Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 4

"વાહ, ડેરિંગ છે બાકી, તને ખબર અર્ચના આપડી જનરલ સેક્રેટરી છે?" એક સિનિયર છોકરીએ આકાશની પાસે એની તારીફ કરતા જઈને કહ્યું.

"એતો એમણે કાનમા ધમકાવ્યો, એટલે ડરીને મેં તો એમનો જ હાથ પકડી લીધો." આકાશ ચારેબાજુ નજર ફેરવતાં જઈને બોલ્યો.

પાર્ટી સમાપન થવાની કગારે હતી, આકાશને mr.ફ્રેશર્સનું ટાઇટલ આપવામાં આવ્યું, આમતો સામે કોઈ પ્રતિસ્પર્ધી હતું નઈ એટલે ખેપટ આકાશને title મળી ગયું. આ બધી ખુશી વચ્ચે પણ આકાશનું મન બેચેન હતું, એનો તો મૂડ જ મરી ગયેલો હતો. ધરા આવી જ નઈ આજે. શિવાનીને પણ એને પૂછી જોયું, પણ એને પણ કઈ ખ્યાલ નહોતો. આજે એક ચાન્સ હતો આકાશના હાથમાં, એ ગયો. "કોસીસ કરને વાલો કી કભી હાર નહિ હોતી", આજે નઈ તો કોઈ બીજા દા'ડે, પણ એના મનની વાત તો એણે એને કહેવી જ હતી. આ ફીલિંગ્સ એના માટે રિઝર્વડ છે, આવી લાગણી ના તો કદી કોઈ માટે થઇ હતી આકાશને કે ના તો આવી લાગણી કોઈ જોડે આગળ બંધાશે.

*******************************************************************************

અહ્યાં કોઈ આવતું તો નથી ને?" હર્ષાની બાજુમાં બેસતાં બેસતાં આકાશે પૂછ્યું.

"ના, કોઈ નથી આવાનું." કહીને હર્ષા ઉભી થઈને એક બીજી છોકરીની પાસે જઈને બેસી ગઈ.

"નો'તું જ બેસવા દેવું તો ના પડી દેતી, ઉભી થઈને ઈન્સલ્ટ કરવાની જરૂર નો'તી". એને ફરી એકવાર થયું કે હું પાછળ એકલો જ બેસી રહું એજ બરાબર છે, બે મહિના થયા પણ સાલું કોઈ બાજુમાં બેસવા પણ તૈય્યાર નથી, ને જે બેસવા દે છે એની આજુબાજુ આજકાલ પેલી બટકી ફર્યા કરે છે. આજે આકાશ એનાટોમીના લેકચરમાં જરા મોડો પડ્યો હતો એટલે આજે પણ ધરાની બાજુમાં બેસવાની એની મહત્વાકાંક્ષા અધૂરી જ રહી ગઈ.

"મારે એને પૂછવું હતું કે કાલે કેમ ના આવી? બીમાર તો નથી પડી ગઈ ને એ. ના, જો બીમાર પડી હોત તો આજે પણ નઈ આવતી, એવી કેવા બીમારી હશે જે એક જ દિવસ માં સુધરી ગઈ. છોડ, એ તો હવે એને પ્રકટીકલ ક્લાસમાં જ પૂછવા મળશે. આ બટકી નું કૈક કરવું પડશે, જ્યાં-ત્યાં આવી પડે છે. "

આકાશ ને પોતાની તરફ તાકતાં જોઈને ધરા ઈશારો કરીને આકાશને બોર્ડ તરફ જોવાનું કહ્યું. આકાશ એ એની તરફ સ્મિત કરીને ગરદન થી નકાર ભરી. તો ધરા એ પણ પોતાના માથે ટપલી મારીને એને પાગલ કહીને પોતે બોર્ડ તરફ જોવા લાગી.

"એ છોકરા, ઉભો થા, શું નામ છે તારું?" પ્રોફેસર મેડમે આકાશને ઉભો કરીને પૂછ્યું.

"આકાશ." ઘભરાઈને આકાશ ઉભો થઇ ગયો.

"ક્યાંથી છે?"

"દાહોદ"

"ગુજરાતી મીડીયમ ?"

"હા" આકાશે જૂઠું જ કહી દીધું.

"બિચારા, ગુજરાતી માધ્યમ ના બાળકોને થોડી તકલીફ પડે શરુ શરુમાં , પછી બધું જ આવડી જાય, થોડીક મહેનત વધુ કરવી પડશે પણ મારો અનુભવ છે દર વખતે ગુજરાતી વાળા જ ટોપ કરે, ઇંગલિશ મીડીયમ વાળા ખાલી હવા કરવામાં જ રહી જાય, બેસી જા ને આ બાજુ ધ્યાન આપજે હવે."

"વાહ! સારું થયું conphycsમાં ગયેલો, ત્યાં જ તો બધા સેનિઅર્સએ કહેલું કે એનાટોમીના અલ્પના મેડમને ગુજરાતી મીડિયમ અને સુરત બહારનાં મેનલી મધ્યગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે સોફ્ટ કોર્નર છે."

દર વર્ષે સેનિઅર્સ નવા આવેલા ખાસ જુનિઅર્સ ને દરેક પ્રોફેસર્સનું ચરિત્રવર્ણન કરી દેતા હોઈ છે અને તેમનાથી બચવાના નુશ્કા પણ જણાવી અગમચેતી દે છે. જેથી પોતે અનુભવેલા કડવા અનુભવ પોતાના લાડલા જુનિઅર્સને ના થાય. આજ તો મહાનતા છે સિનિયર-જુનિયર રિલેશન્સના. સેનિઅર્સ હંમેશા પોતાના જુનિઅર્સને એક મોટા ભાઈ-બહેનની જેમ સલાહ તેમજ ઠપકો આપીને સુધારતા હોઈ છે. આકાશ conphycs માં એકલો ગયેલો જ્યાં એને કોલેજના બધા જ સેનિઅર્સ ઓળખી ગયા હતા, આકાશની છાપ જ સેનિઅર્સ સામે ડેરિંગ કરવા વાળા જુનિયરની પડી હતી. કેમકે, પહેલાં એણે conphycs માટે viva છોડ્યા ને પછી ફ્રેશર્સમાં જી.એસ. ને પ્રોપોઝ કરીને બોલતી બંધ કરી. બધાં ભલે જે માને તે પણ આકાશનું જ મન જાણે કે કેમ એણે એ બંને કદમ ઉઠાવ્યા, પણ ગમે તે હોઈ આકાશ બધાના માનસપટલ પર શરૂઆતમાં છવાઈ ગયો હતો. પહેલી વાર એટલું બધું અટેંશન એને મળી રહ્યું હતું એટલે એ પણ એનો લુફ્ત ઉઠાવી રહ્યો હતો.

"તું, તો કહેતો હતો કે તું english medium માંથી છે?" શિવાની એ આકાશની પીઠ પર થપકી મારીને તેનું ધ્યાન દોર્યું.

"મને જ નથી ખબર હું ક્યાં માધ્યમમાં કહેવાઉ, હાહા,, જ્યાં જે બચાવે એ કહી દઉં."

"મને તો લાગ્યું આજે તું તો ગયો"

"એમ કેમ જાઉં? મને સેનિઅર્સ કહી ગયેલા કે એમનાથી કેવી રીતે બચવું, જો સવાલ પૂછતાં તો શાયદ ભૂલ પડતી પણ યુ નો, હમ અપના લક પહનકે ચલતે હે " પોતાની બડાઈ હાંકવાનો મોકો એ કદી નઈ છોડતો.

શિવાની એ પોતાના બેગમાંથી કોપીકો કેન્ડી કાઢીને ધરા અને આકાશને આપી.

"આનાથી ચક્કર નૈ આવે, મને તો બો ગંદી સ્મેલ આવે આ કેડેવરમાંથી, એટલે રોજ લઈને આવું "

"તો તો રોજ તારી પાસે જ ઉભા રેહવું પડશે "

“હા સ્યોર, આમ તો હું આગળ ઉભી હોઉં, આજે જ પાછળ છું, ચોકલૅટ માટે તારે આગળ આવવું પડશે”.

"જય માતાજી, ચાલશે ચોકલૅટ વગર, મને તો ચક્કર નઈ આવ્યા કદી."

ત્રણેયનાં વિચારો સાવ જુદાં. પણ કાંઈકે હતું જે આ ત્રણેયને આજે સાથે ઉભા કરી દીધેલાં. આમતો શિવાની ભણવામાં બૌ જ ધ્યાન આપતી, દરેક વિષયની અલગ અલગ નોટસ બનાવવી, હાઈલાઈટરથી imp. ટોપિક્સ ને હાઈલાઈટ કરવા ને પછી ઘરે જઈને વાંચવું. જયારે ધરા નોટબુક તો લાવે પણ લખે ગણી ને થોડું ઘણું સમ ખાવા પૂરતું. આકાશ હતો તો હોશિયાર, પણ એને મેડિકલમાં કાંઈ ખાસ ઇન્ટરેસ્ટ હતો નઈ, એને એન્જિનિરીંગ કરવું હતું પણ હવે અહ્યાં આવી ચડ્યો. જયારે એને નેવીમાં ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો તો એને ફરીથી આશા બંધાણી કે હવે છુટકારો થશે, પણ ત્યાં એનો ભેંટો ધરા જોડે થઇ ગયો. આખરે દિમાગ અને દિલ આમને સામને આવી ગયા. ઘરેથી પપ્પા પૂછે તો કહી દેતો કે બરાબર તૈયારી કરે છે ને એ પહેલા ટ્રાયલમાં જ નીકળી જશે એવો વિશ્વાશ બતાવતો. પણ આકાશ એનાથી સાવ વિપરીત, રોજ સાંજે બેસી જાય એની પ્રિય ડાયરી ધરાને લઈને અને પ્રેમપુરાણ ચાલુ કરી દે.

ડાયરી કોઈ વાંચી ના જાય એમ ડાયરીને પોતાના ઝોલામાં મૂકી લૉક કરીને એ નિશ્ચિન્ત થઈને સુઈ ગયો.