પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૧૫ : ભરતભાઈનો વટ પડ્યો !
કૂતરા પાછળ ટ્રેક્ટરની દોટાદોટ દોડ સફળ થયા પછી બે કલાકે-
જયામાસીની હવેલીના પેલા જ રસોડામાં-
ભરતકુમાર ભૂખ્યા વરુની જેમ પોતાના મોંમાં ભોજન ઠાંસી રહ્યા હતા. કેપ્ટન બહાદુર, લેફ્ટેનન્ટ શિવરામ, કમળા, રામ અને મીરાં આ ભૂખાળવા ભાઈસાહેબને ફાટી આંખે તાકી રહ્યાં હતાં, પણ ભરતને તો ઊંચું જોવાનીય ફુરસદ ક્યાં હતી ? એ તો કમળાને કહ્યા જ કરતો હતો, “લાવ, હજુ લાવ, બહુ ભૂખ લાગી છે !” અને ભોજન ઝાપટ્યે રાખતો હતો. હા, ટેબલ નીચે બેઠેલા લાલુને વારંવાર નાનાં-મોટાં બટકાં ફેંકતો રહેતો હતો !
આખરે શિવરામથી ના રહેવાયું. “અલ્યા, આટલા કલાક એ અંધારા ભોંયરામાં પડ્યાં પડ્યાં તારી ભૂખ સારી ઊઘડી ગઈ લાગે છે ! પણ તારા પગે કેમ છે ?”
“પગ ઓ. કે. છે, લેફ્ટેનન્ટ.” કહીને ભરતે એઠા હાથની સલામ ફટકારી દીધી.
પછી એક કોળિયો એકદમ મોંમાં મૂકીને એ બોલ્યો, “મારે તમારો....તમારા લાલુનો ખૂબ આભાર માનવો જોઈએ....”
શિવરામે હાથ ઊંચો કરીને કહ્યું, “એ આભાર તો તું વીસ વાર માની ચૂક્યો અત્યાર સુધીમાં ! અમને તો એટલી જ વાતનો સંતોષ છે કે લાલુને છૂપાવવા માટે અમે એ પવનચક્કી જ પસંદ કરેલી અને તેં લાલુને યોગ્ય રીતે જ પગરખું આપીને હુકમ કર્યો.”
એટલામાં ભરત બોલી ઊઠ્યો, “શિવરામ ! તમને વાંધો ન હોય તો કેટલાક સવાલો પૂછું ?”
“પૂછ.”
“આ કૂતરાને તમે છુપાવી કેમ રાખેલો ? વળી અમે અહીં આવ્યાં ત્યારે ભેદી દેખાવો કેમ દેખાયા ? પેલો તાર....કૂતરાનાં પગલાં......અને આસપાસમાં કોઈ કૂતરો છે જ નહિ એવો બહાદુરનો આગ્રહ....”
શિવરામે હોઠ મલકાવતાં કહ્યું, “એ બધાં તોફાન તારા આ કેપ્ટન બહાદુરનાં. એ જ બધો ભેદ કહેશે.”
ભેદની વાત આવતાં જ રામ, મીરાં અને કમળા નજીક સરક્યાં. બધાંની નજર કેપ્ટન બહાદુર ભણી મંડાઈ.
બહાદુર બોલ્યો, “હું શરૂઆતથી જ વાત કરું. બરાબર એક વરસ પહેલાં શિવરામ લશ્કરમાંથી પાછો આવ્યો ત્યારે એના કૂતરાને પણ પાછો લાવેલો. હવે કૂતરા લાલુને કપાળ ઉપર એક જખમ હતો એટલે જે કોઈ એને પંપાળવા જાય એને લાલુ કરડવા દોડતો. આથી લોકો એનાથી દૂર જ રહે એ માટે શિવરામે ગપ ફેલાવી કે લાલુ બહુ ભયંકર છે.”
“તે લાલુએ પેલા જાદવ પટેલને બચકું ભરેલું ?” મીરાં પૂછી બેઠી.
“બચકું તો નહિ ભરેલું પણ વડછકું જરૂર ભરેલું અને ત્યારથી જાદવે કહેવા માંડ્યું કે કૂતરો ભયંકર છે. કદાચ હડકાયો છે. એણે પંચાયતમાં અરજી કરી. પંચાયતે પણ એની વાત માની લીધી અને કૂતરાને ઠાર મારવાનો હૂકમ કર્યો.”
“બાપ રે !” મીરાં હબકી ગઈ.
“લાલુને મારવાનો હુકમ ?” ભરતનાં ભવાં ચડી ગયાં.
શિવરામ કહે, “પંચાયતના હુકમની જાણ થતાં જ મેં લાલુને અહીં કેપ્ટન બહાદુર પાસે હવેલીમાં છુપાવી દીધો. જાદવને એની ખબર પણ ના પડી.”
બહાદુરે આગળ કહ્યું, “તમે છોકરાંઓ અહીં આવવાનાં છો એવો તાર મળ્યો તે સાંજે હું રસોડામાં નાસ્તો કરતો હતો. લાલુ મારી સાથે જ હતો. હવે હું તો કાયદાનો ભંગ કરીને કૂતરાને છુપાવી રહ્યો હતો. એમાં તમે સંડોવાઈ જાવ એ તો ખોટું કહેવાય. મેં જલદી જલદી કૂતરાને હવેલીમાંથી હઠાવવાનું નક્કી કર્યું, સમય ખૂબ ઓછો હતો. તાર બહુ મોડો મળેલો. હું લાલુને લઈ ચાલ્યો ત્યારે તમે તો ચાલતાં ચાલતાં આવતાં પણ દેખાયાં.”
ભરત બોલી ઊઠ્યો, “ઓહો ! ત્યારે અમે આવ્યાં એ વખતે ઝાડીમાં તમારો ખખડાટ થતો હતો ?”
“હા. એ પછી હું લાલુને જૂની પવનચક્કીમાં મૂકી આવ્યો. એ પછી હું પાછો આવતો હતો ત્યારે આપણા આંગણામાં શિવરામને મેં આંટા મારતો જોયો. એ આવ્યો હતો લાલુને રમાડવા પણ તમને છોકરાંઓને જોઈને એ.....”
“હાં.....” રામ બોલી ઊઠ્યો. “ભરતને બારી બહાર દેખાયેલો ચહેરો એનો જ ત્યારે તો !”
“અને એ પછીને દિવસે તો તમે છોકરાંઓએ મારો જીવ જ ઉડાડી મેલ્યો. તમે લોકો જૂની પવનચક્કીમાં જવા લાગ્યાં. મારે તમને રોકવાં પડ્યાં. એ વખતે હું જરા આક્ળો લાગ્યો હોઈશ. માફ કરજો, હોં.”
મીરાં કહે, “તેં જ રીતે તેં અમને પેલા લલ્લુ લંગડ ચાંચિયાની વાત કહી બિવરાવ્યાં, ખરું ને ? એ ગપ્પું જ હતું ને ?”
કેપ્ટન બહાદુર મલકી પડ્યો. “અર્ધું ગપ્પું અને અર્ધું સાચું. એક લંગડો ખલાસી આપણી નહેરો ઉપર હોડી ચલાવતો હતો ખરો – આજથી સવાસો-દોઢસો વરસ પહેલાં. પણ એ કાંઇ ભયંકર નહોતો.....મારે તો તમને ભયંકર વાત કહીને પવનચક્કીથી અને લાલુથી દૂર જ રાખવાં હતાં.’
ભરતે અનુમાન કર્યું, “એ રાતે અમે ઊંઘમાંથી જાગી ગયાં ત્યારે રસોડામાં લાકડાના પગ જેવા ઠપકારા સંભળાયા હતા. એ તમારા પગનો જ અવાજ હશે, શિવરામ ?”
શિવરામે ડોકું ધુણાવ્યું, “હા, મને લાલુની ખૂબ ચિંતા થતી હતી. એ બિચારો બહુ જ આજ્ઞાંકિત છે. એ બિચારો ભૂખ્યોતરસ્યો બેસી રહ્યો હશે. બહાદુરે એને પવનચક્કીના ભોંયરામાં બેસવાનું કહ્યું હશે. એવા એવા વિચાર મને આવતા હતા. એટલે છેક મધરાતે તમે લોકો ઊંઘી ગયાં હશો એવું માનીને હું બહાદુરને મળવા આવેલો. પછી અમે બંને જણા લાલુ માટે ખાવાનું લઈને બહાર ગયા.”
“અને અમે શું કર્યું, ખબર છે ?” મીરાંએ પૂછ્યું.
“શું કર્યું, બેન ?” શિવરામે પૂછ્યું.
“આખી હવેલીમાં લલ્લુ લંગડના ભૂતની શોધ કરી.”
અને સૌ ખડખડાટ હસી પડ્યાં.
રામ કહે, “જે થયું તે સારું થયું. આપણા ભરત બહાદુરે તો રંગ રાખ્યો.”
“એટલું જ નહિ.” મીરાં બોલી. “તમે પેલા જાદવ પટેલને કેમ ભૂલી જાવ છો ? લાલુની બહાદુરી અને સમજણ જોઈને એ તો એટલા આનંદમાં આવી ગયા છે કે પોતે જ હવે પંચાયતનો હુકમ પાછો ખેંચાવવા અરજી કરવાના છે.”
મીરાં કહે, “એનો યશ પણ આપણા ભરતને જ મળવો જોઈએ.”
ભરત બનાવટી રીસ કરીને બોલ્યો, “તે મીરાંબેન, તમે હવે મને ઢીલાશંકર પોચીદાસ નહિ કહો ને ?”
મીરાં તો એને ભેટી જ પડી. “ના, મારા નાનકડા બહાદુર ! હવે તો હું તને પરમવીરલાલ કહેવાની છું.”
રામ કહે, “જો કે ફરી વાર કોઈ જૂનાં ખંડેરોમાં આ રીતે અટવાઈ જઈશ તો હું તને પરમવીર ચક્રમ કહીશ, હોં !”
અને વળી આખું રસોડું આનંદ અને રમૂજ અને હાસ્યથી ભરાઈ ગયું.
(સમાપ્ત)