Part 4
બીજાં દિવસે પ્રીતિ પણ પાછી સાસરે આવી ગઈ.કામ પર જવા લાગી.રૂટિન લાઈફ શરૂ થઈ ગઈ હતી.થોડાંક મહિના વીતી ગયાં ને ખબર પડી કે પ્રીતિને પ્રેગ્નેટ રહી ગયાં છે.પ્રીતિએ પોતાની મમ્મી સાથે વાત કરી.આ વાત સાંભળી પ્રીતિની મમ્મી એકદમ જ ખુશ થઈ ગઈ.
"એક બાળક થઈ જવા દે."
"પણ હજી અમે જ બરાબર સેટ થયાં નથી ,તો બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશું?"
"બધું જ થઈ જશે.અમે છીએ ,તારાં સાસુ-સસરા છે."
"ઠીક છે.હર્ષને મેં હજી જણાવ્યું નથી.હું એની સાથે પણ એક વાર વાત કરી જોઉં છું."
"ભલે."
"ઓ.કે.,બાય."
"બાય,બેટા."
સાંજે પ્રીતિ હર્ષને વાત કરે છે.હર્ષ પણ આનંદથી એકદમ ઉછળી પડે છે.ઘરમાં આનંદનું વાતાવરણ થઈ જાય છે.રાત્રે સૂતી વખતે પ્રીતિએ હર્ષને કહ્યું,
"હર્ષ મારે તારી સાથે થોડીક વાત કરવી છે."
"હા ,બોલ ને."
"તને નથી લાગતું કે હજી આપણે બાળક માટે તૈયાર નથી."
"એક બાળક થઈ જવા દે ને."
"પણ, આપણી તૈયારીઓ બાળક માટે છે?"
"એટલે?"
"હું નથી ઈચ્છતી કે મેં કે તેં જે પણ સંઘર્ષ કર્યો છે ,એવો જ સંઘર્ષ આપણાં થનાર બાળકને કરવો પડે."
"પ્રીતિ, આટલો બધો વિચાર ન કર.બધું જ સારું થઈ જશે."
હર્ષ જોડે વધારે પડતી દલીલ કરવી પ્રીતિને હવે યોગ્ય ન લાગી.
"ગુડ નાઈટ." બોલી એ સૂઈ ગઈ.
જોતજોતામાં દિવસો પસાર થવાં લાગ્યાં.પ્રીતિને આઠમો મહિનો બેઠો.પ્રીતિની મમ્મીનો ફોન આવ્યો,
"હૅલો,પ્રીતિ."
"હં,બોલ મમ્મી."
"બેટા, તને આઠમો મહિનો બેસી ગયો છે.તારાં સીમંત વિધિ માટે તેં તારાં સાસુને વાત કરી?"
"અમારાંમાં સીમંત વિધિ નથી કરવામાં આવતી."
"તો હું આવીને વ્યવહાર કરી જાઉં?"
"ના, તારે હેરાન થવાની જરૂરત નથી."
"પણ….."
"અને હા, સાંભળ અમારાંમાં પહેલાં બાળકની ડીલીવરી સાસરે જ થાય છે એટલે તું ત્યાર પછી જ એકવગી આવજે."
"હા, સારું.તારી તબિયતનું ધ્યાન રાખજે."
"હા,સારું મમ્મી."
"જમાઈબાબુ મજામાં છે ને?"
"ઓહ , યસ.એકદમ ફર્સ્ટ ક્લાસ.પપ્પાની તબિયત સારી છે ને?"
"હા."
"શું વાત ચાલે છે,મા-દીકરી વચ્ચે?"હર્ષ રૂમમાં પ્રવેશતાં પ્રવેશતાં બોલ્યો.
"ચાલ મમ્મી આપણે પછી વાત કરીએ."એમ કહી પ્રીતિ ફોન મૂકી દે છે.
નવ મહિના પૂરાં થતાં જ પ્રીતિએ એક સુંદર બાળકને જન્મ આપ્યો.બાળકનાં જન્મ પછી પ્રીતિ નોકરી છોડી દે છે.પ્રીતિનાં માતા-પિતા આવ્યાં.છોકરો આવવાથી પ્રીતિની માતાનો હરખ સમાતો ન હતો.ઘરનાં બધાં જ ઘણાં ખુશખુશાલ હતાં.
"હવે અમે પ્રીતિને લઈ જઈએ છીએ.સવા મહિનો આરામ કરશે."પ્રીતિની માતાએ હર્ષની માતાને કહ્યું.
"તમારાં જમાઈબાબુને પૂછી જુઓ."
"એમની સાથે તો વાત થઈ ગઈ છે."
પ્રીતિનાં માતા-પિતા , પ્રીતિ અને બાળકને લઈ ઘરે આવે છે.પ્રીતિની માતા પ્રીતિ અને બાળકનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે.પ્રીતિની ખાસ ફ્રેન્ડ કોમલ ને ખબર પડતાં જ તે પ્રીતિને ફોન કરે છે.
"ઘણાં ઘણાં અભિનંદન."
"થેન્ક યૂ સો મચ."
"તું ભલે ન જણાવ પણ મને બધી જ માહિતી મળી જતી હોય છે."કોમલ મજાક કરતાં બોલી.
"મીતાએ કીધું હશે."
"બરાબર.હું કાલે સાંજે તને અને મારાં ભાણિયાને મળવા માટે આવી રહી છું."
"ચોક્કસથી આવજે."
બીજા દિવસે કોમલ આવી.બાળકને ખૂબ જ રમાડ્યો પછી પ્રીતિ સાથે વાતો કરવા લાગી.પોતાનાં ઘરનાં લોકો વિશે,વર વિશે,પોતાનાં બાળક વિશે બધી જ વાત થવા માંડી.
"ચાલ હવે હું જાઉં છું.વાતો કરવામાં ને કરવામાં ક્યાં સમય વીતી ગયો એનું ધ્યાન જ રહ્યું નહિ.હું થોડાં દિવસ પછી પાછી તને મળી જઈશ."
કોમલનાં ગયા પછી પ્રીતિ થોડો આરામ કરે છે.જમવાનું બનાવી દીધાં પછી પ્રીતિનાં મમ્મી પ્રીતિ પાસે આવ્યાં ને પ્રીતિને ઉઠાડી.
"ચાલ બેટા, જમી લે."
"હા મમ્મી."
"તું પણ જમી લે મારી સાથે."
"હું તારાં પપ્પા આવી જાય પછી જમીશ."
સવા મહિનો પૂરો થઈ ગયા પછી પ્રીતિ અને એની માતા બાળકને લઈ મંદિરે આવ્યા હતાં.મંદિરે દર્શન કરી નીચે આવ્યા ને ચપ્પલ પહેરતાં હતાં ત્યાં કોઈએ પાછળથી "પ્રીતિ,કેમ છે તું?" એવું કહ્યું.
પ્રીતિએ પાછળ વળીને જોયું તો નેહા હતી.નેહાને આમ અચાનક અને ઘણાં બધાં વર્ષો પછી જોતાં પ્રીતિને ખૂબ જ આશ્ચર્ય થયું.એ વાતની પણ નવાઈ હતી કે નેહાએ એને સામેથી બોલાવી હતી.
"હાય ,નેહા.તું કેમ છે?"
"હું એકદમ મજામાં છું."
બંને વચ્ચે થોડી ઘણી વ્યવહારિક વાત ચાલતી હતી ને ગાડીનો હોર્ન વાગ્યો.
"આવું છું." નેહા બોલી.
ગાડીમાં દિપક હતો.પ્રીતિ સામે હસ્યો ને હાથ હલાવીને હાય કર્યું.પ્રીતિએ પણ સામે હાથ હલાવી હાય કર્યું.
"બાય" કહી નેહા ત્યાંથી જતી રહે છે.
"બહુ જ સુખી ઘરમાં ગઈ છે."પ્રીતિની મમ્મી બોલી.
'શું મોટાં બંગલામાં રહેવું ને જુદી-જુદી ગાડીઓમાં ફરવું એને જ સુખ કહેવાય છે.' પ્રીતિએ મનમાં વિચાર્યું.
બહારથી તો નેહા ઘણી જ સુખી જણાતી હતી.પણ શું સાચે જ એક કરોડપતિ છોકરાં સાથે પ્રેમ કરી ,પછી એની જ સાથે લગ્ન કરી નેહા ખુશ હતી? મનપસંદ છોકરો,એ પણ ખૂબ જ પૈસાદાર,મહેલ જેવાં મોટાં ઘરમાં રહેવાનું,ગાડીઓમાં ફરવાનું એ જ સાચું સુખ હોય છે?
નેહાને રહેવા માટે મોટું ઘર તો હતું પણ પોતાની રીતે રહેવાની સ્વતંત્રતા નહોતી.નેહા પોતાનાં ઘરે એકદમ જ સ્વછંદ રીતે રહેતી હતી ને સાસરે બંધન જેવું લાગતું હતું.નેહાનાં સાસરે બાળકોને સાચવવા માટે તેમજ નેહાને હેલ્પ કરવાં નેહાની મમ્મીએ બાઈઓ રાખી આપી હતી.પગાર પણ એની મમ્મી જ ચૂકવતી હતી.નેહાનાં સાસુને નેહા માટે વધારે નોકર-ચાકર રાખવાં પરવડતું નહિ એવું નહોતું પણ પસંદ નહોતું.
ઘણી જ બાબતોમાં નેહા અને એની સાસુને પટતું નહોતું.બંનેનાં વિચારોમાં મતભેદ રહ્યાં કરતાં હતાં.નેહા પોતાની મમ્મીનાં ઘરે જે રીતે રહેતી હતી એનાં કરતાં ઘણું જ અલગ પ્રકારનું જીવન દિપકનાં ઘરે જીવવું પડતું હતું.
"દિપક,મને અહીંયા નથી ફાવતું.મમ્મી જોડે પણ મને અણબનાવ રહે છે.હું મારી રીતે અહીંયા નથી રહી શક્તી."
"નેહા,શરૂઆતમાં બધાંને જ તકલીફ પડતી હોય છે,ને તને પણ પ્રોબ્લેમ રહે એ સ્વાભાવિક છે.માન્યું મમ્મીનો સ્વભાવ થોડો કડક છે.થોડો ચીકણો પણ તને લાગ્યો હશે.પણ મમ્મી દિલથી ખૂબ જ સારી છે.ધીરે-ધીરે તને એની સાથે ફાવતું થઈ જશે."એમ કહી નેહાને બાહોંમાં લઈ લે છે.
દિપક ની આવી સમજદારીભરી વાતો સાંભળી અને પ્રેમ જોઈ નેહા માની તો જતી હતી.પણ ન ફાવવાને કારણે રોજ સાંજે છોકરાંઓને લઈ ઘરમાં જે ગાડી પડી હોય એ ગાડી ચલાવીને પોતાની મમ્મીને ત્યાં આવી જતી હતી.નેહાને વાપરવાં માટે પણ જો પૈસા જોઈતાં હોય તો એ પૈસા એની મમ્મી જ એને આપતી.દિપક પાસે માંગતી તો દિપક કહેતો કે ,"મમ્મી પાસેથી લઈ લે જે."
નેહાએ સાસુ પાસે બે-ત્રણ વાર પૈસા માંગ્યાં હતાં પણ સાસુએ એમ કહીને ટાળી હતી કે ,"તને પૈસાની શું જરૂર છે,બધું માંગ્યા વગર જ મળી રહે છે.તારે જે લાવવું હોય તે મને કહેજે,હું લાવી આપીશ."
પછી નેહા જ્યારે પૈસા માંગે ત્યારે દિપક એમ જ કહે કે," તારે જે જોઈએ એ મમ્મીને કહેવાનું યા તો મમ્મી સાથે જઈને લઈ આવવાનું."
-----------------------