પરદાદાની આરામ ખુરશી SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરદાદાની આરામ ખુરશી

"મમ્મી જુના ફર્નિચર વાળો બાર વાગે આવવાનો છે. જે બધું કાઢી નાખવાનું છે, એ ખાલી કરી રાખ્યું છે ને?"

"હાં સાહિલ બેટા, બધું તૈયાર છે. નવા સોફા સેટનો ઓર્ડર આપ્યો હતો, એનું શું થયું?"

"એ કાલે આવી જશે. તે પહેલાં આજે આ બધો ઘસ્યો કાઢી નાખીએ, જેથી ઘરની સફાઈ થઈ જાય અને નવા સોફા સેટ માટે જગ્યા પણ થઈ જાય."


મા દીકરાની વાતચીત સાંભળીને મારી હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે ઘરમાં સૌથી જૂનું ફર્નિચર તો હું જ છું; પરદાદાની આરામ ખુરશી! લગભગ પચાસ વર્ષ પહેલાં મારુ આ ઘરમાં આગમન થયું હતું. રામજીના જન્મ દિવસ પર સાહિલના દાદા એ મને રામજીને, એટલે એના પપ્પાને ભેટ સ્વરૂપ આપેલી.

વર્ષો વીતી ગયા. રામજી અને એના બચ્ચાઓ એ મને ખૂબ વાપરી અને ઘણો પ્રેમ આપ્યો. હવે તો હું પણ આ ઘરનો સદસ્ય જેવો છું. તો મને તો નહીં કાઢી મૂકે ને?


પણ આજની પેઢીનું ભલું પૂછવું, કાંય કહેવાય નહીં.

આ ઘરમાં ફક્ત શુભાંગી, સાહિલની નાની બેન મારો સદઉપયોગ કરે છે. એ મારા પર બેસીને વાંચન કરે, ક્યારે ગીતો સાંભળે અને ઘણી વાર એની આંખ લાગે, તો મારા ઉપર પલાંઠી વાળીને સુઈ પણ જાય. અને હું મારી લાડકીને ધીમે ધીમે હીંચકા નાખતો રહું.


આમતો હું હજી સારો મજાનો દેખાવ ધરાવું છું. ક્યાંય થી તૂટ્યો પણ નથી. બસ મારો રંગ થોડો ફિકો પડી ગયો છે. પણ ઘરના બીજા લોકોને મારી એટલી નથી પડી. ઘણી વાર મને બેસવા સિવાય બીજા કામમાં પણ લેવામાં આવે છે. મારા ઉપર ભીના કપડાં સુકાતા હશે કે પછી ઘડી કરવાના કપડાનો ઢેર પડ્યો હશે. "હે પ્રભુ, ખબર નહી આજે મારુ શું થશે?"


બાર વાગ્યા અને ડોરબેલ વાગી. મારા હાથ પગ ઢીલા થવા મન્ડયા. ચાર માણસો ઘરમાં ઘુસ્યા. સાહિલે બધું જૂનું ફર્નિચર લાવીને હોલમાં મૂક્યું.

"જોઈલો તો મમ્મી, બધું બરાબર છે ને?"

મમ્મી એ નજર ફેરવી અને કહ્યું,

"હાં દીકરા બરાબર છે. આજ બધું આપી દેવાનું છે."

"અરે આ કેમ ભુલાય ગઈ?"

એ બોલવાની સાથે સાહિલ મારા ઉપર ઉલાડો માર્યો અને મને બીજા બધાની જોડે ઉભી રાખી દીધી.

"નહીં, હું આ ઘર મૂકીને નહીં જાઉં! આ મારું પણ ઘર છે!"

મારી બુમો કેટલી પણ મોટી હોય, પણ સંભળાય કોને? તો મારું દુઃખ તો ન જ દેખાય ને!


એટલામાં શુભાંગી ઘરમાં દાખલ થઈ. આવતાની સાથે એણે પ્રશ્ન પૂછ્યો,

"મોટા દાદાની ખુરશી કેમ અહીંયા પડી છે?"

સાહિલે ચિડાયને જવાબ આપ્યો.

"શુભાંગી તને ખબર તો છે, આજે બધું જૂનું ફર્નિચર કાઢી રહ્યા છીએ ."

"હાં, પણ મોટા દાદાની ખુરશી હું વેચવા નહીં આપું. એ મારી ફેવરિટ છે."

"શુભાંગી, એની હાલત તો જો! બધેથી રંગ ઉતરી ગયો છે અને કેટલી જૂની છે. Ancient, to be specific."

શુભાંગી માથું હલાવતા મકમતાથી બોલી,

"એ બધું મને ખબર છે. બીજુ જે વેચી નાખવું હોય તે વેચો. મોટા દાદાની ખુરશી નહીં."


ભાઈ બેનની બોલાચાલીમાં મમ્મી વચ્ચે પડ્યા.

"શુભાંગી, તને આરામ ખુરશી ગમે છે ને, તો નવી લઇ આપશું. આ ભંગારને જવા દે."

"મમ્મી પ્લીઝ નહીં એટલે નહીં. નવી આરામ ખુરશીમાં દાદાજીની મીઠી યાદો નહીં મળે. તમને જો આ ખુરશી નડતી હોય તો એને હું મારા રૂમમાં મૂકી દઉં છું અને સાસરે જઈશ ત્યારે ભેગી લઇ જઈશ."


એમ કહીને, કઈ પણ આગળ સાંભળ્યા વગર, શુભાંગી મને એના રૂમમાં સરકાવીને લઈ ગઈ. મારા મનને ધરપત થઈ અને મેં મારી દીકરીને ખૂબ આશીર્વાદ આપ્યા.

"જીવતી રહે મારી દીકરી. સદા ખુશ રહે."


-શમીમ મર્ચન્ટ