કુદરતના લેખા - જોખા - 14 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 14

કુદરતના લેખા જોખા - ૧૪
આગળ જોયું કે બેસણાંમાં કેશુભાઈ અને મીનાક્ષી આવતા સાગર અને તેના મિત્રો કિચનમાં છુપાઈ છે. કેશુભાઈ મયૂરને આ દુઃખની સાત્વના આપે છે
હવે આગળ......

* * * * * * * * * * * * *

બેસણાંનું કાર્ય પૂર્ણ થયું. મયુર તેમના મિત્રો પાસે જાય છે. બધા મિત્રોને ગળે મળી ખૂબ જ રડે છે. કદાચ આ આંસુ તેમના પરિવારને ગુમાવ્યા એ દુઃખના નહોતા. આ આંસુ હતા મિત્રોએ આવા દુઃખના સમયે કોઈ અહમ રાખ્યા વગર ખડેપગે ઊભા રહ્યા તેના હતા. મયુરે પહેલીવાર તેમના મિત્રો સામે માફી માંગે છે. મયુરના ચહેરા પર તેમના મિત્રોને અત્યાર સુધી નહિ બોલાવવાનો પસ્તાવો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. મયુરના આવા લાગણીભર્યા વર્તનથી તેમના મિત્રો પણ લાગણીશીલ થઈ જાય છે. તેમના મિત્રોની આંખોમાંથી પણ આંસુ સરી આવે છે. "એમાં તારે માફી માંગવાની જરૂર નથી. આવા દુઃખના સમયે અમે તારી સાથે ના રહીએ તો આપણી મિત્રતા શું કામની! આવા સમયે સાથે રહેવુ એ અમારી ફરજ છે. તું હિંમત રાખ અમે તારી સાથે જ છીએ" સાગરે મયુરના પસ્તાવાના ભાવોને વિખેરતા કહ્યું.

લાગણીસભર વાતાવરણને હળવું કરવાના આશયથી વિપુલે મયૂરને સંબોધતા કહ્યું કે "હવે તો તું કેશુભાઈને પણ નહિ બોલાવેને? અમે તો ફક્ત મીનાક્ષી નો નંબર અને એડ્રેસ લાવ્યા હતા આજે તો કેશુભાઈ મીનાક્ષીને જ લઈ આવ્યા." આવા દુઃખના સમયે પણ મયુરના ચહેરા પર સ્મિતનું મોજુ પથરાઈ ગયું. "ના, હવે હું એવું ક્યારેય નહી કરું કારણકે તમને લોકોને પણ નહોતો બોલાવતો ત્યારે પણ તમે મારા માનસ પલટ પર જ હતા. જ્યારથી મે નક્કી કર્યું હતું કે તમને નહિ બોલાવું ત્યારથી જ મેં મારી અંદર એક દમન ઉભુ કર્યું હતું. જેનાથી હું ઘણીવાર વિહવળ થઇ ઉઠતો. જેને તમે દમનપૂર્વક ભૂલાવવાની કોશિશ કરતા હોવ એ જ તમારા મનોમસ્તિકની આસપાસ ઘૂમરાયા કરતા હોય છે. એટલે તમે એવું ના સમજતા કે હું તમને યાદ નહોતો કરતો." મયુરે અત્યાર સુધી એની અંદર દબાયેલી વાતને એના મિત્રો સામે ખુલ્લી મૂકી દીધી.

" ચાલો હવે ઘણો સમય તમે મને આપ્યો છે હવે તમે ઘરે જઈ ને પરીક્ષાની તૈયારી કરો. પરીક્ષાની તારીખ ઘણી નજીક આવી ગઈ છે." મયૂરને એમના મિત્રો અભ્યાસમાં ઘણા પાછળ છે એ યાદ આવતા જ એમની ચિંતામાં મિત્રોને કહ્યું. "જ્યાં સુધી ઉતરક્રિયાનું કાર્ય પૂર્ણ નહિ થાય ત્યાં સુધી અમે તારી સાથે જ રહીશું પછી ભલે અમે પરિક્ષામાં નાપાસ પણ થઈશું તો પણ અફસોસ નહિ રહે પરંતુ એક મિત્રને દુઃખના સમયે સાથ આપવાનો ગર્વ હમેશાં રહેશે." પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સાગરે મયૂરને કહ્યું. મયુર પાસે કોઈ જવાબ નહોતો એને ખબર જ હતી કે હવે આ લોકો માનશે પણ નહિ એટલે વધારે કંઇ કહેવાનો મતલબ પણ નહોતો. મયૂરને તેમના મિત્રો પ્રત્યે માન ઉપસી આવ્યું. ફરી એકવાર બધાં મિત્રોને ગળે મળી લીધું.

* * * * * * * * *

કેશુભાઈ અને મીનાક્ષી બંને બેસણામાં જઈને અનાથાશ્રમ પાછા ફરે છે. બંનેના ચહેરા પર એક સજ્જન વ્યક્તિની વિદાયનો શોક કળાતો હતો. "અનાથાશ્રમમાં અર્જુનભાઈ એ ઘણું યોગદાન આપેલું છે. હવે એ આ દુનિયામાં નથી રહ્યા એ જ વિશ્વાસ નથી આવતો." કેશુભાઇએ દુઃખી સ્વરે મીનાક્ષીને કહ્યું. " હા સાચી વાત છે તમારી. અર્જુનભાઈ ખૂબ સારા વ્યક્તિ હતા. એમણે મને પણ ઘણી વાર કહ્યું હતું કે કોઈ પણ કામ હોય તો નિઃસંકોચ ગમે ત્યારે મને કહેજે. પરંતુ મે ક્યારેય એની પાસે કોઈ મદદ લીધી નહોતી પણ એનો દિલાસો મારા આત્મવિશ્વાસને હંમેશા વધારતો. મારા જેવી અનાથ વ્યક્તિને આવા સજ્જન વ્યક્તિનો દિલાસો જ કાફી હતો. એની વિદાયનો વસવસો જિંદગીભર રહેશે" દુઃખ છલકાતું હતું મીનાક્ષી ના શબ્દોમાં.

"એ છોકરોતો થોડા દિવસ પહેલા જ આપણા અનાથાશ્રમમાં આવ્યો હતો ને?" મીનાક્ષીને મયુરની પહેલી મુલાકાતની ઝલક યાદ આવતા કેશુભાઈ ને પૂછ્યું. "હા, એ અર્જુનભાઈ એ આપેલો અનાથાશ્રમ નો ચેક દેવા અહીં આવ્યો હતો ત્યારે તું પણ અહી હાજર જ હતી." પ્રત્યુતર વાળ્યો કેશુભાઈ એ.

"કહ્યાગરો છોકરો છે અર્જુનભાઈ નો. અર્જુનભાઈ મયુરના ખૂબ જ વખાણ કરતા. ભણવામાં પણ ખૂબ જ આગળ પડતો છે મયુર. યુનિવર્સિટી પ્રથમ આવે છે. મયૂરને ઊંચાઈઓ સુધી આંબતા જોવાનો ખ્વાબ હતો અર્જુનભાઇ નો, પણ અફસોસ એ જોવા માટે અર્જુભાઈ જ હયાત નથી રહ્યા. કુદરતને કદાચ એ મંજૂર નહિ હોય!" કેશુભાઈએ અર્જુનભાઈ પાસેથી સાંભળેલા મયુરના વખાણો મીનાક્ષી સમક્ષ વાગોળ્યા.

કેશુભાઈ જ્યારે મયુરના વખાણ કરતા હતા તો મીનાક્ષી એકચિત્તે સાંભળી રહી હતી. કેશુભાઈ મીનાક્ષી ના ચહેરા પર ઉપસતી એક એક રેખાને વાંચી શકતા હતા. તરત જ કેશુભાઈના મગજમાં એક વિચાર આવ્યો. થોડો વિચાર કર્યા પછી એ વિચારને મીનાક્ષી સમક્ષ અત્યારે રજૂ કરવો ઉચિત નહિ લાગતા એ વિચારને પોતાના મનમાં જ દબાવી દીધો.

* * * * * * * * * * * * *

સમયને રોકવો ક્યાં કોઈના હાથમાં છે એ તો રેતની જેમ સરકતો જાય છે. મયુરના પણ આ દુઃખના ૧૨ દિવસો બધા મિત્રો અને સંબંધીઓની હાજરીમાં નીકળી ગયા. ઉતરક્રિયાનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું. મયુરના મિત્રો અને સંબંધીઓ પણ પોત પોતાના ઘરે રવાના થયા. મયુરના ઘર પર વધ્યા ખાલી મયુર અને કોરી ખાઈ જતી એકલતા. બધાની હાજરીમાં મયૂરને આ એકલતાનો આટલો અહેસાસ નહોતો થયો પણ આજે એને પોતાનું જ ઘર કરડવા દોડતું હતું. ઘરની એક એક વસ્તુ એમના પરિવારની સ્મૃતિઓની યાદ અપાવતું હતું.

અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે. ઘણા લોકો એકાંત અને એકલતાને એક સરખું સમજે છે જો કે બંને વચ્ચે ઘણો તફાવત છે.
એકલતા એટલે બીજાની અનુપસ્થિતિ ડંખે છે.
એકાંત એટલે સ્વયં નું હોવું પૂરતું છે. બીજાની યાદ સતાવતી નથી. એકાંતમાં આનંદની અનુભૂતિ થાય છે જ્યારે એકલતામાં પીડાનો અનુભવ થાય છે.

ક્રમશઃ
કેશુભાઈને શું વિચાર આવ્યો હશે?
કેમ એ વિચાર મીનાક્ષીને રજૂ ના કર્યો?
મયુરની એકલતા કેવી રહેશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏