પવનચક્કીનો ભેદ - 2 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પવનચક્કીનો ભેદ - 2

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ - ૨ : માસીનું ઘર કેટલે ?

ભરત ખૂબ થાકી ગયો હતો અને પાછળ પડી ગયો હતો. એ જોઈને રામ ઊભો રહ્યો. ભરત નજીક આવ્યો એટલે એણે કહ્યું, “ભરત, લે, તું મારો થેલો ઉપાડ. એ હળવો છે. તારો થેલો જરા ભારે લાગે છે.”

ભરતે ખભેથી ઉતારીને થેલો રામને આપ્યો. એના વજનથી રામનો હાથ પણ નમી ગયો. એ બોલ્યો, “અલ્યા, આટલું બધું આમાં શું ભરી લાવ્યો છે ? પથરા છે ?”

ભરતના ગાલ શરમથી લાલ થઈ ગયા. એણે હાંફતાં હાંફતાં કહ્યું, “મારી વસ્તુઓ છે. ગામડામાં એક અઠવાડિયું રહેવા માટે જોઈતી વસ્તુઓ મમ્મીએ થેલામાં ભરી છે. વધારાનાં જૂતાં ને ટુવાલ ને એવું બધું. મને લાગે છે કે તમને એ થેલો જરા ભારે લાગશે, રામભાઈ !”

રામે મોં બગાડ્યું. “લાગશે શું, ભારે લાગી જ ગયો ! પણ ચિંતા નહિ. હવે તું હળવો થયો એટલે અમારી સાથે ચાલી શકશે. જરા પગ ઉપાડ.”

અને આમ નવાપુરનો વગડો વીંધતાં ત્રણે જણ આગળ ને આગળ વધવા લાગ્યાં. આસપાસની કુદરત જોવાની એમને ફુરસદ નહોતી. રસ્તામાં જૂનાં ખંડિયેરો દેખાતાં હતાં. એ તપાસવાનો એમને મોહ નહોતો. થોડેક દૂર ગયા પછી એક નાનકડી નદી આવી. કેડી એને કાંઠે ચાલતી હતી. પહાડી ઝરણાંઓ ભેગાં મળીને બનેલી એ નદી અત્યારે તો એક મોટાં ઝરણા જેવી જ લાગતી હતી. કારણ કે ઉનાળામાં ગુજરાતની નદીઓમાં પાણી ઓછાં થઈ જાય છે.

ડગલે ને પગલે રામ અને મીરાંને અગાઉની અહીંની મુલાકાતો યાદ આવતી હતી. બંને જણાં વાતો કરતાં હતાં. જૂની વાતો સંભારતાં હતાં. જૂની વાતોની મઝા માણતાં હતાં.

બહાદુર એની માસીના ખેતર ઉપર પંદરેક વરસથી કામ કરતો હતો. એણે આ બાળકોને ઘણી વાતો કરેલી. પોતે જાતનો ભીલ હતો. લશ્કરમાં ગયેલો. પણ પછી અપંગ બનીને પાછો આવ્યો હતો. બધા એને કેપ્ટન બહાદુર કહેતા. આજે એ બાળકોની સામો આવવો જોઈએ. હંમેશા આવતો. આજે કેમ નહિ આવ્યો હોય ?

વાતોમાં ને વાતોમાં વળી એ લોકો આગળ નીકળી ગયાં. મીરાંએ પાછળ આવી રહેલા ભરત સામે તિરસ્કારભરી નજર કરી. એક નિસાસો નાખીને એ બોલી, “નાનાં માસીએ આ ઢીલાશંકર પોચીદાસ આપણને ક્યાં વળગાડી દીધો ! હવે વગડામાં ફરવાની મજા નહિ આવે.”

રામ કહે, “તું ચિંતા ના કર, બેન ! ખેતર ઉપર કમળા હશે. એ ભરતની સંભાળ રાખ્યા કરશે. ભરતને એના હાથમાં ભળાવીને આપણે ભાગી નીકળીશું.”

કમળા કેપ્ટન બહાદુરની દીકરી હતી.

એકાએક મીરાંએ આંગળી ચીંધીને આનંદનો પોકાર કર્યો, “આવી ગયું ! મોટાં માસીનું ઘર આવી ગયું !”

રામે સામે જોયું. દૂર દૂર મોટાં માસીના બે માળના પાકા પથ્થરિયા મકાનનું છાપરું અને ચિમનીઓ દેખાતાં હતાં. અને એની ઉપર વાદળાં ઝળુંબી રહ્યાં હતાં.

“મને લાગે છે આપણે ઘેર પહોંચીએ તે પહેલાં વરસાદ તૂટી પડવાનો છે.” રામે ચિંતાતુર અવાજે કહ્યું. “આ વરસે વરસાદ ઘણો વહેલો શરૂ થઈ ગયો !”

હવે એમણે ઝરણા ઉપરનો પુલ પાર કરવાનો હતો. એ પાર કરતાં પહેલાં પુલ ઉપર ઊભાં રહીને એમણે પાછળ નજર કરી. ભરત એમનાથી ખૂબ દૂર પડી ગયો હતો. એનો એક પગ જરા ખોડંગાતો હતો. છતાં એણે બહાદુરીથી કહ્યું, “તમે તમારે ચાલતાં રહો. હું પાછળ પાછળ આવું છું.”

પણ રામ અને મીરાં ઊભાં જ રહ્યાં. કારણ કે હવે પછીનો એકાદ કિલોમીટર રસ્તો ગીચ ઝાડીમાંથી પસાર થતો હતો. જાણે કોઈ સાંકડી અંધારી ગટર જેવો એ રસ્તો હતો. સામસામાં બે વાહનો આવે તો કોઈ રીતે પસાર થઈ ન શકે એવી એની સંકડાશ હતી. એવામાં ભરતને સાવ પાછળ રાખવાથી એ નાનો છોકરો કદાચ ડરી જાય.

એ લોકો ઝાડીમાં ચાલતાં રહ્યાં ત્યાં સુધીમાં માસીનું ઘર પાછું દેખાતું બંધ થઈ ગયું. અને પછી કોઈ ભોંયરામાંથી બહાર નીકળીએ અને સામે ઊભેલું મકાન દેખાય એમ આખું મકાન દેખાયું. રામ અને મીરાં વળી પાછાં ઊભાં રહ્યાં. વાદળઘેરી સાંજનાં અંધારાં-અજવાળાંમાં એ જૂની હવેલી વિચિત્ર દેખાતી હતી. પહેલાંના જમાનામાં ગોધરા, ચાંપાનેર વગેરે ગામો રાજકીય રીતે બહુ મહત્વનાં હતાં. રેલવે હજુ આવી નહોતી. અને અમદાવાદ, વડોદરા નાનાં હતાં. એ જમાનામાં અંગ્રેજોએ અહીં પોતાની કોઠીઓ બાંધી હતી. આ પણ એવી જ કોઈ કોઠી હતી, જે પછી રામ-મીરાં-ભરતના મોટા માસાએ ખરીદી લીધી હતી. અને અહીં મોટા પાયા પર ખેતી કરવા માંડી હતી. એમનું અવસાન થયા પછી મોટાં માસીએ કેપ્ટન બહાદુરની મદદથી ખેતીકામ તો ચાલુ રાખેલું. એમના મોટા દીકરા અમદાવાદની કૉલેજમાં ભણતા. એ લોકોને વગડો ગમતો નહિ, એથી ભાગ્યે જ કદી અહીં આવતા. માસીના ઘરને એ લોકો ‘ભૂતિયા બંગલો’ કહેતા.

ઝાડીની કિનારીએ ઊભાં રહીને ત્રણે બાળકો આ ‘ભૂતિયો બંગલો’ જોઈ રહ્યાં હતાં. ત્યારે જ અચાનક એમની પાછળ ઝાડીમાં કશોક ખડખડાટ થયો. જમીન ઉપર જાણે પાંદડાં કચડાઈ રહ્યાં હોય, જાણે કોઈ ડાળાંપાંખડાં કૂદીને એ લોકોની પાછળ પાછળ દોડી રહ્યાં હોય એવું લાગ્યું. ઝાડીમાં કશું દેખાતું નહોતું.

રામ ચોંકી ગયો. એણે બૂમ પાડી, “કોણ છે ?”

કશો જવાબ ન મળ્યો.

રામે ભવાં ચડાવ્યાં. “અજબ કહેવાય ! મને લાગ્યું કે ઝાડીમાં કોઈ ચાલી રહ્યું છે.”

ભરતે જરા ધ્રૂજતા અવાજે કહ્યું, “મેં એક ચોપડીમાં વાંચેલું કે દીપડો અને વાઘ હંમેશા ઝાડીમાં છુપાયેલા રહીને મુસાફરોની પાછળ પાછળ ચાલતા રહે છે.”

એ સાંભળીને મીરાં ખિલખિલાટ હસી પડી. રામના હોઠ પણ મલકી રહ્યા. એણે કહ્યું, “ભરત, દીપડા અહીં સુધી આવતા નથી. એ પંચમહાલના ડુંગરોમાં જ રહે છે. અને અહીંના વાઘ તો બધા મરી પરવાર્યા છે.”

ભરત કહે, “મમ્મીએ મારા છેલ્લા જન્મદિવસે જંગલનાં પ્રાણીઓની એક ચોપડી આપેલી એમાં એવું લખ્યું હતું.”

મોટાં બંને છોકરાં વળી પાછાં હસી પડ્યાં. એ લોકોને આ ‘કિતાબી કીડા’ની પટ્ટી પાડવાનું મન થઈ આવ્યું. પણ એમને ભરતની વધુ મશ્કરી કરવાનો વખત ના મળ્યો... કારણ કે એ જ ઘડીએ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એ લોકોએ મોટાં માસીની હવેલી ભણી દોટ મૂકી.

જોકે ભરત દોડતાંદોડતાં પણ ડરીડરીને વારંવાર પાછું વળીને ઝાડી તરફ જોતો જતો હતો.. એનું દિલ ધડકી રહ્યું હતું.

***