શેરબજારની ટીપ્સ તમારા સુધી કઈ રીતે પહોંચે છે ?
મીડિયામાં મિત્રો પાસે છાપાંઓમાં વગેરે માધ્યમથી તમે ટીપ્સ મેળવો છો કે કયા શેર ખરીદવા ક્યારેક ક્યારેક વેચવાની સલાહ પણ મળે છે. પરંતુ આ ટીપ્સ તમને મળે છે એક ક્યાંથી ઉદ્ભવ થાય છે અને તમારા સુધી કેવી રીતે પહોંચે છે એ જાણવાનો પ્રયત્ન કદી કર્યો છે?
તો આવો આપણે જાણીએ સૌ પ્રથમ તો ટીપ્સ ક્યાં ઉદ્ભવે છે ?
મ્યુચ્યુઅલફંડ હાઉસ અને મોટા શેરદલાલોનું પોતાનું એક રીસર્ચ ખાતું હોય છે એ કંપનીના ફન્ડામેન્ટલસ અને ભાવી પ્રોજેક્ટ્સ અંગે જાણકારી મેળવી કયા શેર લેવા એની માહિતીઓ પોતાના અસીલો માટે મેળવતા રહે છે. તો આ છે કયા શેર લેવા અને વેચવા એ જાણવાનું ઉદ્ભવ સ્થાન.
જયારે આ સંસ્થાઓ શેર કયો લેવો એ શોધે ત્યારે સૌ પ્રથમ તો એ પોતાના અસીલો માટે લેવા માંડે તેઓ આમ કોઈ જાહેર યાદી બહાર નથી પાડતા કે આં શેર લો પણ પોતાના અસીલો માટે તેઓ થોડી થોડી ખરીદી કરે છે. હવે જયારે એમની આ ખરીદીની જાણ એમના અસીલોને થાય ત્યારે તેઓ આ વાત એમના મિત્રોને કહે એ દરમ્યાન બે થી ત્રણ મહિના વીતી જતા હોય છે એમાં કોઈ અસીલ જો મીડિયા સાથે સંકળાયેલો હોય તો એ એમાં થોડો વધુ અભ્યાસ કરી મીડિયામાં આ વાત જાહેર કરે છે અને આમ એક મીડિયા હાઉસ જાહેર કરે એટલે ઘણાબધા લોકોની ધ્યાન એ સ્ક્રીપ તરફ જાય છે અને અન્ય મીડિયા એ ઉઠાવે છે અને આમ ધીમે ધીમે વાત ફેલાય છે આમ વાત ફેલાતા બજારમાં એ શેરની ખરીદી વધવા માંડે અને ભાવ ઉપર ચઢવા માંડે.
આમ ઉદ્ભવ સ્થાનથી એક સ્ક્રીપની જાણ તમારા સુધી પહોંચતા ઓછામાંઓછા ત્રણ થી ચાર મહિના નીકળી જાય છે ત્યાં સુધીમાં એ શેરનો ભાવ ઓછામાંઓછો ત્રીસ ટકા થી ચાલીસ ટકા વધી જાય છે.
હવે મારા તમારા જેવા દરેક એ સ્ક્રીપની પાછળ દોડવા માંડે છે ત્યારે જેમણે એકદમ નીચા ભાવે ખરીદેલા હોય તેઓ શેર વેચી નફો બુક કરવા માંડે છે.
આમ આ ટીપ્સમાં તમારા ગળામાં ઊંચા ભાવે શેર ભેરવાઈ જાય છે.
આ ફંડ હાઉસ તથા મોટા શેરદલાલો ઉપરાંત પણ ઘણાં ટેકનીકલ એનાલીસ્ટ પણ ભાવ જોઇને કયા શેરના ભાવ વધી રહ્યા છે એ જોઈ એમના અસીલોને ખરીદવાની સલાહ આપે છે અને એના અસીલો એ જાહેર કરવા માંડે છે. આમ એમાં જાગરૂકતા વધે છે અને વધુ ને વધુ નાના નાના રોકાણકારો એમાં આકર્ષાય છે અને એ સમય દરમ્યાન ભાવ વધતા આ ટ્રેડરો પોતાના શેર વેચવા માંડે છે અને તમારા ગળામાં ઊંચા ભાવે એ શેર ભેરવાય છે.
હવે ટેકનીકલ એનાલીસ્ટ જે શેર ખરીદવાની ભલામણ કરે એ માત્ર ટૂંકાગાળા માટે જ વધતા હોય એવું બની શકે દાખલા તરીકે રિલાયન્સમાં ભાવની વધઘટ થતી રહે પરંતુ એ શેર કોઈ બે વર્ષ કે પાંચ વર્ષ પકડી રાખવાની ભલામણ નથી કરતું કારણકે રિલાયન્સ ભલે ટુ બીગ ટુ ફોલ કેટેગરીનો શેર હોય એ પાંચ વર્ષે બમણો થશે એ અંદાજ લગાવવો મુશ્કેલ એના ઘણાં કારણો છે એક તો ડાયવર્સીફાઈડ છે એથી. અને એના લાખો શેરહોલ્ડરો. એથી એમાં માત્ર ટ્રેડરો જ સક્રિય હોય અને એથી એ અમુક રેન્જમાં ફરતો રહે છે પહેલા એ રૂ ૧૦૦૦ ની રેન્જમાં ઘણાં વર્ષો રહ્યો હવે એ રૂ ૨૦૦૦ ની રેન્જમાં ફરી રહ્યો છે.
આમ બજારમાં અમુક શેર માત્ર ટૂંકાગાળાના હોય છે એથી એની ટીપ્સ જો તમને મળે તો એમાં તમે ફસી જાઓ અને એ શેર તમારા ગળામાં લાંબા સમય સુધી ભેરવાઈ રહે.
આમ એથી જ ટીપ્સ મળે એ જાણી શેર ખરીદવું જોખમકારક અને એથી ખરીદતા પહેલા તમારો પણ શેર ખરીદવા અંગે થોડું ઘણું રીસર્ચ હોવું જરૂરી છે અને એ છે કંપનીને જાણો એના હિસાબ કિતાબને સમજો. જે દર ત્રણ મહીને તમને કંપનીએ જણાવતા રહેવું પડે છે.
તમે જયારે ટીપ્સને આધારે માત્ર લેવેચ કરો છો ત્યારે જયારે તમે શેર વેચો અને સામે જે શેર લો એ જો માત્ર ટીપ્સને આધારે હોય તો શક્ય છે કે તમે લાંબાગાળાનો સારો શેર વેચીને ટૂંકાગાળાનો શેર ખરીદી બમણું નુકશાન કરી લેશો માટે જ ટીપ્સને સમજી એના પર અભ્યાસ કરી શેર લેવું હિતાવહ છે.
જયારે ટીપ્સને આધારે શેર ખરીદાય છે ત્યારે એક વાર શેરનો ભાવ ખુબ વધી જાય અથવા સટોડીયાઓ એ એ શેરને ઉંચે ચઢાવવો હોય ત્યારે એમાં કોઈને કોઈ અફવાઓ પણ ફેલાવવામાં આવતી હોય છે અને જો તમે આ અફવાઓ ગળે ઉતારી લે વેચ કરો તો તમારું નુકશાન નક્કી જ છે.
આમ જુદી જુદી રીતે ટીપ્સ આધારિત ખરીદી તમને નુકશાનના ખાડામાં ધકેલી દે એ સંભાવના વધુ હોય છે
નરેશ વણજારા
મોબાઈલ નંબર ૯૮૨૧૭૨૮૭૦૪