જગતનો સમ્રાટ (ભાગ-29)
આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ વચ્ચે બીનીતભાઈના અન્ય કોઈ સંબંધી વિશે ચર્ચા થાય છે. બીજા દિવસે દિનેશભાઈને ઇન્સ્પેકટર પોલીસ સ્ટેશને બોલાવે છે અને તેમની સમક્ષ બીનીતભાઈના અન્ય કોઈ હયાત હોય એવા સંબંધીને શોધવા માટે સાથે આવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. શાલિનીબેન અને દિશાની રહેવાની વ્યવસ્થા ઇન્સ્પેક્ટર નરવાલે પોતાના ઘરે જ કરી દીધી અને તે દિનેશભાઈ સાથે શોધખોળમાં નીકળી ગયા. ઘણા દિવસો વિતવા છતાં તેમને કોઈ સફળતા મળી નહોતી. એવામાં શાલિનીબેનના ફોન આવવાથી તેમને જૈનીષની તબીયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળે છે અને તેઓ પાછા કેદારનાથ જવાનું નક્કી કરે છે. હવે આગળ,
#######~~~~~~~#######~~~~~~~#######
શાલિનીબેનના ફોન આવ્યે દિનેશભાઈ અને ઇન્સ્પેક્ટર નરવાલને જૈનીષની તબિયતમાં સુધારો આવી રહ્યો હોવાની વાત જાણવા મળે છે. ઇન્સ્પેક્ટર નરવાલ તાત્કાલિક ડોક્ટર કમલને ફોન કરીને વિસ્તૃત જાણકારી મેળવે છે અને ત્યારબાદ પોતાના ઉપરી અધિકારીને સઘળી હકીકતથી વાકેફ કરીને તેઓ પાછા ફરી રહ્યાં હોવાની જાણ કરે છે. બીજા દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ હોસ્પિટલ પહોચી ગયા. આજે તમામને આશા હતી કે ગઈ કાલની જેમ આજે પણ જૈનીષની તબિયતમાં સુધારો દેખાશે.
ગઈ કાલની ઘટના બાદ ડોક્ટર કમલે જૈનીષની તબિયત ઉપર દેખરેખ રાખવા એક નર્સની નિયુક્તિ કરી દીધી હતી. મશીનો દ્વારા મળતા આંકડા પણ દર્શાવી રહ્યા હતા કે જૈનીષની તબિયત જલદી સારી થઈ રહી છે. આજે ઇન્સ્પેક્ટર નરવાલ સિવાય દિનેશભાઈ, શાલિનીબેન, દિશા અને ડોક્ટર કમલ હોસ્પીટલના ICU વોર્ડમાં હાજર હતા. દિશા અને શાલિનીબેન જૈનીષના બેડ પાસે બેઠા હતા. ડોકટર કમલ એમનું રૂટિન ચેક અપ કરી રહ્યા હતા અને ઇન્સ્પેક્ટર નરવાલ તથા દિનેશભાઈ બેડની સામેની બાજુ ઊભા હતા.
ડોકટર કમલે ચેક અપ કરી અને મશીનોના ડેટા ચેક કરી બોલ્યાં, "ગઈ કાલની સરખામણીએ આજે તબિયતમાં ઘણો સારો સુધારો થયો છે તેમ મશીનોના ડેટા બતાવે છે. મારા મતે જૈનીષ જલદી જ ભાનમાં આવી જશે. માથામાં થયેલ ઈજામાં પણ ઘણો નોંધપાત્ર સુધારો છે." ડોકટરની વાત સાંભળી બધાના ચેહરા પર ખુશી દેખાઈ. ખાસ તો દિનેશભાઈ, જે ઘણા દિવસોથી ખુબ જ ચિંતામાં હતા, તેમણે ઘણી રાહત અનુભવી. ઇન્સ્પેક્ટર પણ આ સાંભળી ખુશ થયા અને પછી પોલીસ સ્ટેશન જવા રવાના થયા.
જતા જતા તેમણે દિનેશભાઈને ઘરે જઈ ફ્રેશ થઈ જવા માટે સુચન કર્યું. સફરનો શારીરિક થાક હવે અસર કરી રહ્યો હતો એટલે શાલિનીબેન દિનેશભાઈને લઈને નરવાલના ઘરે ગયા, જ્યારે દિશાએ હોસ્પિટલમાં રોકાવાનું પસંદ કર્યું. ICU રૂમમાં હવે જૈનીષની સાથે નર્સ અને દિશા એમ બે જ વ્યક્તિ મોજૂદ હતાં. નર્સ પોતાનું કામ કર્યે જતી, જ્યારે દિશા આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી કે જૈનીષ જલદી સ્વસ્થ થઈ જાય. 13 દિવસની દોડા દોડ અને ત્યારબાદ ઉતાવળે કેદારનાથ પાછા ફર્યા છતાં દિનેશભાઈ નાહીને ફ્રેશ થઈ, નાસ્તો કરી પાછા હોસ્પિટલ આવી ગયા હતા.
શાલિનીબેન ઘરે રોકાઈને રસોઈની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા. બપોરે દિનેશભાઈ તથા દિશા માટે જમવાનું લઈ તેઓ હોસ્પિટલ પહોંચ્યા. દિનેશભાઈ અને દિશાને ઈચ્છા ન હોવા છતાં શાલિનીબેનના ખુબ આગ્રહ કરવાથી બંને બાપ દિકરી જમવા માટે તૈયાર થયા. ત્યાં સુઘી શાલિનીબેન જૈનીષ પાસે બેઠા અને વાતો કરવા લાગ્યા. "તને એકલો મૂકીને બધુ જ ખાઈ જતી દિશા આજે તારા વગર કઈજ ખાવા માટે તૈયાર નથી. હવે જલદી સાજો થઈ જા." શાલિનીબેન પણ લાગણીશીલ બનીને વાત કરી રહ્યા હતા. એટલામાં દિનેશભાઈ અને દિશા જમીને આવી ગયા હતા.
દિશા તેની માં પાસે આવીને ઊભી રહી અને તેમના ખભે હાથ મૂક્યો. "માં, ચિંતા ના કરો. હવે જલદી જ ભાનમાં આવી જશે. પછી હુ એનુ જમવાનું પણ ખાઈ જઈશ અને તું જૈનીષને ખીર ખવડાવજે દર વખતે ખવડાવે છે એમ." દિશાને પણ જૈનીષ સાથે પસાર થયેલ જૂની યાદો તાજી થઈ એટલે તે તેની માતાને પણ યાદ અપાવે છે અને બંનેની આંખોમાં અશ્રુધારા વહી રહી હોય છે. બીજી તરફ દિનેશભાઈની આંખો પણ ભરાઈ આવે છે. હોસ્પિટલના ICU રૂમમાં ખુબ જ લાગણીસભર દૃશ્ય સર્જાયું હતું. ભગવાનને પણ હવે દયા આવી હોય એમ આ વાતોની અસર જૈનીષ પર દેખાઈ રહી હતી.
દિશા અને તેની માતાની વાતો સંભાળીને જૈનીષની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીરે ધીરે તેના હાથ અને પગની આંગળીઓમાં હલન ચલન ચાલુ થયું, જે એકંદરે વધી રહ્યું હતું. બંધ આંખોની કીકીઓ પણ હલન ચલન દેખાયું. આખરે જૈનીષ સંપૂર્ણ ભાનમાં આવ્યો અને પોતાની આંખો ખોલી. તેને ભાનમાં આવેલો જોઈને દિશા અને તેના માતાપિતાનાં ચેહરે અશ્રુ મિશ્રિત હાસ્ય ફરી વળ્યું. નર્સ તાત્કાલિક ડોકટર કમલને બોલાવા માટે દોડી અને જતા જતા "જૈનીષ સાથે અત્યારે કોઈપણ વાત ન કરવી" એવી સૂચના આપી.
ડોકટર કમલને જૈનીષના ભાનમાં આવવાના સમાચાર મળતા તેઓ ICU રૂમમાં આવી પહોંચ્યા. પ્રાથમિક તપાસ કરીને તેમણે જણાવ્યું કે હવે જૈનીષ કોઈપણ પ્રકારના ખતરામાં નથી. માત્ર તેના મગજ પર ઈજાની કેટલી અસર થઈ છે તે તપાસવું પડશે. ડોકટર કમલે નર્સને સૂચના આપી કે આ સમાચાર તાત્કાલિક ઇન્સ્પેકટર નરવાલને આપવામાં આવે. ઇન્સ્પેક્ટર નરવાલ પણ સમાચાર મળતાની સાથે જ હોસ્પિટલ દોડી આવ્યા. તેમના આવતાની સાથેજ ડોક્ટર કમલે જૈનીષની હાલતની જાણકારી આપી અને તેની યાદશક્તિ પર કેવી અસર થઈ છે તેનુ ચેકીંગ હાથ ધર્યું.
ડોકટર:- "હેલ્લો. મારૂ નામ ડોક્ટર કમલ છે. તમારું શું નામ છે ?"
જૈનીષ:- "મારું નામ જૈનીષ છે. પણ હું અહીંયા હોસ્પીટલમાં કઈ રીતે આવ્યો ? અમે તો સહપરિવાર કેદારનાથ જઈ રહ્યા હતા તો હું અહીંયા હોસ્પિટલે કઈ રીતે ?" પોતાને હોસ્પીટલમાં જોઈને જૈનીષ થોડો ગભરાઈ ગયો. તેના મનમાં એક ભયની લાગણી ઉત્ત્પન્ન થઈ.
ડોકટર:- "જૈનીષ, તું આમાંથી કોને ઓળખે છે?" ડોકટર કમલે દિશા અને તેના માતાપિતા તરફ આંગળી ચીંધી. જૈનીષના પ્રથમ જવાબથી ડોક્ટર કમલ એટલું તો જાણી ગયા કે અક્સ્માત થયો ત્યારબાદ જે ઘટનાઓ જોઈ તે જૈનીષ ભૂલી ગયો છે. હવે તેઓ એ જાણવા માંગતા હતા કે તેને પોતાના ભૂતકાળની કેટલી વ્યક્તિઓ યાદ છે.
જૈનીષ:- "દિનેશ અંકલ, શાલિની આંટી, દિશા ? આ બધું શું થઈ રહ્યું છે મને સમજાવો. મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, મામા મામી, આ બધા ક્યાં છે ?" જૈનીષ એક દમ બેચેન બની ગયો હતો. તેનું મન કઈક ન બનવાનું બની ગયું છે એવાં એંધાણ આપી રહ્યું હતું. તેનાં પૂછેલ સવાલોના જવાબ કોઇની પાસે નહોતા. તે વારાફરતી દિનેશભાઈ અને શાલિનીબેન તરફ જોઈ રહ્યો.
દિનેશભાઈને આ જ વાતનો ડર હતો કે જ્યારે જૈનીષ ભાનમાં આવશે ત્યારે એનો સામનો કઈ રીતે કરશું અને અત્યારે એમજ થઈ રહ્યુ હતુ. તેઓ જૈનીષ સાથે વાત કરવાની હિંમત નહોતા કરી શકતા. જૈનીષના ભાનમાં આવવાની ખુશી થોડી ક્ષણોમાં જ તેમના ચેહરા પરથી ઉડી ગઈ. હવે સમય હતો હકીકતનો સામનો કરવાનો, જે જૈનીષની સાથે તેમના માટે પણ સેહલું નહોતું. છેવટે જૈનીષ તેની સામે બેઠેલ દિશા તરફ જોઈ રહ્યો. દિશા પણ તેના સવાલોના જવાબ ન આપી શકી અને એક અશ્રુની ધારા દિશાની આંખોમાંથી વહી નીકળી.
દિનેશભાઈ અને શાલિનીબેનનું મૌન અને દિશાની વહેતી આંખોંએ, ઘણું બધું કહી દીધું. પોતાની આંખો બંધ કરીને જૈનીષ યાદ કરવાની કોશિશ કરવા લાગ્યો. ભૂતકાળની એ ગોઝારી ઘટના પડછાયા રૂપે જૈનીષના માનસપટ ઉપર આવી અને એક જોરદાર દર્દની લહેર તેના મગજમાં ઉઠી. જેને તે સહન ન કરી શક્યો. ડોકટર કમલને જે વાતનો ડર હતો તે બનવા જઈ રહ્યું હતું.
વધુ આવતા ભાગમાં,
રાધે રાધે
હર હર મહાદેવ