તો બાત બન જાયે Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તો બાત બન જાયે

વાર્તા- તો બાત બન જાયે લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
હરખઘેલા પણ શહેરના ધનાઢ્ય બિલ્ડર રાધેશ્યામભાઇ લગ્નમાં જવા માટે ઉતાવળ કરી રહ્યા હતા.સુનંદાબેન તો ભપકાદાર કપડાં અને ગોલ્ડ અને ડાયમંડના દાગીના પહેરીને તૈયાર થઇ ગયા હતા.
' હવે કેટલી વારછે તૈયાર થવામાં?' રાધેશ્યામભાઇએ ફરી પૂછ્યું.
' હું તો તૈયાર છું પણ આ તમારો દીકરો હજી તૈયાર થયો નથી'
' બેટા સંકેત કેમ હજી તૈયાર થયો નથી? આપણા બિઝનેસ પાર્ટનર હીરજીભાઇ ના એકના એક દીકરા ઉત્સવ ના લગ્ન છે એટલે આપણે તો સમયસર પહોંચી જ જવું જોઇએ.'
' પપ્પા, મારે લગ્નમાં આવવાની ઇચ્છા નથી.તમે બંને જઇ આવો.'
'કેમ આમ કરેછે દીકરા? પછી આપણા ઘરે પ્રસંગમાં કોણ આવશે?
' પપ્પા, મને હવે કોઇ લગ્ન સમારંભ માં જવામાં રસ રહ્યો નથી.અને મારે લગ્ન પણ નથી કરવા.'
છેલ્લા છ મહિનામાં જેટલા પણ લગ્ન પ્રસંગો માં આમંત્રણ આવ્યાં હતાં તેમાં સંકેતે એકપણ પ્રસંગમાં હાજરી આપી નહોતી.
રાધેશ્યામભાઇ ઊભા થઇને સંકેત પાસે આવ્યા અને તેના ખભે હાથ પસવાળીને બોલ્યા ' બેટા તારા લગ્નની ચર્ચા પછી કરીશું પણ અત્યારે તો ચાલ અમારી સાથે'
ઇનોવા કાર સડસડાટ ઉપડી.મેરેજહૉલ સુધી પહોંચતાં વીસ મિનિટ લાગે એવું હતું.ખુશાલભાઇ ડ્રાઇવર ને થોડું આશ્ચર્ય લાગી રહ્યું હતું કે ત્રણમાંથી કોઇ કેમ એકબીજા સાથે વાત પણ કરતું નહોતું.છેવટે રાધેશ્યામભાઇએ જ મૌન તોડ્યું.
' બેટા સંકેત, તને કદાચ ખબર નહીં હોય પણ ઉત્સવ ના આ પ્રેમલગ્ન છે.'
‌. પણ સંકેત બેધ્યાન હતો.ઘડીવારમાં એ કૉલેજના છેલ્લા વર્ષના છેલ્લા દિવસના ટેલેન્ટ ડે ફંકશનની યાદમાં સરી પડ્યો.
સ્ટેજ ઉપરથી એનાઉન્સર નામ બોલે એ પ્રમાણે વિદ્યાર્થીઓ તેમની કલા પ્રદર્શિત કરતા હતા.ગીતો, ગઝલો, કવિતાઓ, નાટક, નૃત્ય અને વક્તવ્ય રજૂ થતું રહ્યું.થોડીથોડી વારે હૉલ તાળીઓ ના ગડગડાટથી ગુંજી રહ્યો હતો.
છેલ્લો વારો હતો કૉલેજની બ્યુટી ક્વીન સંજના ના ગીત સાથે ડાન્સ નો.તેને જોઇનેજ બધા ચિચિયારીઓ પાડવા લાગ્યા.
સંગીતકારોએ ભવ્ય જુસ્સા સાથે સંગીત ચાલુ કર્યુ અને સંજના એ ગીત ગાવાનું અને સાથે ડાન્સ પણ શરૂ કર્યો.કુરબાની મુવી નું સુપરહીટ ગીત નાઝિયા હસનની અદાથી અને લ્હેકાથી ગાયું.
હો આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે.હાઁ હાઁ હાઁ બાત બન જાયે.
ફૂલકો બહાર બહારકો ચમન
દિલકો દિલ બદનકો બદન
હર કિસીકો ચાહિયે તન મનકા મિલન
કાશ મુજ પર ઐસા દિલ આપકા ભી આયે.તો બાત બન જાયે. હાઁ હાઁ હાઁ બાત બન જાયે.
મૈં ઇન્સાન હું ફરિશ્તા નહીં
ડર હૈ બહેક ના જાઉં કહીં
તન્હા દિલના સંભલેગા
પ્યાર બિના યે ભટકેગા
આપસા કહાઁ હૈ દિલ
આપકો હી પાયે
તો બાત બન જાયે.
હાઁ હાઁ હાઁ બાત બન જાયે.
સંજના ના એક એક તાલ ઉપર આખો હૉલ ડાન્સ કરી રહ્યો હતો. ગીતને વન્સ મોર કર્યુ.
સંકેત પણ ખુશખુશ હતો.પણ સંકેતે એક વાતની નોંધ કરી કે સંજના સ્ટેજ ઉપરથી તેની સામે આંખો નચાવીને ગીત ગાઇ રહી હતી.કૉલેજના ત્રણ વર્ષ દરમિયાન સંકેત નું કોઇ છોકરી સાથે અફેર નહોતું.આજે સંજના ને જોઇને તેને પણ રોમાંચ થયો.આજુબાજુની સીટમાં બેસેલા બે વિદ્યાર્થી મિત્રો એ હસતાં હસતાં સંકેતને કહ્યું પણ ખરૂં કે 'સંજના તારા ઉપર ફિદા છે. તું તો બસ નિશાળે થી નીસળી જવું પાંસળા ઘેર એમ ત્રણ વર્ષ કાઢી નાખ્યાં.'
' તમને કેવીરીતે ખબર પડીકે સંજના મારા ઉપર ફિદા છે'
' અરે મારા બ્રહ્મચારી ભાઇ, તારા સિવાય આખી કૉલેજ જાણેછે.આજે કૉલેજનો છેલ્લો દિવસ છે.આજે જ એનું મન જાણીલે.કૉલેજની બ્યુટી ક્વીન છે, ભણવામાં હોશિયાર છે અને ગર્ભશ્રીમંત કુટુંબ ની કન્યા છે.તમારી જોડી જામશે.'
ફંકશન પતી ગયું હતું હવે સ્વરૂચીભોજન લઇને બધાં એ છૂટા પડવાનું હતું.ભોજન દરમિયાન સંકેત અને સંજના નજીક આવ્યા.એકબીજાની આંખોમાં પ્રેમનો એકરાર જોયો.મોબાઇલ નંબર ની આપલે થઇ.મોબાઇલથી મેસેજ ઉપર મેસેજ અને પછી રૂબરૂ મુલાકાતો થવા લાગી.બંનેએ લગ્ન કરવાનો સંકલ્પ કરી દીધો.
' પપ્પા, તમે અત્યારે મારા માટે સારી કન્યાની શોધ કરી રહ્યાછો એ હું જાણું છું એટલે એ બાબતે મારે આપની સાથે ચર્ચા કરવી છે.' એક સાંજે બધા જમીને બેઠા હતા એ વખતે સંકેતે વાત કાઢી.
' હા તો બોલ બેટા શું ચર્ચા કરવીછે? બે ત્રણ કન્યાઓ જોઇ રાખીછે અને બતાવવાનો પ્રોગ્રામ બનાવી જ રહ્યા છીએ.'
' પપ્પા, મેં એક છોકરી જોઇ રાખીછે.ભણેલી,દેખાવડી, ઉચ્ચ ખાનદાનની.ફકત જ્ઞાતિ અલગ છે.અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ.આપણા ઘરમાં શોભે એવીછે.'
અને રાધેશ્યામભાઇ ભડકયા.' ખબરદાર દીકરા આપણા કુટુંબમાં આજ સુધી કોઇએ પ્રેમ લગ્ન કર્યા નથી.ભૂલી જા આ કૉલેજિયન પ્રેમ ને.આ મારો અફર નિર્ણય છે.'
સંકેત અને સંજના ના પ્રેમ નો એક જ ઝાટકે કરૂણ અંત આવ્યો.ખુશાલભાઇ ડ્રાઇવર ને આ પ્રેમ સંબંધ ની જાણ હતી.તેઓ બંનેને ગાડી લઇને બહાર ફરવા લઇ જતા.ખુશાલભાઇને આ પ્રેમ તૂટતો જોઇ બહું દુઃખ થયું.આવી વહુ ખાનદાનમાં લાવવા લોકો ભગવાન પાસે ખોળો પાથરતા હોયછે.
એ દિવસથી સંકેત તેના રૂમમાં કેદી બની ગયો.સુનંદાબેનનું પણ આમાં કશું ચાલે એમ નહોતું કારણકે રાધેશ્યામભાઇ આમ ઘણી રીતે ઉત્તમ ગૃહસ્થ હોવા છતાં ખૂબજ જિદ્દી હતા.
' સંકેત...અરે સંકેત બેટા ક્યાં ધ્યાન છે તારૂં? મેરેજ હૉલ આવી ગયો છે હવે ઉતરવાનું છે.'
ખુશાલભાઇએ બધાને ઉતારીને ગાડી પાર્ક કરી.ચારે જણા અંદર પ્રવેશ્યા.સ્વાગત માટે ટી.વી.સિરિયલના કલાકારોને મોં માગ્યા પૈસા આપીને એક કલાક માટે હાજર રાખ્યા હતા.લોકો આ કલાકારો સાથે હાથ મિલાવવા પડાપડી કરી રહ્યા હતા અને ખુશીથી ચિચિયારીઓ પાડી રહ્યા હતા.
હૉલ માં વૈભવી ઠાઠ હતો.સુગંધી દ્રવ્યો વાળા ફુવારા મનને તરબતર કરી રહ્યા હતા.એક એક વ્યક્તિને બેસવા માટે સજાવેલા સોફા તૈયાર કરાવ્યા હતા.લાઇટીંગ અને મંડપ ડેકોરેશન જોઇને વી.વી.આઇ.પી.મહેમાનો પણ દંગ થઇ ગયા હતા.આગતા સ્વાગતામાં કશી જ કમી નહોતી.મહેમાનો આવતા ગયા, ગળે મળતા ગયા.એક એકથી ચડિયાતા નાસ્તાઓ,સૉલ્ટેડ ડ્રાયફ્રૂટસ,અલગ અલગ જયુસ ને ન્યાય આપતા રહ્યા.
બે કલાકમાં લગ્ન વિધિ પતી ગઇ.ભોજનસમારંભ ની તૈયારી હતી પણ એ પહેલાં માઇક ઉપર બંને વેવાઇ પક્ષ તરફથી જાહેરાત થઇ કે ' અમારા આમંત્રણ ને માન આપીને આપ સર્વે હરખભેર પધાર્યા છો એ બદલ અમે આપ સર્વે ના આભારી છીએ અને આપનું ભવ્ય સ્વાગત કરીએ છીએ.ભોજનસમારંભ શરૂ કરતાં પહેલાં અમારા ખાનદાનમાં આજેજ નવવધૂ બનેલી સંજનાની ઇચ્છા ડાન્સ સાથે એક ગીત ગાવાની છે.પછી ભોજન સમારંભમાં જઇશું.'
અને ડી.જે.મ્યુઝિકના તાલ સાથે સંજનાએ ' આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે હાઁ હાઁ હાઁ બાત બન જાયે.સુંદર અવાજ અને સુપર ડાન્સ જોઇને મહેમાનો એ તાળીઓ ના ગડગડાટથી અભિવાદન કર્યુ.
ગુમસુમ બેસી રહેલા સંકેતે પહેલીવાર સ્ટેજ સામે ચમકીને જોયું.મોટું લાઇટીંગ બોર્ડ હતું 'UTSAV WEDS SANJANA'
ખુશાલભાઇ સંકેત ના દયામણા અને હતાશ ચહેરા સામે જોઇ રહ્યા હતા.
ઘરે પાછા ફરતાં રસ્તામાં રાધેશ્યામભાઇ સંજના નાં ભરપેટ વખાણ કરતા હતા.'રૂપાળી, શ્રીમંત અને ઉચ્ચ ખાનદાનની,એજ્યુકેટેડ અને કલા રસિક.વાહ પ્રભુ મારા દીકરાને પણ આવી જ વહુ આપજે.'
બોલ્યા પછી રાધેશ્યામભાઇએ જોયું કે ખુશાલભાઇ ડ્રાઈવર ગાડી ચલાવતાં ચલાવતાં રડી રહ્યા હતા.
' કેમ શું થયું ખુશાલભાઇ કેમ રડો છો?કોઇ તકલીફ હોયતો બોલો હું બેઠો છું ને.'
' મોટા શેઠ, ખોટું લાગેતો માફ કરજો પણ હવે જો તમને સત્ય નહીં કહું તો મારૂં હ્રદય બંધ પડી જશે.'
' એવું તો કયું સત્ય છે ભાઇ ગભરાયા વગર બોલ'
ખુશાલભાઇએ ગાડી ધીમી પાડી અને પાછળ ની સીટમાં નીચું જોઇને બેસેલા સંકેત સામે થોડીવાર જોયું પછી કહ્યું' મોટાશેઠ,તમે આખા રસ્તે જે સંજનાવહુ ના વખાણ કરતા હતા એને જ સંકેતભાઇ પ્રેમ કરતા હતા.સંજના જ આપણા ઘરની વહુ બનીને આવવાની હતી.પણ તમે....માફ કરજો મને.'
પાછળની સીટમાં સુનંદાબેન સંકેતના માથે હાથ ફેરવી રહ્યા હતા.
( સમાપ્ત)