મધુરજની - 19 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 19

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૧૯

મેધે રજેરજ વાત જે ઘટી હતી, કેટી શાહને કહી હતી. પહેલી નજરે આ વ્યક્તિ સાવ સામાન્ય લાગી હતી, પરંતુ થોડી વાતચીત કર્યા પછી તેણે કે ટીનો પ્રભાવ જાણ્યો હતો. કદમાં વામન હતા કે ટી. શરીર સપ્રમાણ બાંધાનું હતું. વાતો કરવાની આગવી રીત હતી. તે સાવ સહજ રીતે સામી વ્યક્તિને બોલતી કરી શકતા હતા. તેમની નિખાલસ દૃષ્ટિ પ્રથમ મિલને જ પ્રભાવ પાડી દેતી હતી. અને પછીનું કાર્ય સરળ બની જતું હતું.

અને આ- કોયડા ઉકેલવાનો તો તેમનો શોખ હતો, વ્યવસાય નહીં. વહેવારમાં મહાત્મા ગાંધીને અનુસરતા હતા- ચુસ્ત રીતે. અને એની સજાઓ પણ ભોગવી હતી, ભોગવતા પણ હતા.

સંકેત ના કર્યો હોત તો પણ સોનલદે ત્યાં રહેવાની નહોતી. ભીતરના તળ ઉકેલવા માટે એકાંત અને શાંતિ જરૂરી ગણાય એ સમજ સોનલદેને હતી જ.

તે સરકી ગઈ, આંટી પાસે. કેટીએ ખંડનું દ્વાર પણ બંધ કર્યું. સવાર હતી છતાં જરા અંધકાર ફેલાઈ ગયો. ‘બોલ...દોસ્ત, મને તારી વાતોમાં રસ છે.’ કેટીએ હસીને કહ્યું. પૂરી એક કલાક વાતચીત ચાલી. કેટીએ જરૂરી નોંધ લખી પણ ખરી. પ્રશ્નો પૂછ્યા પણ ખરા.

‘મેધભાઈ, તમારો પ્રશ્ન, આમ જુઓ તો સરળ છે. પણ મિત્ર, તમારી પત્ની, શું નામ કહ્યું- માનસી! હા, તે મને આટલી મદદ ના જ કરે. અને એવી અપેક્ષા પણ ના રખાય.

સરસ નામ છે માનસી! આપણે એના માનસમાં ઊંડું ઉતારવાનું છે. કશું ગોપિત છે એ મનમાં. કાંઈ ડર કે કોઈ ગ્રંથી! મેધ...સ્ત્રીને સમજવી અને જાળવવી એ એઘરી પ્રક્રિયા છે. કદાચ માનસી સરળ પુરવાર થાય. અને આ સોનલદે, જે તમને અહીં ખેંચી લાવી- એ વિચિત્ર પુરવાર થાય.

હવે આપણે એક કામ કરીએ. તમે બે-ત્રણ દિવસ પછી માનસી સાથે મુલાકાત કરાવો. મારો પરિચય તમારા મિત્ર તરીકે જ આપજો. મારે વડીલની ભૂમિકા નથી ભજવવી. કશું જ કહેવાનું નથી. જે કાંઈ કરવાનું હશે એ સોનલદે કરશે. તમારે તો સાવ અજાણ જ રહેવાનું.

અને મેધ, તમારા બે વચ્ચે તણાવ તો હશે જ. બરાબર ને! કોઈ પુરુષ માટે આ બાબત મહત્વની બની જાય. વાત પ્રેમ કરતા અધિકારની પણ બની જાય, ખરું ને! પણ તમારે એ તણાવ ઓગાળી નાખવાનો. અને પેલાં સંબંધથી તો હમણાં દૂર રહેજો. રાતે તમે થાકી ના જાવ? ખોટી દોડ આમ પણ કરજો જેથી તેને સાચેજ લાગે કે તેનો પતિ થાકી ગયો છે. બસ, અત્યારે આટલું જ ઠીક રહેશે.

અને એક બીજી વાત પણ કહી દઉં. સુમંતરાય મારા પણ મિત્ર. મળવાનું ઓછું બને એ ખરું, પણ મળીએ ત્યારે ખૂબ વાતો થાય. પણ હમણાં મળ્યા નથી. ક્યાં છે...સુમંતરાય...?’

મેધ આ પરિચયથી તો રાજી થયો પણ તેણે કેન્સર વાળી વાત છુપાવી. બાકીની વાતો કહી. કેટી પણ ખુશ થયા. ‘વાહ...મૂકી નોકરી? તો તે પણ નિવૃત્ત મારી જેમ જ!’

માર્ગમાં સોનલદે સાથે જરૂરી વાતો થઈ. બે દિવસ પછી માનસીને લાવવાની વાત વિચારાઈ ગઈ. પછી સોનલદેએ માનસીને આપવા માટેની ભેટ ખરીદી.

‘મેધભાઈ, તમને ખ્યાલ છે, સ્ત્રીને કંઈ રીતે મનાવી શકાય?’

‘હજી તો હું શીખાઉ જ ગણાઉં, સોનલદે! પણ તને ક્યાંથી ખબર, આ બધી?’ મેધે રમતિયાળ ઉત્તર વાળ્યો એથી તે ખુશ થઈ.

‘ચાલો, તમે પણ ઉસ્તાદ છો કે પછી મારા સંગની અસર થઈ?’

મેધ હસી પડ્યો. તેને લાગ્યું કે તે સોનલદે સંગાથે, થોડો બદલાઈ ગયો કે શું?’

સોનલદેએટલે કશું તોફાન, અડપલું. તે ભાગ્યે જ શાંત રહી શકતી હતી.

‘’જુઓ આ ભેટ આપજો માનસીને. તે ખુશ થઈ જશે અને તમે પતિપણામાં પારંગત દેખાશો.’ તે બોલી.

‘ભલે. જેવી આજ્ઞા.’ મેધ બોલ્યો, હળવાશથી. એમ લાગતું હતું કે સોનલદેના સાનિધ્યમાં તે ખીલ્યો હતો. તેને એ સાનિધ્ય ગમતું હતું. પેલો માનસી સાથેનો અભાવ જાણે પુરાઈ રહ્યો હતો.

‘તમે મને જરૂર તમારી સખી ભેગો કરશો જ.’ તે બોલ્યો હતો. ‘હા. મારા વગર તમે ક્યાંય પહોંચી શકો તેમ નથી એની મને ખાતરી થઈ જ ગઈ. તમને બધું જ કહેવું પડે એવા છો તમે તો!’ સોનલદે સાવ સરળતાથી બોલી ગઈ, અને ચોંકી ગયો મેધ.

શા અર્થમાં આમ કહી રહી હતી આ છોકરી? શું ગઈ રાતની આ વાત હતી?

તેણે સોનલદે તરફ દ્રષ્ટિપાત કર્યો તો તે ગંભીર દેખાતી હતી. પરિતાપ અનુભવતી હશે , તે જે બોલી ગઈ એ પર?

બેય શહેરના મુખ્ય માર્ગ પર આવ્યા. અહીં થી અલગ પડવાનું હતું. હવે ફરી સોનલદે સાથે જવાનો અર્થ નહોતો.

, તો પણ મેધને થયાં કરતું હતું કે તે સાથે રહે તો સારું.

‘ચાલો , મેધભાઈ...હવે પડીએ છુટા. માનસી સરસ સ્ત્રી છે. મનર લાગે છે કે કેટી. આપણને મદદરૂપ બનશે જ.બસ હવે આવો...માનસી સાથે. જુઓ...માનસીનાજુના ઘરે જ ઉતરજો. હું સુચના આપી દઈશ, સફાઈ કરવાની. આટલાં દિવસોમાં...મકાનની હાલત સારી નાં હોય. એ પછી મને ફોને કરજો. અથવા માનસી જ કરશે. અને આપણી આ મુલાકાત તો બે નંબરની ગણી કાઢવાની.

બસ, બાકી તો અહં કહેવાનું હોય? તમે હતાં એટલે આ રાત-દિવસ સરસ રીતે પસાર થઈ ગયા. મારાંભાઈ-ભાભી તો સૌથના પ્રવાસે ગયા છે. એકલી હતી ને તમારી કંપની મળી ગઈ.’

બસની મુસાફરી દરમ્યાન તેને સોનલદે નાં જ વિચારો આવ્યા.તે શા માટે પરણી જતી નહિ હોય? આમ ભીને વાન છે પણ નમણીયે છે. અને સ્વભાવ રમતિયાળ. કેવુંબોલતી હતી? અને છતાં પણ એમ લાગતું હતું કે તેના મનમાં ઊંડે ઊંડે કોઈ અજંપો હતો, પીડા હતી, કશું ચચરતું હતું.

શું દરેક વ્યક્તિ આમાં જ જીવતી હતી, પોતપોતાનો અજંપો સાચવીને? અચાનક તેને સુમંતભાઈયાદ આવ્યા.

સાહેબની શું સ્થિતિ હશે? આ રોગ મટ્યો જાણ્યો નથી મૃત્યુ સામે ઝઝુમતા હશે કે મૃત્યુની પ્રતીક્ષા કરતાં હશે? કદાચ એ બંનેય.આખરે તો સહુ એ પોતપોતાની સ્થિતિમાંથી ગુજરવું જ રહ્યું.

ઘરે જઈને તેણે પરિસ્થિતિ સંભાળવાની હતી. એક સારા સમાચાર આપવાના હતાં. તે નવી ટર્મથી કોલેજમાં જોડાવાનો હતો. ખુદ પટેલ સાહેબે સમાચાર આપ્યા હતાં. સુમંતભાઈની સારપ આદી આવી હતી. ‘જોઈ જુઓ, આ છોકરો કેમ રહે છે..’એક ટ્રસ્ટીએ દબાતા સ્વરમાં કહ્યું હતું. તેમની ઈચ્છા કોઈ બીજી વ્યક્તિ માટે હતી, એ દેખાઈ આવતું હતું.

‘આપણી કોલેજનો હોનહાર છોકરો છે. મારે એવા લોકોની જ જરૂર છે જે નિષ્ઠાપૂર્વક આમાંજોડાય.’ પટેલસાહેબે મેધ માટે પુરા પ્રયત્ન કર્યા હતાં. અંતે મંજુરીની મહોર લાગી હતી.

મેધે આ સમાચાર આપીને સહુને ખુશખુશાલ કરી દીધાં. નરેન્દ્રભાઈ સાવ સરળ હતાં, કહી દીધું- આ બધાં માનવીના પગલાનો પ્રતાપ છે. હવે આ ઘરમાં શુબ જ બનવાનું.

‘ચાલો, ગઈકાલનું મેનુ આજે...’ શ્વેતા રંગમાં આવી ગઈ. તેણે ‘કેમ, ભાભી?’ એમ કહીને તેને પણ સામેલ કરી.

લાગ જોઈને, એકાંતમાં મેધે માનસીને, પેલી સોનલદે એ આપી હતી એ ભેટ આપી હતી.

‘ઓહ! મોતીની માલા! તમને મળી હતી સોનલદે?’ માનસીનો ચહેરો ખુશીથી તરબોળ થઈ ગયો હતો. પણ તેનો સોનલદે અંગેનો ઉલ્લેખ મેધને ચોકાવી ગયો.

આ ચીજ સોનલદેને પણ પ્રિય હશે.અને માનસી, એ જાણતી હશે!

‘ગમી ને?’ મેધે એક સહજ પ્રશ્ન પૂછી નાખ્યો. માનસીએ સંકેતથી હા પાડી.અને થોડીવારમાં પુરણપોળીની મીઠી સોડમથી ઘર મઘમઘવા લાગ્યું. શ્વેતાની એક આંખ માનસી પર જ હતી.હજી ગઈ રાતે, માનસીએ તેને કમનસીબની વાત કહી હતી. તે જ્યારે તેર વર્ષની હતી ત્યારે બની હતી એ ઘટના જણાવી હતી. અલબત્ત એ અધમ પુરુષની ઓળખ નહોતી આપી. તેની મૃત માતાના લાંછનની વાત ગોપિત રાખી હતી. એ કેવી રીતે કહી શકે? એ કારણે તો તે આટલી રિબાતી હતી, સાવ અકારણ જ !

પેલો આઘાત કેટલો આપતિજનક નીવડ્યો હતો એ પણ તેણે શ્વેતાને સૂચવ્યું હતું. આખરે શ્વેતા પણ એક સ્ત્રીજ હતી ને ? એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે તો આ જગતના લગભગ બધાં જ દુઃખો નાશ પામે.

શ્વેતાને સમજ પડી હતી. આમાં કોઈ જ દોષિત નહોતું છતાં તે બંને દુઃખી તો હતાં જ. તેણે તેની સમજ મુજબ સલાહ આપી હતી. ‘ભાભી....તમે પેલી તેર વર્ષવાળી વાત કોઈને ના કહેતા. ભલે કશું જ અઘટિત બન્યું નહોતું તો પણ. આ સમાજ સ્ત્રીને જૂદી નજરે જુએ છે. ખુદ સ્ત્રીઓ જ સ્ત્રીને બદનામ કરી મૂકશે.

અને પુરુષ પણ આ સહી નહીં શકે. મેધભાઈ પણ પુરુષતો ખરાં ને ? તમારો આખો મામલો માણસશાસ્ત્રનો છે. અને તમે તો આમાંથી બહાર આવતા પ્રયત્નો કાર્ય જ હશે ને ?

આમાં વિશેષ તો શું કહું ? હું તમારી સાથે છું. એમ માનજો. કોઈ માર્ગ વિચારશું.

અને એ ક્ષણે.....માનસી ખુદ તૈયાર થઈ ગઈ હતી, જાતને મદદ કરવા. તેણે જ.....કશું કરવું જોઈએ. હવે તો એ બનાવ બન્યા કેટલાં વર્ષો વીતી ગયા ? એ આઘાતના ઉઝરડાં આમ સાચવી રાખવાના ? ઉઠ.....માનસી...!

મેધ ન આવ્યા એની પણ ચિંતા વળગી. મળ્યા હશે સોનલદે ને ? મળ્યા હશે તો કદાચ......આ વાત પણ કહી હશે ? ના.....આવી વાત મેધ સોનલદેને કહે જ કેવી રીતે ?

બપોર થતાં તેની ચિંતાઓ ઓગળી ગઈ કારણકે મેધે આવીને નવી ટર્મથી શરૂ થતી નોકરીની વાત કહીને સહુને ખુશ કરી દીધાં હતાં.

આગલાં દિવસના રંજનો બદલો મળી ગયો હતો. વળી મોતીની માળા મળી એ તો લટકાની.

મેધના ચહેરા પર હળવાશ હતી, એની નોંધ શ્વેતાએ પણ લીધી.

‘એ લોકોનું ગોઠવાય તો સારું.’ તે વિચારતી હતી. ‘માળા સોનલદે એ ખરીદી હશે. તેને જ ખબર છે કે મને....એ ચીજ કેટલી પસંદ છે. મેધ સાથે તો એવી વાતો કરવાનો સમય જ ક્યાં આવ્યો છે ? મળી હશે ખરી ?

કંઈ સોનલદે મારું બુરું ઈચ્છે ? ના રે ના, એ તો સખી નથી, એથી પણ વિશેષ છે.’ રાતે તેણે એક પહેલ કરી. ‘જુઓ....તમે આમ જાજમ પર શા માટે સૂઓ છો ? આ પલંગ શું બરાબર નથી ? મારે પણ ઝેરના પારખા નથી કરવા. તમારું અસુખ મને કેટલી પીડા આપે છે. એ તમને કેવી રીતે કહું ?

મને શ્રદ્ધા છે જ કે એ પળ સાવ નિકટ છે.’

મેધ ચકિત થઈ ગયો. કેટીની વાતો તેના મનમાં ઘૂમરાતી જ હતી.

તે હસ્યો- શ્રદ્ધાવાન હસે તેવું. તે બંને સાથે જ સૂતાં.

ત્રીજી સવારે, મેધ અને માનસી સવારની વહેલી બસમાં શહેરમાં આવ્યા. માનસીને આનંદ હતો, પરિચિત શહેરમાં પુનઃપ્રવેશનો. એમ લાગતું હતું કે જાણે તેના પુરાણા દિવસો પાછાં ફર્યા. પિતાની યાદે, આંખો ભીની થઈ. ક્યાં હશે પપ્પા ? મેધે સરનામું પણ કહ્યું હતું- શાંતિ આશ્રમ.

‘પપ્પાને ત્યાં ગમતું હશે ? હું તો યાદ આવતી જ હોઈશ ! અને મમ્મી પણ. પોતાની વ્યક્તિ તો યાદ આવે જ ને ?

ઓટો-રિક્ષા તેની ગલીમાં વળી ને તે ભાવવિભોર બની ગઈ. તે ઘરમાં જશે પણ પપ્પા નહીં હોય !

આસપાસની બારીઓ ખૂલી. ચહેરાંઓ ડોકાયાં. કોઈ કોઈ બારણાંઓ પણ.

‘ઓહ ! માનસીબેન....? આવી ગઈ ? સરસ. લગ્ન પછી પહેલી જ આવી તું તો ? કેમ છે શરીરે ? તબિયત તો સારી છે ને ?’

પહેલી નજરે જ તે મપાઈ ગઈ હતી. સુખ માપવાનું સાધન પણ શરીર જ ! હા....તે નબળી પડી હતી.

‘પપ્પા તો નથી....બેટા ! કદાચ પ્રવાસે ઊપડી ગયા હશે ? વેકેશન છે ને ! અને તારી ચિંતાય ઓછી થઈને !

ઓહ ! જમાઈબાબુ પણ સાથમાં છેને ?’ અને ઘર ઉઘડ્યું. સામે સોનલદે ઊભી હતી. માનસી દોડતીક જઈને ભેટી હતી, સખીને. કેટલાં સમય પછી મળ્યાં ? એક લાગતું હતું કે વચ્ચે આખો યુગ વીતી ચૂક્યો હતો.

‘શું કરતી હતી, આટલો સમય ?’ માનસી બોલી હતી.

‘તારી પ્રતીક્ષા અને ગઈ સાંજથી તારા ઘરની સફાઈ.’ સોનલદેએ ઉત્તર વાળ્યો હતો.