અમાસનો અંધકાર - 24 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 24

વીરસંગનું મોત થાય છે. શ્યામલી અને. રૂકમણીબાઈ આ જોઈ ડઘાઈ જાય છે. બધાને અચાનક લાગેલા આ આઘાતથી સન્નાટો છવાઈ જાય છે. હવે આગળ...

મંદિરના પટાંગણમાં શ્યામલી હિબકે ચડી છે. જનેતા
રૂકમણીબાઈ ખોળામાં શબને લઈ કરૂણ આક્રંદ કરે છે. જુવાનસંગ પણ ધૂળમાં આળોટી કલ્પાંત કરે છે. જુવાનસંગની પત્ની શ્યામલીને સાચવવા મથામણ કરે છે કે ત્યાં જ દક્ષિણ દિશામાં આવેલી કાળી હવેલીમાંથી એક કાળો વાયરો ફુંકાયો હોય એમ બધી વિધવાઓ માથે કાળાં મટકા લઈ એ જગ્યાએ પહોંચે છે. ગામની તમામ નાની મોટી સધવા સ્ત્રીઓ હળવેથી દૂર ખસીને પોતાની નજર ઢાંકી દે છે. પોતાના સાડીના પાલવથી મોંને ઢાંકી પીઠ ફેરવી ઊભી રહે છે. ગામના તમામ પુરુષો પાઘડી ઊતારી પોતપોતાના પગ પાસે મુકી લાકડીઓ પછાડતા પછાડતા 'રામ' 'રામ' એવું બોલે છે.

શ્યામલીએ આવું દ્રશ્ય પહેલીવાર જ જોયું છે. એને તો એવો અહેસાસ થયો કે સાક્ષાત યમરાજ એના પતિને લેવા પહોંચ્યા છે. એ પોતાના બે હાથને પહોળા કરી વીરસંગને બચાવવા ફાંફાં મારે છે. રૂકમણીબાઈ શ્યામલીના વ્યર્થ પ્રયાસોને લાચાર આંખે નિહાળી રહ્યા છે. દક્ષિણ દિશામાંથી આવેલો વિધવાઓનો કાળો પ્રવાહ જેવો પ્રવેશે છે કે રૂકમણીબાઈ જુવાનસંગને હાથ જોડી વિનવે છે અને રડે છે કે "શ્યામલીને એ નર્કની શિકાર ન બનાવો, એ બાપલડી હજી ઉંબરો ચડી છે આ ગામનો...એનો શું વાંક? એને માફ કરો. એને એના માવતર પાછી વળાવી દો. એનું જીવતર હજી બાકી છે." આમ કહી, એ જુવાનસંગના પગ પકડે છે પણ જુવાનસંગ ત્યાંથી દૂર ભાગવાની કોશિશ કરે છે અને રૂકમણીબાઈ સાથે ઢસડાઈ છે..

શ્યામલી અર્ધ બેભાન અવસ્થામાં શું થઈ રહ્યું છે એ જોવા પણ સક્ષમ ન હતી. એ એકલી વીરસંગને વળગીને ભવભવના સાથ નિભાવવાની વાતોના વાયદાભંગની પંકિતઓ રડતા રડતા ગાતી હતી..જાણે એનો વીરસંગ ફરી એના ખોળિયે બેઠો થાય એ આશાએ ! એ વારંવાર વીરસંગને ઢંઢોળે છે એક જ સવાલ કર્યા કરે છે. મારું હ્રદય ધબકારો ચૂકે તો સારું. તે એક પણ વાયદા નિભાવ્યા નહીં અને મારા સપનાને પણ એક ઝાટકે તોડી નાખ્યાં.. હું હવે જીવીને શું કરૂં ?

સ્નેહની કિંમત સોનાથી ન અંકાય... વ્હાલા
તૂટેલું હ્રદય કાચે તાંતણે ન બંધાય... વ્હાલા

દિલ છે આ મારૂં.....કોઈ રમકડું નહિ
સળેખડું જ સમજ...કોઈ લાકડું નહિ
છિન્નભિન્ન થયું એ,,, સુતરથી ન સંધાય
તુટેલું હ્રદય કાચે તાંતણે ન બંધાય...... વ્હાલા

જીંદગી છે મારી પ્યારી... વ્યર્થ નહિ
હજી એ સ્નેહ છે જ.... સ્વાર્થ નહિ
ચુરે - ચુરા થયા છે એ ન જોડાય
તુટેલું હ્રદય કાચે તાંતણે ન બંધાય.... વ્હાલા

આંખ રડશે અને હોઠ.....રહેશે મૌન
હ્રદયની વેદના મિટાવવા.... ફરી ક્યાં મળશે તું ?
ધુંધળી યાદો છે એ કેમ ભૂંસાય !
તુટેલું હ્રદય કાચે તાંતણે ન બંધાય.... વ્હાલા

આવા અસમંજસ ફેલાવતા વાતાવરણમાં બધા હતપ્રભ બની ઊભા હતા કે કોઈ પણ વ્યક્તિ કાંઈ સમજે એ પહેલા જ માથે કાળા મટકા લાવેલી તમામ મહિલાઓએ બધું પાણી શ્યામલીને માથે ઢોળી દીધું અને એક કાળું બેરંગી, ભાત વગરનું અને લાગણીવિહીન ઓઢણું જે રીતે માથા પર ફેલાવ્યું કે શ્યામલીને તો સમજાઈ ગયું કે 'ઓહહહહ, આ અમાસનો અંધકાર મને પણ ભરખી ગયો એના મુખમાં...'

ફરતી બાજુ કાળી છાયાં શ્યામલીને ઘેરી વળી. કોઈએ એના શણગાર ઉતાર્યા તો કોઈએ એની સેંથીનો સિંદૂર ભૂંસ્યો..
સિંદુરની આભા પણ ઝંખવાણી એક રાતમાં. કોઈએ શ્યામલીના વાળ કાપ્યા તો કોઈએ શ્યામલીના કંકુવરણા હાથ પાણી વડે ઘસી ઘસી કોરાકટ કર્યાં. મહેંદીનો રંગ પણ ઝાંખો થયો અને શ્યામલીનું નૂર ઊડી ગયું ચહેરા પરથી.એ કાળા મટકાના પાણીએ બધી નવરંગી લાગણી જમીનદોસ્ત કરી દીધી.

બરાબર આ જ સમયે ચાર ગાડાં ભરાઈને કાળો કલ્પાંત કરતા કરતા સ્ત્રીઓ અને પુરુષો આવી ચડ્યાં. હા, એ શ્યામલીના માતા-પિતા હતા. ચંદાએ તો શ્યામલીનું આવું રૂપ જોયું અને ત્યાં જ ફસકી પડી. એ મોટે મોટેથી રડતા રડતા બોલી કે "દીકરી, હું તને સમજાવતી કે કાળા રંગને મોહ ન કર.એ કાળી છાયાં કોઈને જીવવા નથી દેતી કે નથી મરવા દેતી. એક માતા ઊઠીને કેમ સમજાવું કે કાળો રંગ મારી કૂમળી કળીને કરમાવી ગયો. " અતિ ક્રુરતાથી માથું અને છાતી કૂટતી એ બેબસ માતા હવે શું કરી શકવાની જ્યાં એની દીકરી પર કાળ બની ભમતો જન્મોજન્મનો કાળો અંચળો આજ હકીકત બની ગયો.

નાનભા પણ હથેળીમાં મોં છુપાવી દીકરીને આ રૂપમાં નહોતા જોઈ શકતા. એ પિતાએ તો શ્યામલીને ખંભે બેસાડી મુસીબતોથી દીકરીને દૂર જ રાખી હતી. હવે એ આંગળી પણ ન પકડી શકે એવા મઝધારે આવી ઊભા હતા.

શ્યામલી હવે તદન શાંત હતી. હવે એ એકીટશે વીરસંગને જોતી જોતી એ જ વિચારે છે કે ' તારી હયાતી હોત તો હું આ રૂપમાં તો ન હોત. તારું મોત જે હાલતમાં થયું હશે, એ ઘડીઓને હું ગાંઠે બાંધુ છું..તારા મોતની ઘડીઓને હું જ ન્યાય આપીશ. મને તારું રક્ષણ અને તારો સાથ જોશે.'

આવું વિચારી એ છેલ્લી વાર વીરસંગને પગે પડે છે અને એની ચરણની ધૂળને માથે ચડાવી એ સાવજડાને વિદાય આપવા મક્કમ બને છે. એક આંસુ એના ગાલ પર અટક્યું છે જાણે શ્યામલીએ આંખને સજા દીધી છે કે હવે સપના અને લાગણી આ આંખોમાં ન જોઈએ.. આંસુ પણ નહીં...હવે એ કાળહવેલીની રહેવાસી બનવા તૈયાર હતી.

શ્યામલીના સપના ધોવાયા અને એનું જીવન એક નાની એવી ચોપડીમાં છપાઈ ગયું. એ ખુદ એક કિસ્સો બની ગઈ.
રમતી, ઉછળતી, વિહરતી અને પતંગિયાની જેમ ઊડતી શ્યામલી ચાર દિવાલો જેમાં જીવતા દોજખ જ મળે છે એ હવેલીમાં શ્યામલી ફસાઈ ગઈ. શ્યામલીનું હવે પછીનું જીવન જોવા વાંચતા રહો ...'અમાસનો અંધકાર'

બાકીનું આવતા ભાગમાં..

-------------- (ક્રમશઃ) -----------------

લેખક : શિતલ માલાણી

૧૫-૧૦-૨૦૨૦

ગુરુવાર