આપણે આગળ જોયું એ મુજબ શ્યામલીના પિતા એને મળવા આવે છે હવેલીમાં.. બેયની વાતચીતમાં શ્યામલી જરાપણ નજર નથી મિલાવતી એના પિતાથી... એ જમીન ખોતરે છે પગના અંગૂઠાથી અને એક જ્વાળામુખીને હ્રદયમાં ધરબીને બેઠી હોય એમ જ અંદરના તાપે ઊકળે છે. જતા જતા એના પિતા એના માટે શું મોકલાવે કે લાવી આપે એવી વાત કરે છે..
શ્યામલીએ એક ખુન્નસ સાથે જણાવ્યું કે "આપવું જ હોય તો બાપુ, ગાડું ભરી કટાર અને તલવાર મોકલો. હું અબળા કે નિરાધાર એવા શબ્દો સહન નહીં કરી શકું. હું હિંમતભેર બધાને એક બનાવીશ અને આ દોજખમાંથી છોડાવીશ. અહીં જીવવા કરતા ગંદી ગટરમાં સડવુ સારૂં.. ત્યાં ખુલ્લું આકાશને અજવાળા તો હોય. બાપુ,આવતીકાલે અધરાતે હું આ હવેલીના પાછલા ભાગે તમારી રાહ જોઈશ. ત્યાં થોડી દીવાલો તૂટેલી છે. હું અહીંથી ભાગવા કરતા સ્વમાનથી મારો તેમ જ અહીં રહેવાવાળી તમામનો હક અપાવીશ. મને આટલી મદદ કરો. બાકી હું સંભાળી લઈશ.
આવી વાત થયા પછી કાળુભા મુંઝાય છે. એ વિચારે છે કે એની લાડકી શું નવું વિચારી રહી હશે. માનભેર એને પાછું આવવું હોય તો હું જમીનદારના પગ પકડી આજીજી કરું. શ્યામલીએ સ્વમાનની વાત કરી છે તો નક્કી કંઈક એ જાણતી હશે અને પોતાના પ્રયાસોથી કદાચ બધાને આઝાદ કરવા પણ ઈચ્છતી હોય..મારે આ વાત ચંદાને પણ નથી કરવી. મારી દીકરી બધાનું હિત જ વિચારે છે ને !
કાળુભા ત્યાંથી વિદાય લે છે. જમીનદાર ત્રાંસી નજરે શ્યામલીને જોવે છે. એને તો શ્યામલીના કરમાયેલા ચહેરા તરફ વાસના જાગે છે. એ પણ સમજી ગયો છે કે 'આ પારેવડું હવે આઝાદ થોડું થશે? આ હવેલી એનો જીવ લેશે નહીંતર હું તો છું જ એનો એકમાત્ર હકદાર..'
બીજે દિવસે શ્યામલી વહેલી પરોઢે પાણી ભરવા કૂવાના પરથાળે વહેલી પહોંચે છે. ત્યાં ખૂણામાં પડેલા નકામા કચરાને એકબાજુ ખસેડી થોડી જગ્યા કરે છે. થોડા પથરા એકઠા કરે છે. જૂના સિંચણીયા અને માટીના ઠીકરાને ધારદાર ઘસે છે. પથ્થર અને રેતીના નાના ઢગલા બનાવે છે. આ બાજુ એ બધું કામ કરતી હોય છે એ સમયે જ એની સાથે રહેતી હેમી આવે છે. એ તો આટલી વહેલી જાગતી શ્યામલીને જોવે છે. બધી સાફસફાઈ જોઈ એ એને રોકે છે. પોતે એના પગે પડી કહે છે " આવા નાના કામ અમારા હોય, આપ શું નાહકના મથો છો."
ત્યારે શ્યામલી એને ચૂપ કરતા કહે છે.." તું અહીં ખુશ છો ?"
હેમી : " (નીચા મોંએ) ના, જરા પણ નહીં."
શ્યામલી : "તો મને મદદ કરીશ ને ! હું જે કરું કે કહું એમાં."
હેમી : " હાં, પણ હું શું કરી શકું ? મને તો કાંઈ નથી આવડતું."
શ્યામલી : " તું સાથ આપ. બાકી હું છું ને !"
હેમી : " હા, સારૂં, તમે કહો એમ જ !"
આમ એક પછી એક એવી નવયૌવના એવી તમામ વિધવાઓને સમજાવી પોતાની સાથે જોડાવા કહ્યું. બધાએ એની વાતનો વિશ્વાસ કર્યો છે. એ જ રાતે એની સાથે પાંચ વિધવાઓ પોતાના ઓરડામાંથી નિકળી પાછળના ભાગમાં પહોંચી. બરાબર બીજા પ્રહરે એક ગાડું આવતું દેખાયું. શ્યામલી તો હરખાઈ ગઈ અને એને ખૂણાની દિવાલના મોટા પથ્થરો હટાવી એની સખીઓની સહાયથી તલવાર અને કટારો હવેલીમાં છુપાવ્યા. એ કચરાના ઢગલામાં હથિયારો છુપાવી રેતીના ઢગલા ખડકી દીધા. ધોળે દિવસે કોઈ સમજી જ ન શકે કે અહીં કશું છુપાવેલું છે.
એ રાતે શ્યામલીને ઊંઘ જ ન આવી. એને આજ વીરસંગ બહુ યાદ આવતો હતો. એ જ્યારે પહેલીવાર વીરસંગને મળવા ગઈ હતી ત્યારે પોતે એક કુશળ યોદ્ધા છે એવું કહ્યું હતું. એને વીરસંગને પોતે શિખેલી કળા આપબળે શીખી છે એવું પણ જણાવ્યું હતું. એ એવું વિચારતી હતી કે એ એના મા-બાપનો દીકરો જ ગણાય. મુસીબતોમાં આ વિદ્યા એને જરુર કામ આવશે જ.
બીજે દિવસે એ પોતાની સાથીસખી સાથે કૂવાકાંઠે જાય છે. ત્યાં એ ફરી એક એક કટાર અને તલવારની ધાર ચકાસે છે.
એ આ વાત એની સાસુને કહેવા ઈચ્છે છે પણ કેમ કહેવું એ નથી સમજાતું. એને તરત જ રળિયાત બા યાદ આવે છે. એ દિવસે બપોરે આરામ કરતા એ 'બા'ના પગ દબાવે છે ત્યારે કહે છે કે " બા, અધર્મ વધે ત્યારે સ્ત્રીનો ધર્મ શું ?"
રળિયાત બા : " એક જ ધર્મ કે પોતાની જાત બચાવવી."
શ્યામલી : " એક અબળા અને વિધવાનો ધર્મ પણ એ જ હશે ને !"
રળિયાત બા : " ના, એના માટે ન કોઈ નિયમ છે ન કોઈ ધર્મ."
શ્યામલી : " તો શું એને કોઈ તકલીફ નહીં જ પડે એવું માનતા હોય બધા જ!"
રળિયાત બા : " એના ભાગ જ કમભાગ કહેવાય. એક નાળિયેર વધેરાય જાય ભગવાન માટે એમ જ એણે સમાજ માટે હોમાઈ જવું પડે. બાકી કોઈ એનું નથી સાંભળતું."
શ્યામલી : "પણ, બા આપણે તો આપણી રીતે ખુદનું રક્ષણ તો કરવું જ પડશે ને !"
રળિયાત બા :" શું કરી શકી આ નરકમાં, બોલ.."
શ્યામલી :" બા, હું ક્ષત્રિયાણી છું. હું બધાને હથિયાર ચલાવતા શીખવીશ. પોતાના રક્ષણ કાજે. વીરસંગને પણ આ મારી વાત ગમતી હતી."
રળિયાત બા તો ખાટલેથી બેઠા થઈ શયામલીનું મોં ઢાંકીને કહે છે.."આ દિવાલોમાં પણ જમીનદારનો જીવ છે. તું હવે કશું ન બોલ. બધા વગર વાંકે જ મરી જશે. તારૂં કોઈ નહીં માને. આ નારદ જ તને કૂવામાં ધકેલીને મારી નાંખશે. મારી દીકરી, ખોટા સાહસ ન કરજે. "
હવે શ્યામલી શું વિચારશે એ જોવા માટે વાંચતા રહો આગળ "અમાસનો અંધકાર"
------------ (ક્રમશઃ) ------------
લેખક : શિતલ માલાણી
૧૫-૧૦-૨૦૨૦
ગુરુવાર