મધુરજની - 26 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 26

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૨૬

ગફુરે હજી ભરૂચ રેલવે સ્ટેશને ગાડી પાર્ક કરી ત્યાં જ એક ભગવા વસ્ત્ર ધારી યુવાને આવીને તેને ધીમેકથી પૂછ્યું- આમ મુજે લે જાઓગે? શાંતિ આશ્રમ?

હમણાં તે શાંતિ-આશ્રમ થઈને આવ્યો હતો. સુમંતરાય યોગ કરી રહ્યા હતા એટલે મળી શક્યો નહોતો. અન્ય લોકો સાથેય આખો મળી હતી પણ કોઈએ કહ્યું નહોતું કે કોઈ ભગવા વસ્ત્રધારી મહેમાન આવવાનાં હતા. આવું કશું હોય તો તેને આગોતરી જાણ કરવામાં આવતી કે તે મહેમાનને સંભાળપૂર્વક લઈ આવે પણ એમે બન્યું નહોતું.

ગફુરને એ વ્યક્તિ તેજસ્વી લાગી. આવી વ્યક્તિ જ આશ્રમમાં આવે ને? તેણે મનોમન નક્કી કરી નાખ્યું, તે આ વ્યક્તિ પાસેથી ભાડા પેટે કશું માગશે નહીં. એ અનિરુદ્ધ હતો, ભગવા વસ્ત્રોમાં. બ્રીજે જ સૂચના આપી હતી- વેશપલટો કરીને શાંતિઆશ્રમમાં પહોંચી જવાની. હવે તખ્તો બદલાઈને આશ્રમ ભણી આવી રહેશે એવી બ્રીજની ગણતરી હતી.

અનિરુદ્ધે બ્રીજને ફોન કર્યો હતો. ‘સર, હવે એ શખ્સ મનસુખ તમારા શહેરમાં આવી રહ્યો છે, બસ નીકળે જ છે. ના, ચુડાસમાને જાણ કર્યા વગર જ...’

બ્રીજે કહ્યું- ‘અનુ, તું પણ અહીં જ આવી જા.’

મનસુખલાલને ચુડાસમાની વાતમાં તથ્ય લાગ્યું હતું. કદાચ કોઈ વિરોધીએ આમ કર્યું હોય એવી પણ શંકા જાગી હતી કારણ કે તે આગામી ચૂંટણી લડવાના હતા. – આ બેઠકપરથી જ. નામ વહેતું થયું હતું. તેમણે પોતે જ એ વહેતું કર્યું હતું.

પ્રેમ અને લડાઈમાં બધું જ કરવું પડે એ ઉક્તિની તેમને બરાબર જાણ હતી. પ્રેમ, ખરેખર તો વાસના માટે તેમણે કેટલાય દુષ્કૃત્યો કર્યા હતા. એક શિક્ષણ સંસ્થાનો ટોચનો માણસ, પાછો આવા રંગીન મિજાજનો માણસ, શું નાં કરી શકે? શિયાળ અને શ્વાન બંને એક ખોળિયામાં જ વસે પછી ઉડતાં પંખી પણ પાડે. મનસુખલાલે એ પાડ્યાં હતા.

સુમન તો એ માળાનો એક મણકો હતો. પણ તફાવત એટલો હતો કે તેમણે સુમનની હત્યા કરી હતી, કરવી નહોતી પણ થઈ ગઈ હતી. સુમંતભાઈની ભલાઈ અને સુમનના અસંતોષનો તેમણે જબરજસ્ત ફાયદો ઉઠાવ્યો હતો.

સુમન સ્વરૂપવાન હતી, યુવાન હતી, એક પુત્રીની મા બન્યા છતાં પણ તાજગી હતી એના ચહેરા પર. ભલે સરળ હતી પણ એટલી તો સરળ નહોતી જ કે તેને કોઈ દુન્યવી આકર્ષણો ના વળગી. પતિ પ્રતિ પ્રેમ હતો, સહાનુભુતિ હતી પણ એમ તો થયા જ કરતું હતું કે તેના જેવી રૂપવતી માટે આ યોગ્ય પાત્ર નહોતું જ. એ અભાવો, એ વસવસાઓ ક્યારેક ખૂબ કનડતા. મનસુખલાલ જેવી વ્યક્તિ એ ના પારખી શકે? મૂળથી આકર્ષણ અને પાછું અભાવોનું દર્શન.

તેમને લાગ્યું કે આ તો સહેલાઈથી મળી શકે! પાકું ફળ વૃક્ષ પરથી પડે એમ જ! અને એમ જ થયું હતું. પતન થયું હતું સુમનનું. બાજી ગોઠવાતી હતી. રોજેરોજ સુમંતરાયને કામમાં રોકી રાખવાની. માનસીની સ્કૂલ પણ દૂર રાખવામાં આવી હતી જેથી તે પણ અંતરાય રૂપ ના બની શકે. ઘરમાં પ્રવેશનો માર્ગ પણ ગુપ્ત રાખવામાં આવ્યો હતો જેથી આવજા ખાનગી રહે. પાસેનું મકાન ખાલી જ હતું, જે મનસુખલાલના મળતિયાએ ખરીદ્યું હતું. અથવા માનો કે સ્વયં તેમણે જ. એ સીડી પરથી આ તરફથી સીડી પર આવવાનું સાવ સરળ લાગતું હતું. મનસુખને. કામી વ્યક્તિને બધે શુકન જ દેખાય.

સુમનને સુખ મળતું હતું, ભૌતિક સુખ, અઢળક સુખ. સાડી, ઘરેણાં. સુમંતભાઈની ભલાઈ પણ અનહદ હતી. આવી તો શંકાય ન આવે! એમાં મનસુખને એક અંતરાય દેખાયો- માનસી. માનસી તેર વર્ષની થઈ હતી. ભલે બોલતી નહોતી પણ મુક ભાવો જ કહી આપતાં હતા કે તે જોખમી બની શકે ખરી.

માનસીનું સતત અવલોકન કરતાં કરતાં મનસુખલાલ વમળમાં ફસાયા. આને જ જીતી લઉં તો? સુમન જેવી સુમનને જીતી શકાતું હોય તો આ તો એક છોકરી જ હતી. તેણે આ વાત સુમનને કહી નહોતી. એ એક ખલ વ્યક્તિને બરાબર ખબર હતી કે મનસુબા પાર પાડવા શું કરવું, ક્યારે કરવું અને કઈ રીતે પાર પાડવું? તેને પછી માનસી પ્રતિ પણ આકર્ષણ જાગ્યું. એ પણ સ્ત્રી હતી ને? જેમ સુમન નહીં બોલે તેમ એ પણ નહીં બોલે.

પણ અંતિમ પળે તેનું મન લથડી ગયું. શા માટે શિકાર જતો કરવો? સુમન પણ નહોતી. અને તે એ દિશામાં વળ્યો ને સુમન આવી ગઈ. તેણે પાણી ભરવાની મોટર પણ ચાલુ કરી દીધી જેથી એ અવાજમાં અન્ય અવાજો સંતાય જાય! મન એક દિશામાં વળે પછી આપોઅપ રસ્તાઓ સુજી જાય. વળી આ તો જૂનો ખેલાડી હતો. પ્રતિષ્ઠિત પદની શોભાની આડમાં એક ખલ પુરુષ પોષાતો હતો. ઉની આંચ પણ આવી નહોતી.

સુમન આવી. બચાવમાં એક દીવાલ જેવી. તેણે ગમે તેવી નિમ્ન ભૂમિકા ભજવી હોય પણ પુત્રીની આવી સ્થિતિ કઈ માતા સહી શકે? તે ત્રાડ પાડતી વચ્ચે આવી હતી અને ભયના ઓથાર નીચે સુમનની હત્યા થઈ હતી. એ સમયે માનસી સંતાયેલી રહી હતી. નહિ તો એના પણ એ જ હાલ થાત એ નિશ્ચિત જ ગણાય.

ભય અનેક અપરાધો પ્રતિ દોરી જતો હોય એ જ ગુનાઓની તાસીર હતી. નાસી જવાનો માર્ગ તો હતો જ. જે ઠીક લાગ્યા, સુઝ્યા એ પુરાવાનો નાશ કરવામાં સમય તો જાય ને? મનસુખલાલ બનાવ બન્યા પછી લગભગ એક કલાકે સ્થળ પર આવ્યા હતા, નવાં નક્કોર વસ્ત્રોમાં.

અને એમની પ્રતિષ્ઠા જ એવી હતી કે સહાનુભુતિ દર્શાવતા દર્શાવતા સુમન હત્યા કેસને ફાઇલ કરાવી શક્યા.

‘જાનાર તો ગઈ જ. હવે મળી મળીને શું મળવાનું હતું? લૂટમાં જે ગયું એ, હવે એ ભોગવનાર તો...’

તે ગદગદ થઈ જતા હતા. આખી ઘટના વિશે હવા બદલી નાખી. સુમંતભાઈના મનમાં વૈરાગ્યભાવ રોપાઈ ગયો હતો. અરે, વતન પરથી જ મન ઊઠી ગયું હતું.

મનસુખલાલ એ ભાવમાં પુરક બનતા હતા. ઘરે આવવાનું સદંતર બંધ કર્યું હતું. માનસી સાથે રખે દૃષ્ટિ મળી જાય. ઠેઠ સુધી સુમંતભાઈનો પડછાયો બની રહ્યા. રેઢા ના જ મૂક્યા. ‘માનસી બિચારી ડરી ગઈ છે. ઊંઘમાંથી જાગી તો સામે માતાની લોહી નીકળતી લાશ! સુમંતભાઈ, સ્થાન છોડી દો થોડા સમય માટે. મકાનની માયા ય છોડી દો. થોડા વખત પછી આવવું હોય તો મારું ઘર ક્યાં નથી?’

અને સુમંતભાઈને પણ થયું કે મનસુખલાલની વાત તો સાચી હતી, સોળવાલ અને એક રતી જેવી. ત્વરિત નિર્ણયો લેવાઈ ગયા. તેમણે માનસી સાથે વતન છોડ્યું. કર્મભૂમિ સખી શાળા છોડી. મન ઊઠી ગયું જનમ ભોમકામાંથી. મૂઢ હતી માનસી. એનીયે ચિંતા હતી. બધી જ વ્યવસ્થાઓ મનસુખભાઈએ કરી આપી. સામાન ફેરવવાની, ગોઠવવાની અને વાહનની. ગદગદ થઈ ગયા હતા સુમંતભાઈ. અને નિરાંતે એ આખી વાત ભૂલી પણ ગયા હતા. એ લોકો જ હાજર નહોતા પછી સુમન હત્યા કોણ યાદ કરે?

હા, ક્યારેક સુમન યાદ આવી જતી ખરી. જો થોડા સાવચેત રહ્યા હોત તો સ્ત્યારે સુમંત હોત અને તેની સાથેની મજા પણ હોત. બસ બીજી સુમન!

સ્વભાવ થોડો છૂટે છે. તેમણે અન્ય પાત્રો શોધી કાઢ્યા હતા. પ્રતિષ્ઠા વધતી હતી તેમ તેમ પેલો મોહ પણ વિસ્તરતો હતો. ક્યારેક બિન્ધાસ્ત બની જતા તો ક્યારેક છળી જતા. કોઈ રાતે મૃત સુમન સપનામાં આવતી. ‘પણ મારે એને ક્યાં મારી નાખવી હતી? એણે તો મને કેટલું સુખ આપ્યું હતું. માસ્તરેય સાવ ભોળો હતો.’

ક્યારેક વિચારતા પણ ખરા અને જ્યારે ચુડાસમાએ આ સમાચાર આપ્યા ત્યારે ઊંડા વિચારમાં પડી ગયા હતા. ભીતરથી ખળભળી ગયા હતા પરંતુ ચહેરા પર સ્વસ્થતા જાળવી રાખી હતી.

‘ચુડાસમા, આમાં મારે શું કરવાનું હોય? કોઈ કેસ બંધ થાય કે ઓપન થાય એ તો ખાતાનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન છે.’ એમ જ કહી નાખ્યું હતું.

‘મનસુખભાઈ યાદ કરો સાહેબ મને જે સમાચાર મળ્યા એ ખોટા ન હોય. એ સોર્સ જ એવો છે કે...’ ચુડાસમા મક્કમ રહ્યા કારણ કે તેમને બ્રીજ પર શ્રદ્ધા હતી. એને પૂરો ઓળખતા હતા. તેનેય ડર પણ હતો કે ક્યાંક છાંટા ના પડે તેમના પર. અપ્રમાણિકતા કે અદક્ષતાનો દાગ લાગી જાય એમના પર! તેમને પ્રમોશન મેળવવું હતું. એક સ્વપ્ન સજીને બેઠા હતા.

મનસુખલાલ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સારા સંબંધો હતા એટલે ફરજ પણ બની જતી તેમને ચેતવવાની. ‘ભલે ચુડાસમા, પછી કશું આગળ વધે તો જણાવજો. તમે તો મિત્રતા નિભાવો જ છો.’ તે સાવચેતી પૂર્વક બોલ્યા હતા અને પછી વિચારોમાં ડૂબી ગયા હતા. આ હત્યાના પુરાવા શા હતા? એક તો પેલી છોકરી...શું નામ હતું એનું...સાવ નાદાન હતી. પણ સાક્ષીરૂપ વ્યક્તિ તો એ જ હતી. એ જ આ કેસને ફરી ખુલ્લો કરી શકે. એ પછી સુમંતભાઈનો વિચાર કર્યો હતો. એ ભોળો કે મૂર્ખ માસ્તર તો હવે શહેરમાં નહોતો. સંભવ છે કે એ છોકરીએ બાપને જણાવ્યું પણ હોય અથવા પોતે સુમન પર લખેલ સૂચના જેવી ચિઠ્ઠીઓ...

બસ, આ જ શક્યતા હતી. તે તો નિશ્ચિત બની ગયા હતા કે કશું બનવાનું નહોતું. અને એ જ ધારણા પર વધુ વિસ્તર્યા હતા. તેમના આ શોખમાં ક્ષતિઓ રહી ગઈ પણ હોય.

તેમણે નક્કી કરી નાખ્યું કે તે સુમંતભાઈનો પત્તો મેળવશે, પેલી છોકરીને પણ શોધી કાઢશે, તપાસ કરશે કે આ રમત કોણે શરૂ કરી હતી અને ક્યાં પહોંચી હતી.

સુમંતરાય ગમે તેમ તોય માસ્તર. સમજાવી શકાશે! તેમની પાસે સાધનો તો હતા જ. અને હવે તો શક્તિશાળી પણ થઈ ગયા હતા ગમે એ કરવા. વગેય વધી હતી. નવા મિત્રો પણ થયા હતા. બસ પહેલાં તપાસ કરવી કે ખરેખર આવું કશું છે ખરું! સીધે સીધું ધસી ના જવું. એથી તો શંકા જાગે.

બ્રીજ પાસે પહોંચી ગયો અનિરુદ્ધ, પણ એ પહેલાં સોનલદે આવી હતી. ‘બ્રીજ, હવે તમારા વિના રહેવાતું નથી. કેમ એટલું વ્યાકુળ બની જવાતું હશે? કશું સમજાતું નથી. આપણો પરિચય પણ કેટલા સમયનો? બસ, હમણાંનો, મને વર્ષ છે એટલા દિવસોનો પણ નહીં.’ સોનલદે ગંભીર હતી. આંખોય ભીની હતી.

‘સોનલ, જ્યારે મંજિલ સાવ પાસે હોય ત્યારે ધીરજ ખૂટી પડે છે. આવું અમારા કામમાં પણ બને છે. હમણાં જ અનિરુદ્ધ આવશે. એક નવું સાહસ એના અંતિમ ચરણમાં હશે. સોનલ, તેં આ માનસીની કથા ના કહી હોત તો આપણે હનીમુન પણ મનાવતાં હોત! પણ આતો તારી જ સખી!’ બ્રીજે તેને નીકટ લીધી હતી. થોડીક ક્ષણો ઝરણાની ખળખળની માફક શાંત વહી રહી હતી. બારણું ખખડ્યું હતું. આ અનિરુદ્ધની આદત હતી. તે ક્યારેય ડોરબેલ પર હાથ મુકતો નહીં.

‘જો મારો મિત્ર આવ્યો છે, જે તપાસ કરી રહ્યો છે માનસીના અપરાધીનો. મારો હનુમાન છે. એ જરૂર લંકાદહન કરશે. પણ સોનુ, તું એક તપાસ કરીશ સુમનભાઇના ઘરમાં? મને વિશ્વાસ છે કે જરૂર કશું મળી આવશે એ સામાનમાંથી. જે આપણને ઉપયોગી થાય. કોઈ પત્રો, કોઈ ડાયરી...સુમન પણ મનસુખના કહ્યામાં હતી. એ બંને સરળ પ્રકૃતિના સુમંતભાઈને છેતરી રહ્યા હતા. મને લાગે છે કશુંક તો મળશે જ. ખાસ કરીને સ્ત્રીના પુસ્તકો, કબાટોમાંથી. તારી પાસે એ ઘરની ચાવી છે ને? અને માનસી કે મેધ પણ નથી.’

આ કામ ગમ્યું સોનલદેને. તે હવે સખી ઉપરાંત તેના થનાર પતિને સહાય કરી રહી હતી. તે પાછલા દરવાજેથી સરકી ગઈ, બ્રીજની સૂચનાથી. તેને તો અનિરુદ્ધને પણ મળવું હતું પણ મનને ખાળી રાખ્યું.

ના, એ દિવસો દૂર નહોતા જ. બ્રીજે તો હનીમુનની પણ વાત કરી હતી. પુરુષને પણ થતું હોય ને, જેમ સ્ત્રીઓને થાય. સોનલદે ઘર ખોલીને ભીતર ગઈ. આજે તે એવું કાર્ય કરી રહી હતી એ તેણે ક્યારેય કર્યું નહોતું.

હા, તેણે બ્રીજનું હૃદય ચોર્યું હતું, પણ એ તો અરસપરસ બનેલી ઘટના હતી. તેની સીધી દૃષ્ટિ સામે લાકડાના ઘોડા પર પડેલા રામાયણ પર પડી. પુસ્તક પરથી ધૂળ ખંખેરી. કોણ વાંચતું હશે? માનસી? અરે, એની મનોદશા જ ક્યાં એવી હતી કે તે આ ધાર્મિક ગ્રંથ સુધી પહોંચે!

સોનલદેએ પાન ફેરવ્યા. સડસડાટ કેવળ કુતૂહલવશ! અને આખી થપ્પી નીકળી આવી ચબરખી નીકળી આવી, જે મનસુખલાલે લખી હતી સુમનને, તેની પ્રિય સુમનને. હા, એમાં એવાં જ સંબોધનો હતા. લખાણો હતા. હાથે દોરેલાં ચિત્રોય હતાં. બસ, આ જ જોઈતા હતા ને બ્રીજને? સોનલદે રાજીની રેડ થઈ ગઈ. શોધ તરત જ પૂરી થઈ હતી.