બાની- એક શૂટર
ભાગ : ૪૪
"શંભુકાકા એ પિસ્તોલને છુપાવી દો. મને નથી લેવી હાથમાં પ્લીઝ...દૂર કરો એ પિસ્તોલને મારાથી..." બાનીના આંખમાં આંસુ આવી ગયા.
શંભુકાકા બાનીની નદજીક આવ્યા. બાનીને બચપણમાં જેમ પંપાળતાં એમ ધીમેથી ખબા પર હાથ ફેરવ્યા અને ગાલ પર લાડ કરતા કહ્યું, " છોટી....મેડમ....!! તું તો બહાદુર છો. તારા કહેવાથી તો આટલા વર્ષોથી છુપાવી દેવામાં આવેલી પિસ્તોલને આજે ફરી ગોતીને બહાર કાઢવામાં આવી છે. પછી આનું કારણ શું છે??" શંભુકાકાએ ધીમા સ્વરમાં સાંત્વના આપતા પૂછ્યું.
"કાકા પ્લીઝ....!! આ પિસ્તોલ તારી પાસે રાખી દે. નહીં તો ફરી છુપાવી દો." બાનીના આંખમાં આંસુ તગતગી આવ્યાં.
શંભુકાકા સાંત્વના આપતા કશુંક કહેવા જ જતા હતા તે જ સમયે ઉપલા તળિયેથી કોઈ લસરતું પડતું નીચે આવ્યું. બાની તરત જ પોતાનું રડવાનું ભૂલી અલર્ટ થઈ ગઈ. એને તરત જ મોબાઈલ ગોતી ટોર્ચ ઓન કરી.
"હું છું દીદી. હું છું....!!" કેદાર ઝડપથી બોલ્યો.
"કે.....દાર...!!" બાનીએ કેદારનું નામ લાંબુ ખેંચતા કેદારનો ચહેરો જોતા વિસ્મયથી કહ્યું.
"દીદી અહીંથી નીકળવું પડશે." કેદારના મોઢામાંથી લોહી નીકળતું હતું.
શંભુકાકા એકદમ નવજુવાનની જેમ તરત જ પિસ્તોલ ઉઠાવી. એના પટલુનમાં ખોસી. સાથે જ જે નાનકડી પેટી અને કવર હતું એ પણ ઉઠાવ્યું. બીજા ઓજાર હતા એ પણ ઉઠાવ્યા અને ઉભા ઉભા જ બંને પગથી ખાડો આજુબાજુની માટીથી ઝડપથી પુરવા લાગ્યા.
"બાપા...!! એ રહેવા દો. હું જોઈ લઈશ. અત્યારે નીકળવું પડશે." કેદારે શંભુકાકાના હાથમાંથી ઓજાર લેતા કહ્યું.
બહાર જવા માટેનો એક જ રસ્તો હતો. અત્યારે જ્યાં ભોંયતળિયે કેદાર,શંભુકાકા અને બાની ઉભા હતા ત્યાંથી ઉપલા તળિયે ચડીને પછી ખંડરને ઓળંગ્યા બાદ ખુલ્લો રસ્તો આવતો. અને ત્યાં જ બે બાઈક ઊભી રાખી હતી.
"દીદી...!! એ મોહન સાતિર આદમી નીકળ્યો. એની સાથે ઝડપ થઈ. એ પડ્યો છે ખંડરમાં. પણ એ પોલીસનો ખબરી છે. સાલો આ જ એરિયામાં કેટલા વર્ષોથી ખબરી તરીકે કામ નિભાવતો રહ્યો અને મને આજે જાણ થઈ." કેદારે બાની થતા શંભુકાકાને તળિયે પર પહોંચાડતા જ ઉભા રહીને બાનીને માહિતી આપી.
"હા એને જોતાવેંત જ મને આશંકા જન્મી હતી કે એ પીધેલ આદમી ન હતો." બાનીએ ધીમા સ્વરે સ્પષ્ટતાં કરી.
"દીદી...!! આપણા બાઈક મૂક્યા છે ત્યાં સુધી આપણાને જલ્દીથી પહોંચી જવું પડશે. કદાચ પોલીસ સુધી ખબર.... !!હાલાકી એ મોહનને મેં ખંડરમાં જ માર માર્યા બાદ બંને હાથ પગને બાંધીને આવ્યો છું!!" કેદારે કહ્યું.
"હમ્મ..."બાનીએ ટૂંકમાં કહ્યું.
કેદાર, બાની તેમ જ શંભુકાકા ખંડરની બહારની તરફ આવેલી સૂમસામ સાંકળી ગલીમાંથી ઘોર અંધારામાં સાવચેતીથી પસાર થઈને બહારની તરફ રાખેલા બાઈક સુધી આછા મોબાઈલની ટોર્ચના પ્રકાશના સહાયથી પહોંચ્યા.
એક બાઈક પર કેદાર બેસ્યો તેમજ બીજી બાઈક પર બાની બેસી. બાનીના પાછળ શંભુકાકા બેસ્યા. બાની મેદાન તેમ જ બસ્તિની સાંકડી ગલી વટાવીને મેન રોડ પર આવી. એના પાછળ કેદાર બાઈક લઈને આવ્યો. મેન રોડના થોડે દૂર બાની તેમ જ કેદારે પોતપોતાનું બાઈક પાર્ક કર્યું. એના થોડે દૂર એક કાર પાર્ક હતી. કેદાર ઝડપથી એ કાર તરફ પહોંચી ગયો. એમાંથી બે હેલ્મેટધારી ડન નો ઈશારો દેખાડતાં નીકળ્યા. કેદાર ઝડપથી ડ્રાઈવ સીટ પર જઈ ગોઠવાયો. બાની તેમ જ શંભુકાકા ઝડપથી પાછળની સીટ પર જઈ ગોઠવાયા. તે સાથે જ ખાલી રસ્તામાં ફૂલ સ્પીડે કેદારે કાર શહેરની બહાર આવેલા રસ્તા પર ભગાવી મૂકી.
બંને હેલ્મેટધારીઓએ કેદાર બાનીનું પાર્ક કરેલા બાઈક સંભાળ્યા. બંને બાઈક કારની વિરુદ્ધ દિશામાં સ્પીડમાં ભાગ્યાં.
****
શહેરથી દૂર જંગલ જેવા વિસ્તારમાં કેદારે કાર થંમાવી. એક નાનકડા ફાર્મ હાઉસ પર તેઓ ઉતર્યા. ટિપેન્દ્ર પહેલાથી જ ત્યાં ઉપસ્થિત હતો.
કેદાર બાની તેમ જ શંભુકાકા ફ્રેશ થયા. શંભુકાકાને ઉંમરની મર્યાદા પ્રમાણે આરામ માટે એક ઓરડામાં સુવડાવામાં આવ્યા. બીજા કમરામાં ટિપેન્દ્ર બાની અને કેદાર ચર્ચામાં ઉતર્યા. કેદારે મોહન સાથે થયેલી કથિત ઘટના સંભળાવી, " બાપા તેમ જ બાની ખાડા ખોદવામાં પડ્યા હતા. ત્યાં જ મોહન ક્યાંથી લપસ્તો પડતો અમારે ત્યાં આવી પહોંચ્યો. મોહન હંમેશા દારૂ પીધેલ અવસ્થામાં જ રહેતો. મેં તરત એને પિછાણી ગયો કેમ કે એ અમારી બસ્તિમાં જ રહેતો. મેં એને નામ પૂકારીને ત્યાંથી જવા માટે કહ્યું. લાતો મારી છેવટે મેં એને મજબૂતાઈ પકડમાંથી છૂટી ન જાય એવી રીતે ઊંચકીને ખંડરમાં મૂકવા ગયો એ વિચારથી કે આ પીધેલ આદમી અમને ડિસ્ટર્બ કરવા વગર અહીં શાંતિથી પડી રહેશે. પરંતુ હું એને ખંડરમાં ઉતારું એ પહેલાં જ એ જોર કરીને મારા પરથી ઉતર્યો તે સાથે જ મેં મારું બેલેન્સ ગુમાવ્યું પરંતુ નીચે પડતા બચ્યો.
"કોણ છે તું...!!મારું નામ કેવી રીતે પિછાણે??" મોહને અચાનક સામે સવાલ કર્યો.
મોહનના આ બદલાયેલો રૂપ જોઈને હું પણ હોશમાં આવ્યો હોય તેમ એને તરત જ એક જોરથી લાફો ઝીંકી દીધો.
મોહન કદાચ મારી બદલાયેલી વેશભૂષાને કારણે મને ઓળખી શક્યો ન હોય.
અમારા વચ્ચે ખૂબ ઝપાઝપી થઈ. હું એક જ સવાલ પર અટકેલો હતો, " મોહન....!! તારો મકસદ શું હતો? તું કોણ છે?? "
પરંતુ મોહન જવાબ આપતો ન હતો. છેલ્લે મારા શૂઝમાં ખોસેલું ચાકુ કાઢ્યું. ચાકુની અણીને એના ગળા પર મુક્તા જ એ કબુલયો કે એ પોલીસનો ખબરી છે. એના બાદ પણ અમારા વચ્ચે અંધારામાં જ ખૂબ ઝપાઝપી થઈ. પરંતુ મેં એને એટલો માર માર્યો હતો કે એ બેહોશ થઈને નીચે પડ્યો. મારા ખિસ્સામાં રહેલું લાઈટર કાઢ્યું. એટલો પ્રકાશ તો ન હતો. મેં એના ચહેરા તરફ પ્રકાશના માટે લાઈટર ચલાવ્યું. આછા અજવાળામાં મેં એનો ચહેરો ચેક કર્યો. એ તદ્દન બેહોશ થઈને પડ્યો હતો. અંતે મહામહેનતે જ ખંડરમાંથી એક દોરડું શોધી કાઢ્યું. એના હાથ પગ બાંધી દીધા. એ ઈરાદાથી કે કોઈપણ આફત વગર અમે સહીસલામત ખંડરની બહાર નીકળી શકીએ." કેદાર એકધારું બોલી ચૂપ થયો.
"કેદાર...!! આપણા આદમી તો ત્યાં ઉપસ્થિત જ હતાં. એ બેહોશ જ હતો તો એને કારમાં નાંખી દેવો હતો. કેમ કે હોશમાં આવશે એટલે એ પોલીસ સુધી પહોંચી જ વળશે." ટિપેન્દ્રએ કહ્યું.
"ટિપેન્દ્ર એટલો સમય ન હતો કે એ સાંકડી ગલી તેમ જ અંધારામાં ખંડરને પાર કરીને મેન રસ્તા પર આવવું અને જવું...!! એ સમય માગી લેતે. પરંતુ મોહનની આપણા દ્વારા કિડનેપિંગ કે પછી એને ત્યાં જ બેહોશ છોડીને આવવું..!! બંને સ્થિતીમાં પોલીસની પૂછપરછ તો થવાની જ છે. હવે એ આપણાને એનો રસ્તો કાઢવો પડશે કે આપણે કેવી રીતે બચીને રહીએ." કેદારે સ્પષ્ટતા કરી.
"હા. આપણાને હવે પોલીસથી બચીને રહેવું પડશે. પરંતુ બાની હવે સમય નષ્ટ કરવા વગર ઝડપથી પ્લાનને અંજામ આપવો પડશે. કેમ કે હવે પોલીસનો ખતરો પહેલા કરતાં વધુ મુસીબતમાં નાખી દેશે." ટિપેન્દ્રએ કહ્યું.
"હા...!!" બાનીએ કહ્યું.
"ક્યાં છે એ પિસ્તોલ...?!"ટિપેન્દ્ર એ પિસ્તોલ જોવાની લાલચ છોડી ના શક્યો. એને આતુરતાપૂર્વક કહ્યું.
કેદાર, શંભુકાકા જ્યાં સૂતા હતા એ કમરામાં ગયો અને ઝડપથી કવર સાથે પિસ્તોલ લાવ્યો અને ટિપેન્દ્રનાં હાથમાં સોંપી. ટિપેન્દ્રએ ખૂબ જ આતુરતાથી કવર ખોલીને એ પિસ્તોલને નિહાળવા લાગ્યો. પિસ્તોલને જોઈ લીધા બાદ કહ્યું, " બાની...પિસ્તોલની મરમત તો કરવી જ પડશે. બૂલેટ ની વ્યવસ્થા પણ..!! એ બધું થઈ રહેશે. હવે તો આ પિસ્તોલથી પ્રેક્ટિસ કરશે જ ને બાની.....!! ઓહ... યસ....બાની- એક શૂટર." ટિપેન્દ્રએ હળવી મજાક કરી. પરંતુ કેદાર તેમ જ ટિપેન્દ્રએ નોંધ લીધી કે બાનીના ચહેરા પરથી જાણે રોનક જ ઉડી ગઈ હોય તેમ ચહેરો સાવ ફિક્કો દેખાતો હતો.
"બાની શું થયું??" બાનીનો ચહેરો જોતા જ ટિપેન્દ્રએ પૂછ્યું. પૂછતાની સાથે જ બાની કમરાની બહાર જતી રહી.
ટિપેન્દ્રએ કેદારની સામે અસંખ્ય પ્રશ્નોથી આંખ તાકી.
"આનો જવાબ મારા બાપા શંભુ પાસે જ મળશે." કેદારે ટિપેન્દ્રનો સવાલ સમજી જતાં કહ્યું.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)