ઈશાન ખટ્ટર અને જહાનવી કપૂર ની રાજસ્થાન માં શૂટ થયેલી ફિલ્મ ધડક ના દશ્યો અને ગીત જોઈને ઉદયપુર મહાલી આવવાનું મન થયું હશે. જોકે, આપણામાંથી મોટાભાગના ઉદયપુર એક વાર તો જઈ જ આવ્યા હશે તે છતાં અહીં ફરી ફરી આવવાનું મન થાય છે અને કેમ નહિ થાય, રાજપૂતો નો ગર્વીય ઇતિહાસ આલેખતું, મનમોહક સુંદરતા ધરાવતું, ટુરિસ્ટો નું ફેવરિટ ડેસ્ટિનેશન અને હનીમૂન કપલો માટેનું સ્વર્ગ એવું ભારત નું વેેનિસ એટલે કે ઉદયપુરની વાત જ કંઈ નોખી છે. એટલે જ તો અકબર થી લઈ ને બ્રિટિશો સુધી અને સ્થાનિક થી લઈ ને વિદેશી સહેલાણીઓના માટે ઉદયપુર
તાજેતરમાં હંમેશા પ્રિય ડેસ્ટિનેશન બની રહ્યું છે. ખરું ને! ચાલો તો આજે આપણે આ સિટી ઑફ લેક, પશ્ચિમ ના વેનિસ અને ખબર નહિં કેટ કેટલી ઉપમા ધરાવતા આ શહેર માં લટાર મારી આવીએ. પરંતુ, જો જો લટાર મારતાં મારતાં ક્યાં ઉદયપુર ની ખુબસુરતી માં ખોવાઈ નહિ જતાં હો!
ઉદયપુર ની સંધિ છૂટી પાડવામાં આવે તો ઉદય નો અર્થ થાય છે ઉગતું અથવા વૃદ્ધિ પામતું અને પુર નો અર્થ થાય છે જમીન અથવા નગર. મહારાણા ઉદયસિંહ એ ૧૫૦૦ ની સાલની આસપાસ ઉદયપુર નું નિર્માણ કર્યું હતું. જેનું બાંધકામ સમજી વિચારીને ઉદયસિંહે એવી રીતે કર્યું હતું કે આ શહેર પર દુશ્મનો સરળતાથી હુમલો કરી શકે નહીં. સમુદ્ર ની સપાટીથી ૨૦૦૦ ફૂટ ઊંચે આવેલુ અને અરવલ્લી પર્વતો ની વચ્ચે બનાવવામાં આવેલું શહેર તેના અદ્વિતીય ભૌગોલિક ફીચર્સ ને લીધે જાણીતું છે. આ ઉપરાંત વસ્તીગણતરી ની દ્રષ્ટિએ તે રાજસ્થાન નું પાંચમું મોટું શહેર છે. હિન્દી, અંગ્રેજી અને રાજસ્થાની અહીંની મુખ્ય ભાષા છે. અહીંની મુખ્ય પાંચ નદી ની એકબીજા સાથેની સોફેસ્ટીકેટેડ લેક સિસ્ટમ ને લીધે જોડાયેલી હોવાથી તે સિટી ઑફ લેક તરીકે ઓળખાય છે. તળાવો ઉપરાંત ઉદયપુરમાં આવેલા પ્રખ્યાત સ્થળો જેવા કે સિટી પેલેસ, લેક પેલેસ, ફોર્ટ, બગીચા અને મંદિરો પણ અલગ જ વિશેેેષતા ધરાવે છે જેની આજે આપણે અહીં વાત કરવાના જ છે. પરંતુ સાથે એવી ઓછી જાણીતી વાતો અને સ્થળોની મુલાકાતો પણ લેવાના છે જે હજી ટુરિસ્ટો માટે લગભગ ફેમિલિયર નથી. તો ચાલો આપણી મુસાફરી શરૂ કરીએ.
સિટી પેલેસ
ઉદયપુરનું મુખ્ય આકર્ષક એટલે સિટી પેલેસ.જે ઉદયપુર ની શાન ગણાય છે. જેને જોવા માટે લોકો સાત સમદર પાર કરીને પણ આવે છે. પીચોલા લેક પર ૧૫૫૯ ની સાલમાં મહારાણા ઉદય મિર્ઝા સિંહે બનાવેલા સિટી પેલેસને આજે ૪૦૦ કરતાં પણ વધુ વર્ષ થઈ ગયા હોવા છતાં તેની સુંદરતા હજીએ અકબંધ છે. જો પેલેસ ને ધ્યાનથી જોશો તો તમને તેના બાંધકામ અને કલાકૃતિ માં યુરોપિયન, મધ્યકાલીન ભારત અને ચીન ની સઁસ્કૃતિ ની ઝાંખી જોવા મળશે. સિટી પેલેસ ને બાંધવા માટે માર્બલ અને ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેના પર માર્બલ વર્ક, મીરર વર્ક,સિલ્વર વર્ક અને પેઈન્ટિંગ થી સોળ શણગારે સજાવવામાં આવ્યો છે. આ તો વાત થઈ તેના બાહ્ય દેખાવની પરંતુ જેટલો ભવ્ય તેનો બાહ્ય દેખાવ છે તેનાથી અધિક સુંદર તેની અંદરની ખુબસુરતી છે. અરવલ્લી પર્વતોથી ઘેરાયેલા સિટી પેલેસમાં એક - બે નહિ પરંતુ મોન્સૂન પેલેસ, લેક પેલેસ સહિત ૧૨ પેલેસ છે. અન્ય પેલેસની જેમ અહીં પણ સ્વીમીંગ પુલ, ટેરેસ, ગાર્ડન તો છે જ પણ સાથે તે સમયના રાજાઓના ઇતિહાસ ને વગોળતા ચિત્રો, કલાકૃતિ અને બીજુ પણ ઘણું બધું. પેલેસની અંદર ચીની ચિત્રશાળા પણ છે જે ચીન અને ડચ ની ટાઇલ્સ અને આર્ટ વર્ક નું પ્રદશન કરે છે. જો કે, પેલેસનો મોટા ભાગનો હિસ્સો હવે લકઝરી હોટલમાં ફેેરવી દેવામાં આવ્યો છે. પેલેસ ની અંદર ભવ્ય ઇમારતો પણ છે જેમાં ત્રિપોલિયા ગેટની અંદર પ્રવેશતા તમને ભીમ વિલાસ,શીશ મહેલ અને બડી મહેલ સહિતના મહેલ આવેલા છે. અહીં સિટી મ્યુઝિયમ પણ છે. જેમાં પ્રવેશવા માટે અલગથી ફી આપવાની રહેશે. મેવાડની સભ્યતા અને ભવ્યતા વિશે જાણવું હોય તો એક વાર ચોક્કસ સિટી પેલેસની મુલાકાત લેવી જ જોઈએ.
લેક પીચોલા
લેક પીચોલા પર આવેલા સિટી પેલેસને તો માણી લીધો હવે વાત કરીશું લેક પીચોલા ની. ઉદયપુર એ આપેલું વધુ એક માનવ સર્જિત ઉપહાર એટલે લેક પીચોલા. બે માઇલ્સ લાંબા અને 3 માઇલ્સ પહોળા લેક પીચોલા નું નિર્માણ ૧૩૬૨ (એડી) માં થયું હતું પરંતુ રાણા ઉદયસિંહ(બીજા) એ આ લેક નું વિસ્તરણ વધાર્યું હતું. એમ પણ કહેવાય છે કે ઉદય સિંહે આ તળાવની સુંદરતાથી મોહિત થઈને તેના કિનારે ઉદયપુર વસાવવાનું નક્કી કર્યું હતું. ઉંચી ઉંચી હિલ, અદભુત પેલેસ, પવિત્ર મંદિરો અને ઘાટો થી વીંટળાયેલી લેક પીચોલા નો અદ્વિતીય નજારો ટુરિસ્ટોને તેની તરફ ખેંચી લાવે છે. લેક પીચોલા ની ફરતે આવેલા નજરાને માણવા માટે બોટ ક્રુઝ નો વિકલ્પ છે. જેમાં બેસીને શહેરને ભરપુર માણી શકાશે. ઘણાં તો ખાસ બોટીંગ નો આનંદ લેવા માટે જ અહીં આવે છે. આખો લેક ફરવા માટે એક થી બે કલાકનો સમય લાગે છે. સાંજના સમયે લેક પર સનસેટ જોવા માટે ભારી ભીડ એકઠી થઈ જાય છે. આ લેક ના કિનારે સાત આઇલેન્ડ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં એક આઇલેન્ડ પર અર્સી વીલા બનાવવામાં આવેલો છે આ વિલાનો ઉપયોગ રાજાઓ ખાસ સનસેટ જોવા માટે કરતા હતા. લેક ના અન્ય એક આઈસલેન્ડ પર લેક પેલેસ અને બીજા આઇલેન્ડ પર લેક પેલેસ ગાર્ડન આવેલ છે.
લેક પેલેસ
પીચોલા લેક ના એક આઇસલેન્ડ પર લેક પેલેસ આવેલો છે જે આજે મેરેજ ફોટોગ્રાફી અને ડેસ્ટિનેશન વેડીગ કરવા માટેનું હોટ ફેવરિટ સ્થળ છે. લેક પેલેસ ને જગ નિવાસ તરીકે પણ ઓળખાય છે. મહારાણા જગત સિંહ(બીજા) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ૧૯૬૦ ની સાલમાં આ પેલેસ ને હોટલમાં રૂપાંતરિત કરી દેવાઈ હતી. વાઇટ મારબલ થી બનેલા પેલેસમાં આજ સુધીમાં હોલીવુડ અને બૉલીવુડ ની અઢળક કહી શકાય એટલી ફિલ્મોના શૂટિંગ અહીં થઈ ચૂક્યા છે. આ પેલેસ એટલો સુંદર છે કે તે સમયે રાજાઓ તેમના પરિવાર સાથે અહીં ઉનાળામાં ફરવા આવતાં હતાં. લેકની વચ્ચોવચ આવેલો આ ફ્લોટિંગ પેલેસ આજે ફાઈવસ્ટાર હોટેલ બની ગઈ છે જ્યાં રહેવાવાળાને આપવામાં આવતી ટ્રીટમેન્ટ કોઈ મહારાણા ને આપવામાં આવતી હોય તે પ્રકારે કરવામાં આવે છે. પેલેસ અનેક પ્રકારની રૂમ ઑફર કરે છે. અહીંની અલગ અલગ રૂમો ને ફૂલ રૂમ, બડા મહેલ, ખુશ મહેલ જેવા નામો આપવામાં આવ્યા છે. જો લેક પેલેસ આવ્યા હોય તો નજીકમાં આવેલા વિન્ટેજ કાર મ્યુઝિયમની મુલાકાત પણ લેવા જેવી છે.
વિન્ટેજ કાર મ્યુઝિયમ
મેવાડ ના રાજવીઓ ના ઠાઠ નો વધુ એક પુરાવો એટલે કે વિન્ટેજ કાર મ્યુઝિયમ. જ્યાં રાજાઓની વિન્ટેજ કાર નો કાફલો જોવા મળશે. મોટા ભાગની ગાડી ૭૦ વર્ષ કરતાં વધુ જૂની છે જે તમામ અહીં કાર હજી પણ રસ્તા પર દોડી શકે તેવી કન્ડિશન માં છે. આ કાફલામાં બહુ જૂજ જોવા મળી શકે તેવી કાર છે. મર્સિડીઝ મૉડલ, રોલર્સ રૉય સહિત જૂની અને જાણીતી કંપની ની ગાડી ટુરિસ્ટોને જોવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. જેમાંની ઘણી કાર ને તો જરરિઆત પ્રમાણે કસ્ટમાઈઝ પણ કરવામાં આવી છે.
રૉપ વે
થોડા વર્ષ અગાઉ એક બિઝનેસમેને સ્થાનિક સરકારની સાથે સહયોગ માં સિટી ઑફ લેકનો ઉંચાઈએ થી નજારો જોવાની સુવિધા આપવા માટે શહેરની ઉપર રૉપ વે બાંધ્યો હતો. રૉપ વેમાં બેસીને તમામ ટૂરિસ્ટ લોકેશન કવર થઈ શકે છે. રાત્રીના સમયે લાઈટ પ્રકાશમાં રૉપ વે પરથી જોવા મળતો નજારો ખરેખર નિઃશબ્દ છે.
એકલિંગજી મંદિર
એકલિંગજી મંદિર ૭૪૩ માં બાપ્પા રાવલે બાંધ્યું હતું. જે શિવજી નું ઘણું મોટું અને પ્રતિષ્ઠિત મંદિર છે. જેનું આર્કિટેક્ચર ખરેખર ખૂબ જ સુંદર છે. મંદિરનો બાહ્ય ભાગની કલાકૃતિ પાણીનો ધોધ પગથિયાં પરથી પડી રહ્યો હોય તેવી રીતે બનાવવામાં આવી છે. મંદિરના પ્રવેશ દ્વાર પર ચાંદી થી બનાવવામાં આવેલા નંદીજી બિરાજમાન છે. મંદિર ની સૌથી સુંદર રચના ચાર મુખી શિવજી છે. જે સંપૂર્ણ કાળા મારબલ થી બનાવવામાં આવેલા છે. તેમની સાથે મંદિર માં પાર્વતી માતા, ગણેશ જી અને કાર્તિકેય ની મૂર્તિ ની પણ સ્થાપના કરવામાં આવી છે.
સાસ બહુ ટેમ્પલ
આ મંદિર એકતા કપૂરની દેન નથી પરંતુ ૧૦ મી સદીમાં તે સમયના રાજા એ બંધાવેલું મંદિર છે. જે ઉદયપુર થી ૨૦ કીમી ના અંતરે આવેલ છે. આ મંદિર નું નામ સાસ બહુ કેવી રીતે પડ્યું તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. વાત એમ છે કે આ મંદિર નું મૂળ નામ સહસ્ત્ર બાહુ એવું છે. સહસ્ત્ર બાહુ એટલે વિષ્ણુ. પરંતુ લોકવાયકા ના પ્રમાણે મંદિરનો એક બાજુનો હિસ્સો સાસુના કહેવા પ્રમાણે બન્યો છે ત્યારે બીજો હિસ્સો વહુના કહેવા પ્રમાણે બન્યો છે જેથી તેનું નામ સાસબહુ એમ પડ્યું છે ત્યારે કેટલાંક નું કહેવું છે કે મંદિરનું મૂળ નામ અપભ્રંશ થઈને સાસબહુ એવું પડી ગયું છે. વાત ગમે તે હોઈ પરંતુ આ મંદિર ઘણી મહેનત કરીને બનાવાયું હોવાનું જોવા મળે છે. સુંદર નકશીકામ, મજબૂત બાંધકામ અને ટોચ પર ચિતરેલું કમળ તે સમયના ચિત્રકારો અને નકશીકામ કરનારા કેવા હશે તેનો અંદાજ આપે છે.
- લેક્ પીચૉલા માં આવેલી લેક પેલેસ અથવા જગ નિવાસ ની ગણના વિશ્વની સૌથી રોમેન્ટિક હોટેલમાંની એક હોટલમાં થાય છે તેમજ આ હોટલ અત્યારે હેરીટેજ હોટલની યાદીમાં છે આ હોટલનો કાર્યભાર અત્યારે તાજ ગ્રુપના અંતર્ગત છે. આ સ્થળ અગાઉ સિસોડિયાના રાજવીઓ નું ઉનાળાના સમયગાળામાં ફરવા માટેનું પ્રિય સ્થળ હતું.
- કહેવામાં આવે છે કે રાણા કુંભા એ કિલ્લાના રક્ષણ માટે બાંધેલી કુંભલગઢ કિલ્લાની દીવાલ ચીન ની દીવાલ પછી ની બીજી સૌથી લાંબી દીવાલ છે. જે ૩૬ કિમી લાંબી છે. જેનું નામ વિશ્ર્વની હેરીટેજ સાઈટમાં આવે છે. એમ પણ લોકવાયકા છે કે આટલી લાંબી દીવાલને લીધે આ કિલ્લા પર અત્યાર સુધી માં કરવામાં આવેલો હુમલો અસફળ રહ્યો છે.
- ધીબર લેક એશિયા નો બીજો સૌથી મોટો ૧૪ કિમી લાંબો અને ૧૦૨ ફૂટની ઉંડાઇ ધરાવતો આર્ટિફિશિયલ લેક છે. આ તળાવ રાણા જય સિંહ ના સાશન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
- રાજસ્થાન માં જસત અને તાંબા ની મોટી સંખ્યામાં ખાણો આવેલી છે જેમાં સૌથી વધુ ખાણ ઉદયપુર માં આવેલી હોવાનું કહેવાય છે.
- જંગલ બુક ના રાઈટર રુડયાર્ડ કિપ્લીગ પણ ઉદયપુર થી પ્રભાવિત થઈને તેની બુકમાં બગીરા નું વતન ' oodeypore' હોવાનું બતાવ્યુ છે જેનું ઉચ્ચારણ ઉદયપુર જેવું સંભળાઈ છે.
- ફતેહ સાગર લેકમાં આવેલું ઉદયપુર સોલાર ઓબ્સવેટરી (યુએસઓ) એ એશિયા નું શ્રેષ્ઠ સોલાર ઓબસ્વેટરી ગણાય છે.
- ઉદયપુર માં એક ટ્રી હાઉસ છે જેનું નામ લિમ્કા બુક માં પણ નોંધાયેલું છે. આ ટ્રી હાઉસની ખાસિયત એ છે કે તે ૬૫ વર્ષ જુના કેરીના ઝાડ પર બનાવવામાં આવેલુ છે આ ઉપરાંત ટ્રી હાઉસ બનાવતી વખતે ઝાડને કોઈપણ પ્રકારનું નુકશાન નહીં થાય તેની ખાતરી રાખવામાં આવી હતી. ઘરનું આર્કિટેક્ટ ઘણું જ સરસ છે. જેને સુરતના જ એક આર્કિટેક એ તૈયાર કર્યું છે.
- આ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ સાંભળવા મળ્યું છે કે ઉદયપુર ના જગ મંદિર થી પ્રભાવિત થઈ ને શાહજહાંએ તાજમહેલ બનાવવાનો નિર્ણય લીધો હતો. એવી લોકવાયકા છે અગાઉ ગુલ મહેલ તરીકે ઓળખાતા જગ મંદિરમાં તે સમયના રાજાએ દુશમનો થી બચાવવા માટે શાહજહાના પત્ની અને બાળકોને આ સ્થળે આશરો પણ આપ્યો હતો.
- વધુ એક આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે વિન્ટેજ મ્યુઝિયમ માં રાખવામાં આવેલી ધ ગ્રેન્ડ ૧૯૩૪ રોલ્સ રૉય પેન્થમ નો ઉપયોગ હોલીવુડ ની જેમ્સ બોન્ડની ફિલ્મ ઓક્ટોપ્સી માં કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક કાર નો ઉપયોગ કવિન એલિઝાબેથ ને એરપોર્ટ પર ઉતારવા માટે કરવામાં આવ્યો હતો.