કુદરતના લેખા - જોખા - 13 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 13

કુદરતના લેખા જોખા -૧૩
આગળ જોયું કે એક પ્રૌઢના સમજાવવાથી મયુર અકસ્માત સ્થળે જવાની જીદ ભૂલે છે. સવારે મુતદેહો જોતા જ મયુર કલ્પાંત કરે છે અને ભારે હૃદયે મુતદેહોને અગ્નિદાહ આપે છે.
હવે આગળ.......
* * * * * * * * * * * * *

અગ્નિદાહની અગ્નિ શાંત થઈ ચૂકી હતી, અસ્થીઓ પણ કળશમાં લેવાય ચૂકી હતી, રાખ પણ પવનની લહેર સાથે ઉડી રહી હતી પરંતુ હજુ પણ સળગી રહ્યું હતું મયુરનું હૃદય. અકલ્પનીય ઘટનાથી મયુર ખૂબ જ દુઃખી હતો. ઈશ્વર પણ દુઃખ આપવાની સાથો સાથ એ દુઃખ ને પહોંચી વળવાની શક્તિ પણ આપતો જ હશે. માટે જ મયુરે પોતાનામાં થોડી સ્વસ્થતા કેળવી એમના મિત્રોને કીધું કે "તમે પણ બે દિવસથી ભૂખ્યા છો અને આખી રાતનો ઉજાગરો પણ કર્યો છે એટલે તમે ઘરે જઈ ને આરામ કરી લો." એમના મિત્રો પણ ખૂબ જ થાક્યા હતા છતાં પણ મયૂરને કહી રહ્યા હતા કે "અમે અહીં જ રહેશું તારા સથવારે" પણ મયુર ના માન્યો. છેવટે મયુરનું માન રાખી તેમના મિત્રો આરામ માટે ઘરે જતા રહ્યા હતા.

દુઃખના આક્રદમાં જ બે દિવસ પસાર થઈ ગયા. આજે બેસણું રાખવામાં આવ્યું હતું. સાંજના ૪ થી ૬. મયુરના મિત્રોતો એક દિવસ આરામ કરીને મયૂરને સાથ આપવા મયુરના ઘરે જ હતા. મંથન પણ આજે બેસણામાં વહેલો આવી ગયો હતો. મંથન, સાગર, હેનીશ અને વિપુલ આવનાર સબંધીઓની આગતા સ્વાગતા માં જોતરાયા હતા. સાગરની નજર દરવાજા તરફ સ્થિર રહેતી તે કોઈ સબંધીને ઓળખતો ના હતો છતાં એક મિત્રના સબંધી તરીકેનો સ્નેહ સ્પષ્ટ તેમની આંખોમાં વર્તાતો હતો. પરંતુ એક દૃશ્ય જોઈ સાગર સડક થઈ ગયો. તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે અપલક નજરે આવનાર વ્યક્તિના ચહેરાને જોતો રહ્યો. બની જ ના શકે! આ લોકો અહીં કેવી રીતે હોય શકે! તે ગભરાય ગયો! ડર લાગી રહ્યો હતો કે એનું રાજ આજે ખુલ્લી જશે. તે તરત જ તેનો ચહેરો છુપાવતો કિચન તરફ જતો રહ્યો. ઇશારાથી જ મંથન, હેનીશ અને વિપુલને પણ કિચન તરફ આવવા કહ્યું.
"કેમ શું થયું? કેમ આમ બધાને એકસાથે કિચનમાં કેમ બોલાવ્યા?" બધા એકસાથે સાગરને આશ્ચર્યથી પૂછવા લાગ્યા. તમે આવનાર વ્યક્તિઓને જોયા? ના અમે તો નથી જોયા. કેમ કોણ હતું? "અરે આવનાર વ્યક્તિમાં અનાથાશ્રમ ના સંચાલક કેશુભાઈ છે અને એની સાથે મીનાક્ષી પણ આવી છે." સાગર એકીશ્વાસે થોડા ડર સાથે બોલી ગયો. ના હોય! મીનાક્ષી તો મયૂરને ઓળખતી પણ નથી. તો એ અહી કેવી રીતે હોય શકે? મંથનને પણ મીનાક્ષીને આવવાનું આશ્ચર્ય થયું. "મને એવું લાગે છે કે મીનાક્ષી મયુરના પપ્પાને ઓળખતી પણ હોય એટલે જ કદાચ એ આવી હશે!" વિપુલે થોડો તર્ક લગાવતા કહ્યું.

મીનાક્ષી ભલે ગમેતે સંબંધની રુએ આવી હોય પણ આપણે બધા એકસાથે એ લોકોની સામે નહિ જઈએ. જો મીનાક્ષી આપણને બધાને એકસાથે અહી જોશે તો એના મનમાં આપણા પ્રત્યે શંકા ઉદભવશે. એ લોકો જ્યાં સુધી અહીં રહશે ત્યાં સુધી આપણામાંથી કોઈ એક વ્યક્તિ જ બહાર જશે. સાગરે થોડા ગંભીર થતાં પોતાની અંદર રહેલા ડર ને વ્યક્ત કર્યો.

બહાર ઓસરીમાં જ બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. સાગર બધા જ સંબંધીઓથી ઘેરાઈને વચ્ચે બેઠો હતો. આવનાર બધા જ એને દયામણી નજરથી જોતા હતા. કોઈ એને બિચારો કહી ને સબોંધતા તો કોઈ એની પીઠ પર હાથ રાખી હિંમત રાખવા કહી રહ્યા હતા. લોકોના મુખે ક્યારેક અનાથ કે અભાગ્યો પણ આવી જતા. પરંતુ મયુર અત્યારે આટલી ભીડમાં હોવા છતાં પણ એકલો પડી ગયો હોય એવું મહેસૂસ કરી રહ્યો હતો. અને હા મયુર સાચો જ હતો ને. આ ભીડ ક્યાં આખી જિંદગી એનો સાથ નિભાવવાની હતી જે સાથ નિભાવનાર પરિવાર હતો એ તો સ્વર્ગ સિધાવી ગયો હતો.

કેશુભાઈ અને મીનાક્ષીને આવતા જોય ને જ મયુર પાસે બેઠેલા સંબંધીઓએ થોડી જગ્યા ખાલી કરી આપી. મયુરની નજર કેશુભાઈ અને મીનાક્ષી પર પડી. તે જે રીતે બેઠો હતો તેમ જ સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં બેઠો રહ્યો. જેને જોવા માટે મયૂરને ખુબ જ તાલાવેલી હતી એ આજે સામે જ બેઠી હોવા છતાં મયૂરને આજે મીનાક્ષી પ્રત્યે કોઈ ઉમળકો નહોતો. આ એજ મીનાક્ષી હતી જેની યાદોમાં મયુર રાત્રે સૂઈ પણ નહોતો શકતો. પણ આજે પરિસ્થિતિ પણ એવી ઊભી થયેલી હતી કે પ્રેમ સામે દુઃખનું પલડું ભારે હતું. કદાચ એટલે જ મયુર મીનાક્ષીને પ્રેમભરી નજરે જોઈ પણ નહોતો શક્યો. એનામાં આંખોમાં આંખ નાખીને જોવાની તાકાત પણ ક્યાં હતી! આખરે નીરસ વાતાવરણમાં કેશુભાઇએ વાતનો સેતુ સાંધ્યો. કેવી રીતે આ ઘટના ઘટી? "હું ખૂબ જ દુઃખી છું આ વાત જાણી ને. અર્જુનભાઈ નો સ્વભાવ કેટલો મળતાવડો હતો ગમે તેની સાથે ભળી જાય એવો. વિશ્વાસ નથી થતો કે એ હવે હયાત નથી." કેશુભાઈ એ દુઃખી હૃદયે પોતાની વાત રજૂ કરી. નેપાળમાં બસ અકસ્માતમાં મે મારા પરિવારને ખોઈ દીધા. કુદરતના આ લેખમાં આપણું તો કાંઈ ચાલે જ નઈ. આટલું કહેતા મયુરની આંખમાંથી આંસુ આવી ગયા. તું ચિંતા ના કર બેટા અમે તારી સાથે જ છીએ. આ જો મીનાક્ષી પણ અહી આવી છે. એને પણ આ ઘટનાની જાણ થઈ તો મને કહ્યું કે મારે પણ આવવું છે તમારી સાથે. એ પણ અર્જુનભાઇ ને સારી રીતે ઓળખતી હતી. એ પણ દુઃખી છે આ વાત જાણી ને.

અલપઝલપ નજરે મયુરે મીનાક્ષી તરફ નજર નાખી. એના ચહેરા પર પણ દુઃખ સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. એની આંખો પણ મયૂરને સાંત્વના આપવા બક્ષતા હોય એવું ભાસી રહ્યું હતું.

સાગર અને એમના મિત્રો કિચનમાંથી જ કેશુભાઈ અને મીનાક્ષીને જોઈ રહ્યા હતા. કોઈ બહાર આવવાની હિંમત પણ નહોતા કરી શકતા. એ લોકોને ચા પાણી માટે નો આગ્રહ કરવા માટે પણ બહાર નહોતા આવ્યા. છેવટે એક વડીલે ચા પાણી નો હોંકારો કર્યો ત્યારે સાગર તે લોકો ને ચા આપવા ગયો. કેશુભાઈ તરત જ સાગરને ઓળખી ગયા પરંતુ આ સમયે કાંઇ પૂછવું હિતાવહ નહિ લાગતા તેણે કાંઈ પૂછ્યું નહિ. અને મીનાક્ષીની નજર તો જમીન સાથે ખોડાયેલી હતી એટલે સાગરનો ચહેરો જોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. સાગરે ભાગતા કિચનમાં આવી રાહતનો દમ લીધો.

ક્રમશ:

મયુરની આગળની જિંદગી કેવી રહેશે?
મીનાક્ષી ની મુલાકાત શું ફરી મયુરની રાતો સ્વપ્નાઓથી સજાવી દેશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏