શ્યામલીએ પોતાની વાત રળિયાત બા સમક્ષ મુકી પણ રળિયાત બા એની હિંમતને ખોટું સાહસ જ કહે છે. શ્યામલી જરા પણ હિંમત નથી હારતી. એ તો પોતાના મનમાં ચાલતા વિચારોને જીવંત બનાવવા માંગે છે. હવે આગળ...
રળિયાત બાની વાતથી શ્યામલી એટલું તો સમજે જ છે કે આ બધાને જમીનદારનો ડર સતાવે છે. એ ફરી રળિયાત બાને એકવાર સમજદારીથી વિચારવાનું કહે છે. રળિયાત બા એને ફરી ચેતવે છે કે " દીકરી, આ નારદ ખરેખર નારદમુનિ જ છે. તારી પાંખો ફફડશે એ સાથે જ જુવાનસંગને જાણ થઈ જશે. તારી સ્વતંત્રતા આ બધી અબળા પર ભારે પડશે. તારે ભાગવું હોય તો ભાગી શકે છે અહીંથી..પરંતુ-"
શ્યામલી : "એટલે?"
રળિયાત બા :" હીરલી ઓ હીરલી, ક્યાં લપાણી છો. અહીં આવ જરા.." એમ કહી હીરલીને બોલાવે છે.
બે સ્ત્રીઓ હીરલીને ગોદડામાં ઢસડીને લાવે છે. એ હીરલીના ઘુંટણથી પગ જ નથી હોતા. એ હીરલીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો એનું પરિણામ એના પગ કપાયા. એની સાથે રંભી હતી એ પણ એક હાથ અને પગથી વિકલાંગ હતી. એ પણ આવા જ પરાક્રમની ભોગ બની હતી. પછી તો રળિયાત બા એ ચંપા, રમા, શરુ, દેવકી, મમતા આવી નાની મોટી તમામ સ્ત્રીઓની દુર્દશા શ્યામલીને નજરે દેખાડી. એ બધી જીવતી હતી પણ મોતના વાંકે. આ તો કાળા ઓઢણામાં અંગ છુપાયેલા રહેતા તે કોઈ ઓળખી નહોતું શકતું એની વિકલાંગતા.
શ્યામલી તો હતપ્રભ અને મૂઢ બની ગઈ. એ બધાને હવેલીના છેલ્લા ઓરડામાં લઈ જઈને એ બધાની ઈચ્છા પૂછે છે. રંભી અને મમતા સિવાય બધા હા પાડે છે. આ દરમિયાન જ નારદ આવે છે. બધાને એક જગ્યાએ ભેગા થયેલા જોઈ એ બૂમ પાડે છે કે " અલી ઓ.... શું કરો છો ત્યાં.. મોઢામાં મગ ભર્યા છે કે શું? છુટી પડો ત્યાંથી નહીંતર હમણા તમારો જમડો અહીં આવી મોત ભેળો કરશે. શું રાંધો છો એ ખૂણામાં...
બધા આ અવાજથી ઝબકી જાય છે. નારદ ત્યાં પહોંચે એ પહેલા જ મમતા પોતે બેશુદ્ધ થઈ ગઈ હોય એમ જમીન પર પડી જાય છે અને બીજી બધી વિધવાઓ એને હવા નાંખે છે અને ઊઠાડવાની કોશિશ કરે છે. રંભી બાજુના મટકામાંથી
પાણી લઈને પાણીનો. છંટકાવ કરે છે. નારદે બધાને હડસેલી મમતાના કપાળે હાથ મૂકી તપાસે છે. નારદ વિચારે છે અને શ્યામલી સામે જુએ છે કે મમતા ઊંહકારા કરતી કરતી પોતાની તરફ ધ્યાન ખેંચે છે નારદનું..
શ્યામલી હવખ સમજી જાય છે કે આ બધા એને બચાવવા ઢોંગ કરે છે. એ ફટાફટ ખાટલો ઢસડીને લાવે છે અને મમતાને બધાની મદદથી સૂવડાવી દે છે. નારદ પણ સાથે સાથે એ બધાની ચર્ચામાં જોડાય છે.
ચંપા : "આજ કાંઈ ખાધું નથી આ મૂઈએ."
રળિયાત બા : " અશકત થઈ ગઈ છે."
હેમી : " ચક્કર ખાઈ પડી, મેં નજરોનજર જોયું. "
નારદ : " લીંબુ પાણી સાકર ઓગાળી પીવડાવો. વૈદને બોલાવવા જઈશ તો જમીનદાર પણ આવશે ને ઝાઝી લપ કરશો બધાય."
હા, હમણા કરી આવું એમ કહી શરુ દોડી રાંધણિયા બાજુ. શ્યામલી તો નીચી નજરે જ બેઠી હતી. રૂક્મિણીબાઈ પણ આવી પહોંચે છે એ તરત જ મમતાના હાથ પગ ઘસવા માંડે છે. એ બહુ ચિંતાતુર હોય છે. નારદ ત્યાંથી ખસે પછી જ નાટક પૂરું થાય ત્યાં સુધી બધા મમતાની સેવામાં રચ્યાં પચ્યા રહે છે. લીંબુ પાણી પીધા પછી મમતા હળવેથી આંખ પટપટાવી પોતે બરાબર છે એવો સંકેત આપે છે.
હવે નારદ ત્યાંથી જાય છે. બધા ત્યાં સુધી ઊભા રહે છે અને શ્યામલી મલકાય છે. રળિયાત બા ઈશારાથી મૌન જાળવવા કહે છે.
--------- (ક્રમશઃ) -----------
લેખક : શિતલ માલાણી
૧૫-૧૦-૨૦૨૦