આપણી વાત
હું નામે વાણિયા અક્ષય અતુલભાઈ ૨૧ વષૅનો એક વિદ્યાર્થી છું. લેખનમાં રુચિ બાળપણથી રહેલ છે પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ મળતા તેની પૂતિૅ હાલના સમયે કરી રહ્યો છું. ગુજરાતી ભાષામાં જો મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું, ભાષા બગાડવાનો મારો કોઈ પણ અધિકાર નથી પણ ભાષામાં થયેલ ભૂલોને સુધારવી આપણા સૌની ફરજ છે.આ કૃતિના અંગે અભિપ્રાય આપવા આપ સર્વેને વિનંતી જેથી હું મારા લેખનમાં સુધારા લાવી શકું તેમ જ આપણા ગુજરાતમાં સાહિત્યમાં મારું થોડું ઘણું પણ યોગદાન આપી શકું. ઉપરાંત ફકત ભાષાની નજરે કૃતિને તોલવી અયોગ્ય છે તેમાં રહેલા વિચારોને પણ સમજશો તેવી આશા.
આ વાતાૅ સંપૂણૅપણે કાલ્પનિક છે. મારા વિચારોને મે શબ્દોમાં ઉતારવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તેમાં રહેલ દરેકે દરેક પળને મે અનુભવીને લખી છે અને તે તમે પણ અનુભવી શકો તેના માટેના સંપૂર્ણ પ્રયાસ કરેલ છે આ કૃતિ ભવિષ્ય ની એવી સંભાવના દર્શાવે છે કે જે વિચારશક્તિ ના પરે છે કે જે કવચિત્ સાચી પણ ઠરે પરંતુ આ જરૂર તમને જરૂર કંઇક નવું આપશે. આ કૃતિ હું લખી શકયો તેના માટે તમામ લેખકોનો,મારા મિત્રોનો વિશેષ મારા પરિવાર અને ભગવાનનો આભારી છું.
કૃતિના તમામ કોપીરાઇટ ફક્ત અને ફક્ત લેખકના હસ્તકના છે તેના આધારે કે તેનો કોઈ પણ ભાગ/અંશનો કોઈ પણ રીતે અનુમતિ સિવાયનો ઉપયોગ ગેરકાનૂની છે. ©® Akshaykumar atulbhai vaniya.
આપ મારો કોન્ટેકટ નીચેના માધ્યમો દ્વારા સાધી શકો છો.
Email-akshayvaniya89@gmail.com
પ્રસ્તાવના
"સમય ક્ષિતિજ એટલે કે કોઈ એવો સમય કે જેમાં કોઈ ચોક્કસ ઘટના ચોક્કસ રીતે ઘટવાની છે જેને કોઈ ટાળી શકતું નથી"
ઇ.સ. ૨૧૫૦
ત્રીજા વિશ્વયુદ્ધ ના એંધાણ ચાલી રહ્યા હતા કે જેના પરિણામ સ્વરૂપે મિત્ર રાષ્ટ્રઓ સંયુક્ત થઈ ૨ મહસત્તામાં નિર્માણ પામ્યા એવી મહાસત્તાઓ કે જે એક બીજાને જડ મૂળથી મિટાવી નાખવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. તેમ જ રાજ નૈતિક કાવાદાવા દ્વારા દુશ્મનનું નામો નિશાન મિટાવી દેવા તોતિંગ પ્રમાણમાં ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવ્યા હતા કે જેનું પ્રમાણ પૃથ્વીનો પણ હજાર વાર વિનાશ નોતરી શકે તેમ હતું.આ જથ્થાને સુરક્ષિત રાખવા માટે તેનો સંગ્રહ ચંદ્ર પર કરવામાં આવ્યો પરંતુ બીજા માટે કૂવો ખોદનાર પોતે જ તેમાં પડે છે તેમ જ આ જથ્થાને લઇ જતા વાહનને અકસ્માત નડતાં તેણે સમગ્ર ચંદ્રનો વિનાશ નોતર્યો. ચંદ્ર અસંખ્ય ટુકડાઓમાં વિભાજીત થયો આ ટુકડામાંથી ઉલ્કા રચાઈ અને અસંખ્ય ઉલ્કાઓ પૃથ્વીના ગુરુત્વાકરષણ બળના કારણે પૃથ્વી સાથે અફડાઈ... ચંદ્રના ટુકડા પૃથ્વી સાથે જોડતા પૃથ્વીના કદમાં વધારો થયો ઉપરાંત પૃથ્વીએ અનુભવેલા આ જોરદાર આંચકાના કારણે પૃથ્વી તેની મૂળ ધરી(સૂર્યની ફરતે લંબાઈ ૧૪૦.૬૦ મિલિયન કિલોમીટર) પરથી ખસી એક નવી ધરી(સૂર્યની ફરતે લંબાઈ ૧૧૪.૧૯ મિલિયન કિલોમીટર) પામી ઉપરાંત તે તેના મુખ્ય અક્ષ સાથેના રચિત મૂળ કોણ(૨૩.૫°) થી બદલાઈ નવો કોણ (૩૮.૮°) પામી કે જેના પરિણામ સ્વરૂપે પૃથ્વી પરનો દિવસ ૪૭.૨૩ કલાકનો થયો જેમાં ત્રણે ઋતુઓનો અનુભવ થતો સવારે ઠંડી ભર બપોરમાં ચામડી બાળે તેવી ગરમી તેમ જ સંધ્યા કાળમાં તેને શામવા વરસાદ...
આટલા મોટા અકસ્માત બાદ એક તદ્દન જ નવી પૃથ્વીની રચના થઈ જેના અમુક ભાગોએ શરૂઆતના સરેરાશ ૫૦ વર્ષ તો ફક્ત ઘોર અંધકારમાં વ્યતીત કર્યા કારણ હજુ પણ ઉલ્કા પાતની ધૂળની ડમરીઓ સંપૂર્ણ પણે શમી ના હતી. તેમ છતાં પૃથ્વી પર ઘણી ખરી માનવ જાત જીવંત રહેવા પામી એક સંપૂર્ણ નવી માનવ વસ્તી કે જેમનો ના કોઈ ધર્મ હતો,ના કોઈ જાતિ,ના કોઈ દેશ કે ના કોઈ સમાજ. હતો તો બસ એક ચતુર માનવી કે જેણે આ નવી પૃથ્વીને શાક્ષત સ્વર્ગમાં પરિવર્તિત કરી.. સાનુકૂળ ના આવે તેવી પરિસ્થિતિઓમાં પણ તેણે પોતાના ચાતુર્યથી વૃક્ષો ઉગાડયા અદ્યતન ટેક્નલોજીનો પરચો આપી આ નવી પૃથ્વીને અત્યંત આધુનિક બનાવી કે જે આ નવા વાતાવરણ પણ પોતાનું સમતોલન જાળવી શકે. ઉપરાંત લોકોને વાતાવરણમાં અનુકુલિત કરવા અનેક રચનાઓ કરી અને ઘણું ઘણું લોકોને શીખવ્યું પણ અફસોસ.... વધુ જ્ઞાનનો શ્રાપ સંભાળવો દરેકના બસની વાત નથી હોતી અગણિત માનવ કલ્યાણના કામો કરી તેણે પોતાનો આપો ખોઈ દીધો અને સમગ્ર પૃથ્વી ઉપર ફક્ત પોતાનું રાજ સ્થાપિત કરી પોતાને રાજા સમજવા લાગ્યો તેના આ મનસૂબા પારખી અમુક લોકો તેનાથી અલગ થઈ ગયા જેઓ બ્લેઝ ગેંગ તરીકે ઓળખાયા તેઓનું મુખ્ય ધ્યેય સમયમાં પાછા જઈ ચંદ્રના વિનાશની ક્ષણને રોકી પૃથ્વીના રક્ષણની હતી જ્યારે તે બીજા વ્યક્તિની ચાલ હવે ટાઈમ મશીન રચી તેની વિરુદ્ધના સમગ્ર લોકોનો મૂળથી નાશ કરવાની હતી...
એક અજાણ્યો ભૂતકાળનો વ્યક્તિ કે જે પોતાની ઉપર માસ્ટર કન્ટ્રોલ ધરાવે છે તે આ સમય ક્ષિતિજ સાથે જોડાયેલ છે જે અજાણ્યા સંજોગોમાં અમુક તાકાત ધરાવે છે તેમ જ ભવિષ્ય પણ તેની ઉપર આધાર રાખે છે કારણ આ એક સમય ક્ષિતિજની શરૂઆત છે..
શું ભવિષ્યમાં આ ઘટના ઘટી શકે છે??
શું માસ્ટર કન્ટ્રોલ શક્ય છે?
ક્યો મનુષ્ય આ માસ્ટર કન્ટ્રોલ ધરાવે છે?
કેવી હશે આ નવી પૃથ્વી?
નવી પૃથ્વીમાં કેવા બદલાવ આવ્યા હશે?
સામાજિક રીતે કે રાજકીય રીતે કેવા બદલાવ જોવા મળશે?
કોણ હશે એ રાજા?
કોન જીતશે આ જંગ??
શું પૃથ્વી પહેલાં જેવી થવા પામશે?
શું લખાયું હશે આ સમય ક્ષિતિજમાં??
"TIME HORIZON"
"સમય ક્ષિતિજ"
વર્ષ ૨૦૭૨ જુલાઈ મહિનો
કમોસમી વરસતા વરસાદની એક રાત્રે "જોનસ ઓરફનહાઉસ" અનાથાશ્રમના બારણે ટકોરા પડે છે. મુશળધાર વરસતા વરસાદની મધ્ય રાત્રે આમ અચાનક કોઈ આગુંતકનો અવાજ સાંભળી મિસ્ટર જોન તેમના ગરમ ધાબળાને દૂર કરી સચેત થયા. સમગ્ર ધરતીને એક ક્ષણ માટે ઝગમગાવી દેતી વીજળી સાથેના ધોધમાર વરસાદમાં તેમના કાને કોઈ નવજાતના રુદનનો અવાજ અફડાયો.બાળકના રુદનના સ્વરમાં કૂતરાઓના ભસવાનો અવાજ ભળી રહ્યો હતો જે રાત્રિને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો. ચેતતા પગે તેમને જેવો દરવાજો ખોલ્યો પ્રકાશની એક તેજ ધારા કે જે વીજળીના માધ્યમે ઉદભવી હતી તેણે તેમને આંખો બંધ કરી દેવા મજબૂર કરી દીધા. આંખ આડા હાથ રાખી જ્યારે તેમણે આંખો ખોલી તો બહાર કોઈ પણ દ્રશ્યમાન ના હતું.બાળકના રુદનનો સ્વર ફરી ગુંજી ઉઠ્યો નીચે જોતા તેમણે એક બેગ પર બાળકને રડતા જોયું કે જે સંપૂર્ણ પણે ભીંજાઈ ગયું હતું તેમણે તરત બાળકને અંદર લીધું પરંતુ બહાર કોઈ દૃશ્યમાન ના હોવાથી તેમણે બહાર નજર કરતા કરતા દ્વારને બંધ કરી દીધો સારી દૃષ્ટિના અભાવે તેમને એક કાળો પડછાયો દૃશ્યમાન ના થયો કે જે દ્વાર બંધ થવાના ચરરરર અવાજ સાથે જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. મિસ્ટર જોન ઝડપથી ટુવાલ લઈ આવ્યા અને બાળકને કોરું કરવા લાગ્યા બાળકની શારીરિક બનાવટ પરથી જ દેખાઈ આવતું હતું કે તેને શા માટે તરછોડી દેવામાં આવેલ હતું નાના દોરડી જેવા હાથ - પગ મોટું માથું અને મોટી આંખો વજન પણ માંડ એકાદ કિલોગ્રામ જેટલું હશે કદાચિત તે અડધા માસે જન્મેલ બાળક હતું પરંતુ બેગ?? તેની સાથે બેગ શા માટે રાખવામાં આવી હતી?
મિસ્ટર જોને બાળકને ગરમ ધાબળા માં લપેટ્યું બાળકે પણ હૂંફ મેળવતા તે શાંત થઈ નિંદ્રા પામ્યું. મિસ્ટર જોને બેગ સામે નજર કરી કાળા રંગનું મધ્યમ બેગ કે જેની આગળની ચેન સાથે એક ચિઠ્ઠી બંધાયેલી હતી. આટલો વરસાદ હોવા છતાં તે હેમખેમ હતી જાણે કે તેના પર વર્ષા થઈ જ ના હોય. મિસ્ટર જોને ધ્રુજતા હાથે પોતાના ગોળ ચશ્માં ની દાંડી સરખી કરી તે વાંચી.
" આ બાળકને હેમ ખેમ રાખજો તેને ત્યજી દેવુ મજબૂરી છે. આ બેગમાં તેના ઉછેર માટે નાણાકીય વ્યવસ્થા કરેલ છે તે જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે તેને બેગમાં રાખેલ પરપલ બુક આપી દેજો કારણ તે ભવિષ્ય બદલનાર છે."
અને ત્યાં જ આશ્ચર્યની સાથે બેગની ચેન ખુલી ગઈ અને તેમાંથી અઢળક રૂપિયાની નોટો નીકળી કે જેને ખસેડતા પરપલ બુક તે બાળકના હાથ પાસે જઈ પડી..
૧૮ વર્ષ બાદ..
વર્ષ ૨૦૯૦ જુલાઈ મહિનો રાત્રીના ત્રણ વાગે
આજનો દિવસ એરોનના જીવનનો સૌથી દુઃખી દિવસ હતો તેણે પોતાના માતા પિતાને તો ક્યારેય જોયા ના હતા પરંતુ જેને તે તેથી પણ વિશેષ માનતો હતો તેવા અંકલ જોન જીવનના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. હોસ્પિટલના કોરીડોરમાં તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યાં જ તેને કાને અવાજ અથડાયો.
"એરોન મિસ્ટર જોન તને બોલાવે છે." નર્સ એરોનને ઝડપથી આવીને કહ્યું.
અને ત્વરિત ક્ષણે એરોન અંકલ જોન પાસે ભાગીને ગયો ટૂંકા અંતર છતાં તે કમજોર શરીર હોવાથી હાંફી ગયો એક લાંબા તેમજ પાતળા હાથ પગ ધરાવતો શારીરિક બાંધો આંખે ચશ્માં સરખાં કરતા ઊંડો શ્વાસ લઈ રહ્યો હતો જાણે કે કોઈ હાડપિંજર હાલી રહ્યું હતું.જેની સામે હોસ્પિટલના બેડ પર એક વ્યો વૃદ્ધ શરીર અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું પરંતુ તે શરીરની આંખોમાથી હજુ પણ મમતા નીતરતી હતી કે જેણે એરોનને વહાલભરી નજરે નિહાળ્યો અને પોતાનો ધ્રુજતો હાથ ઊંચો કરી પાસે બોલાવ્યો. એરોન ત્વરિત ક્ષણે તેમની પાસે જઈને બેસી ગયો. અંકલ જોને એરોનના ગાલ પર વાત્સલ્યનો હાથ પ્રસરવ્યો અને તેના હાથને હળવેકથી હાથમાં પકડીને કહ્યું.
" એરોન મારી પાસે વધુ સમય નથી કદાચ આજના દિવસ માટે જ હું જીવંત રહ્યો હતો આજથી બરાબર ૧૮ વર્ષ પૂર્વે તું મને મળ્યો હતો એક જવાબદારી સ્વરૂપે જે આજે હું પૂર્ણ કરી શાંતિ પામવા માંગુ છું. આજે મારો સમય છે કે જે નિશ્ચિંત હતો જેથી તું દુઃખી ના થઈશ પુત્ર.. આ ચોપડી મને તારી સાથેના બેગમાંથી મળેલી હતી કે જે તું મોટો થાય ત્યારે તને સોંપવાનીની હતી આ લે બેટા મને આ જવાબદારીથી મુક્ત કર." અંકલ જોને ધ્રુજતા હાથે એરોનના હાથમાં ચોપડી આપી અને તેની આંખોમાં જોઈને બોલ્યા "યાદ રાખજે તું મારો સૌથી પ્રિય વિદ્યાર્થી અને બાળક છું..."
બોલતા બોલતા મિસ્ટર જોનના હાથની પકડ ઢીલી થઇ ગઇ... એ દિવસે એરોન એ તેના જીવનમાં સૌથી વધુ આંસુ વહાવ્યા હશે.. એરોનનો રડવાનો અવાજ સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગુંજી ઉઠ્યો તેને ઈચ્છા તો ઘણી હતી કે તે આ ક્ષણને રોકી લે અંકલ જોનના મૃત્યુને ટાળી દે, પરંતુ સમય આગળ કોનું ચાલ્યું છે? દરેક વસ્તુ એક નિશ્ચિત સમયે ઘટવાની જ છે... તેણે માંડ પોતાની દુઃખના આંસુથી ભરેલી ભીની આંખો ખોલી અને અંકલ જોને આપેલા પુસ્તકને આંખો લૂછતાં ધૂંધળી દ્રષ્ટિએ જોયું તેના પર મોટા કાળા અક્ષરે લખાયેલું હતું "TIME HORIZON" "સમય ક્ષિતિજ"..
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Chapter 1
Purple book
જાંબલી પુસ્તક
અંકલ જોનના મૃત્યુને અઠવાડિયું થવા આવ્યું હતું પરંતુ હજુ એરોન શોકમાં હતો અને હોય પણ કેમ નહિ ભગવાને આપેલો એક માત્ર સહારો પણ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો. ના તે અનાથાશ્રમમાં કોઈ સાથે વાત કરતો કે ના આહાર લેતો છેલ્લા અઠવાડિયામાં કદાચ જ એણે ૨-૪ વાર ભોજન કર્યું હશે તદુપરાંત આ કમજોર શરીર.... ક્યાં સુધી વેઠતું ??એરોનને હોસ્પિટલમાં ભર્તી કરવો પડ્યો કારણ તે મૂર્છિત અવસ્થામાં આશ્રમના આંગણમાં પડેલો મળ્યો હતો પણ તબીબી વિજ્ઞાનના આભારી તે ૨ દિવસમાં સાજો થઈ ગયો તેમ જ તેને રજા આપી દેવામાં આવી. હોસ્પિટલના મુખ્ય દાક્તર માયાળુ તેમજ સજ્જન વ્યક્તિ હતા તેઓએ એરોનને બોલાવી તેને કહ્યું..
"મૃત્યુ દરેકનું નક્કી છે પણ તમારા સ્વજનના મૃત્યુના કારણે તમે જીવતે જીવ દરરોજ મૃત્યુ પામો તે સ્વર્ગમાં રહેલા તમારા સ્નેહીને પણ પસંદ નહિ આવે.. એરોન બેટા તને અંકલ જોને આટલો મોટો કર્યો શા માટે? કે તું ભણી ગણી એક દિવસ તેમનું નામ ઉજ્જવળ કરે તો આ રીતે કરીશ તું?? અને જ્યાં સુધી હું જાણું છું તું દરેક વર્ગમાં પ્રથમ આવે છે તો તું આ વખતે નહિ અાવવા માગે? હવે એમ પણ અભ્યાસ તેના અંતિમ તબ્બકામાં છે તો શું તે સારી રીતે પૂર્ણ નહિ કરવા માગે?? અંકલ જોનને દુઃખી કરીશ?"
એરોન નાનું બાળક ના હતો પણ શબ્દોની ભાવના સાવ સાચી હતી કારણ શરીરે કમજોર હોવા છતાં એરોનની બુદ્ધિ ક્ષમતાને આજ સુધી તેના વર્ગ શિક્ષક પણ આંબી શક્યા ના હતા.હા, એ વાત જરૂર હતી કે તેને શાળામાં મોડેથી મૂકવામાં આવ્યો હતો કારણ તે શરીરે ઘણો જ કુપોષિત હતો તેમ છતાં અંકલ જોને તેને પોતાનાથી ચડિયાતાનો કરાર આપેલો. ડોક્ટર સાહેબના શબ્દોએ એરોનને ઝંઝોડ્યો અને તેણે શાળામાં ફરીથી જવાનું નક્કી કર્યું પણ હજુ સુધી તે અધીરો હતો કારણ તેણે હજુ પરપલ બુકને વાંચી ન હતી.હોસ્પિટલથી રજા લઈ જેવો તે પરત ફર્યો તે જ સાંજે તે પુસ્તક લઈ પોતાના ઓરડામાં જતો રહ્યો અને દરવાજો બંધ કર્યો. આછી લેમ્પ લાઇટમાં તેણે પુસ્તક પોતાના ખોળામાં મૂક્યું તે સાથે જ તેને પોતાના બાળપણના દિવસો સાંભર્યા કે જ્યારે અંકલ જોન તેને આ જ બીછાના ઉપર આવા જ આછા પ્રકાશમાં વાર્તાઓ કહી સંભળાવતા અને માથે હાથ ફેરવીને તેને ક્યારે નિંદ્રાધીન કરી દેતા તેની ખુદ એરોનને પણ જાણ ન રહેતી... તેની આંખમાંથી એક આંસુનું બુંદ ભરાઈ આવ્યું કે જેને તેણે લૂછી લીધું અને પુસ્તક પર ધ્યાન આપ્યું. તેને પુસ્તક તો ઘણા જોયા અને વાંચ્યા હતા પરંતુ આ ખૂબ વિચિત્ર પ્રકારનું બાંધણી ધરાવતું હતું. કારણ તેને ખોલવું કઈ રીતે તે સુધ્ધાંનો ખ્યાલ આવી રહ્યો ન હતો. એરોને તેને ચકોર ફેરવીને જોયુ પણ કંઈ ના જાણી શક્યો ફક્ત દેખાતું હતું તો જાંબલી રંગનું પુસ્તક અને તેના મથાળે મોટા કાળા અક્ષરે લખાયેલા "TIME HORIZON" લખાણ અને તેની નીચે એક ત્રિકોણાકાર આકૃતિમાં આંખ રૂપી ઘડિયાળ અને જાત જાતની સંજ્ઞાઓ જેવી કે ઓમેગા, ઇન્ફિનિટી,ડેલ્ટા, ગામા ઘણી ખરીને તો એરોને તેના જીવનમાં પણ ક્યારેય જોઈ ના હતી પણ આશ્ચર્ય તેણે ત્યારે અનુભવાયું જ્યારે તેણે અજાણતા જ બધી સંજ્ઞા સંબોધી દીધી અને તેના વિશે વિસ્તૃત જાણકારી પણ તે જાણતો હતો...
એરોનએ ધીરેથી સંજ્ઞાઓ પર હાથ પ્રસરવ્યા તેને અનુભવાયું કે સંજ્ઞાઓ છપાયેલ નહિ પરંતુ કંડારેલી હતી તેણે ધીરે ધીરે બધી આકૃતિઓ પર હાથ ફેરવ્યો ત્યાં જ તેનો હાથ ઘડિયાળ સમાન આંખ પર ગયો કે જે પુસ્તકની મધ્યમાં ત્રિકોણાકાર આકૃતિમાં કંડારેલ હતી તેના પર હાથ જતા જ ના જાણે ઍરોન ને શું થયું તે અજાણતા જ ધીમા સાદે બોલ્યો " સમય ક્ષિતિજ" તે સાથે જ તે આંખમાંથી વાદળી રંગ ચમકી આવ્યો અને પુસ્તક ખુલી ગયું ડર ના માર્યા તે એરોનના હાથમાંથી પડી ગયું તેણે ડરતા ડરતા તેને ધીરે રહીને ઉઠાવ્યું અને ખોલ્યું પુસ્તકના પાના દૂધને પણ શ્યામ ઠરાવે તેવા સફેદ હતા પણ લખાણ? આ શું પુસ્તકમાં લખાણ કોઈ પણ પ્રકારનું દેખાઈ રહ્યું ના હતું ઉત્સુકતા માં તેણે પાનને ફેરવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમગ્ર પાનાંમાં તેને શ્વેત રંગ જ પ્રાપ્ત થયો. તે ફરીથી પ્રથમ પાના ઉપર આવ્યો ત્યાં જ અચાનક તે પાનું કોઈ સ્ક્રીનની માફક ઝળક્યું અને તેમાં ત્રાંસા અક્ષરે લખાઈને આવ્યું
"સમય ક્ષિતિજ એટલે કે એક એવો ચોક્કસ સમય કે જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા થશે અને ચોક્કસ રીતે થશે અને આ સમય ક્ષિતિજની શરૂઆત હવે થશે..."
અચાનક જ આ બદલાવ જોવાથી એરોન આભો બની ગયો હતો ઉપરાંત આ લખાણ તેને સમજાઈ રહ્યું ન હતું ત્યાં જ તે પુસ્તકમાંથી નાના ઇન્જેક્શન માફક એક સુક્ષ્મ તીર નીકળ્યું અને તેના ગળામાં મધ્યની થોડે પાસે અથડાઈને નીચે પડ્યું (જ્યાં કેરોટીડ આર્ટરી આવેલ હોય છે) તેણે તે ઉઠાવી ધ્યાનપૂર્વક જોયું આગળ સોય ધરાવતું આ ઇન્જેક્શન માફક યંત્રની મધ્યમાં નાની લેડ બલ્બ જેવી રચના હતી જે ખાલી હતી બની શકે તેમાં કશું ભરવામાં આવતું હશે.. પુસ્તકના પાનામાં વધુ સમજ ના લેતા તેણે તે કંટાળીને મૂકી દીધું અને પોતાની પથારી પર લંબાવી દીધું...
દરેક શાળામાં કે સમાજમાં કમજોર બાળકોની સાથે કેટલાક સામાન્ય કે હ્રદયપૃષ્ઠ વ્યક્તિઓ દ્વારા બેહુદુ વર્તન કરવામાં આવે છે ,કે જેથી તે પોતાની વિકૃત માનસિકતા દર્શાવી પોતાને શક્તિશાળી અનુભવતા હોય છે. એરોન આ કિસ્સા પહેલાં પણ અનુભવી ચૂક્યો હતો જેમાં દર વખતે અંકલ જોન તેની મદદ સમાન દીવાલ બની તેનું રક્ષણ કરતા હતા છતાં પણ અમુક બાળકો દ્વારા એરોનને કેટલી વાર કચરા પેટીના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યો હતો. ઘણા ખરા બાળકો આ જ કારણે શાળાએ જવાનું ટાળે છે. અંકલ જોનના મૃત્યુ બાદ આજે એરોન પ્રથમ વાર શાળાએ એકલો ગયો તેના વર્ગ શિક્ષક તેમ જ પ્રિન્સિપાલ દ્વારા તેને લાગણીના મર્માળુ શબ્દો સાંભળવા મળ્યા ત્યાર બાદ તે વર્ગમાં પહોંચ્યો. વર્ગમાં પણ ઘણાખરા લોકોએ તેના પ્રવેશ સાથે જ ગણગણાટ ચાલુ કરી દિધો કે જે વિષય શિક્ષક દ્વારા શાંત કરવામાં આવ્યો અને વર્ગ નિયમિત પણે ચાલવા લાગ્યો.
આજનો દિવસ તેને ઘણો લાંબો લાગ્યો હતો.જેવો જ શાળા છૂટવાનો બેલ રણકયો બધા ચિચિયારીઓ પડતા શાળાની બહાર ભાગવા લાગ્યા ઘણાખરા એરોનને જાણીને અથડાઈને જતા હતા પણ તેણે તેની આદત પાડી લીધી હતી. શાળાનો પાછળનો ગેટ કે જ્યાંથી અનાથાશ્રમ લગભગ ૧૫ મિનિટના અંતરે હતું કે જેના કારણે એરોન પગપાળા શાળાએ જવું પસંદ કરતો. શાળાથી છૂટ્યા બાદ તે મોઢું નીચે રાખી ત્યાંથી જઈ રહ્યો હતો ત્યાં જ તેના કાને આર્થરનો અવાજ આવ્યો તે શાળાનો સૌથી તોફાની તેમ જ ક્રૂર વિદ્યાર્થી હતો ઘણી વાર એરોન તેના હાથે કારણ વગર ધોવાયો હતો.ઘણા લોકો તેનાથી પરેશાન હતા પરંતુ કદાવર શરીરના કારણે કોઈ તેની સામે બાથ ભીડવા તૈયાર ન હતું. એરોને પોતાની ચાલવાની ઝડપ વધારી ત્યાં જ તેના કાને કાચના તૂટવાનો અને એક કારમી ચિસનો અવાજ આવ્યો. તેને ગભરાઈને શાળાની પાછળના ઝાડ તરફ જોયુ તો આર્થેરે એક છોકરાના હાથ પર ગરમ કસનળી ચોંટાડી દેતા કાચ તૂટીને ચકોર પડયો હતો એ છોકરો બૂમો પાડતો ભાગી રહ્યો હતો અને આર્થર જોર જોર થી હસી રહ્યો હતો તેની પાસે કેમેસ્ટ્રી લેબના ઘણા સાધનો અને રસાયણો હતા કે જે પોતાના ખિસ્સા અને બેગમાં ભરી રહ્યો હતો. તેનો ઈરાદો બેશક તેની ચોરી કરી વેચી દેવાનો હતો ત્યાં જ તેણે એરોનને જોયો પરંતુ પોતાની ચોરી પકડાઈ જવાનો ડર તેની આંખમાં દેખાઈ રહ્યો ન હતો ઉલટાની એક વિકૃતાઈ તેની આંખમાં છલકાઈ કે જે અટ્ટહાસ્ય સ્વરૂપે મુખેથી બહાર આવી. તેણે પોતાના હાથમાં બિકર પકડી રાખ્યું હતું કે જેમાં રેતી હતી અને મધ્યમાં એક બીજું બિકર. તેણે બીકર સામે જોયું અને અટ્ટહાસ્ય કરતા એરોન સામે જોઈ દોટ મૂકી તે સાથે જ એરોનના હ્રદયમાંથી કમકમાટી છૂટી કારણ તે બીકરને સારી રીતે ઓળખતો હતો. કદાચ આર્થર પણ ઓળખતો હોત તો સારું હતું તેને તો ફક્ત આ પ્રવાહી એરોન પર ચકાસવું હતું જે બદનસીબે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હતો. આ સમય કોઈ ગાંડા સમાન મંદ બુદ્ધિને સમજાવા માટે ના હતો એરોને થાય એટલું જોર કરી દોડ કરી પણ તેનું કમજોર શરીર હાંફી રહ્યું હતું ત્યાં જ પાછળ આવતો કાળ નીરખી તે વધુ જોરથી ભાગવા વલખાં મારતું. અચાનક જ એરોનનો પગ લપસ્યો અને તે કાદવમાં ધસડાયો રસ્તામાં આવતા તળાવમાં ઘણાખરા જાનવરો પાણીમાં જતા અને આવતા જેથી તેની પાસેનો રસ્તો કાદવ વાળો થઈ જવા પામ્યો હતો. એટલામાં આર્થર પણ તેની પાછળ આવી પહોંચ્યો અને ચાડા પાડતા પાડતા તેની પર તે રસાયણ નાખવાની વાત કરવા લાગ્યો.એરોન કાકલૂદી કરતો તેને સમજાવા લાગ્યો પણ જે ના સમજે તેનું શું!! અંત નજીક આવી જાય ત્યારે બકરી પણ સિંહને સિંગડા મારવા પ્રયત્ન કરે છે ઍરોને કોઈ બીજો રસ્તો ન જોઈ આર્થરના પગે લાત મારી અને તે સાથે જ આર્થરના હાથમાંથી એસિડ જમીન પર ઢોળાઇ ગયો. એરોનની લાત એટલી જોરદાર હતી ઉપરાંત આ લીસી કાદવ વાળી જમીનના પ્રતાપે તે લપસીને તળાવમાં જઈને પડયો. આર્થરનાં પાણીમાં પડતાની સાથે જ એક મોટા વિસ્ફોટનો અવાજ આવ્યો અેરોને તે તરફ જોયું અને તેના ચહેરા પર રક્તનો ફુવારો ઉડ્યો. આર્થરનાં ખિસ્સામાં સોડિયમ નામક પદાર્થ હતો કે જે પાણીનાં સંપર્કમાં આવતા વિસ્ફોટ પામ્યો. એરોન આ દૃશ્ય સહી ના શક્યો અને ત્યાંથી અનાથાશ્રમ તરફ ભાગી ઉઠ્યો.
આશ્રમમાં જઈને તેણે પોતાને સાફ કર્યો પોતાના કપડાં સાફ કર્યા હાથ છોલાઈ ગયો હતો ત્યાં મલમ લગાવી અને તૂટેલા ચશ્મા બોક્સમાં રાખી રૂમમાં ભરાઈ બેઠો. તેની નજરો સામે વારંવાર હમણાં ઘટી ગયેલ ઘટના આવવા લાગી, આર્થરનું રક્ત જાણે હજુ પણ તેના મો પર ઉડી રહ્યું હતું. તેને ગભરાઈને ચહેરો નીચે કરી દીધો ત્યાં જ તેણે નીચે પેલી પરપલ બૂક પડેલી જોઈ. આજની ઘટના ના કારણે તે સંપૂર્ણ પણે ડરેલ હતો જે ડરના કારણે તે બેઠા બેઠા જ સૂઈ ગયો.. આશ્રમના મોટા ભાગના બધા જ બાળકો બોર્ડિંગ સ્કૂલમાં અને કેટલાય પોતાનું અલગ જીવન કરી બેઠા હતા જે બચી ગયા હતા તેઓને કોઈ દત્તક લઈ લીધા હતા હવે આ આશ્રમમાં ફકત અમુક જ લોકો ક્યારેક આવતા જેવા કે રસોઈ વાળા મહારાજ અને સાફ સફાઈ કરવા વાળા.એરોન અને અંકલ જોન બંને જણ પિતા પુત્રની જેમ રહેતા આ આશ્રમમાં રહેતા પણ પિતાના જવાથી આ આશ્રમ પણ સુનો પડી ગયો હતો. એરોનની આંખ અચાનક ખુલી રાત્રીના ૧૨ વાગવા આવ્યા હતા તેણે ભૂખના માર્યો ઉઠી કશું ખાવું ઉચિત માન્યું બેડનો સહારો લેતા તે બેઠો થયો ત્યાં જ તેના કાને કોઈની હાજરીનો અણસાર આવ્યો તેણે લાઈટ ચાલુ કરી તેને રસોડામાંથી વાસણ પડવાનો અવાજ આવ્યો અને કોઈ વ્યક્તિના પગલાંઓ સંભળાઈ રહ્યા હતા તે ડરતા ડરતા ઉઠ્યો. તેણે બહાર નિકવાની જગ્યા એ રૂમ બંધ કરવો ઉચિત માન્યો. ઝડપથી ડરતા પગે તેણે દરવાજાની ઉપર સમેતની બધી સ્ટોપર વાંસી દીધી. દિવસમાં ઘટેલી આ ઘટના બાદ મધ્ય રાત્રિએ આવું કશું ડરના માર્યા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.ત્યાં જ એરોનના દરવાજો જોર જોરથી ખખડવા લાગ્યો અને કોઈ તેને તોડવા પ્રયત્ન કરવા લાગ્યું દરવાજો પણ જૂનો હોવાથી તેમાં રહેલ કાચ તો ખખડતા વેત તૂટી પડ્યા અને થોડી વારમાં દરવાજો પણ જમીન દોસ્ત થઈ ગયો. એક લાંબો કાળો કોટ પહેરેલો માણસ તેની તરફ આગળ વધ્યો. જેને જોઈ એરોન ડરીને પોતાની પથારી પર ટૂંટિયું વાળીને બેસી ગયો અને તેને જતા રહેવાની વિનંતી કરવા લાગ્યો છતાં પણ તે માણસ તેની તરફ આગળ વધી રહ્યો હતો. તેના મો પર બુકાની બાંધેલ હતી તેમ જ માથે કાળી ટોપી બીજો કોઈ રસ્તો ના મળતા એરોને તેના હાથમાં જે આવ્યું તે માણસ પર ઘા કરવાનું ચાલુ કર્યું જેમાંથી ઘણા ચૂકાઈ ગયા ત્યાં જ એરોનનાં હાથમાં પુસ્તક આવ્યું કે જેનો ઘા કરવા જતાં જ તેનો હાથ અટકી ગયો " time horizon" અંકલ જોને આપેલી છેલ્લી નિશાની હતી તે પુસ્તકને છાતી સાથે લગાવી હૈયાફાટ રુદન કરવા લાગ્યો ત્યાં જ પેલા માણસે એરોનની પાસેથી તે પુસ્તકને ખેચ્યું અને બંને લોકોનો તે પુસ્તક પર સ્પર્શ થતાની સાથે ચોમેર અજવાશ ફેલાઈ ગયો અને એરોન બેભાન થઈ ગયો.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀