જગતનો સમ્રાટ (ભાગ-28)
આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ તેના પરિવાર સાથે કેદારનાથની યાત્રા કરવા જાય છે, જ્યાં તેમની બસને અકસ્માત થતાં બસ ખીણમાં પડી જાય છે. આ અકસ્માતની જાણ લોકલ પોલીસને થતાં તેઓ દુર્ઘટનાસ્થળે પહોચી જાય છે અને પોતાની કાર્યવાહી હાથ ધરે છે. રેસક્યુ ટીમ અને મેડિકલ ટીમની મદદથી ઇન્સ્પેક્ટર નરવાલને જૈનીષ ખુબ જ જખમી હાલતમાં મળી આવે છે, જેને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. હોસ્પિટલે તેની યોગ્ય સારવાર ચાલું કરી દેવામાં આવી ગઈ હોવા છતાં જૈનીષ કોમામાં જતો રહે છે. લગભગ 15 દિવસ બાદ જૈનીષના શરીરમાં હલચલ દેખાતા દિશા તાત્કાલિક ડોકટર કમલને જણાવે છે. હવે આગળ,
#######~~~~~~~#######~~~~~~~#######
અકસ્માતના દિવસે હોસ્પિટલમાં:-
દુર્ઘટના સ્થળે બધી કાર્યવાહી પૂર્ણ કરી ઇન્સ્પેક્ટર નરવાલ હોસ્પિટલે પહોંચ્યા. તેમની સાથે પુરુષ અને સ્ત્રી કોન્સ્ટેબલો પણ મોજૂદ હતાં. હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટરેથી દર્દીની માહિતી લઈ તેમનો કાફલો સીધો ઓપરેશન થિયેટર તરફ આગળ વધ્યો. ઇન્સ્પેક્ટર નરવાલે આવીને સૌ પ્રથમ દિનેશભાઈ સાથે કેસ બાબતે ચર્ચા કરી. જેમાં તેમને જાણવા મળ્યું કે રેસકયુ થનાર વ્યક્તિનું નામ જૈનીષ છે. દિનેશભાઈએ ઇન્સ્પેકટરને સઘળી ઘટનાઓથી માહિતગાર કર્યા અને એ પણ જણાવ્યું કે આ અક્સ્માત કઈ રીતે થયો. દિનેશભાઈએ પોતાની વાત પૂરી કરી ત્યારબાદ ઇન્સ્પેક્ટરે તેમને જૈનીષના અન્ય કોઈ સંબંધી વિશે સવાલો પૂછ્યા. વર્ષોથી પડોશી એવા દિનેશભાઈ અને બીનીતભાઈ એકબીજાના પરિવારના સભ્યો વિશે પૂરેપૂરા માહિતગાર હતા, એટલે દિનેશભાઈને ખબર હતી કે બીનીતભાઈના પરિવારના તમામ સભ્યો બસમાં જ હતા. આ સિવાયના અન્ય કોઈ સંબંધી વિશે તેમને કોઈ જાણકારી નહોતી.
દિનેશભાઈની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર નરવાલ ચિંતિત બન્યા. તેમણે દિનેશભાઈને ખેદ વ્યક્ત કરી જણાવ્યું કે બસમાં સવાર અન્ય કોઈ વ્યક્તિ જીવિત બચી શક્યું નથી. જો પરિવારનું અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેમને મૃતકોના અંતિમ સંસ્કાર માટે બોલાવી શકાય. પણ દિનેશભાઈના જણાવ્યા અનુસાર એવું કોઈ વ્યક્તિ હતું નહી એટલે ઇન્સ્પેક્ટર નરવાલ નિરાશ હતા. અકસ્માતમાં આખા પરિવારનો એક સાથે ખાત્મો બોલી ગયો હતો, જેમાં માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો અને તેની પણ સારવાર ચાલી રહી હતી. એટલે આ પરિસ્થિતિમાં શું કરવું તેની ગડમથલ નરવાલના ચેહરા પર સાફ દેખાઈ રહી હતી. નરવાલ અને દિનેશભાઈ વચ્ચે જરૂરી તમામ ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને તેઓ હવે ઓપરેશન પૂરું થાય તેની રાહ જોતા હતા.
ચારેક કલાક ચાલેલ ઓપરેશન બાદ ડોક્ટર કમલે બહાર આવીને ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈને જાણકારી આપી કે દર્દીને શરીરમાં ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. સાથે સાથે માથાના ભાગે વધુ ઈજાના કારણે આ પરિસ્થિતિ દર્દી માટે ખૂબ જ નાજુક છે. ડોક્ટરની વાત સાંભળીને દિનેશભાઈ રીતસરના ભાંગી પડ્યા. ઇન્સ્પેક્ટર નરવાલ માટે પણ આ પરિસ્થિતિ સંભાળવી સરળ તો નહોતી જ, પણ તેમણે હિમ્મત રાખી અને દિનેશભાઈને સાંત્વના આપી. ઇન્સ્પેક્ટર નરવાલે ડોકટર કમલને કેસ બાબતે થોડા સવાલો પૂછ્યા અને ડોકટર કમલને જાણકારી આપી કે જૈનીષના પરિવારમાં અન્ય કોઈ જીવિત બચ્યું નથી. ડોકટર કમલે પણ જૈનીષની સિરિયસ મેડિકલ કંડીશનથી ઇન્સ્પેકટરને માહીતગાર કર્યા અને જણાવ્યું કે દર્દી એટલે જૈનીષ અત્યારે કોમામાં છે.
તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે જૈનીષ કોમાંથી બહાર આવે ત્યાં સુઘી અન્ય કાર્યવાહી કરી શકાય એમ નહોતી એટલે ઇન્સ્પેકટર નરવાલ ડોકટરની રજા લઈ નીકળે છે અને તબિયતમાં જયારે સુધારો થાય ત્યારે જણાવવા માટે કહે છે. પાછા ફરતી વખતે તેઓ દિનેશભાઈને ખેદ વ્યક્ત કરી પરિવારને સાચવી રાખવા માટે ધેર્ય રાખવાની સલાહ આપે છે અને પોલીસ સ્ટેશન પરત ફરે છે. આજનો દિવસ તો ઇન્સ્પેક્ટર નરવાલ માટે પણ ખૂબ જ પડકારોથી ભરેલ રહયો હતો. સ્ટેશન પહોંચીને નરવાલે તેના ઉપરી અધિકારીને આજની ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ આપ્યો અને આગળની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓની આપલે કરી. ત્યારબાદ અતિશય થાકને કારણે તે ઘરે જવા નીકળી ગયા. ઘરે જઈને ફ્રેશ થયા એટલે તેમનો ઘણો થાક દૂર થઈ ગયો અને તેઓ ફરી કેસ વિશે વિચારવા લાગ્યાં.
જૈનીષને સારવાર માટે દાખલ કર્યો તેના બીજા દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ દિનેશભાઈને પોલીસ સ્ટેશન લઈ આવવા માટે એક કોન્સ્ટેબલને હોસ્પિટલ મોકલે છે. દિનેશભાઈ ના આવતા જ ઇન્સ્પેક્ટર તેમને બેસાડે છે અને ગઈ કાલે તેમણે ઘરે જઈને કેસ વિશે વિચારતા જે શક્યતાઓ રહેલી છે તેના વિશે દિનેશભાઈને વાત કરી. ચર્ચાને અંતે નિષ્કર્ષ એવો નીકળ્યો કે દિનેશભાઈ અને ઇન્સ્પેક્ટર નરવાલ જૈનીષના પરિવારના અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેમની શોધખોળ કરવા માટે જશે. ઇન્સ્પેકટર નરવાલે દિશા અને શાલિનીબેન માટે રોકવાની વ્યવસ્થા પણ કરી આપી જેથી દિનેશભાઈને આ બાબતે બહુ ચિંતા ના કરવી પડે. ઇન્સ્પેક્ટરની વાત સાંભળી દિનેશભાઈ તેની સાથે આવવા માટે તૈયાર થઈ ગયા, પણ જતા પેહલા તેમણે પત્ની અને પુત્રીને મળવાની ઈચ્છા દર્શાવી.
ઇન્સ્પેક્ટર નરવાલ તેમની સાથે સહમત થયા અને કોન્સ્ટેબલને બોલાવી તેમને પાછા હોસ્પિટલે મોકલ્યા. ત્યારબાદ ઉપરી અધિકારી સાથે આ બાબતે ચર્ચા કરી અને તેમને જવા માટેની પરવાનગી મળી ગઈ. જેમ બને તેમ જલદી શોધખોળ માટે નીકળી શકાય તેથી નરવાલ તરત પોતાના ઘરે આવીને બેગમાં જરૂરી કપડાં અને અન્ય સમાન ભરીને હોસ્પિટલ રવાના થઈ જાય છે. બીજી બાજુ હોસ્પિટલે પહોંચીને દિનેશભાઈ શાલિનીબેન સાથે બધી ચર્ચા કરે છે. શાલિનીબેન પેહલા તો આ સ્વીકારવા તૈયાર નથી હોતા પણ દિનેશભાઈના સમજાવ્યા બાદ તેઓ માની જાય છે. ઇન્સ્પેક્ટર નરવાલના હોસ્પિટલ પહોંચતાં જ બંને તૈયાર હોય છે નવી સફરે નીકળવા.
જતા જતા ઇન્સ્પેક્ટર પોતાના ઘરની ચાવી શાલિનીબેનને આપી જાય છે અને તેમને જણાવે છે કે તેઓ ત્યાં આરામથી રહી શકે છે, તેમજ જરૂર પડ્યે ગમે ત્યારે હોસ્પિટલ પણ આવી શકે છે. ઇન્સ્પેક્ટર નરવાલ પોતાના સૌથી ભરોસાપાત્ર કોન્સ્ટેબલને શાલિનીબેન અને દિશાની સુરક્ષા અને દેખરેખની જવાબદારી સોંપી દે છે. કેદારનાથથી નીકળી બે દિવસના સફર બાદ ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ ઘરે આવી પહોંચે છે અને તેઓ બીજા જ દિવસથી જૈનીષના પરિવારના અન્ય સભ્યો વિશે શોધખોળ ચાલુ કરી દે છે. ઘણા દિવસોની અને ઘણા ગામ અને શહેરમાં રજળપાટ કર્યા બાદ પણ તેમના હાથે માત્ર નિરાશા જ લાગે છે. ઇન્સ્પેક્ટર નરવાલે જણાવેલ શક્યતાને કારણે ઉત્સાહિત બનેલા દિનેશભાઈને ફરીથી નિરાશા અને વિષાદ ઘેરી લે છે. માત્ર પડોશી હોવા છતાં તેમની વચ્ચે ભાઈઓ જેવો સંબંધ હતો અને આજે તેઓ કંઈપણ ન કરી શકવાના બોજ તળે દબાઈ રહ્યાં હતાં.
આ તરફ એકપણ વ્યક્તિ એવું મળતું નથી જેમનો બીનીતભાઈ કે તેમના પરિવાર સાથે પારિવારિક સંબંધ હોય અને બીજી તરફ જૈનીષની તબીયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. માનસિક રીતે દિનેશભાઈ પર એની અસર દેખાઈ રહી હતી પણ દિશા તેમને હંમેશા ફોન પર સમજાવતી કે જ્યાં સુધી તે જૈનીષ સાથે છે ત્યાં સુઘી એને કઈ નહિ થાય. એ જરૂર ભાનમાં આવશે. તમે ચિંતા ન કરો. અને પોતાની દીકરીના શબ્દો જાણે જાદુ કરતા હોય એમ દિનેશભાઈ શાંત થઈ જતા.
દિનેશભાઈ અને ઇન્સ્પેક્ટર નરવાલના ગયે આજે 13 દિવસ બાદ જૈનીષના શરીરે થોડી પ્રતિક્રિયા આપી હતી જે વધુ સમય સુધી ટકી નહી. પરંતુ ડોકટરના કહ્યા મુજબ આ સારો સંકેત છે. જૈનીષને જલદી ભાન આવી શકે છે. આ સમયે હોસ્પીટલમાં દિશા જ હાજર હતી. શાલિનીબેન ફ્રેશ થવા અને જમવાનું બનાવવા માટે ઇન્સ્પેકટરની ઘરે ગયા હતા. તેમના આવતા જ દિશાએ આ વાત જણાવી અને ડોક્ટર કમલે પણ વાતની ખરાઈ કરી. શાલિનીબેન એ ભગવાનનો આભાર માન્યો અને દિનેશભાઈને પણ આ શુભ સમાચાર આપ્યા. સમાચાર મળતા જ દિનેશભાઈ અને ઇન્સ્પેક્ટર પાછા કેદારનાથ આવવા નીકળે છે. વધુ આવતા ભાગમાં,
રાધે રાધે
હર હર મહાદેવ