સંકલ્પ - એક અતૂટ જોડાણ - 14 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 14

આગળ લોખંડની જાળીની રેલિંગ, નીચે 10 કે 15 ફૂટ નીચે અલકનંદા નદી. એનો પટ આમ બહુ સાંકડો કે પહોળો નહિ, પણ નદીનો ધસમસતો પ્રવાહ ખૂબ અવાજ કરી રહ્યો હતો. અને પવનની ઠંડી લહેરખી ઠંડા વાતાવરણનો અનુભવ કરાવી રહી હતી.

શ્રુતિએ સામે જોયું, એમનું છેલ્લું મુકામ બદ્રીનાથ એમની રાહ જોઈ રહ્યું હતું. ચારધામનું અંતિમ અને પ્રતિકૂળ ધામ. એ જગ્યા છે જ એવી. એક સમયે યમનોત્રી અને ગંગોત્રી જવું સરળ છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનાથ ખૂબ મુશ્કેલ છે. અને સૌથી અંતિમ ધામ હોઈ એ જગ્યા પ્રત્યેનો લગાવ અલગ છે. પણ ત્યાનું અત્યંત ઠંડકવાળું વાતાવરણ શરીરના હાડકા થીજવી નાખે એવુ હોય છે.

હાલ શ્રુતિ પણ આ ઠંડીને અનુભવી રહી હતી. એની શરદીને કારણે કેદારનાથ પણ એની માટે ખૂબ મુશ્કેલ રહ્યું, અને અહીં તો આખી એક રાત રોકાવાનું છે. અહીં એનો હાલ શુ થશે? એ વિચારીને જ એના રૂંવાટા ઉભા થઇ ગયા. જે લોકો કેદારનાથ રાત રહી ચૂક્યા હોય તેમની માટે અહીં સમસ્યા સર્જાતી નથી. બાકી તો બધા માટે આ જગ્યા મુશ્કેલ છે. આશરે 3200 મીટરની ઊંચાઈ ધરાવતી આ જગ્યા બરફાચ્છાદિત રહે છે.

મંદિર સામે કિનારે હતું, શ્રુતિએ આજુબાજુના લોકોને ત્યાં જવાનો રસ્તો પૂછ્યો. કેટલાકે એને ત્યાંથી 200 મીટર દૂર રહેલો લોખંડનો પુલ બતાવ્યો. શ્રુતિ એ જોઈને જ ટેનશનમાં આવી ગઈ. અહીં સુધીનો ઢોળાવ અને હવે પુલ માટે ચઢાણ હતું. અને એમાં પણ એટલું બધું. એની મમ્મી હવે મુશ્કેલીથી ડગલાં ભરી રહી હતી. પણ ત્યાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહતો. એ બંને બેગના વજન સાથે એની મમ્મીનો હાથ પકડી ધીમે-ધીમે આગળ વધી રહી હતી. ભીડ વધુ હતી અને એને ઘણા લોકો ધક્કા મારીને જઈ રહ્યા હતા. પુલની પહોળાઈ પણ 5-7 ફૂટ કરતા વધુ નહિ. આવતા-જતા લોકોનો ધક્કો એની મમ્મીને ન લાગે એ વાતનું એ પૂરો ખ્યાલ રાખી રહી હતી.
છેવટે એ બધા સામેની તરફ પહોંચી ગયા. ત્યાં એ લોકોએ મંદિરના દર્શન માટે પૂછ્યું, તો એક પંડિત દ્વારા જાણવા મળ્યું કે, "નીચે નદીના કિનારા તરફ એક ગરમ પાણીનો કુંડ છે. એક તરફ સ્ત્રીઓ માટે અને બીજી તરફ પુરુષો માટે. ત્યાંથી સ્નાન કરી, નીચે પૂજા કરાવીને ઉપર દર્શન કરવા માટે જવાનું..." અને સાથે-સાથે પંડિતે ઉમેર્યું, "સમયનું પણ ધ્યાન રાખજો 2 વાગે મંદિરના દ્વાર બંધ થઈ જશે."

શ્રુતિએ સમય જોયો સાડા અગિયાર થયા હતા. એમને ઝડપથી નીકળવાનું હતું. અને પુલ ઉપર થઈને એ લોકો સીધા મંદિરની લાઈનમાં જ નીકળ્યા હતા. કુંડ માટે સીડીઓથી નીચે જવું જરૂરી હતું. એ લોકો 40-50 સીડીઓ નીચે ઉતર્યા. અને એક પૂજાના સામાન વેચનારની દુકાન પાસે ગયા. ત્યાં ઘણા સ્ટેન્ડ હતા. એમાંથી એક જગ્યાએ એમણે સામાન મુક્યો. એ લોકો એમની પાસેથી પૂજાની થાળી લેવાના બદલામાં દરેક પ્રવાસીના સામાનની રખેવાળી રાખતા હતા. એમાંથી એક જગ્યાએ સામાન મૂકી શ્રુતિ, એની મમ્મી અને માસી ગરમ કુંડ તરફ ગયા. અને એના પપ્પા બીજી તરફ. સ્ત્રીઓનું ગરમ પાણીનો કુંડ એક રૂમમાં હતો. અને બીજી તરફ એક કપડા બદલવાનો રૂમ.

કેટલું અજબ કહેવાય આ પણ કે, કુંડમાં એક તરફ એકદમ ગરમ પાણી આવતું અને બીજી તરફ નદીનું પાણી બરફ જેટલું ઠંડુ. ત્યાંના મત અનુસાર આ પાણી કુદરતી રીતે જ બહાર નીકળતું. ખબર નહિ કેવી રીતે??

ત્યાંના ગરમ પાણીમાં અડધો કલાક વિતાવી અને શરીરનો થાક દૂર કરી એ બધા તૈયાર થઈને બહાર નીકળ્યા. એના પપ્પા પણ તૈયાર થઈને આવી ગયા. આ બધામાં કલાકનો સમય નીકળી ગયો એ એમને ખબર જ ન પડી. છેવટે જેટલી જલ્દી પૂજાની થાળી લઈને ઉપર એટલા પગથિયા ચઢી શકાય એમ એ લોકો ચઢ્યા. અને મંદિર પાસે પહોંચ્યા. મંદિર પાસે ગયા તો જોઈ કે ક્યાંય સુધી લાંબી લાઈન લાગી હતી. અને મંદિરનો દરવાજો બંધ હતો. આપણા કાનૂડાની જેમ ભગવાનનો ભોજનસમય થવાથી દરવાજા બંધ કર્યા હતા. શ્રુતિને આ વાત ખૂબ ખટકી. એક તો લાંબા સમય સુધી ઉભા રહેવાનું અને જ્યારે નંબર આવે ત્યારે ભગવાનને સ્નાન સમય, ભોજન સમય, વિશ્રામ સમય કહીને દરવાજો બંધ કરે અને કલાક ઉભા રાખે.

શ્રુતિ એની મમ્મીને ત્યાંના એક રખેવાળ સાથે વાત કરીને દૂર એક બેઠક પર બેસાડી દીધા. એ, એના પપ્પા અને માસી ત્રણેય લાઈનમાં લાગવા માટે પાછળ ચાલવા લાગ્યા. ચાલતા-ચાલતા એ લોકો પાછા બ્રિજના એ જ ખૂણા પર આવી ગયા. જ્યાંથી એ લોકો નીચે ઉતર્યા હતા. મંદિરના મુખ્ય દ્વારથી 100 કે 150 મીટર દૂરથી લાઈનની શરૂઆત થતી હતી. એટલે એ સમય તો કાપવો જ રહ્યો. મંદિરના દ્વાર બંધ રહ્યા એ અને એ લોકો દ્વાર સુધી પહોંચે એમાં જ દોઢ વાગી ગયો.

એમનો નંબર આવ્યો કે શ્રુતિ દોડતી ગઈ અને એની મમ્મીને લાઈનમાં લઈ આવી. અને છેવટે એ લોકો મંદિરના પગથિયાં ચઢવા લાગ્યા.

પગથિયાં ચઢતા જાય અને એ સાથે જ ભગવાનનું નામ પોકારતા જાય. ઘણી રાહ જોયા પછી આ તક આવી હતી. ચારધામનું અંતિમ ધામ. એના દર્શન થાય એટલે બસ યાત્રા ફળી જાય. અંદર જતા પણ આડીઅવળી રેલિંગ પસાર કરીને એ લોકો મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા. બદ્રીનાથ એટલે વિષ્ણુ ભગવાનનું એક પરિપક્વ સ્વરૂપ. જે પણ અહીં દર્શન કરે એને એમના વિરાટ સ્વરૂપનો ભાસ થયા વગર ન રહે.
અહીંના લોકો માત્ર બદ્રીનાથ ન કહેતા "બદ્રીવિશાલ"ના નામથી એમને સંબોધે. એકબાજુ એમનું આ પરિપક્વ વિરાટ સ્વરૂપ અને બીજી બાજુ અહીંના ઘણા બદ્રીનાથના મંદિરોમાં આ જ સૌથી મોટા ગણાય. એટલે "બદ્રીવિશાલ" જ માનવા રહ્યા.

10 સેકન્ડના ઓછા સમયગાળામાં ભગવાન સામે આંખો ખુલ્લી રાખીને ભગવાનને જોવાના હતા. જો આંખો બંધ કરવા રહીએ તો એટલી વારમાં બીજાનો નંબર આવી જાય. છેવટે શ્રુતિ અને એની મમ્મીએ આંખો ખુલ્લી રાખી ભગવાનના આ રૂપનો આંનદ માણ્યો, અને બહાર નીકળ્યા.
બહાર મંદિરની પાછળ ભગવાનને ચઢાવેલ ભોગને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવી રહ્યો.હતો. શ્રુતિએ બે ડિશ પ્રસાદ લીધો. અને એ ચારેય જણે એ ખાધો. કેદારનાથથી બિલકુલ વિપરીત અહીં મંદિરનો પરસાળ ખૂબ ગંદો હતો. પ્રસાદ, સાકરીયા અને નારિયેળના છોડીયા બધે જોવા મળી રહ્યા હતા.
ભગવાનના મંદિરની આ હાલત જોઈ શ્રુતિએ એના પપ્પાને કહ્યું, "મને લાગે છે કે અહીં પણ કેદારનાથની જેમ નરેન્દ્ર મોદીએ આવવાની જરૂર છે. કમસેકમ એમની અચાનક મુલાકાતથી આ જગ્યા ચોખ્ખી તો રહેશે..." આ સાંભળી આસપાસ જેટલા ગુજરાતીઓ હતા, એ હસવા લાગ્યા.

થોડીવાર પછી પ્રસાદ પૂરો થતાં એના પત્રાળા કચરાપેટીમાં નાખી, એ લોકો મંદિર બહાર નીકળ્યા. એ લોકો નીકળ્યા ત્યારે અઢી વાગ્યા હતા અને એ સમયે એમને લાગ્યું કે કદાચ જ કોઈ પૂજારી મળશે પૂજા માટે. એટલે એ લોકો ત્યાં પૂજા ન કરાવી શક્યા.
બદ્રીનાથમાં પૈતૃક શાંતિ માટેની પૂજા મહત્વની ગણાય છે. પણ આટલી વાર અને આટલા થાકને કારણે એ લોકોએ ગેસ્ટહાઉસ પરત ફરવાનું વિચાર્યું.
શ્રુતિ ઝડપથી દુકાનવાળાને થાળી આપી આવી અને બધો સામાન લઈ આવી. આ વખતે એ લોકોએ મંદિરની સામેના બ્રિજ પરથી જવાનું નક્કી કર્યું. એ બ્રિજની છત નહતી. જેના કારણે સૂસવાટાભર્યો પવન અને ધુધવાતી નદી સ્પષ્ટ સંભળાઇ રહી હતી. ઉડી જવાય એવો પવન હતો અહીં.
શ્રુતિએ બંને બેગ ઊંચકયા હતા અને હવે એમાં ભીના કપડાં હોઈ એનું વજન વધી ગયું હતું. છેવટે એની મમ્મીનો હાથ એના પપ્પાએ પકડ્યો અને એ ધીમે-ધીમે ચાલતા પરત ઢોળાવ ચઢવા લાગ્યા. ઢોળાવ ચઢતા એના પપ્પા-મમ્મી ખૂબ થાકી ગયા. એ લોકો આગળ ચાલવા સક્ષમ ન રહ્યા.
છેવટે શ્રુતિએ એક કેસરના દૂધની સ્ટોલ જોઈ. અને એના મમ્મી-પપ્પાને ગરમ દૂધ આપ્યું. એમને આ ગરમ દૂધ ખૂબ સારું લાગી રહ્યું હતું. એ પીધા બાદ અને શ્રુતિએ આપેલી શરીર દુખાવાની ગોળી લીધા બાદ બંને ચાલવા સક્ષમ બન્યા. અને સામે જ એમને ટુરના મેનેજર મળ્યા. એ બધાને ગેસ્ટહાઉસ પર લઈ ગયા. મંદિરથી ગેસ્ટહાઉસ ખાસ્સું દૂર હતું. પણ છેવટે એ બધા ત્યાં સુધી પહોંચી શક્યા.
રૂમની ચાવી સોંપ્યા બાદ અને જમ્યા બાદ બધાને આરામ કરી સાડા ત્રણ વાગે ભારતનું છેલ્લું ગામ માના જોવા જવાનું હતું. ઘણા લોકો તો માત્ર આ સાંભળીને જ થાકી ગયા. જલ્દી આવ્યા છતાં એ માત્ર આરામ કરવાનું જ વિચારીને બહાર નીકળી ન શક્યા.

શ્રુતિએ આપેલી ગોળીઓના પ્રતાપે એના મમ્મી-પપ્પા જવા માટે તૈયાર થઈ ગયા. અને જમીને સીધા જ બસમાં બેસી ગયા. માના બદ્રીનાથથી પાંચ કિલોમીટર દુરનું ગામ છે.
બસ ઉપડે એ પહેલાં જ મૅનેજરે શ્રુતિના પપ્પાને કહ્યું, "શૈલેષભાઇ એક કામ કરજો, ના હોય તો ચંદ્રિકાબેનને ઉપર ન લઈ જતા. એ કદાચ એટલું બધું ચઢી નહિ શકે. એમને બસમાં જ બેસાડી તમે અને શ્રુતિ જઈ આવજો...."
આટલી ચેતવણી ગામ વિશેની જાણકારી આપવા માટે પર્યાપ્ત હતી. છેવટે એ લોકો ખૂબ ઓછા સમયમાં ત્યાં પહોંચી ગયા. અને બધા ફટાફટ નીકળીને આગળ જતાં રહ્યાં. બચ્યા માત્ર શ્રુતિ, એના મમ્મી-પપ્પા અને શૈલેષભાઈના એક ભાઈબંધ અને એમના પત્ની. એમના પત્ની પણ શ્રુતિના મમ્મીની જેમ વધુ શરીર અને પગની તકલીફને કારણે ધીમે-ધીમે ચાલી રહ્યા હતા. શ્રુતિ એની મમ્મીનો હાથ પકડી લઈ જઈ રહી હતી.

ગામના પ્રવેશદ્વાર પર પહોંચ્યા કે એમને ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ મહોત્સવ હતો. જેમાં ઉત્તરાખંડના ગૃહમંત્રી પણ ભાગ લેવા પહોંચ્યા હતા. અને દૂરથી જ ત્યાના પરંપરાગત સંગીતનો ધીમો અવાજ આવવા લાગ્યો.

આ ગામ પર્વતોની ખીણ પર રચાયેલું હતું. જ્યાં અલકનંદા અને સરસ્વતી નદીનું સંગમસ્થાન હતું. ઊંચા પહાડો, વચ્ચે ગામના નાનકડા ઘરો, નીચે નદીઓના સંગમ, અને જ્યાં નજર કરો ત્યાં દુરદુર સુધી ફેલાયેલ પહાડો.
શ્રુતિ એની મમ્મીનો હાથ પકડીને ધીમે-ધીમે પગથિયાં ચઢી રહી હતી. ગામ ઢોળાવ પર હોઈ કોઈ પાક્કો રસ્તો નહતો, બસ પગથિયાં હતા ને એ પણ માત્ર 3 કે 4 ફૂટ પહોળા. સાથે સામેથી આવનાર લોકોનો ધસારો અને પાછળ જલ્દી કરનારાની ભીડ પણ.
પણ શ્રુતિ એની મમ્મીને સહેજ પણ ડરાવ્યાં કે જલ્દી કરાવ્યા વગર શાંતિથી લઈ જઈ રહી હતી. એનાથી એના પપ્પાના ભાઈબંધના પત્નીએ પણ શ્રુતિને જ હાથ પકડવા કહ્યું. એમના પતિની અધીરાઈ અને એમની પગની તકલીફ એમને પરેશાન કરી રહી હતી. શ્રુતિએ એમનો પણ હાથ પકડી લીધો. એના હાથ પકડતા જ એ શાંતિથી પગથિયાં ચઢવા લાગ્યા.

શ્રુતિની બે જણને સાચવવાની તકલીફ સમજી એના પપ્પાએ એની મમ્મીનો હાથ લઈ લીધો અને એ ધીમે-ધીમે ચાલવા લાગ્યા. શ્રુતિ કાકીનો હાથ પકડીને ચાલવા લાગી. રસ્તામાં એક-બે વ્યક્તિ સામેથી આવતા એની મમ્મીને જોઈને બોલ્યા, "ઇનકો મત લે જાઇયે, યે જા હી નહિ પાએન્ગી..."
શ્રુતિએ એમને જવાબ ન આપ્યો. ઉપર થોડાક પગથિયાં ચઢતા સામે ઘણા લોકો આવ્યા અને બધાનું એક જ વાક્ય, "યે દોનો આંટી નહિ ચઢ પાએન્ગી..."
આવા વાક્યો અને ધીરે-ધીરે કપરું થતું ચઢાણ. એ બંનેને કારણે કાકીનો હોંસ્લો તૂટી ગયો અને એ જ જગ્યાએ બેસી ગયા.

(આદત છે આપણી, કોઈને આગળ જતાં જોઈ ન શકવાની. આ જ તો કારણ છે કે આપણે આપણાથી આગળ જનારનો હાથ પકડી નીચે પાડીએ છીએ. જાણો છો એ હાથ કયો છે? આપણા શબ્દો. એ જ એક કારણ છે કે આપણે જેટલાને પાડીએ છીએ, એમના કારણે આપણે પણ આગળ નથી જઈ શકતા...
તો હવે આવા અર્થસભર તત્વચિંતનમાં ન પડતા હું બીજી વાત કરું. આપણે અંતિમ ભાગ તરફ જલ્દી પહોંચવાના છીએ બસ છેલ્લા બે ભાગ તમારી રાહ જોઇને બેઠા છે હવે. જલ્દીથી જોડાઓ આ નવલ સાથે, અને જાણો "સંકલ્પ" જેવું અદભુત નામ જ કેમ? આ નવલ માટે...)