કોણ હતું એ ખબર નથી પણ એ ટોળું આપણા મુસ્લિમ સમુદાયનું હતું બિચારાને છડે ચોક રહેંસી નાખ્યો અને આ એની ફૂલ જેવડી દીકરી નિરાધાર થઈ ગઈ. ઘટનાસ્થળે ઉભેલા બધા લોકોએ સલીમભાઇ સમક્ષ રજૂઆત કરી. સલીમભાઇ ત્યાંના મુસ્લિમ ઇલાકાનો વગદાર પઠાણ હતો. ચાલી રહેલા કોમી રમખાણોમાં સલીમે પોતાની પત્ની અને દીકરી ગુમાવ્યા હતા છતાં ન્યાયપ્રિય હતો. છ ફૂટ ઊંચો કદાવર અને આંખોમાં આંજેલા સુરમાંથી એ ત્રીસ વર્ષીય પઠાણ કોઈને પણ આકર્ષિત કરી શકતો હતો.
પોલીસને જાણ કરો અને મરણ પામેલો આ ભાઈ કોણ છે તેની તપાસ કરો થોડા ગંભીર સ્વરે સલીમે કહ્યું. બધી તપાસ થઈ ચૂકી છે અને આનું કોઈ નથી અને ભાઈ રહી વાત આ છોકરીની તો એને પણ ખતમ કરી દો એ હિન્દુ છે, ત્યાં ઉભેલો સલીમનો ભાઈ દિલાવર બોલ્યો, આ એજ દિલાવર છે જેણે આ રમખાણોમાં કેટલાય હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બસ..!સલીમ ગુસ્સાથી બોલી ઉઠ્યો. ચૂપ કરો બધા આ છોકરીનું જો કોઈ નથી તો આજથી હું એની પરવરીશ કરીશ. ત્રણ વર્ષની માસૂમ દીકરી સલીમ સામે જોઈ રહી .ચલ બેટા આજથી હું તારો પિતા અને હું જ તારી માતા આટલું કહી સલીમે દીકરીને ગળે લગાવી દીધી.
નાની બાળકીના પ્રેમમાં સલીમ ઓળઘોળ થઈ જતો, નવા કપડાં, રમકડાં અને પોતે પણ રમકડું બની બાળકી સાથે રમતો, તેને ખુબજ પ્રેમ આપતો. સલીમે દીકરીને સલમા નામ આપ્યું હતું કારણ કે સલીમ તેનું નામ જાણતો ન હતો પણ દીકરી હિન્દુ હોવાથી તેનું પાલન એ ચોકસાઈ પૂર્વક કરતો. દીકરીના મૃતક પિતા હિન્દુ બ્રાહ્મણ અને ગૌરીશંકર વ્યાસ એવું નામ ધરાવતા હતા જે એમના મૃતદેહ પાસેથી મળેલા લાયસન્સ પરથી સલીમ જાણી શક્યો હતો. એટલે શાળામાં પણ સલમા ગૌરીશંકર વ્યાસ લખવામાં આવતું, લોકો મશ્કરી કરતા પણ સલીમ અને સલમાને એનાથી કોઈ ફર્ક ન્હોતો પડતો. પણ હા સલીમ સલમાને હંમેશા કહેતો કે હું તારો પિતા નથી તારા પિતાની કોઈએ હત્યા કરી નાખી છે તારે પોલીસ બનવાનું છે એને સજા આપવાની છે. બીજી બાજુ સલીમના ભાઈ દિલાવર ને આ બધું કણાની જેમ ખટકતું, એ એવું માનતો હતો કે મોટાભાઈ સલીમ એક હિન્દુ છોકરીને પોતાના સમુદાય વિરુદ્ધ તૈયાર કરી રહ્યા છે, એ કોમી રમખાણોમાં થયેલા હત્યાકાંડનો જવાબદાર ક્યાંક ને ક્યાંક દિલાવર પણ હતો.
આ બાજુ સલમા ધીરે ધીરે મોટી થઈ અને સલીમે તમામ પ્રકારના વૈદિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન સલમાને પૂરા પાડ્યા. સલીમ એક જ શિખામણ આપતો કે તારે પોલીસ અધિકારી બનવાનું છે અને તારા પિતાની મોતનો બદલો લેવાનો છે, અને અંતે એક દિવસ આવ્યો જ્યારે સલમા પોલીસ અધિકારી બનીને આવી અને સલીમ સામે ઉભી રહી. સલીમે પોતાની દીકરીને હૈયા સરસી ચાંપી. દિલાવર પણ આ બધું જોઈ રહ્યો હતો . દિલવાર નો સલમા તરફનો અણગમો સલીમ જાણતો હતો એટલામાં દિલાવર સામે જોતા જોતા સલીમ બોલી ઉઠ્યો., "દીકરી સલમા આવતી કાલે તારા બાપના ખૂનીને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઈ જજે હવે એ સમય આવી ગયો છે જ્યારે તારો બદલો પૂરો થાશે." સલમાની આંખમાં લોહી ઉતરી આવ્યું , કોણ છે એ ????
કાલે મસ્જિદની બહાર નમાજ પૂરી થશે ત્યારે પાછળના કબ્રસ્તાનમાં એ તને એકલો મળશે હું પણ હોઈશ ત્યાં તું ચિંતા ના કર. આખી રાત સલમાને ઊંઘ ના આવી અને આ બાજુ દિલાવર પણ સૂઈ ન્હોતો શકતો કારણ કે એ સમજી ન્હોતો શકતો કે પોતાનો મોટો ભાઈ આટલી હદ કેવી રીતે પાર કરી શકે એ પણ એક હિન્દુ છોકરી માટે... રાત પૂરી થઈ અને સૂરજ ઊગ્યો સલમા તૈયાર હતી કારણ કે આજે એનો ભેટો એના બાપના ખૂની સાથે થવાનો હતો.
નમાજ પૂરી થઈ, સલીમે બહાર આવી સલમાને કબ્રસ્તાન બાજુ જવાનો ઈશારો કર્યો. સલમા પોતાની રિવોલ્વર લઈ એ બાજુ પહોંચી. સલીમ ચાચા ક્યાં છે એ ખૂની?? સલમાએ પૂછ્યું. બસ બેટા હમણાં આવશે પેલી સામે છે એ કબર ઉપર હું આ બાજુ સંતાઈ જાઉં છું તું સામેની બાજુ સંતાઈ જા જેવો એ કબર પર આવે વિચાર્યા વગર એને ગોળીએ દઈ દેજે, ચલ હવે સંતાઈ જા. બંને જણ એક બીજાને જોઈ ના શકે એમ સંતાઈ ગયા અને એવા સૂમસામ કબ્રસ્તાનમાં ધીરે ધીરે કોઈ આવ્યું અને જઈને એક કબ્ર પાસે બેઠું ઘણું દૂર હોવાથી સલમા તેને જોઈ શકી નહી અને પોતાના પિતાના ખૂનીને એ નજીકથી જોવા ઈચ્છતી હતી. એટલે એ એજ દિશામાં આગળ વધી અને પહોંચી ગઈ ખૂની પાસે."શું વિચાર કરે છે મારી નાખ મને" કબર પાસે પોતાની જાતને કાળા કપડાંની અંદર છુપાવી રાખેલો એ ખૂની બોલ્યો.. ના..ના.. સલીમ ચાચા હું તમને કઈ રીતે મારી શકું?? આટલું સાંભળતા જ સલીમ આશ્ચર્ય પામી ઉઠ્યો અને પોતાની જાતને કાળા મુખોટથી આઝાદ કરી.. દીકરી તને કેવી રીતે ખબર કે હું સલીમ ચાચા છું, ના હું તારો કોઈ ચાચા નથી હું ખૂની છું તારા પિતાનો હત્યારો બદલો લઈ લે તું આજે અને મને જન્નત અદા કર કહી સલીમ ભાંગી પડ્યો..
મને દિલાવર ચાચાએ બધી વાત કરી કોમી રમખાણોમાં કોઈએ તમારા પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધેલા અને તમે એ ખૂનીને શોધી પણ લીધેલો ગુસ્સામાં તમે તીક્ષ્ણ હથિયાર લઈને એની પાછળ ભાગેલા અને એનો છુટ્ટો ઘા એના તરફ કરવા જતા હતા કે એટલામાં અનાયાસે મારા પિતા વચ્ચે આવી ગયા અને મૃત્યુ પામ્યા લોકોને લાગ્યું કે કોઈ મુસ્લિમ સમુદાયનું ટોળું એમને મારી જતું રહ્યું. અને આજ સુધી તમે એ ભાર લઈને જીવો છો સલીમ ચાચા.. મારા પિતાનો ખૂની તો એજ દિવસે મરી ગયેલો જ્યારે એણે એક અનાથ બાળકીને પોતાને ગળે વળગાડી. હું તો આજે બસ એ દિવસે મરેલા એ ખૂનીને અહીંયા દફનાવવા આવી છું અને મારા સલીમ ચાચા ને પાછા લઈ જવા.અને હા મારો બદલો આજે પૂરો થાય છે સલીમ ચાચા પણ તમારો બદલો હજુ બાકી છે જાણો છો શું??? હું જ્યારે પરણું ત્યારે મારું કન્યાદાન કરી મને વિદાય કરવાનો બદલો... આટલું કહી રડતા રડતા બંને એક બીજાને ભેટી પડ્યા અને ઉજ્જડ કબ્રસ્તાનમાં પણ આજે કોઈ જીવ રેડ્યો હોય તેવો માહોલ સર્જાઈ ગયો.