Negative-Positive: Choose Wisely books and stories free download online pdf in Gujarati

Negative-Positive: Choose Wisely

નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ સૌ કુશળ મંગલ હશો. આ પહેલા ના લેખ વાંચીને આપે આપેલા પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર. કોઈ મિત્રો એ મારા લેખ ના વખાણ કર્યા તો કોઈ મિત્રો એ આલોચના કરી. અમુક મિત્રો એ લેખ વાંચવાની પણ તસ્દી ના લીધી, તો અમુક લોકો એ વાંચીને મને અમૂલ્ય સલાહો પણ આપી. એમાંની અમુક વાતો આજે આપ સમક્ષ રજુ કરીશ.

સૌપ્રથમ મેં મારો પહેલો લેખ "એક વિચાર" રજૂ કર્યો જેનો વિષય હતો, કે આવા સંકટ ના સમયે ધર્મ, જ્ઞાતિ, રંગભેદ, અમીર-ગરીબ આ બધું ભૂલીને આપણે માનવ ધર્મ અપનાવવો જોઈએ. એ લેખ ના ઘણા વખાણ થયા અને અમુક મિત્રો એ ફોન કરીને પણ શુભેચ્છાઓ પાઠવી. મુદ્દા ની વાત એ છે કે આ લેખ હું કોઈ શુભેચ્છાઓ માટે કે વખાણ સાંભળવા માટે નથી લખતો, પણ આપણા અંદર અને આપણા સમાજ ની અંદર શું બદલાવ આપણે લાવી શકીએ એમ છીએ, એના માટે લખુ છું. વખાણ અને શુભેચ્છાઓ મળે એ પણ મહત્વનું છે, પણ એ થી વિશેષ છે કે અમુક વિચારો અને અમુક નિયમો આપણે આપણા રોજિંદા જીવન માં ઉતારવા જોઈએ. જો આવું થશે તો હું ખુદ ને એક લેખક તરીકે સફળ માનીશ. પહેલો લેખ રજૂ થયો એના બીજા દિવસે જ અમુક મિત્રો એ પોતાના ધર્મ અને સમાજ ને ઉંચી દર્શાવતી અને અમુક ધર્મ અને સમાજ ને નીચી બતાવતી પોસ્ટ ફેસબુક પર શેર કરી. મારા એક બીજા મિત્રે મારુ ધ્યાન દોર્યું, અને એણે જે કીધું એ વાત વિચારવા જેવી છે. એણે કહ્યું, 'તમે ગમે એટલી મહેનત કરો ને જેને જે કરવું હશે લોકો એ જ કરશે. કોઈ તમારા લેખ વાંચીને સુધરી કે બદલી નથી જવાનું.' મારા આ મિત્ર ના વાત થી હું 100% સહમત છું, પણ મેં એને એક જ વાત કહી, 'કોઈ ખુદ ને બદલે કે ના બદલે પણ લોકો સમક્ષ મારા વિચાર રજૂ કરી શકું અને એ વિચાર કોઈને વિચાર કરતા મૂકી દે તો એ પણ મારી જીત જ છે. મારા બધા વિચારો સાથે બધા લોકો સહમત હોય એવું જરૂરી તો નથી જ, અને જે લોકો મારા વિચારો થી સહમત છે તે લોકો એ પ્રમાણે ખુદ માં તેમજ પોતાના જીવન માં બદલાવ લઈ જ આવે એ પણ જરૂરી તો નથી જ, પરંતુ એક લેખક એની કલમ થી ક્રાંતિ સર્જી શકે છે એમાં કોઈ બેમત નથી.' તે મિત્ર આ સાંભળીને હસવા લાગ્યો અને કહ્યું, 'મેં પણ ફેસબુક માં પોસ્ટ કર્યું હતું, મારા વિચારો વિશે, પણ પછી વિચાર્યું આપણે ક્યાં કોઈ મોટા માણસો છીએ કે આપણું કોઈ માનશે, અને આપણે ક્યાં આ દેશ, સમાજ, દુનિયા ને બદલી દેવાના હતા. એવું વિચારીને મેં એ પોસ્ટ ડીલીટ કરી નાંખી.' એ મિત્ર ની વાત થી હું સહમત છું, પરંતુ જે લોકો સારું કાર્ય કરી રહ્યા છે એની અસર તરત જ દેખાય એ પણ જરૂરી તો નથી જ. અમુક અસર આવતા ઘણો સમય લાગી જાય છે. હું એમ નથી ઈચ્છતો કે બધા મારી બધી વાત માને, પરંતુ મારી વાત સાંભળે, વિચારે, તર્ક વિતર્ક કરે, સમજે અને બની શકે તો જીવન માં ઉતારે તો એના થી વિશેષ બીજું શું હોઈ શકે? મારા બીજા લેખ "Social Distancing કે પછી Social Media Distancing?" માં Social Media Distancing ની વાત હતી. જેમાં આપણે લોકો થી જે અંતર જાળવીએ છીએ એના કરતાં Social Media પર આવતી અફવા અને Hate પોસ્ટ થી દુર રહેવું જોઈએ એવો ઉલ્લેખ હતો. આશા મુજબ આ લેખ પણ લોકો ને ગમ્યો અને શુભેચ્છાઓ નો વરસાદ પણ થયો. જો કે આ લેખ પછી કોઈ લોકો કે દુનિયા માં કોઈ ફેરફાર નથી થઈ ગયો. Social Media નો વપરાશ કરો એમાં કંઈ જ ખોટું નથી, પરંતુ એનો દુરુપયોગ કરો અને એના થકી અરાજકતા ફેલાવો એ જરાય સરાહનીય નથી. ત્રીજો લેખ હતો, "Boycott or Awareness?" જેમાં ચાઈનીઝ વસ્તુઓ ના પ્રતિબંધ માટે જે આવા 'નવરાશ' ના સમય માં જાગી ઉઠ્યા છે તેવા લોકો નો ઉલ્લેખ થયો હતો. ઉપરાંત, ચાઈનીઝ લોકો નું જો આ ષડયંત્ર હોઈ તો પણ શું આ સમય માં એ અભિયાન જરૂરી છે? જવાબ હતો અને છે 'ના'. આ લેખ બાદ પણ કંઈ જ બદલાયું નથી, લોકો હજુ પણ બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ ની પોસ્ટ અને સ્ટેટસ મૂકે જ છે(એ પણ ચાઈનીઝ મોબાઈલ થી જ). ચોથો લેખ હતો "આ દાન છે કે દેખાડો?", જેમાં દાન કરવા માટે ની પોસ્ટ મુકવાનું અને દાન કરતા અને ના કરતા લોકો ને ઉતારી પાડવા જેવા પોસ્ટ અને કૉમેન્ટ્સ નો ઉલ્લેખ હતો. આ લેખ પછી પણ કંઈ જ બદલાયું નથી. લોકો હજુ પણ દાન કરે છે અને સાથે સેલ્ફી પણ લે જ છે અને તેને Social Media પર અપલોડ કરે જ છે. તેમજ જે લોકો એ દાન નથી કર્યું તે લોકો ને પણ નિશાન બનાવાય જ છે.

આ બધું જોતા અને વાંચતા તમને એમ થશે કે તો પછી આવા લેખ લખવાનો ફાયદો શું? તમે લોકો પણ મારા પેલા મિત્ર ની વાત સાથે 100% સહમત થશો, કે આ બધું કરવાથી કંઈ જ નથી થઈ જવાનું. વાત સાચી, પણ મેં જ્યારે આ વાત માં ઊંડા ઉતરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે નકારાત્મકતા ફેલાવતા તત્ત્વો ફક્ત 10% જેટલા જ છે જ્યારે બીજા 90% લોકો નો અભિગમ હકારાત્મક છે. હંમેશા આ દુનિયા અને સમાજ માં હકારાત્મક લોકો ની સંખ્યા નકારાત્મક લોકો કરતા વધારે જ હોવાની છે, જેને લીધે આપણી આ દુનિયા સહી સલામત છે. 10% નકારાત્મક વિચારો ને હકારાત્મક વિચારો માં ફેરવવા એ જ તો મોટી પડકાર છે આ દુનિયા માટે. 90% લોકો એ 10% લોકો ને પોતાનો અભિગમ બદલવા જરૂર થી પ્રેરી શકે એમ છે, પણ 90% માંથી બધા લોકો એવું કરતા નથી. જ્યારે 10% લોકો 90% નો અભિગમ બદલવા દિન રાત મહેનત કરે છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મેળવે છે. તમે ખુદ થી, શાંતિ થી, એકચિત્તે વિચારજો તમે શેમાં આવો છો? 90% માં કે 10% માં? અહીં જવાબ મને દેવાની જરૂર નથી પણ ખુદની અંતર આત્મા ને આ સવાલ પૂછવાનો છે અને ખુદ ની અંતર આત્મા ને જ જવાબ દેવાનો છે. જો તમે 10% માં આવતા હોય તો આશા રાખીશ ખુદ ને 90% માં સામેલ કરવાનો પ્રયાસ કરશો. અને જો 90% માં આવતા હોય તો આશા રાખીશ કે 10% લોકો ને ખુદ ના જેવા બની જવા પ્રેરણાદાયી બનશો. હું કોઈ સમાજ સુધારક કે લોકો ની વિચારસરણી બદલવા વાળો નથી, અને શાયદ આ લેખ બાદ પણ બધા લોકો મારી વાત થી સહમત નહીં થાય, પણ હું એક લેખક છું અને ફક્ત હું એક લેખક તરીકે ની મારી ફરજ બજાવું છું અને એક લેખક સમાજ ને સુધારી પણ શકે છે અને વિચારસરણી બદલી પણ શકે છે. પરિણામ ભલે ગમે તે આવે, હું મારા વિચારો સાથે હંમેશા તમારી સમક્ષ રજુ કરીશ. મારા વિચારો સાથે સહમત થશો કે નહીં, તેના પર અમલ કરશો કે નહીં, આ સમાજ ને ઉપયોગી નિવડશો કે નહીં, એ હું તમારા પર છોડું છું.

અન્ય પાંસા તરફ નજર કરીએ તો જાણવા મળશે કે આ સૃષ્ટિ ના દરેક સવાલો નો જવાબ સમય પાસે છે. આ લેખ લખાય છે ત્યાં સુધી માં સરકારે અને Social Media ના સંચાલકો એ અફવા ફેલાવતા તત્ત્વો અને Hate પોસ્ટ મુકતા તત્ત્વો સામે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ આવશે કે કેમ એનો જવાબ પણ સમય પાસે જ છે. હા અમુક ચાઈનીઝ એપ્લિકેશન બેન થઈ ગઈ છે. જ્યારે આપણે આ કોરોના ના મહાસંક્રમણ થી આઝાદ થશું ત્યારે કોઈને એવો વિચારવાનો સમય પણ નહીં હોય કે ચાલો હવે 'બોયકોટ ચાઇના' કરીએ. તો દોસ્તો કહેવાનો તાત્પર્ય એટલો જ કે બધા સવાલો ના જવાબ સમય પાસે છે જ. અંત માં હળવાશ સાથે એટલું જ કહીશ કે જે દેશ માં વડાપ્રધાન ના આદેશ નો જનતા સરખી રીતના પાલન ના કરતા હોય તો હું તો આ દેશ નો એક સામાન્ય નાગરિક છું.


✍️ Anil Patel (Bunny)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED