બેરંગ - 1 Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેરંગ - 1

ભાગ - ૧

પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં સજ્જ ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં લીલાં નવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી હતી. એ સીધી ગામ ના પાદરે સ્થિત એક ચોતરા નીચે જઈ ઊભી રહી, ને આસપાસ એક નજર કરી. એનાં મુખ ની જેમ જ પાદર નું આખુંય વાતાવરણ ગંભીર હતું. જે વૃક્ષો આખા દિવસ પક્ષીઓ ના મધુર કલરવ થી ગૂંજી ઉઠતા હોય છે ત્યાં અત્યારે એક અલગ પ્રકારની નીરવતા છવાયેલી હતી. એક ધીમો અવાજ વૃક્ષો પરના પાંદડાં નાં લહેરાવાથી થઈ રહ્યો હતો.
એ સ્ત્રી ચોતરા પર બેઠી ને આજુબાજનાં વાતાવરણ માંથી કંઈક શોધવાં પ્રયત્ન કરતી હોય એમ ચારેકોર નજર ફેરવવા લાગી. પૂનમ નાં ચંદ્રમાં ને અજવાળે એને એ જે રસ્તા પરથી પસાર થઈ ને આવી હતી એ તરફ જોયું ને ઊંડા વિચારો માં ડૂબી ગઈ. થોડી વારમાં એને ચાલવાને લીધે થાક વર્તાવા લાગ્યો, ને આંખો પર નિદ્રા નાં વાદળાં છવાવા લાગ્યાં. એ એમ બેઠાં - બેઠાં ત્યાં જ ચોતરા પર સૂઈ ગઈ ને રાત્રી ના પ્રહરો વીતતાં ગયાં એમ એની નિદ્રા ગાઢ થવા લાગી.
સવાર થવાં ની જાણકારી ગામ નાં સીમાડે આવેલા કેલાક ચારણો નાં કુકડાઓ એ આપી દીધી, પરંતુ એ સ્ત્રી નાં કાન સુધી હજું સુધી એ કૂકડા નો અવાજ પહોંચ્યો નહોતો એ તો એમ જ બેઠાં બેઠાં એની ઊંઘ માં મસ્ત હતી. થોડીવાર બાદ ગામ નાં પૂજારી એમનાં નિત્યક્રમ અનુસાર વહેલી સવારે મંદિરે દર્શન કરવા આવ્યા, એ મંદિર નાં પગથિયાં ચડીને ઉપર પહોંચ્યા જ હતાં ત્યાં ગામ ના ચોતરે સફેદ વસ્ત્ર ધારણ કરી ને કોઈ બેઠું હોય એવો ભાસ થયો, એમને નવાઈ લાગી કારણ કે આટલી વહેલી સવારે ગામ નું કોઈ વ્યક્તિ અહીં આ રીતે તો ના બેસે.
પૂજારીજી પગથિયાં ઊતરી ને ચોતરા તરફ ગયાં, નજીક જઈને જોયું તો કોઈ ઓળખીતો ચહેરો હોય એવું લાગ્યું. પરંતુ ઉંમર ની મર્યાદા ને કારણે એમને વ્યક્તિ ઓળખાઈ શકાયું નહિ, એટલે એમને મોટા અવાજે શાંત સ્વરે વિનમ્રતા પૂર્વક કહ્યું; તમે કોણ છો??.... પૂજારીજી નો અવાજ સાંભળી પેલી સ્ત્રી ની ઊંઘ માં ખલેલ પહોંચી ને એ સળવળી. સ્ત્રી એ સાડી નો છેડો ઊંચો કર્યો ને પૂજરીજી ને જોતાવેંત એની જગ્યા પર ઊભી થઈ ગઈ.
સ્ત્રી ને હવે પુજારીજી એ ધ્યાન થી જોઈ ને એમને યાદ આવ્યું કે આ તો ગામ ની જ દિકરી છે. ગામ ના એક નામાંકિત શેઠ માણેક શેઠ ની આ સૌથી મોટી દિકરી છે, ને એનું નામ સોના. પૂજારીજી સોના ને અહીં આ પરિસથિતિમાં જોઈ અચંભા માં મૂકાઈ ગયા ને સોના ને એની આ હાલત નું કારણ પૂછ્યું; પરંતુ સોના માત્ર નીચું મોં કરી ને ઊભી જ રહી કંઈ જવાબ નાં આપ્યો. સોના ના લગ્ન થઈ ગયાં હતાં એટલે પૂજારીજી ને લાગ્યું કે તેનાં સાસરે જ નક્કી કંઈક થયું હશે એટલે એમને હાલ કંઈ વધારે ના પૂછ્યું ને એને ઘરે લઈ જવા કહ્યું. સોના બેઘડી વિચાર માં પડી ગઈ ને પછી હકાર માં માથું નમાવી બોલી હું જાતે જતી રહીશ ને એના ઘર તરફ ચાલવા લાગી.
સોના ને જતાં જોઈ પૂજારીજી વિચાર માં પડી ગયા; એમને સોના ને એમની આંખો સામે ઉછરતી જોઈ હતી. નાનપણ થી જ સોના ખૂબ જ તેજસ્વી છોકરી હતી, બીજા બાળકો ની જેમ એ પણ મંદિર નાં આંગણે રમવા આવતી. સોના ખૂબ જ દયાળું હતી ને બધાં ને મદદ કરવા માટે તત્પર રહેતી. નાના બાળકો જ્યારે રમતા - રમતા ઝગડે ત્યારે સોના એમને સમજાવતી કે મિત્રો માં આમ લડાઈ નાં કરાઈ આપણે બધાએ તો હળીમળીને રહેવું જોઈએ. સોના ના આવા ગુણો ને કારણે એ બધાં ને પ્રિય હતી. સોના નાં લગ્ન સમયે પૂજારીજી એ એનાં માથે હાથ મૂક્યો હતો એ એની સાથે ની એમની છેલ્લી મુલાકાત હતી. એ પછી પૂજારીજી એમના વતન માં એમના ભાઈ નું મરણ થયું હોવાથી ત્યાં ગયાં ને બે - ત્રણ વર્ષ એમનાં અંગત કારણોસર ત્યાં જ રહ્યાં, હાલ માં જ એ ત્યાંથી પાછા આવ્યાં છે એટલે એમને આ સમયગાળા દરમિયાન સોના સાથે શું થયું એ વિશે કંઈ ખબર નથી. અત્યારે સોના ને સફેદ વસ્ત્રો માં જોઈ એ હમમચી ગયા હતા. પૂજારીજી દૂર જતી સોના ને જોતા રહ્યા પરંતુ અત્યારે એમની આંખો સમક્ષ નાનકડી સોના નો હસતો ચહેરો આવી ગયો હતો. પૂજારીજી થોડીવાર પછી નિસાસો નાખતાં - નાખતાં મંદિર તરફ ગયાં ને એમના નિત્યક્રમ માં લાગી ગયાં.
બીજી તરફ સોના એના ગામ ની શેરીઓ માં પસાર થતી એના ઘર તરફ ચાલવા માંડી, એનાં પગ હવે ડગમગવા લાગ્યાં. એ લથડિયાં ખાવા લાગી, જે ગામ ની શેરીઓ માં કયારેક એ એકસમયે એની બહેનપણીઓ સાથે રમતી હતી ત્યાંથી પસાર થવામાં ય એને એક અજીબ ડર લાગી રહ્યો હતો. જે ગામ માં એ મોડીરાત સુધી સખીઓ જોડે ફરતી ત્યાં જ એને અત્યારે કોઈ ભીતિ નો આભાસ થઈ રહ્યો હતો. સવાર નો સમય હોવાથી હજું સુધી કોઈ જાગ્યું નહોતું એટલે સોના ની આ હાલત કોઈ એ જોઈ નહોતી. સોના ને આ પરિસ્થિતિ માં જોઈ ને કોઇપણ નું હૃદય દ્રવી ઉઠે તેમ હતું. સોના ધીમા ધીમા ડગલાં ભરતી એના ફળિયા નાં ચોકે પહોંચી, ને ચારેકોર નજર ફેરવવા લાગી. આસપાસ કોઈપણ નહોતું. હવે એ સીધી એના ઘર ના ઉંબરે આવીને ઊભી રહી ને જોયું તો ઘર માં સુતા હતા. એને આંખ બંધ કરી ને કંઇક વિચાર્યું એનાં મુખ પર પીડા નાં ચિન્હો સ્પષ્ટ વર્તાઈ આવ્યાં.
એને આખરે આંખો ખોલી ને દરવાજો ખખડાવ્યો. સવાર ના સૂનકાર માં અચાનક અવાજ સાંભળી એક ક્ષણ માટે સોના ય તદ્રા માંથી જાગી ગઈ. થોડીવાર પછી કોઈ સ્ત્રી એ આવી ને દરવાજો ખોલ્યો, એ સોના ની માતા હતી. માતા ને જોઈ સીધી સોના એને ગળે વળગી પડી. દીકરી નાં આવા હાલ જોઈ માતા પણ ધ્રુજી ગઈ ને એને પોતાના વ્હાલ થી નવરાવી દીધી. બેઘડી જાણે બધું જ રોકાઈ ગયું , મા- દિકરી બધું જ ભૂલી ને એકબીજા ને વળગી જ રહ્યાં. પાછળ થી અવાજ નાં કારણે ઘર ના બીજા સદસ્યો જાગી ગયા. સૌથી પહેલાં માણેક શેઠ એમની પત્ની ને શોધતાં એમના ઓરડા ની બહાર આવ્યાં. એમને સોના ને જોઈ ને એમની આંખો લાલઘૂમ થઈ ગઈ. સોના ને એની માં છૂટા પડ્યા ને માણેક શેઠ ને એમની તરફ આવતાં જોતાં રહ્યાં. થોડીવાર માં બીજા સભ્યો પણ આવી ગયાં ને બધા એ માણેક શેઠ નું વિકરાળ રૂપ જોયું.
આવતાં ભાગે:
જે દિકરી ની દયનીય સ્થિતિ એ ગામ ના પૂજારી અને એની માતા નું હૃદય કંપાવી મૂક્યું એને જ જોઈ એના પિતા કેમ આટલાં ક્રોધિત થઈ ગયાં હશે??? પૂજારી જ્યારે ગામમાં ન હોતા ત્યારે સોના સાથે શું થયું હશે??? જાણો આવતાં ભાગે......


વધારા ની વાતો:-
મિત્રો આ એક દિકરી ની વ્યથા ને રજૂ કરતી ખુબ જ રસપ્રદ કથા છે, કેવી રીતે એક દિકરી નાં જીવન નાં રંગો બેરંગ બને છે જોવો આ આખી વાર્તા માં. આ એક લઘુ નવલકથા છેે, મને આશા છે કે વાચકો ને આ ખૂબ પસંદ આવશે.આભાર.....