પવનચક્કીનો ભેદ - 14 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પવનચક્કીનો ભેદ - 14

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૧૪ : ઘૂમતાંઘૂમતાં કૂતરો જડ્યો

કેપ્ટન બહાદુરે મીરાં અને રામને પણ થોડેક સુધી ટ્રેક્ટરની પાછળ બેસાડી લીધાં.

ટ્રેક્ટરની ખડખડપંચમ ચાલથી ઊછળતાં પણ બંને ભાઈ-બેન ભરતના જ વિચાર કરી રહ્યાં હતાં. ગઈ કાલ બપોરથી ગુમ થઈ ગયેલો ભરત ક્યાં હશે ? શું કરતો હશે ? એને કશું થઈ તો નહિ ગયું હોય ને ?

મીરાંએ બહાદુરને પૂછ્યું, “બહાદુર, તમે લોકોએ ભરતને ખોળવાનાં ઠેકાણાંઓમાં જૂની પવનચક્કીને પણ ગણી છે ને ?”

એ સાંભળતાં જ ફરી એક વાર બહાદુરનાં ભવાં સંકોચાઈ ગયાં અને એના ગાલ લાલ થઈ ગયા. એણે ડોકું ધુણાવીને કહ્યું, “ના બેન ! ભરત મંગળના ગ્રહ ઉપર પહોંચી ગયો હોય એવું મનાય, પણ પવનચક્કીએ તો ન જ જાય. હા, તમે બે તોફાની બારકસો કદાચ ત્યાં જાવ, પણ ભરત એટલો ચક્રમ નથી.”

“પણ એ કદાચ......” રામ બોલવા ગયો.

શિવરામ અધવચ્ચે બોલ્યો, “ભલે, ભલે, રામ ! અમે પવનચક્કીમાં પણ નજર નાખીશું. પણ એ પહેલાં નજીકનાં ઠેકાણાં જોઈ લઈશું. બહાદુર એમ કહેતો હતો કે....”

બહાદુર એ વખતે ટ્રેક્ટર હાંકતો હતો. એનો સાજો પગ બ્રેક અને એક્સીલરેટર બંને ઉપર વારંવાર ઘૂમ્યા કરતો. અત્યારે એણે એ પગને બ્રેક ઉપર સજ્જડ રીતે દબાવી દીધો. ટ્રેક્ટર એક મોટો આંચકો ખાઈને ઊભું રહી ગયું. શિવરામ તો બોલતો અટકીને અડબડિયું ખાતાં માંડ બચ્યો.

રસ્તામાં પેલો તુમાખીખોર જાદવ પટેલ ઊભો હતો. એવી રીતે ઊભો હતો જાણે ટ્રાફિકનો પોલીસવાળો હોય !

એણે સવાલ કર્યો, “પછી એ ગલુડિયાના કાંઇ વાવડ મળ્યા ?”

“કશા સમાચાર નથી, અને હવે આપણે એકબીજાને સમાચારો પૂછવાને બદલે એને શોધવા નીકળીએ તો વધુ સારું.” બહાદુર દાઢમાંથી બોલ્યો.

એટલામાં જાદવ પટેલની આંખ ફરકી. એ બોલ્યો, “અલ્યા શિવરામ, તું પણ આ લોકોની સાથે છે, એમ ને ? તું મદદ કરવા જ માગતો હો તો પહેલું એટલું કહી દે ને કે તારા પેલા માણસખાઉ કૂતરાને તેં ક્યાં છુપાવ્યો છે ?”

શિવરામે પોતાની છાતી પરનાં પરમ વીર ચક્રને રમાડતાં કહ્યું, “એ તો હું નહિ કહું, પટેલ.”

જાદવ પટેલનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો. એણે રાડ પાડી, “હું દેશના કાનૂનને નામે અને એક છોકરાના જાનને ખાતર તમને પૂછું છું કે તમે એ પાગલ કૂતરાને ક્યાં છુપાવ્યો છે ? કારણ કે એ છોકરો બિચારો તારા જાખી કૂતરાની હડફમાં આવી જશે તો છોકરાનાં ચીંથરાં ઊડી જશે !”

શિવરામના હોઠ પરથી હાસ્ય વિલાઈ ગયું. એની આંખોમાં સખતાઈ આવી ગઈ. એણે પણ પટેલ જેટલા જ ગુસ્સાથી કહ્યું, “કૂતરો ક્યાં છે એ ભલે બધાને કહીએ, તમને તો નહિ જ કહીએ, પટેલ.”

“અને શિવરામનું વચન એ મારું પણ વચન સમજી લેજો, જાદવ પટેલ,” બહાદુરે પણ એકાએક બૂમ પાડી.

મીરાં અને રામ નવાઈથી એકબીજાની આંખો જોઈ રહ્યાં હતાં. આ લોકો ક્યા કૂતરા માટે તકરાર કરી રહ્યા છે ? અને કોઈ પણ કૂતરા વિષેનો ઝઘડો ભરતની શોધમાં શા માટે આડો આવે....

આવી અર્થહીન વાતમાં સમય બગાડતા આ બુઢ્ઢાઓને જોઈને મીરાંને રોષ ચડી ગયો. એણે ચીસ પાડી, “ચૂપ રહો !”

ત્રણેય મોટેરાઓ મીરાં સામે નવાઈથી તાકવા લાગ્યા.

મીરાં બોલી, “હું કહું છું કે તમારી આ તકરાર શી છે એની મને ખબર નથી, પણ મને એ નથી સમજાતું કે ભરતને શોધવાનું છોડીને તમે કૂતરાની આ લપ શી લઈ મંડ્યા છો ? પેલો ગભરુ છોકરો બિચારો ક્યાંક મરવા પડ્યો હશે અને તમે એક કૂતરા માટે માથાફોડ....”

મીરાં એકાએક બોલતી અટકી ગઈ.

જાદવ પટેલની પાછળ તેણે દૂર એક મોટા, વરુ જેવા લાગતા અને એથી ભયંકર જણાતા કૂતરાને જોયો. કૂતરો પૂર ઝડપે એમના તરફ આવી રહ્યો હતો. બીજા કોઈની હજુ એ તરફ નજર પડી નહોતી. પણ મીરાં એ જંગી કૂતરાને જોતાં આભી જ બની ગઈ. કૂતરો જાણે કોઈ ખરતો તારો ધસે એટલી ઝડપથી ટ્રેક્ટર ભણી ધસી રહ્યો હતો.

બંદૂકની ગોળીને જેમ દોડતા એ કૂતરાએ જાદવ પટેલને હડફટમાં લઈ લીધો. જાદવ બિચારો અડબડિયુંખાઈને ધૂળ ચાટતો થઈ ગયો.

અને કૂતરો તો ટ્રેક્ટર પાસે આવીને એક જ છલાંગે ટ્રેક્ટરમાં કૂદી પડ્યો અને એણે પોતાના મોંમાંથી લેફ્ટનન્ટ શિવરામના ખોળામાં કશુંક નાખ્યું.

જાદવ પટેલ એકદમ ધૂળ ખંખેરતો અને ગુસ્સાથી ધ્રૂજતો ઊભો થયો. હવે તો એનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે બોલતાં એનો અવાજ પણ ફાટવા લાગ્યો. “આ જ... આ જ એ કૂતરો... એણે જ મારા પર હુમલો કરેલો... મને લાગે છે તમે....”

“ચૂપ મરો !” શિવરામે લશ્કરી ત્રાડ પાડી.

બિચારો જાદવ પટેલ ગભરાઈને મૂંગોમંતર બની ગયો. અને એ જ નહિ, બીજાં સૌ પણ શિવરામના હાથમાં લટકતી એક વસ્તુ જોઈ રહ્યાં. એ ચીજ હતી એક બૂટ !

મીરાં પોકારી ઊઠી, “આ તો ભરતનો બૂટ છે !”

“હે ભગવાન ! આ કૂતરાએ તો ભરતને શોધી કાઢ્યો લાગે છે. આપણે હવે એની પાછળ ચાલો.” બહાદુરે કહ્યું.

જાદવ પટેલની ડાકલી ફાટી રહી. એની આંખો તો નવાઈથી એટલી પહોળી થઈ ગઈ કે હમણાં ડોળા બહાર નીકળી આવશે એવું લાગે. “તે શું તમે એમ કહેવા માગો છો કે....”

બહાદુરે ઉતાવળે કહ્યું, “હા, હા, એ જ કહું છું કે આ કૂતરાએ ભરતને શોધી કાઢ્યો છે.”

“કૂતરાએ એને મારી નહિ નાખ્યો હોય એની શી ખાતરી ?”

શિવરામે બરાડો પાડ્યો, “અલ્યા જાદવ પટેલ ! તારા મોંમાં પડે ચૂલાવાળી રાખ ! માળા ગાંડા ! આ તો લશ્કરનો કૂતરો છે. ખોવાયેલા ને ઘવાયેલા સૈનિકોની ભાળ કાઢનારો કૂતરો છે. એણે ભરતનો પત્તો લગાવ્યો છે.”

આમ કહીને એણે કૂતરાને પોતાના ખોળામાં તેડી લીધો અને એને પંપાળવા માંડ્યો. પછી એણે ક્રોધથી કહ્યું, “અને પટેલ ! તમે આ કૂતરાને મારી નાખવાનું કહેતા હતા. આ કૂતરાને ! અરે, એને મારતાં પહેલાં તમારે મને મારવો પડશે !”

બહાદુરે ટ્રેક્ટરનું મશીન ચાલુ કર્યું. એ બોલ્યો, “લાલુને છૂટો મૂકી દે, શિવરામ. એને કહે કે એ આપણને ભરત પાસે લઈ જાય.”

લાલુ પેલા કૂતરાનું નામ હતું. શિવરામે એને રસ્તા પર મૂકતાં કહ્યું : “લાલુ ! શોધ !”

અને કૂતરો એકદમ દોડ્યો. બહાદુરે ટ્રેક્ટરને ગીઅરમાં નાખ્યું.

“મને પણ સાથે લઈ જાવ.” કહેતો જાદવ પટેલ પણ ટ્રેક્ટરની પાછળ ચડી ગયો.