આપણે આગળ જોયું કે વીરસંગને ચતુરદાઢી કપટ કરી મારી નાંખે છે. શ્યામલીની તો મંદિરમાં પૂજા ચાલી રહી છે.રૂકમણીબાઈ તો ખોટું થવાની આશંકાએ જ રડી રડી બેહોશ બની લાશની માફક ઢળી પડી છે રળિયાત બાના ખોળામાં...હવે આગળ..
વીરસંગ તરફડિયા મારતો મારતો કાળ નજરે લોહી ભરેલી આંખે ચતુરદાઢીને એકીટશે જોવે છે. વીરસંગ કાંઈ બોલે એ પહેલા જ આરપાર વિંધાયેલી તલવારને સોંસરવી શરીરને ફાડી નાંખતી જોઈ ચતુરદાઢી અટહાસ્ય કરતો કહે છે કે "બધા નિયમો અને પરંપરામાં તારે ફેરફાર જ કરવા હતા ને ! હવે કરજે ભગવાનને દ્રારે જઈ તારી ઈચ્છાની પરિપૂર્તિ. તારો બાપ પણ ગાદીએ બેસી ન શકયો એમાં પણ હું જ મોખરે હતો એને વાઢવામાં અને તારા માટે પણ હું જ શેતાન બન્યો."
જુવાનસંગ પણ આમાં સામેલ છે. હવે તું પણ નહીં અને તારી શ્યામલી પણ અમારી- ( આમ કહી દાઢીમાં હાથ ફેરવે છે.)
લાચાર વીરસંગ હાથ-પગ હવામાં વિંઝે છે પણ અફસોસ એ જ સમયે પ્રાણપંખેરું ઊડી જાય છે. પછી ત્યાં રહેલ એક મોટી ટેકરી પર ચડી ચતુરદાઢી પોતાની જાતને શાબાશી આપતો કહે છે કે " ચતુર, આ નજર આંધળી થાય ત્યાં સુધીની જમીનની માલિકી તારી. તે જુવાનસંગના રસ્તાના બધા કાંટા તારા હાથે જ હડસેલીને દૂર કર્યા છે." એમ કહી પોતાના હાથને ચૂમે છે. પછી પોતાના જ માણસને આ ખુશખબરી આપવા જુવાનસંગ પાસે મોકલે છે. પોતાની જાતે જ તલવારના નાના નાના ઘા ખુદના પગે મારી પોતે પણ ઘાયલ થયો છે એવી માયા રચે છે.
આ બાજુ શ્યામલી પોતાના હાથે તમામ શણગાર દેવીને ચડાવીને આરતી ઊતારવાની તૈયારી કરે છે ત્યાં જ અચાનક બધા ઢોલ ,નગારા,વાજા,શરણાઈ એકાએક બંધ થઈ જાય છે. મંદિરના નાના પ્રાંગણમાં એક સન્નાટો છવાઈ જાય છે. શ્યામલી અને જુવાનસંગની પત્ની દોડીને મંદિરની બહાર શુ ઘટના ઘટી એ જોવા બહાર નીકળે છે ....તો....તો.... ત્યાં એ જ પટાંગણમાં જુવાનસંગ માથાની પાઘડી ઘા કરી અચાનક છાતી કૂટતો હોય એવું જોવે છે. શ્યામલી તો એ ગર્ભગૃહમાં ઊભી ઊભી સઘળો માહોલ જોયા કરે છે. એક વિસ્મયતા ભરેલું પ્રશ્નાર્થચિહ્ન એના આંખોમાં ડોકાય છે. ત્યાં જ અધમુઓ બનેલો ચતુરદાઢી એક રથમાથી લંગડાતો લંગડાતો
ઉતરે છે અને જુવાનસંગને બે હાથ જોડતો મોટે મોટેથી આક્રંદ કરે છે. પાછળ પણ ધીમી ચાલે આવતો રથ નમાલો બની ઊભો રહે છે. બધાની નજર એ રથમાં કોણ હશે ! એ જોવા આતુર છે.
ત્યાં જ એ અસવાર હળવેથી ઊતરી બીજા બે માણસોની મદદથી વીરસંગની લાશને મંદિરના પ્રાંગણમાં જ સૂવડાવે છે. શ્યામલી તો ત્યાં જ પગથિયે દોડીને બેસી જાય છે. આંખનું કાજળ ગાલે પહોંચ્યું છે. ખુલ્લી આંખે એ એના પ્રિયતમને નિષ્પ્રાણ જોતી રહે છે. એ પોતે પોતાની મહેંદી અને સેંથાને છુપાવવાની કોશિશ કરે છે. જુવાનસંગની પત્ની તો મોટા અવાજે મરશિયા ગાતી ગાતી વીરસંગના માથા પર હાથ ફેરવે છે. ગામની બે વડીલ સ્ત્રીઓ શ્યામલીને બાવડેથી પકડી એ લાશ સુધી લઈ જાય છે. શ્યામલી તો સાવ શૂન્યમનસ્ક બની ત્યાં જ ફસડાઈ પડે છે.
થોડીવાર પછી નારદ જે કાળહવેલીનો ચોકીદાર છે એ રૂકમણીબાઈને પણ ત્યાં લાવે છે. આજ આખું આકાશ સુનું છે. ધરતી પર એક સાવજડો આરામ ફરમાવે છે પણ એની સાથે થયેલા કાવતરાથી અજાણ શ્યામલીને મન તો એની દુનિયા એક ખારાં રણ સમાન થઈ ગઈ. ચતુરદાઢી પોતે થોડો ભાનમાં આવ્યો હોય એવા નાટકીય અંદાજે શ્યામલીને દૂરથી જ હાથ જોડીને કહે છે " દીકરી, મારો જીવ બચાવવા આ સાવજડે એના પ્રાણ ગુમાવ્યા. મને મારા જીવની પરવા નહોતી પણ આ જમીનદારના ઘરના ખાધેલ નમકનું ઋણ ચૂકવવા મેં જીવ જોખમમાં નાંખ્યો અને આ મારો કાળજાનો કટકો વધેરાયો..તારો ગુનેગાર હું છું જે સજા આપવી હોય એ આપ.." એમ કરતા ફરી બેહોશ થયો.
હવે શ્યામલીએ સ્વીકાર્યું કે આ વીરસંગ જે એનો પ્રિયતમ હતો હવે એ આ દુનિયામાં નથી રહ્યો. એ હાથના ચૂડલાને ધરતી પર પછાડતી પછાડતી બોલતી રહી કે 'એવી કેવી પરીક્ષા મારી કે હું તારી સાથે એક ક્ષણ પણ ન વિતાવી શકી !
એવી કેવી તારી મજબૂરી કે તે મને એકલી તરછોડી ! એવી કેવી માયા કે તે જાતે જ સંકેલી ! તમારે એક વાર તો કહેવું હતું કે લડવા જાવ છું તો મારા હાથે તલવાર આપત આમ હથિયાર વગર થોડું જવાય ! આવા કરૂણ વલોપાત સાથે એ ધરતી ધ્રુજે એવું રૂદન કરી રહી હતી.
રૂકમણીબાઈ એટલું જ બોલી કે " દીકરા કાળ આવશે એ ખબર હતી પણ સાવ નોધારો કરીને જઈશ એ જ નહોતી ખબર. હું તો કાળી છાંયા લઈને જીવતી જ હતી. તારે આ છોડીને તો કાળી જીંદગી નહોતી આણવી!"
હવે વીરસંગની લાશ પાસે જુવાનસંગ આવે છે અને રૂકમણીબાઈને છાના રાખવા એટલું કહે છે કે " ભાભી, મેં લાખ મના કરી હતી ધિંગાણે જવાની પરંતુ, જુવાનલોહીના સળવળાટે મારી એક વાત ન માની. આજ મને કાળી ટીલીએ બેસાડી નીકળી ગયો ભગવાન પાસે.. મુજ અભાગિયાનો એક આશરો કે આધાર પણ ધણીને ન પાલવ્યો. આમ કહી, એ ત્યાં રહેલી જમીન પર હાથ પછાડે છે.
આખું ગામ આ ઘટનાથી સ્તબ્ધ થઈ જાય છે. બધાને હોઠે અને હૈયે એક જ સવાલ છે કે "હવે શ્યામલીનું શું થશે?"
શ્યામલીને રાજમાં રહેવા મળશે કે કાળહવેલીમાં. શ્યામલી આ વાતને સ્વીકારી શકશે કે કેમ? રૂકમણીબાઈ પોતે શ્યામલીનું મસ્તક પોતાને ખભે અને વીરસંગની લાશને પોતાને ખોળે રાખી મૌન ભાવે ભગવાનને ફરિયાદ કરે છે કે "ક્યાં ભવની આ સજા ભોગવું છું હું? " આવા નિરૂતર સવાલની જાળમાં ફસાયેલી શ્યામલીની જીંદગીનું શું થશે એ જાણવા વાંચતા રહો ..' અમાસનો અંધકાર'
------------ (ક્રમશઃ) -------------
લેખક : શિતલ માલાણી
૧૪-૧૦-૨૦૨૦
બુધવાર