વુલ્ફ ડાયરીઝ - 25 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 25


તેને વાદળી શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું. તેના ચહેરા પરથી જરાય નહોતું લાગતું કે તે બે બાળકોની મા હશે. તે પોતાના સમયમાં વધારે સુંદર હશે તેવું શ્લોક અને રોમીએ અનુમાન લગાવ્યું.

“બહુ જલ્દી આવી ગયા.” નીચે રહેલા સ્ટોર રૂમમાંથી તેમના પિતાએ બહાર આવતા કહ્યું. તેમની ઉમર પણ વધુ નહોતી લાગી રહી. તેમના વાળ કાળા હતા અને ખભા સુધીના હતા, જેને તેમણે પોનીમાં બાધ્યા હતા. તેમની આંખો બિલકુલ સેમ અને જેક જેવી હતી. બંને બાળકો પિતા જેવા જ લાગતા હતા.

“બેસો.” એક બીજી સ્ત્રીએ આવતા કહ્યું. તેને પણ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. તે કિમની મમ્મી હતી.

“શ્લોક..” શ્લોક પાસે આવી તેના માથે હાથ ફેરવતા તેમણે કહ્યું. શ્લોકએ કિમ સામે જોયું.

“આ આપણી મમ્મી છે.” કિમએ શ્લોકના પ્રશ્નને સમજતા કહ્યું.

“મા..” શ્લોક તેમને પગે લાગ્યો.

“તારા મોઢેથી આ સાંભળવા માટે મેં બહુ રાહ જોઈ છે દીકરા. મને માફ કરી દે... હું કઈ કહી શકુ તેમ..” તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. શ્લોક તેમને ગળે વળગી ગયો.

“હું સમજુ છું મા.” શ્લોકએ રડતા કહ્યું. શ્લોકએ બીજા હાથથી કિમને પણ પાસે બોલાવીને ભેટી લીધી.

“રોમી..” મુખ્ય દરવાજાથી અંદર આવતા એક પુરુષએ રોમીના ખભા પર હાથ મુકતા કહ્યું. તેની સાથે એક સ્ત્રી પણ હતી. જેને જીન્સ અને ટી શર્ટ પહેર્યા હતા.

“આપણા મોમ ડેડ..” ઈવએ રોમીને ઓળખાણ આપતા કહ્યું.

રોમી પણ તે બંનેને ભેટી પડ્યો.

“સાચે જ આ દ્રશ્ય જોવા વર્ષોથી આંખો રાહ જોઈ રહી હતી.” રોમીના મમ્મીએ કહ્યું.

“મોમ તમે અમને બધાને અહી કેમ બોલાવ્યા? ક્રિસ અંકલ..” જેક કહી રહ્યો હતો.

“અમે જાણીએ છીએ જેક. પણ કઈ પણ કરતા પહેલા તમને એની પાછળનું કારણ ખબર હોવું ખુબ જ જરૂરી છે. તમે કોની સાથે લડવા જઈ રહ્યા છો એ જાણવું ખુબ જરૂરી છે. નહિ તો તમારી હાર આ વખતે નક્કી જ હતી.” સેમના પપ્પાએ કહ્યું.

“તમારા બધાના મનમાં પ્રશ્નો હશે, કે આટલા વર્ષો સુધી અમે તમને દુર કેમ રાખ્યાં. કેમ તમને મા બાપનો પ્રેમ ના આપ્યો. કેમ ક્રિસ અમારી સાથે નથી રહેતો. કેમ તમે બધા વુલ્ફ છો અને જાદુ કરી શકો છો. અને ક્રિસને અત્યારે કોણ લઇ ગયું. એ જાણ્યા વગર તમે આગળ નહિ વધી શકો. તે બધું જણાવવા જ અમે તમને અહી બોલાવ્યા છે.” ઈવના પપ્પાએ કહ્યું.

“આ વાત આજથી ૨૫ વર્ષ પહેલાની છે. અમે બધાએ સપનામાં પણ નહી વિચાર્યું હોય કે જીવન અમને આવી કોઈક પરિસ્થિતિમાં નાખશે...” સેમના પપ્પાએ ભૂતકાળમાં ખોવાતા કહ્યું.

****

સમય : 25 વર્ષ પહેલા
સ્થળ : મનાલી

દિવાળીની રાત છે. બધાના જ ઘરમાં દીવા અને ફટાકડા ફૂટી રહ્યા છે. આ વાત છે મનાલીથી થોડે દુર આવેલા એક નાના શહેરની. પંછી આમ તો દિલ્હી શહેરમાં જ રહી છે, ત્યાં જ 12 ધોરણ સુધી અભ્યાસ પતાવ્યો છે. પણ તેના નિષ્ઠાવાન અને હંમેશા ફરજ નિભાવવાવાળા પોલીસ અધિકારી પિતાએ દિલ્હીના એક નેતાના વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હોવાથી, તેમની તાત્કાલિક કાયમી ધોરણે બદલી મનાલીની પાસે આવેલા એક નાના શહેરમાં કરી દેવામાં આવી.

પણ પંછી ખુશ હતી, હોય પણ કેમ નહિ? મનાલી જેવા સુંદર બરફની સફેદ ચાદર ઓઢેલા શહેરમાં એક સુંદર કોલેજમાં એડમીશન જે મળી ગયું હતું. ક્રિસ, પંછીના મનાલીના નવા ઘરનો પડોશી હતો. એ સાથે જ ક્રિસ અને પંછીના પપ્પા એક જ સાથે કામ કરતા હતાં. એટલે એમ કહીએ તો ચાલે કે પંછીનો આ નવા અને સુંદર શહેરમાં એક માત્ર મિત્ર ક્રિસ જ હતો.

“આટલા બધા દીવા? પંછી, દિવાળી છે તારા લગન નહિ બેટા.” અંગણામાં એટલા બધા દીવા જોઇને પંછીની મમ્મી રીતુબેનએ કહ્યું.

“અજવાળું જ તો તહેવાર અને આપણા જીવન બંનેને સુંદર બનાવે છે મા. દીવા વગર દિવાળીનો શું મતલબ?” રંગોળી વચ્ચે દીવા કરતા પંછીએ કહ્યું.

“ખોટી વાત. મારી વ્હાલી પંછીનો હંમેશા હસતો ચહેરો તહેવારને ખાસ બનાવે છે.” ક્રિસના પપ્પા રાજેશભાઈ સાથે બેઠેલા પંછીના પપ્પા નીરજભાઈએ કહ્યું.

“આ બે બાપ દીકરી વચ્ચે તો આપણાથી કઈ બોલાય જ નહિ.” રંગોળી કરતા રીતુબેનએ કહ્યું. પંછી રંગોળીની વચોવચ્ચ બેસીને દીવા મૂકી રહી હતી. રંગોળી તો બની ગઈ પણ હવે બહાર કઈ રીતે નીકળે? પગ સંભાળીને માંડ બહાર નીકળી, એને આમ જોઇને બધા જ હસવા લાગ્યા.

ફટાકડા ફોડીને ક્રિસ અને પંછી ઘરના આંગણામાં બેઠા.

“તું આજે બહુ સુંદર લાગે છે પંછી.” પીળા અનારકલી ડ્રેસમાં ખુલ્લા વાળ અને કાનમાં નાના ઝૂમખાં, આંખોમાં સહેલ કાજળ, એ સિવાય બીજો કોઈ પણ જાતનો મેકઅપ કર્યા વગરની પંછીને જોઇને ક્રિસએ કહ્યું.

“થેંક યુ ક્રિસ. તું પણ સારો લાગી રહ્યો છે.” મજબુત માંસલ શરીર પર પર્પલ ઝબ્બામાં સેટ કરેલા વાળ અને દાઢીમાં ક્રિસ બહુ જ સોહામણો લાગી રહ્યો હતો.

“ઓકે. તો મને એમ કહે તને કેવું લાગ્યું અમારું આ શહેર? હા, તમારા દિલ્હી કરતા તો ઘણું જ નાનું છે. તો પણ મને આ બહુ જ ગમે છે.” આકાશમાં ફૂટતા રંગબેરંગી રોકેટ જોઇને ક્રિસએ કહ્યું.

“નહિ ક્રિસ, આ બહુ જ સુંદર શહેર છે. દિલ્હીમાં બહુ જ પ્રદૂષણ છે. અહીની હવા બહુ જ સરસ છે. અને આ સફેદ બફર... શું કહું. આ બધુ જ બહુ મસ્ત છે. મને પસંદ આવ્યું આ શહેર. બસ હવે કોલેજમાં પણ બધા સારા મિત્રો બની જાય.” ઠંડી હવાને માણતા પંછીએ કહ્યું.

“અરે તું એની તો જરાય ચિંતા ના કરીશ. આપણી કોલેજ બેસ્ટ છે. અને મારા સ્કુલના આખા ગ્રુપએ અહી જ એડમીશન લીધું છે. તને બહુ જ મજા આવશે.” હસતા ક્રિસએ કહ્યું.

પંછીએ હકારમાં માથું હલાવ્યું.

“તો મને એ જણાવ કે દિલ્હીમાં તારો કોઈ બોયફ્રેન્ડ હતો કે નહિ? આઈ મીન તને ક્યારેય પ્રેમ થયો છે? તને પ્રેમ જેવી વસ્તુઓમાં વિશ્વાસ છે ખરો?” ક્રિસએ હસીને પૂછ્યું.

“ના. એવું કોઈ મળ્યું નથી એવું તો હું ના કહી શકું. પણ કદાચ હું કોઈકની રાહમાં છું. કોણ એ હું નથી જાણતી. પણ બસ હું એના પ્રેમની રાહમાં છું. કોઈક એવું જેની આગળ આ બધા દીવાઓનું અજવાળું ઝાંખું પડી જાય, અને મને દેખાય તો બસ ખાલી એ જ.” અચાનક જ બરફ પડવાનો શરુ થઇ ગયો.

“વાહ, બરફ. આ કેટલું સુંદર છે.” કહીને પંછી બરફમાં કુદવા લાગી.

“આમાં શું નવું છે પંછી? તું મનાલીમાં છે. આ હિલ સ્ટેશન છે. અહી બરફ પડવો સ્વાભાવિક છે.” ક્રિસએ કહ્યું.

“ક્રિસ, હું પહેલી વાર આમ બરફનો વરસાદ જોઈ રહી છું. મને તો બહુ જ મજા આવી રહી છે.” બરફને હાથમાં પકડતા મીચેલી આંખે પંછીએ કહ્યું.

“હવે ચાલ ઘરમાં. નહીતો થોડી જ વારમાં તું આ બરફની નીચે મળીશ. એ પણ તારી ડેડ બોડી.” હસતા ક્રિસએ કહ્યું.

બંને પોતપોતાના ઘરમાં જતા રહ્યા.

“તો આખરે તું અહી આવી જ ગઈ..” અંધારામાં છુપાયેલા તેની લાલ આંખો દેખાઈ રહી હતી.

****

● કોણ હતો તે અંધારામાં છુપાયેલો માણસ?

● શું પંછી આ નવા શહેરમાં રહી શકશે?

● પંછીને કોની રાહ છે?

ક્રમશઃ