સોના ના વિચારો માં કોઈ વ્યક્તિ નાં અવાજ થી ભંગ પડયો. એ ઓરડી ની બહાર કોઈ સાથે વાત કરતો હતો, પરંતુ દૂર હોવાથી શું વાત થઈ રહી છે એ સંભળાતું નહોતું. હવે ઓરડી નાં દરવાજા નાં ખૂલવાનો અવાજ આવ્યો ને એક યુવાન જે લગભગ સોના ની ઉંમર જેટલો જ હશે તે અંદર પ્રવેશ્યો. એનો ચહેરો એકદમ શાંત હતો, ને આંખો માંથી દિવ્યતા ઝળહળી રહી હતી. સોના એ ક્યારેય કામદેવ ને જોયો નહોતો માત્ર વાતો સાંભળી હતી, એટલે એનાં મન માં આ વ્યક્તિ ની છબી કામદેવ નાં નામે છપાઈ ગઈ. એનું રૂપ, વ્યકિતવ્ય આજકાલ નાં ગમે તે યુવાન ને શરમાવી દે એ પ્રકાર નું હતું.
સોના ને ઉઠેલી જોઈ એના શાંત દેખાતાં મુખ પર આછું સ્મિત આવ્યું જેને એ યુવાને સોના થી છુપાવવાના ભરપૂર પ્રયાસો કર્યા. પરંતુ એ સફળ થઈ શક્યો નહીં. એ આવ્યો ને સોના ને પૂછ્યું કે એ હવે કેમ છે??.... સોના એ કહ્યું; મને હવે બરોબર છે, પણ મારા મન માં ઘણા પ્રશ્નો છે જેનું સમાધાન તમે કરી શકો છો. યુવાન એ કહ્યું; શું પ્રશ્ન છે તમારો?.... આ પ્રશ્ન નાં જવાબ માં સોના એ સવાલો ની એક લાંબી યાદી સંભળાવી દીધી.
એણે પૂછ્યું:
- આટલી વહેલી સવારે તમે ત્યાં કૂવા પાસે કેવી રીતે પહોંચ્યા?
- મારો અવાજ તમારા સુધી કેવી રીતે પહોંચ્યો?
- દોરડું હાથ માંથી છૂટયા પછી હું જ્યારે પાછી કૂવા માં પડી ગઈ ને બેહોશ થઈ ગઈ એ પછી શું થયું?
- આ સ્થળ કયું છે?
- હું કેટલાં સમય સુધી બેહોશ રહી?
- મારો ઈલાજ કોણે કર્યો?
- તમે કોણ છો? તમે મારી મદદ કેમ કરી?
- અને ખાસ મારા કપડાં કોણે બદલ્યાં?
સોના ના એકસાથે આટલાં બધાં પ્રશ્નો સાંભળી યુવક મંદ – મંદ હસવા લાગ્યો ને બોલ્યો; તમે જન્મ થી જ આટલાં જિજ્ઞાસુ છો? કે પછી કૂવા કાંઠે તમારા સાથે જે અકસ્માત થયો એની અસર છે? સોના એકદમ ગંભીર લાગતાં યુવક નાં મુખે થી આવાં ટીખડભર્યાં શબ્દો સાંભળી અવાક બની ગઈ. પછી એને ભાન થયું કે એણે એકસાથે યુવક ને આટલાં બધાં પ્રશ્નો પૂછ્યા એટલે જ એણે આવો પ્રશ્ન પૂછ્યો. સોના પણ વાતાવરણ હળવું લાગતાં હસી પડી. પરંતુ અચાનક એના ચહેરા પર નું હાસ્ય વિખેરાઈ ગયું, એણે એના પિતા એ કરેલાં વ્યવહાર અને ભૂતકાળ ની વાતો નું સ્મરણ થઈ ગયું. વાતાવરણ માં ફરી ગંભીરતા છવાઈ ગઈ. બંને હવે શાંત બની બેસી રહ્યાં.
એવાં માં કોઈ યુવતી હાથ માં જમવાની થાળી લઈ ને આવી, એણે અત્યારે સોના એ વસ્ત્રો પહેરેલાં હતાં એ જ પ્રકારના વસ્ત્રો પહેરેલાં હતાં. એ આવી ને તરત સોના અને યુવાન ને શાંત બેસેલા જોઈ ને બોલી ઊઠી; અરે ભગવાન મારા વિનય ને શું થઈ ગયું?.... સોના ને કંઈ સમજાયું નહીં એ આશ્ચર્ય નાં ભાવે બંને સામે જોઈ રહી. આ જોઈ પેલો યુવક બોલી ઉઠ્યો; આ મારી સખી છે વિશાખા, થોડી ગાંડી છે પણ સ્વભાવ ની સારી છે. આ સંભાળી ને પેલી યુવતી દોડતી આવી અને યુવક ને માથે ટપલી મારી દીધી. એ સોના પાસે જઈ ને બેસી ને કહ્યું; હું જાણું છું કે તમારા મન માં ઘણાં પ્રશ્નો હશે, પરતું હાલ તમારે આ જમવાની વધારે જરૂર છે એટલે તમે જમી લો, પછી હું તમને વિગતે સમજવું કે શું થયું હતું. યુવતી જેનું નામ વિશાખા હતું એની વાત સાંભળી સોના એ જમવાનું શરૂ કર્યું.
સોના જમતાં – જમતાં વિનય અને વિશાખા કોણ હશે? કેમ વિશાખા એ આવતાં જ વિનય ને શું થયું એવો પ્રશ્ન કર્યો, એમણે બંને એ કેમ એણે બચાવી એ વિશે જ વિચારતી રહી. એણે આ ઓરડી માં બેહોશી માંથી જાગ્યા પછી કંઇક અલગ જ અનુભવાઈ રહ્યું હતું એ શું હશે એ બધાં વિચારો કરતાં કરતાં જમવાનું પૂરું કર્યું.
સોના ના બધાં પ્રશ્નો નું સમાધાન થશે?? હવે એનાં જીવન નાં રંગો એને ક્યાં રસ્તે દોરી જશે?.... જાણો આવતાં ભાગે......