આજે સવારે જ્યારે છાપાં માં આ વિષય જોયો "યાદો ઑફિસની"... તો મને થયું લાવો આજે હું તમને મારી જ વાત કહું. આ વાત મારાં જીવનની એક એવી હકીકત છે, જેણે મારાં જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો ચલો આજે હું મારાં જ અનુભવોની તમને સફર કરાવું.
ઓહોહો...
જ્યારે પણ ઓફિસની વાત આવે, સૌથી પહેલાં મારાં મોં મા એક જ નામ આવે. સી.એ. કેતન દોશી એન્ડ એસોસિએટ. જ્યાંથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી. જેણે મને એ આત્મવિશ્વાસથી ભરી એ મારી ઓફીસ. આજે લગભગ છ વર્ષ પછી પણ એક અલગ જ લાગણી થી જોડાયેલી છું હું.
કેતન સર, મારાં ગુરૂ, મારી કારકિર્દીનાં એક અતિ મહત્ત્વનાં વ્યક્તિ. જેની પાસેથી હું ઓડિટ, ટેક્સ, એકાઉન્ટન્સી એ બઘું જ હકીકતમાં ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ માં લઇ શકાય એ શીખી. જેણે મારાંમાં આત્મવિશ્વાસ જગાડ્યો. કોની સાથે, ક્યાં, ક્યારે અને કેવી રીતે પ્રોફેશનલ બનીને વાત કરવાની, પોતાનું મહત્વ અને પ્રભુત્ત્વ વ્યક્તિની સામે કેમ જાળવી રાખવું એ બધું જ હું એમની પાસેથી ત્રણ વર્ષની આર્ટીકલશિપ ટ્રેઇનિંગ માં શીખી. (આર્ટિકલશિપ એટલે સી.એ. કરતાં દરેક વિદ્યાર્થીએ એક અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નીચે ત્રણ વર્ષ સુધી લેવામાં આવતી પ્રેક્ટીકલ ટ્રેનીંગ.) આજે પણ કયારેય કોઈ વાતને લઈને મુંજાયેલી હોવ તો સૌથી પહેલાં એક જ નામ આવે, કેતનસર. અને આજે પણ મારી એ મુંજવણનો જવાબ એ એટલી જ સહજતાથી અને પોતાની સમજીને આપે.
મારી સાથે જ આર્ટિકલશિપ કરતી મારી ત્રણ સહકર્મચારીઓ, કિંજલ, નિરાલી અને હિતેક્ષા. જોતજોતામાં અમે ચારેય ક્યારે એકબીજાની પાક્કી સહેલી બની ગઈ ખબર પણ ના પડી અને એ મિત્રતા આજે પણ એવી જ અકબંધ છે. ત્રણ વર્ષ માં કરેલી એ મસ્તી, મજાક, સુખ દુઃખની વહેંચણી, સાથે મળીને નાસ્તો કરવો, પાણીપુરી ખાવા જવું, એકબીજાં નાં ઘરે ભેગાં થવું, ઓફિસે સાથે આવવું અને સાથે જવું....ધમાલ મસ્તી ની સાથે કામ પણ એટલું જ કરવાનું. સર સાથે બેંકના ઓડિટમાં જવા માટે ખેંચતાણ...આજે પણ યાદ આવે તો હસવું આવી જાય છે. માતંગભાઈ (સર નાં પાર્ટનર ધ્રુવભાઈ નાં દિકરા) સાથે સવાર માં વાગતાં મધુર કૃષ્ણભજન, અને વેટ ને લઈ ને થતી નરમ ગરમ વાતો, વાતો વાતોમાં થઈ જતી માહિતીની આપ લે, ગાંઠિયાની એ જ્યાફત, તો ક્યારેક ઘુઘરા કે સમોસાની મહેફિલ. આજે પણ એ દિવસો યાદ છે, લાગે જાણે હમણાં ની જ આ વાત છે.
ઓડિટ ની સીઝન માં મોડે સુધી કામ કરવાનું, અને બરોબર એ જ સમયમાં સી.એ. ની પરીક્ષાની તૈયારી પણ કરવાની, થોડી ખેંચ પડી જતી, પણ મજા પણ ખૂબ જ આવતી.
સીઝન પૂરી થાય એટલે પરીક્ષાની તૈયારી માટે રજા તો લેતી પણ ઓફિસને યાદ પણ એટલી જ કરતી. રાહ જોતી હું કે ક્યારે ઓફિસ પાછી જઈશ. જ્યારે મારી આર્ટીકલશીપ પૂરી થવાની હતી ત્યારે બિલકુલ ઈચ્છા ના હતી ઓફિસ થી દૂર જવાની, પણ શું કરૂં? ત્રણ વર્ષથી વધુ હું ત્યાં રહી ના શકું અને ઉપરથી મારાં લગ્ન પણ થઈ ગયા હતાં. તો હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. પણ હા, મારી એ ઓફિસ મારાં દિલની આજે પણ ખુબજ નજીક છે. જ્યારે પણ પિયરમાં જવાનું થાય એટલે એક વાર તો મારી એ ઓફિસ અને મારાં સર ને મળવા અચૂક જવાનું જ. જ્યાં સુધી ના જાવ ત્યાં સુધી પિયરની એ મુલાકાત અધૂરી અધૂરી લાગે.
અંત માં બસ એટલું જ કે, ઘણી બધી જગ્યાએ નોકરી કરી, ઘણાં બધાં સારાં અને ખરાબ અનુભવો પણ થયાં. કેતનસર જેવાં જ સારાં માણસો પણ મળ્યાં. પણ જે જગ્યા અને જે માન કેતનસર માટે છે એ જગ્યા અને એ માન બીજાં કોઈ કદાચ જ લઈ શકશે. આ વાત દ્વારા હું કેતનસર નો હૃદયપૂર્વક આભાર માનું છું, કે આજે હું જે કંઈ પણ છું એમાં મારા પરિવારની સાથે આપનું પણ એટલું જ મહત્વપૂર્ણ યોગદાન છે. આજે પણ હું એટલાં જ હક થી કહું છું કે સી.એ.કેતન દોશી એન્ડ એસોસિએટ એ મારી ઓફિસ છે અને હંમેશા રહેશે. આપનો દિલથી આભાર!!🙏🙏🙏👩💼👩💼👩💼
✍️- ખ્યાતિ સોની"લાડુ"