ek shikshak books and stories free download online pdf in Gujarati

એક શિક્ષક

બે મિત્રો, અશ્વિન અને જયેશ જેમની ઉંમર 25 વર્ષ ની આસપાસ હતી એ બંને રવિવાર ની સાંજે એક કાફે માં કોફી ની ચૂસકી લઈ રહ્યા હતા અને સાથે પોતાના ભૂતકાળ અને ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા.
“આવતા વર્ષ સુધી માં મારા લગ્ન થઈ જશે. આ વર્ષે મારુ મેનેજર તરીકે નું પ્રમોશન પાકું છે, આવતા વર્ષે તો લગભગ મારુ લગ્ન કરવાનું નક્કી જ છે. ઘણી બધી છોકરીઓ ના પરિવાર ના લોકો ફોટો મોકલે છે. ટૂંક માં મારી લાઈફ તો સેટ છે, અશ્વિન! તું કે તારે શું ચાલે?” જયેશે કહ્યું.
બંને મિત્રો કોલેજ સમય ના મિત્રો હતા. વર્ષો પછી કે ગમે ત્યારે જુના મિત્રો ભેગા થાય ત્યારે એકબીજા ના હાલ પૂછવા કરતા કોણ કોનાથી ચડિયાતું એ સાબિત કરવાની રેસ હવે ના સમય માં કોમન બની ગઈ છે.
“કંઈ નહીં, બસ જો હું ભી આવતા વર્ષ સુધી માં લગ્ન કરી લઈશ.” અશ્વિને કહ્યું.
“અને જોબ નું શું?”
“જોબ ચાલ્યા રાખે!”
“15000 ની જોબ માં તારું કેમ ચાલે છે? જો લગ્ન કરીશ તો 2 લોકો માટે 15000 માં થઈ જશે તારું? ફ્યુચર માં શું પ્લાન છે?”
“ભાઈ, કમ સે કમ હું કમાઈ તો રહ્યો છું. હું એમ નથી કહેતો કે તારા થી ઓછા કમાવ છું કે વધુ કમાવ છું. મારા કોઈ મોટા સપના નથી. મારા કંઈ ફ્યુચર પ્લાન નથી. હું વર્તમાન માં સુખી છું.” અશ્વિને કહ્યું.
“આ બધી ફિલોસોફી ની વાતો છે, રીયલ લાઈફ માં આ કંઈ જ લાગુ ના પડે. થોડોક પ્રૅક્ટિકલ બન. બાકી આ દુનિયા માં તારી કંઈ ઓળખાણ જ નહીં બને.” જયેશે કહ્યું.
અશ્વિન હળવું મુસ્કુરાયો પછી કહ્યું, “મારી ઓળખાણ? આ વાત પર થી મને જૂની એક વાત યાદ આવી ગઈ. મારા સ્કૂલ ના સમય ની વાત છે.”

ભૂતકાળ માં,

હું શાયદ 7 કે 8 વર્ષ નો હતો. ભણવામાં બધા વિદ્યાર્થીઓ માં હું સૌથી વધુ નબળો હતો. રમત-ગમત માં પણ હું એવરેજ હતો. બધા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓ ને મારાથી કોઈ જ આશા ન હતી. શિક્ષકો જ્યાં એક તરફ મને અક્ષર સુધારા માટે અને નબળાં હોવાને લીધે મારતાં ત્યાં બીજી તરફ મારા સહ-વિદ્યાર્થીઓ મારી મસ્તી કરતા. મારા માતા-પિતા પણ મને ખુબ જ ઠપકો આપતા અને મારું ભવિષ્ય માં શું થશે એ વિચારીને ચિંતા માં પડ્યા રહેતા. એકવાર હું મંદિર માં ગયો ત્યારે મારા એક શિક્ષક મારી પાછળ જ હતા જે મારી મોટે થી બોલેલી પ્રાર્થના સાંભળી રહ્યા હતા. જ્યાં હું ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યો હતો કે, ‘મને હોશિયાર બનાવી દો, મને મારી ઓળખાણ આપી દો. આ દુનિયા માં મારુ હોવાનું કારણ શું?”આવું જ બધુ હતું જે મગજ માં એ ભગવાન સમક્ષ ઠલવી રહ્યો હતો. એ પછી પાછળ ફરીને જોયું તો એ બીના મેડમ. એમણે મને સ્મિત આપ્યું અને હું વગર કંઈ બોલ્યે ઘરે મમ્મી સાથે પાછો આવી ગયો.
દર શનિવારે અમારી સ્કૂલ માં રમત-ગમત નો પિરિયડ હોય, જે બીના મેડમ લેતા હતા. એ મેડમ આવ્યા અને અમને ગેમ રમાડવા પ્લે રૂમ માં લઇ ગયા. ત્યાં જઈને અમે જોયું કે ખૂબ વધુ પ્રમાણ માં sponge બોલ (અંદાજીત 100 કે તેથી વધુ) હતા.
“આજે આપણે નવી ગેમ રમીશું. આ ગેમ માટે…” મેડમે આમતેમ જોયું પછી મારી તરફ આંગળી ચીંધી કહ્યું, “તું અહીં આવી જા.”
હું પહેલા તો ગભરાઈ ગયો, મને એમ કે મને કોઈ સજા મળશે. પણ મેડમે મને બોલાવીને એક માર્કર પેન આપી અને મને કહ્યું, “આ આટલા બોલ માંથી એક બોલ માં તારું નામ લખી દે.” મેં એમ જ કર્યું. પછી એમણે મને એ મારું નામ લખેલું બોલ બધા બોલ ભેગા મેળવી દેવા કહ્યું. મેં એ મુજબ જ કર્યું. એ પછી એમણે મને કહ્યું, “હવે આ બધા બોલ માંથી તારું નામ લખેલું બોલ મને શોધી આપ.”
મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મને એ બોલ ના જડ્યો. મેડમે પછી કહ્યું, “વાંધો નહીં, તું આઉટ થઈ ગયો.” પછી બીજા લોકો તરફ જોઈને કહ્યું, “કોઈ પણ 10 વિધાર્થી આનું નામ લખેલું બોલ મને આપી શકશે?” બધા એ હાથ ઊંચા કર્યા. એમાંથી મેડમે 10 ને ચાન્સ આપ્યો. જેમાંથી અમુક ને મારુ નામ પણ નહોતું ખબર. એ લોકો એ પહેલાં તો મારું નામ પૂછ્યું. 10 માંથી 1 વિદ્યાર્થીએ મારું નામ લખેલું બોલ શોધી આપ્યો, એમ એ વિજેતા થઈ ગયો.એ પછી પણ મેડમે ઘણી ગેમ રમાડી પણ મારું મન ઉદાસ હતું કેમ કે હું હારી ગયો હતો.
પિરિયડ પૂરો થયા પછી બીના મેડમે મને બોલાવ્યો, હું ખૂબ જ ડરી ગયો હતો પણ એમણે મારો બધો ડર દૂર કરી દીધો. એમણે કહ્યું, “જોયું બેટા, થોડાક દિવસ પહેલા તું ભગવાન થી પ્રાર્થના કરી રહ્યો હતો ને કે તારી કોઈ ઓળખાણ નથી, આ દુનિયા માં મારુ હોવું શું કામ છે ને એવું. આજે તને હું સમજાવું.” હું બસ એમને ધ્યાન થી જોઈ અને સાંભળી રહ્યો.
“આ દુનિયા માં ઘણા લોકો છે, આ દુનિયા ની ભીડ માં જો તું એમ વિચારીશ કે મારી કંઈ ઓળખાણ નથી તો એ જ ભીડ માં તું ખોવાઈ જઈશ.પરંતુ જો એકવાર આ દુનિયા માં તારી ઓળખ થઈ જશે તો બધા તને શોધવા પડાપડી કરશે. સમજ માં આવ્યું કે?” મેડમે પૂછ્યું. મેં ના માં માથું હલાવ્યું.
“કંઈ વાંધો નહીં, હમણાં તું નાનો છે. એક સમયે તને મારી આ વાત જરૂર થી સમજાશે.” એ મેડમે કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા.

વર્તમાન માં,

“એ સમજતાં મને ઘણો ઝાઝો સમય ના લાગ્યો. એ મને સમજાવી રહ્યા હતા કે દુનિયા માં બધા એકસરખા હશે તો એની કોઈ અલગ ઓળખાણ નથી હોવાની અને એ દુનિયા ની ભીડ માં ખોવાઈ જશે. પરંતુ જે દુનિયાથી અલગ હશે અને જો એ દુનિયા ના ધ્યાન માં આવશે તો લોકો સામેથી એની કદર કરશે. આ જ બોધપાઠ એમણે મને એ ગેમ દ્વારા સમજાવ્યો હતો જે મને હજુ સુધી યાદ છે.” અશ્વિને વાત પૂરી કરતા કહ્યું.
“હા પણ એને અને આપણી વાત ને શું સંબંધ?” જયેશે પૂછ્યું.
“કંઈ નહીં! પણ એક દિવસ તું ભી સમજી જઈશ.” એટલું કહીને અશ્વિને પોતાની કોફી પુરી કરી અને વેઈટર ને બિલ માટે કહ્યું.
“રેવા દે, બિલ ના પૈસા હું આપીશ.” જયેશે કહ્યું.
“મારો પગાર ભલે ઓછો છે, ભાઈ પણ મિત્રતા કોઈ થી ઊતરે એવી નથી. તારા જેવા દોસ્તો ને આટલા પગાર માં તો હું સાચવી જ શકું ને?” અશ્વિને કહ્યું અને બંને હસવા લાગ્યા અને અશ્વિને વેઈટર ને પૈસા આપી બંને છુટા પડ્યા.
જયેશ એ પછી પણ વિચારી રહ્યો કે આ વાત અશ્વિને મજાક માં કહી કે કટાક્ષ માં?

✍️ Anil Patel (Bunny)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED