂટરની સ્વીચો નીચે દબાવી દીધાં. રોજ કરતા ઘણું વધારે કામ એણે તે દિવસે ઓફિસમાં કરેલું. ઘરે પહોંચી ત્યારે થાકીને લોથ-પોથ થઈ ચૂકી હતી. દબાઈ ગયા વિચારો સંજરીના કર્મયોગ આગળ. સંજરીના મન, મગજ કે શરીર પાસે અંતરમાંથી ઉઠતા આક્રંદ પર ધ્યાન આપવાની તાકાત રહી નહોતી. સંજરી ઓફિસમાં પણ એટલી બધી અલિપ્ત રહેવા લાગી કે ત્યાંની ઘટનાઓ પણ તેના ધ્યાન બહાર રહી જતી. માત્ર સંજીવના જ નહીં, સમસ્ત જગતના વિચારોથી સંજરી અલિપ્ત થઈ ગઈ. કર્મયોગના બળાત્કાર સામે કોમળ હૃદયની લાગણીઓ વિવશ હતી. અને એક દિવસ જ્વાળામુખી ફાટ્યો. સંજરીને બરાબર યાદ હતો એ દિવસ. સંજીવને ઈનકાર કર્યા પછીનો દસમો દિવસ. આ દસ દિવસ દરમિયાન બંને બે'ક વખત આમને-સામને થયા હતા, પણ સંજરીએ માર્ગ બદલી નાખ્યો હતો. એ જ દિવસે સંજીવની ઓફિસમાંથી હકાલપટ્ટી થઈ ત્યારે થોડી ક્ષણો બળજબરી પૂર્વક સંજરીના હૃદયને વલોવી ગઈ. પછીના દિવસથી ઓફિસ સંજીવ વગરની હતી. કોણ જાણે કેમ પણ સંજરીએ વિચિત્ર હળવાશ અનુભવી. દિવસો પસાર થતા રહ્યા. હવે સંજરીનું હૃદય પણ પોતાની ફરિયાદ ભૂલી ચૂક્યું હતું. જીંદગી ફરી હળવાશ પકડવા માંડી હતી. મા-દીકરી પરસ્પર સ્નેહના મજબૂત તાંતણે વિકસી રહ્યા હતા.
શું થયું પછી સંજીવનું? એવો વિચાર સંજરીને ક્યારેક આવતો, પણ હવે તેનો કોઈ અર્થ નહોતો. મહિનાઓ વીતી ગયા. હવે તો સંજીવનો ચહેરો પણ સંજરી ભૂલવા માંડી હતી. ક્યારેક ભરઊંઘમાં, સ્વપ્નમાં સંજીવનો ચહેરો સ્પષ્ટ દેખાઈ આવતો ત્યારે સંજરીનું આંતરમન દ્રવી ઉઠતું, ક્ષણ બે ક્ષણ ખીલી ઉઠતું, પણ ફરી બધું કાળું ધબ્બ થઈ જતું.
સંજીવના ગયા પછી અઢી વર્ષ બાદ સંજરીને પ્રમોશન મળ્યું. હવે સંજરી એફિલ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝની સિનિયર પ્રોગ્રામરમાંથી આસિસ્ટન્ટ ઈ.ડી.પી. મેનેજર બની હતી. બત્રીસ જણાના સ્ટાફમાં ચાર ઉપરી અધિકારી અને અઠ્ઠાવીસ સોફ્ટવેર ડેવલપર્સ હતા. તેમાંથી ૧૨ વ્યક્તિઓ પર કામનો સવિશેષ બોજ રહેતો. ચડસાચડસી, ગંદુ પોલિટિક્સ, જૂઠ અને તિકડમબાજી વચ્ચે અધિકારી માધવ ભગત મહામહેનતે આ બ્રાંચના ટાર્ગેટ પૂરા કરાવતા. ઓલ ઓવર ઈન્ડિયામાં બત્રીસ બ્રાંચીઝ ધરાવતી આ કંપનીનું મેનેજમેન્ટ બદલાયું હતું. બે કરોડ રૂપિયાના ખર્ચે શહેરના પોશ વિસ્તારમાં સોફ્ટવેર હબ ગણાતા બજારમાં કંપનીની અદ્યતન ઓફિસ તૈયાર કરવામાં આવી. બેંગલોરથી આવેલા ખાસ અધિકારી અમોલ બજાજે ઓફિસની તમામ ગંદકી સાફ કરી નાંખી. નઠારા કર્મચારીઓ ગયા, સારાને બઢતી મળી, પગાર વધ્યાં. સંજરી છ મહિના સુધી ચાલેલા આ પરિવર્તક તોફાનથી એટલી ખુશ હતી કે જાણે પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય.
હજુ સંજરી આ બધું પચાવે એ પહેલા એને એક બ્રેકિંગ ન્યુઝ મળ્યા. એ પગથી માથા સુધી કંપી ઉઠી. મિટીંગ રૂમમાં અમોલ બજાજે આ વર્ષના બ્રાંચે કરેલા દોઢ ગણા ટાર્ગેટ અચિવમેન્ટ્સના અભિનંદન આપ્યા બાદ પાંચ મિનિટનું પ્રેઝન્ટેશન પ્રોજેક્ટર પર બતાવ્યું. તેમાં કંપનીના નવા ડાયરેક્ટર્સનો પરિચય હતો. રિચાર્ડ મેથ્યુ, જયદ્રથ અંબાણી, થોમસ હિલેરી અને છેલ્લું નામ ચીફ ડાયરેક્ટર, ઓનર ઓફ ધી એફિલ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝ તરીકે સંજીવ સત્યનારાયણ જોષી. સંજરી બે ધબકાર ચૂકી ગઈ.
મિટીંગ ચાલતી રહી પણ સંજરી ભૂતકાળમાં ક્યાંય ઊંડે ઊતરી ગઈ હતી. મગજમાં તણાવ હતો અને હૃદયમાં શાંતિ. ત્યાં જ અમોલ બજાજના શબ્દો તેના કાને અથડાયા. "નવા મેમ્બર્સને ખબર નહીં હોય કે આપણી કંપનીના સુપ્રીમો સંજીવસર આપણી કંપનીની આ જ બ્રાંચમાં જુનિયર પ્રોગ્રામર તરીકે કામ કરતા હતા." સૌ આશ્ચર્યચકિત થઈ તાળીઓનો ગડગડાટ કરવા લાગ્યા. "અને સરપ્રાઈઝ એ છે કે આવતા બુધવારે સંજીવસર આપણી વચ્ચે આ જ ઓફિસમાં ખાસ આપણને સૌને મળવા આવશે. આપણે માધવસરની દેખરેખ હેઠળ મેગા સેલિબ્રેશન ઇવેન્ટ ગોઠવવાની છે." તાળીઓ પડી. હાસ્યની છોળો ઊડી. ડિનર લેવાયું. પણ સંજરી કોણ જાણે ક્યાં ખોવાયેલી રહી! "શું હું સ્વપ્ન જોઈ રહી છું કે આ જ સત્ય છે? હમણાં મારી ઊંઘ ઉડશે અને બધું ગાયબ થઈ જશે. રહી જશે કેવળ કાળો ધબ્બ અંધકાર."
ના, આ સ્વપ્ન નહોતું. સંજીવ ખરેખર મોટો માણસ બન્યો હતો. અમોલ બજાજ સંજીવ વિશે માહિતી આપી રહ્યા હતા ત્યારે પોતે તાકીને તેના તરફ જોયું હતું કે આ માણસ સંજીવ વિશે બોલતી વખતે કોઈ વિશેષ ભાવ પોતાના તરફ વ્યક્ત કરે છે ખરો? જોકે અમોલ બજાજને સંજીવ-સંજરી વિશે કંઈ જ ખબર નહોતી. પણ પોતે કયો ભાવ શોધી રહી હતી? “સંજીવ ખુદ આવવાનો છે. શું હું એનો સામનો કરી શકીશ? શું વિચારતો હશે એ? અહીં આવીને મને કંઈ પૂછશે તો? કે પછી એવું નહીં કરે? કેવળ પ્રેમથી મળશે. જેમ બીજાઓને મળશે એમ? શું એણે લગ્ન કરી લીધા હશે?”
આ પ્રશ્ન આગળ સંજરીના હૃદયમાં જાણે શૂળ ભોંકાયુ. શું પોતે આ પ્રશ્ન વિચારવાને લાયક ગણાય ખરી? શું માહોલની અસર હતી આ? શું સંજીવની સફળતા પોતાને અત્યારે પીગળાવી રહી હતી? “જો અત્યારનો સંજીવ, અત્યારનો માહોલ સાનુકૂળ હોય સંજીવના જૂના પ્રસ્તાવ માટે તો જૂના સમયમાં એવું તો શું ખૂટતું હતું સંજીવમાં? કેમ ત્યારે એનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો? અત્યારનું એનું એ ઝળહળતું તત્વ શું ત્યારે તેનામાં મોજૂદ નહોતું? જો હતું તો એનો સ્વીકાર કેમ ન થયો? તત્વ તો હતું પણ ઝળહળાટ નહોતો એટલે? શું તત્વની મોજૂદગી કાફી ન કહેવાય સ્વીકાર માટે? ઝળહળાટ એ યોગ્ય માપદંડ છે ખરો?”
સંજરીએ ખૂબ કોશિશ કરી વિચારોને રોકવાની, પણ એ કોઈ હિસાબે રોકાતા નહોતા. એ સમયે પણ વિચારો તો આવ્યા હતા, પણ સંજરીની કર્મકોશિશ આગળ દબાઈ ગયા હતા, અશક્ત પૂરવાર થયા હતા. અને આજે લાખ કોશિશ છતાં વિચારો દબાતા નહોતા.
“શું બદલાયું?
સંજીવ?
માહોલ?
સંજરી?
આખરે શું?
બધું એવું ને એવું જ છે. ત્યારે સંજીવ સફળ નહોતો. અત્યારે સફળ છે. તો અત્યારે ખરેખર કોનો સ્વીકાર થઈ રહ્યો છે? સંજીવનો કે તેની સફળતાનો? વ્યક્તિત્વનો કે પૈસાનો?
કેમ હું બ્હાવરી બની ગઈ છું?
કેમ હું મારા જૂના ઈનકાર સામે બંડ પોકારી રહી છું? ક્યાં ગઈ મારી માતૃભક્તિ?”
મા યાદ આવતા જ સંજરીમાં શક્તિસંચાર થયો.
“શું સંજીવની વાત માને કરવી?
મા શું વિચારશે?
કદાચ મા સંજીવને જૂનો પ્રસ્તાવ યાદ કરાવવાનું કહેશે અથવા સંજીવની જાહોજલાલીની વાતો સાંભળી નિ:શ્વાસ મૂકતા અફસોસ તો જરૂર વ્યક્ત કરશે. કદાચ એવું ન કરે તો પણ અંદર ને અંદર દુઃખી તો જરૂર થશે. ગમે તે હોય, મા વ્યક્ત કરે કે ના કરે પણ એના જૂના નિર્ણયને ખોટો તો જરૂર માનશે.
કેમ ખોટો લાગે છે એ નિર્ણય?
કેમ મન, બુદ્ધિ, આત્મા.. તમામનો એક જ અવાજ છે કે જૂનો નિર્ણય ખોટો હતો, નિરાધાર હતો? તે નિર્ણયના આધારો જ કમજોર હતા.
કયા આધારો હતા એ?
મા? મા પ્રત્યેની મમતા? સંજીવની એ વખતની સ્થિતિ?
શું આ બધા આધારો ખોટા હતા?
તો સાચું શું હતું?”
સંજરીનું માથું ફાટફાટ થતું હતું. કયારે પાર્ટી પૂરી થઈ? કયારે એ ઘરે આવી? ક્યારે પથારીમાં પડી કે ક્યારે ઉંઘી ગઈ.. કશું જ એને યાદ નહોતું. વિચારોનો મધપૂડો છંછેડાયો હતો. મધમાખીઓની જેમ વિચારો બેકાબૂ બની દોડી રહ્યા હતા. અચાનક એક પ્રેમાળ સ્પર્શ સંજરીના વિચારોએ અનુભવ્યો. એક શીતળ સ્પર્શ મગજની ગરમીને શોષી ગયો. એક વિશ્વાસભર્યો હાથ સંજરીના કપાળ પર, માથા પર ફરતો હતો. સંજરીનો ઉચાટ શમવા માંડ્યો. થોડી ક્ષણો બાદ સંજરીએ આંખ ખોલી. વાત્સલ્યમૂર્તિ મા સામે બેઠી હતી. માની પાછળ ઉભેલા પુરૂષને જોઈ સંજરી આશ્ચર્ય સાથે ચિંતામાં પડી ગઈ. એ સંજીવ હતો. એ હસતો હતો. એ જ નિર્દોષ, સાચુકલું સ્મિત. સંજરી સફાળી બેઠી થઈ ગઈ. માએ એને ગળે લગાડી સાંત્વન આપ્યું.
“શાંત થઈ જા મારી દીકરી.. જો, સંજીવ તને લેવા આવ્યો છે.” આંચકો અનુભવ્યો સંજરીના મગજે... એ તાકી રહી માની આંખોમાં.. મા બોલી, "હા બેટા.. તું તો મારી પાસે સંજીવની થાપણ હતી. સંજીવનો પ્રસ્તાવ તે મારા કહેવાથી ઠુકરાવી દીધો. એ દસ દિવસ મેં તારું અવલોકન કર્યુ. મને તારી આંખોમાં, તારા વર્તનમાં સંજીવના પ્રસ્તાવના અસ્વીકારથી થતું અપાર દુઃખ દેખાયું. હું એક દિવસ સંજીવના ઘરે પહોંચી ગઈ. જેવી તારી સ્થિતિ હતી અહીં, એવી જ ત્યાં એની. તે સખત બિમાર હતો. નંખાઈ ગયેલો ચહેરો. અરે, તે જોયું હોય તો એના મોઢા ઉપરથી માખ ન ઊડે. વિધિની વક્રતા તો જો, તે જ દિવસે આ ભલા ભોળા છોકરાની નોકરી પણ છૂટી ગઈ. મને ઈશ્વરે પ્રેરણા આપી અને મેં તો ત્યારે જ સંજીવનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પણ સંજીવની ઈમાનદારી તો જો, કે એણે નવી નોકરી મળે પછી જ આ વિશે આગળ વધવાનું અને ત્યાં સુધી તને કશું જ ન જણાવવાનું મારી પાસે વચન લીધું. મેં સંજીવની થાપણ તરીકે તને સાચવવાનું વચન આપ્યું. સફળતાના શિખરો સર કરતો કરતો સંજીવ આખરે તારી જ કંપનીનો માલિક બન્યો અને અત્યારે મારા કહેવાથી જ તને સ્વીકારવા - સંભાળવા માટે આવી પહોંચ્યો. ખરેખર કર્મની ગતિ જ ન્યારી છે." ત્રણેની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ. સંજરી મા પ્રત્યે અહોભાવ અનુભવતી વિચારી રહી, ખરેખર મા તે મા.”


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED