Spice tea books and stories free download online pdf in Gujarati

મસાલા ચા


અચાનક કંઇક ખળભળાટ થતાં પરાગીની આંખ ખુલી ગઈ, ઘડિયાળમાં જોયું તો હજુ સવારના ૬ વાગતા હતાં, વરસાદી શિયાળાની ઠંડીમાં પતિ રાહુલ અને દીકરો માસૂમ ગાઢ નિંદ્રામાં હતા. તે હળવેકથી ઊઠીને બાલ્કનીમાં આવીને જોયું તો એક બિલાડીનું બચ્ચું ભૂલું પડી ગયું હતું તેને દૂધ આપ્યું આમ તો જો રોજ જેવી જ સવાર હોત તો તે પોતે પણ પાછી સૂઈ ગઈ હોત પણ તે ગઈકાલે તેની ઑફિસની મિત્ર કાલિંદીનો ફોન આવ્યો ત્યારથી જ વિચારમાં ડૂબેલી હતી, આથી તેણે ફરી સૂવાને બદલે પોતાના માટે કૉફી બનાવીને પોતે ખંત થી બનાવેલ મીની બગીચા વચ્ચે પોતાના ફેવરીટ હીંચકા પર ગોઠવાઈ ગઈ અને અતીતમાં સરી પડી.

મિસ પરાગી મહેતા દેખાવે સુંદર, નમણી અને સરસ્વતી જાણે તેના કંઠમાં વસેલ, નટખટ, ચુલબુલી ને સ્વભાવે સાવ ભોળી એવી પરાગીને દુનિયાની તમામ સારી વસ્તુઓનો શોખ - ખાવું, હરવું- ફરવું, શોપિંગ, મૂવી વગેરે અનિવાર્ય એના માટે. માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેના પહેલા શોખ એવા રેડિયોમાં તેણે તાલીમ લીધી અને નોકરી મેળવી હજુ તો આર. જે.ના ક્ષેત્ર માં પા પા પગલી ભરતી પરાગીનિ ઓળખાણ એક ઇવેન્ટ દરમિયાન રાહુલ શર્મા સાથે થઈ, પછી ફાસ્ટ ફોરવર્ડ માં પરિચય, મિત્રતા અને પ્રેમ. પ્રેમમાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય તો આ તો સ્વભાવગત ભોળી તેણે રાહુલ સાથે નવી જિંદગીની શરૂઆત કરવા પોતાના આર.જે.ના કરિયરને મૂકી દીધું અને રાહુલ સાથે પરણીને સુરતમાં આવીને વસી ગઈ, નવા શહેરમાં એડજસ્ટ થવામાં એને ખાસી વાર ના લાગી અને ત્યાં જ તેણે એક માર્કેટિંગ કંપનીમાં નોકરી મેળવી લીધી અને ત્યાં તેની મુલાકાત આ કાલિંદી સાથે થઈ. આમ તો કાલિંદી તેનાથી ઉંમર અને અનુભવ બન્નેમાં સિનિયર પણ કાલિંદી હજુ કુંવારી હતી, પરાગી એ એકવાર પૂછેલું પણ ખરું કે તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યાં તેના જવાબમાં કાલિંદી હંમેશા કહેતી કે મને જ્યારે યોગ્ય વ્યક્તિ મળશે ત્યારે જ કરીશ, જો કે કાલિંદી ના લવ interest બદલાતા રહેતા પણ તે હંમેશા કહેતી કે બોય ફ્રેન્ડ ભલે હોય પણ લગ્ન તો મારા મમ્મી પપ્પા કહેશે એની સાથે જ કરીશ ત્યારે પરાગીને અજુગતું લાગતું પણ આજે કદાચ એ વાતને પોતે સમજી શકતી હતી, પોતે જ્યારે રાહુલ સાથે લગ્નની જીદ લઈ બેઠી ત્યારે તેને પણ તો મમ્મીએ સમજાવેલું કે બેટા, આ ના કરીશ પણ પોતે ક્યાં માનેલી કોઈની વાતને. સુરતમાં સેટ થઈ ગયેલી પરાગી મહેનતુ અને પ્રતિભાશાળી હતી અને તેથી જ ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેને સિનિયર એનાલિસ્ટ ની પોસ્ટ મળી ગયેલી. આ બાજુ તે પોતાનાથી ઉંમર અને અનુભવમાં સિનિયર એવી કાલિંદીને પાછળ મૂકીને પ્રમોશન મેળવવાની જ હતી કે તેણે પ્રેગ્નન્સી રહી અને પોતાની જોબ ને મૂકી દેવી પડી.પરાગી ફોનમાં પોતાના જૂના ફોટો જોઈ રહી ત્યારબાદ તેણે કેમેરા ઓન કરીને પોતાની જાત ને જોઈ કે કંઈ કેટલુંય બદલાયું છે, ફીટ રહેતી પરાગીનું વજન ઘણું વધ્યું છે, hair straightening હંમેશ કરાવેલ જ હોય એણે આજે જેમતેમ અંબોડો લીધેલો છે, nail art કરાવતી પરાગીના nails atyare અધૂરી nail paint વાળા છે., આમ તો બાજુવાળા નીલા ભાભી કહે છે તેમ પરાગીને શાંત ને સુખી જિંદગી છે, ઘરમાં ફ્રીઝ, ટીવી, એસી, વાશિંગમશીન, 2 વ્હીલર, 4 વ્હીલર, કામવાળા એ બધું જ છે ને રાહુલ પણ પરાગીને કોઈ વાતે રોકટોક કરતો નથી. તેમ છતાંય અજાણતા જ પરાગીથી પોતે વર્ષો પહેલાં બનાવેલ લાઈફ પ્લાનર ખોલ્યું તેમાં જોયું તો જાણ્યું કે બહારથી લોકોને સુખમય લાગતી એવી જિંદગી તો તેના લિસ્ટમાં જ નથી..ખાસી વાર સુધી ખાલી કપ હાથમાં પકડીને પરાગી વિચારી રહી હતી કે શું તેના નિર્ણયો સાચા હતાં??? રાહુલનો ચા માટેનો સાદ પડતાં જ પરાગી તંદ્રામાંથી બહાર આવીને આંખે બાઝેલા આંસુ લૂછીને રસોડા તરફ રાહુલ માટે તેની ગમતી મસાલા ચા બનાવવા લાગી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો