નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ સૌ કુશળ મંગલ હશો. આ પહેલા ના લેખ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે એના માટે દિલ થી સૌ વાંચક મિત્રો નો આભારી છું.
દોસ્તો, આ સંકટ ના સમય માં પણ આપણે આપણો ખુદ નો વ્યવહાર નથી બદલી શકતા. હા, પણ વાત જ્યારે બીજાને બદલવાની કે સુધારવાની આવે ત્યારે આપણે કંઈક વધારે જ પરિશ્રમ કરતાં હોઈએ છીએ. બેશક, જેને ખરાબ ટેવ હોઈ કે પછી જેને સુધારા ની જરૂર હોઇ તેને આપણે સુધારવાનું કહીએ એમાં કશું જ ખોટું નથી. હા પણ ક્યારેક તો આપણે જેને મળ્યા ના હોઈએ, જેને સમજતા ના હોઈએ અને જેને ઓળખતા ભી ના હોઈએ તેવા લોકો ને સલાહ આપતા હોઈએ છીએ. તમે સમજી જ ગયા હશો કે આ કેવી રીતે શક્ય છે, જી હાં, હંમેશ ની જેમ સોશિયલ મીડિયા. તમે વિચારશો કે હું દરેક લેખ માં સોશિયલ મીડિયા વિશે જ શું કામ ચર્ચા કરું છું. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ નફરત આજ ના સમય માં સોશિયલ મીડિયા પર જ ઠલવાતી હોઈ છે. શાયદ એનું એક કારણ એ ભી હોઈ શકે કે જ્યારથી માનવજાતિ ની ઉત્પત્તિ થઈ ત્યાર થી લઈને આજ સુધી હંમેશા પોતાના થી કમજોર વ્યક્તિ ને દબાવવા માં આવ્યો છે અને તે કમજોર વ્યક્તિ તે વ્યક્તિ ને મજબૂરીવશ કંઈ કહી પણ ના શકતો હોઈ જેને લીધે તે પોતાની ભડાસ તેનાથી પણ કમજોર વ્યક્તિ પર ઠલવતો. સમય બદલાઈ ગયો પણ હજું પણ આ યથાવત છે. હા બસ તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. લોકો પોતાની ભડાસ કાઢવા હવે સોશિયલ મીડિયા પર પણ 'એક્ટિવ' થઈ ગયા છે. આવી જ એક પ્રકાર ની ભડાસ વિશે આપણે આજે ચર્ચા કરીશું તમે ઈચ્છો તો એને તમે બીજું કંઈ પણ નામ આપી શકો છો.
આ સંકટ ના સમય માં એકબીજા ને મદદરૂપ થઈએ એ જ માનવજાતિ ની સાચી નિશાની છે. આ સમય માં તમે સમાચાર માં વાંચ્યું કે સાંભળ્યું જ હશે કે પેલા ભાઈ એ આટલા રૂપિયા નું દાન કર્યું, બીજા ભાઈએ આટલા નું દાન કર્યું, પેલી કંપનીએ આટલા કરોડ દાન માં આપ્યા, પેલી સંસ્થાએ આટલા કરોડ નો દાન કર્યો. ખરેખર આ બાબત ગર્વ લેવા જેવી છે. લોકો સામે ચાલીને એકબીજાને મદદરૂપ થાય છે એ થી વિશેષ શું જોઈએ, પણ અત્યાર ના યુગ માં આ એક 'ટ્રેન્ડ' બની ગયો છે કે દાન કરો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો. મારી આ વાત અમુક લોકો ને ખરાબ લાગી શકે એમ છે પણ હકીકત આ જ છે. અમુક લોકો આના બચાવ માં એમ પણ કહેશે કે આ પોસ્ટ દ્વારા આપણે લોકો વધુ માં વધુ દાન કરે એના માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જ્યારે આવું કોઈ કહે ત્યારે એમ લાગે કે શું પ્રોત્સાહિત કરવા આ એક જ રસ્તો બચ્યો છે? અને પહેલાં ના સમય માં સોશિયલ મીડિયા નહોતાં, ઇન્ટરનેટ પણ નહોતાં, ત્યારે શું કોઈ દાન કરવા માટે એકબીજાને પ્રોત્સાહિત નહીં કરતા હોય? અને ત્યારે શું કોઈ દાન નહીં કરતા હોય? જવાબ આવશે હા કરતા જ હતા અને કરે જ છે. જ્યાં સુધી મારુ માનવું છે ત્યાં સુધી આ દાન-ધર્મ હવે અમુક લોકો માટે દેખાડા ની ચીજ થઈ ગઈ છે. આવું બતાવીને અમુક લોકો ખુદ ને સર્વોપરી સાબિત કરવા માંગતા હોય છે, બાકી જેણે એકબીજાને પ્રોત્સાહિત કરવો જ હોઈ તે બીજાને મૌખિક રીતે પણ કહી શકે છે કે દાન કરો અને જો સામે વાળો એમ કહે કે હું શું કામ કરૂં તું કર? ત્યારે એને સાબિતી આપો. સાબિતી આપવી ના આપવી એ આપણા પર છે, એવી જ રીતે દાન કરવું ના કરવું એ આપણી ઉપર છે. આ બાબત માં 2 પાસાં છે, પહેલું એ કે જો તમે દાન કરતા ફોટો કે પછી દાન આપેલ હોઈ એની રશીદ સોશિયલ મીડિયા પર મૂકો તો પણ જેને દાન નથી કરવો એ નહીં જ કરે (અમુક લોકો શરમે ધરમે પણ નહીં જ કરે) બીજું એ કે તમે દાન કરો અને કોઈને ના જણાવો તો પણ જેને દાન કરવું છે એ કરશે જ તમે એને ના કહેશો તો પણ એ કરશે જ. આ બન્ને પાસાંઓ જોતા એવું સમજી શકાય કે સોશિયલ મીડિયા પર એવી તસવીરો કે પછી રશીદ નો સ્ક્રીનશોટ મુકવો જરૂરી નથી. કહેવાનો તાત્પર્ય એટલો જ કે તમે બીજા લોકો ને ઘણા તરીકાઓ થી પ્રોત્સાહિત કરી શકો છો તો પછી આવી પોસ્ટ મુકવાથી તમે ખુદ ને સારો કે સર્વોપરી સાબિત કરવા ના કરો. આવું ના કરવા એટલે સલાહ આપું છું કેમ કે, આના લીધે જે ખરેખર દાન કરે છે લોકો એના પર પણ શંકા કરવા લાગે છે કે તે હજી પોસ્ટ ના મૂકી તે કંઈ દાન કર્યું કે નહીં? શું દાન કરવું અને એને પોસ્ટ કરવી બન્ને જરૂરી છે? તમે પોતે જ કહેશો કે ના. આ વિષય અને વસ્તુ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય શકે છે. બધા ના પોતપોતાના તર્ક વિતર્ક, બચાવ, દલીલ હોઈ જ છે. અહીં મારા વિચાર મેં રજૂ કર્યા એ પછી પણ 1% લોકો માં આ બદલાવ આવે તો ખુદ ને ખુદનસીબ માનીશ. બીજું એ કે આવા સમયે અમુક લોકો જે ગરીબ છે એ મજબૂરી ને વશ થઈને આવા દાન માટે તરફડે છે એવા લોકો ને પણ આવા કહેવાતા દાનવીરો નથી મુકતા અને સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે છે. ક્યારેક સામે વાળો કોણ છે અને એ શું વિચાર કરશે એવી તસ્દી આપણે લઈએ તો પણ ઘણું છે. એને દાન આપશો એટલામાં એ વ્યક્તિ ખુશ થઈ જશે એની ખુશી માટે સોશિયલ મીડિયા પર એ ફોટો અપલોડ કરવા જરૂરી નથી.
આ તો વાત થઈ તમારા અને મારા જેવા સામાન્ય માણસ ની હવે વાત કરીએ મોટા મોટા દિગ્ગજો ની. આ લોકો માં તો આવો ટ્રેન્ડ ઘણા સમય થી છે. આ લોકો એક જાહેરાત કરે ત્યાં પબ્લિક એને સાચી માની લે છે. આ પાછળ એ લોકો નો શું હેતુ હોઈ છે એ તો રામ જાણે પણ વાત કરીએ જે ખૂબ જ અગત્યની છે એવા આપણા જેવા સામાન્ય માણસ ની જે સોશિયલ મીડિયા પર આવી જાહેરાતો થતા જ પોતાની ભડાસ કે ઈચ્છા જાહેર કરવા લાગે છે. સરળ ભાષા માં કહીએ તો આપણે એવું શું કામ ઈચ્છીએ છીએ કે આ સેલિબ્રિટી એ દાન કરવું જોઈએ, પેલા એ દાન કરવું જ જોઈએ, આ વ્યક્તિએ દાન નથી કર્યું. હમણાં થી આવા મેસેજીસ ની ભરમાર હોઈ છે. ઉદાહરણ તરીકે, અક્ષય કુમાર એ 25 કરોડ નું દાન કર્યું બધા ખાન ક્યાં ગાયબ થઈ ગયા, ઇટલી માં કરોડો ના ખર્ચા કરી લગ્ન કરનાર વિરાટ કોહલી એ હજુ સુધી એક પૈસાનું દાન કર્યું નથી (આ લખતા સુધી માં વિરાટ કોહલી એ પણ દાન કરી દીધું છે શાયદ શરમે ધરમે, પણ અહીં વાત થાય છે એવા મેસેજીસ ની). આવા તમામ પ્રકાર ના મેસેજીસ તમે અને હું દરરોજ વાંચતા જ હશું. આપણે શું કામ એવું ઇચ્છીએ છીએ કે આ લોકો એ દાન કરવું જ જોઈએ, જવાબ આવશે એ લોકો ની ફિલ્મ આપણે જોવા જઈએ છીએ, એ લોકો ને આપણે સ્ટાર બનાવ્યા છે, એ લોકો કરોડો માં કમાય છે તો શું દાન ના કરી શકે. બેશક દાન કરી શકે પણ દાન કરીને તમને જણાવે જ એ જરૂરી તો નથી જ. અને રહી વાત એમના ફિલ્મ જોવાની તો એ તો આપણી મરજી પર છે. આપણે એની ફિલ્મ જોઈએ છીએ, આપણે એને સ્ટાર બનાવ્યો અને એણે દાન કરવું જ જોઈ આ બન્ને વાત વચ્ચે ક્યાંય સંબંધ હોઈ એવું મને તો નથી લાગતું. બીજું એ લોકો દાન ના કરે તો એના ફિલ્મ નહીં જોઈએ, અમુક મોટા વ્યાપારીઓ ના દાન કરવાની જાહેરાત નહોતી આવી તો લોકો કહેવા લાગ્યા કે આ કંપની ની કોઈ પણ પ્રોડક્ટ નહીં ખરીદીએ. શું આવું કરવાથી એ લોકો ને કે તમને કંઈ ફેર પડી જવાનો છે? જવાબ આવશે ના. એક મિત્ર એ મને પર્સનલ વોટ્સઅપ માં એક વીડિયો મેસેજ કર્યો, જે દર્શાવતું હતું કે શાહરૂખ ખાન દુબઇ ના લોકો ને સુરક્ષિત રહેવા સલાહ આપે છે. વિડિયો પર કેપ્શન હતું કે, 'દેશ ની ચિંતા કે દાન કરતો નથી અને વિદેશીઓ માટે આટલી ભાવના પ્રકટ કરે છે. આજ દિવસ પછી આ દેશ દ્રોહી ની એક પણ ફિલ્મ આપણે નહીં જોઈએ અને બીજા ને જોવા પણ નહીં દઈએ.' આ મને પર્સનલ મેસેજ એટલા માટે મારા મિત્ર એ કર્યો કેમ કે હું શાહરુખ ખાન નો ફેન છું. આ જ કેપ્શન અને આ જ વીડિયો બીજા એક મિત્ર એ ફેસબુક પર મુક્યો. શું સમાજ ને આપણે આ જ શીખવી રહ્યા છીએ? હકીકત તો એ છે કે શાહરુખ ખાન દુબઇ ટુરિઝમ નો બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે ત્યાંની સરકારે એને આગ્રહ કર્યો હોય તો જ તે આવી જાહેરાત કરે અને વ્યવહારે એ જાહેરાત માં એને કમાણી પણ થાય. બીજી વાત એ કે એણે દેશ માટે શું કર્યું અને દાન કેમ નથી કર્યું? તો જણાવી દઈએ કે આ મેસેજ મને મોકલવા વાળા શાયદ શાહરુખ ખાન ને ફોલો નહીં કરતા હોય બાકી એમને ખબર હોત કે દેશ માટે એણે શું સંદેશો આપ્યો છે. દાન ની વાત આવે ત્યારે જરાક તસ્દી લઈને ગૂગલ કરી લેજો શાહરુખ ખાન એ કેટલું દાન કર્યું છે અને એને સૌથી વધુ દાન કરવા બદલ યુનેસ્કો એવોર્ડ પણ મળેલો છે. હવે તમે કહેશો કે એ તો પોતે કરેલ દાન ની જાહેરાત કરતો નથી તો કેમ થાય આવું? તો જણાવી દઈએ કે જે સંસ્થા માં એ દાન કરે છે એ લોકો શાહરુખ ને આભારપત્ર લખતા હોઈ છે. વાત માનવી ના માનવી એ તમારા પર છે બાકી વધુ વિગત માટે ગુગલ તો છે જ. આવી તો એની અનેક સિદ્ધિઓ છે. પણ અહીં વાત શાહરુખ ની નથી વાત છે જોયા જાણ્યા વગર નફરત ફેલાવતા લોકો ની. જ્યારે અમિતાભજી ને સોશિયલ મીડિયા પર એવું પૂછવામાં આવ્યું કે તમે ક્યારે દાન કરશો તો એમણે એક ખૂબ સુંદર કવિતા સાથે એનો જવાબ આપ્યો. જે નીચે મુજબ છે,
एक ने दिया और कह दिया, कि दिया,
दूसरे ने दिया और कहा नहीं, कि दिया,
दूसरी श्रेणी में ही रहने दो मुझे ऐ प्रीयजन
जिसे मिला, वो क्या जाने किसने दिया; जानो उसका बस करुण क्रंदन।
इन हालातों में और क्या कहा जाए ,
जो जानें मुझे,जानें, मैं तो सदा स्वभाव से ही रहा हूँ कमसुख़न !
આવા વિચાર અને વિચાર ધરાવતી વ્યક્તિ ને કોટિ કોટિ નમન. ઉલ્લેખનીય છે અમિતાભ બચ્ચનજી એ પણ દાન ની જાહેરાત નથી કરી પણ એનો અર્થ એવો જરાય નથી કે એ દેશદ્રોહી કે દેશવિરોધી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બીજા લોકો એ આ દેશ માટે શું કર્યું એ ગૌણ છે પણ આપણે આ દેશ માટે શું કર્યું એ વધુ મહત્વપૂર્ણ છે.
દોસ્તો, મને તો નાનપણમાં એવું શીખવવામાં આવ્યું હતું કે 'એક હાથ થી દાન કરો તો બીજા હાથ ને પણ ખબર ના પડવી જોઈએ', આશા છે કે બીજા લોકો એ પણ આ વાત સાંભળેલી જ હશે પણ શું આપણે આ અમલ કરીએ છીએ? ઉલટું આવું કરવા વાળા ને આપણે અલગ જ પ્રકાર નું લેબલ ચિપકાવી દઈએ છીએ. 'ગુપ્તદાન એ મહાદાન' આ ભી સાંભળ્યું જ હશે, પણ એનો અમલ? જવાબ ના. કોણે કેટલું દાન કર્યું એમાં માથું ખપાવવા કરતા અને દેખાડા કરવા કરતાં આપણે બધાએ પોતપોતાની યથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ. સોશિયલ મીડિયા પર ભડાસ કાઢો એમાં ના નથી પણ કોઈ ની લાગણી દુભાય એવું તો ના કરો અને સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જ છે તો 'અરાજકતા નહીં જાગરૂકતા ફેલાવો'. તો શું લાગે છે તમને દોસ્તો? તમે મારા વિચારો થી સંમત જ હો એવું જરૂરી તો નથી જ પણ આશા રાખીશ કે 'આ વિચાર અમલ કરવા જેવો તો છે જ' એવો વિચાર જરૂર કરશો.
✍️ Anil Patel (Bunny)