Wolf Dairies - 1 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 1

જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને આવા રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા છે. જે રહસ્યો અને પ્રેમ પર આગળ વધી રહી છે. આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી. આ ઘણા લોકોની એક વાર્તા છે. જેમાં પ્રેમ છે.. નફરત છે.. ગુસ્સો છે.. રહસ્ય છે.. મજબૂરી છે.. તાકત છે.. અને એકબીજાનો સાથ નિભાવવાની શક્તિઓ છે. વુલ્ફ.. વેમ્પાયર.. અને જાદુથી ભરેલી આ વાર્તા મારી પ્રથમ નવલકથા છે. અને મને વિશ્વાસ છે કે તે જરૂર વાચક મિત્રોને પસંદ આવશે.

તો શરુ કરીએ એક અલગ દુનિયાનો પ્રવાસ.. વુલ્ફ ડાયરીઝ સાથે..
****************

“હેલ્લો દોસ્તો.. કેવી રહી મુસાફરી?” હમણાં જ એરપોર્ટની બહાર નીકળેલા શ્લોક અને રોમી સામે ઉભેલી એ છોકરીએ પૂછ્યું.

“અત્યાર સુધીનું ખબર નહોતી પણ હવે કંઇક વધારે જ સારી લાગી રહી છે.” લીલા શોર્ટ્સ અને લાલ ટી-શર્ટ પહેરેલી લાંબી પાતળી અને બ્લોન્ડ વાળ કરેલી પેરિસની એ યુવતીને જોઇને રોમીએ કહ્યું.

“હવે આગળ મુસાફરી એનાથી પણ સારી જશે ..!” આંખ મારતા તેણે કહ્યું.

“હેય.. હું શ્લોક છું અને આ રોમી..” હાથ લંબાવતા શ્લોકએ કહેવાનું શરુ કર્યું.

“આપણે બધી વાતો અહી જ કરીશું? ગાડીમાં બેસો અને તમારો સામાન મુકો અંદર ફટાફટ.” તે સુંદર યુવતીએ આગળ ચાલતા કહ્યું.

“જી તમે તમારું સુંદર નામ ના જણાવ્યું અમને.” તેની પાછળ ચાલતા રોમીએ કહ્યું.

પણ પેલી યુવતીએ તેને અવગણ્યો. જાણે તેના માટે આ કઈ નવું નહોતું.

“યાર મને તો આ જગ્યાથી પ્રેમ થઇ ગયો.” શ્લોકને ખભેથી પકડતા ઉત્સાહિત રોમીએ પોતાના સ્વભાવ મુજબ કહ્યું.

શ્લોક અને રોમી.. બંને મિત્રો હમણાં જ ભારતથી અહી પેરિસની સુંદર ભૂમિ પર લેન્ડ થયાં હતા. વર્ષોથી તેમના સર કહો કે અંકલએ, તે બંનેને ટ્રેઈનીંગ આપી હતી. જેથી કરીને તે “ક્યુરેટર” નામની મોટી સંસ્થામાં જોડાઈ શકે.

“ક્યુરેટર” એક એવી સંસ્થા હતી જે બધા જ ખોટા કામ કરવાવાળા લોકો પર નજર રાખતી. અને જેવી કોઈ બુરી તાકત પોતાના હાથ ફેલાવતી, તેવા જ તેમના એજન્ટ તેમનો ખાત્મો કરી નાખતા. આ સંસ્થા વિશ્વ વ્યાપી હતી. તેઓ માત્ર ગુનાઓ કે બીજા નાના મોટા કેસ જ નહિ પણ અલૌકિક શક્તિઓ સાથેના ગુનાઓ પણ સુલઝાવતા હતા.

તે પછી ભલે કોઈ વુલ્ફ હોય કે વેમ્પાયર હોય કે પછી કોઈ આત્મા કે ભૂતના સાયા હોય. દુનિયામાં થતા બધા જ એવા અજીબ કિસ્સાઓ પણ તેમના હેઠળ જ સોલ્વ થતા. તેમની પાસે એવા લોકોને કાબુમાં કરવા માટે પણ અલગ ટીમ હતી. જેમના ઘણા લોકો પોતે પણ વેમ્પાયર અને વુલ્ફ હતા. પણ દરેકની ઓળખ હમેશાં છુપાયેલી રાખવામાં આવતી.

એવી જ રીતે નવા લોકોને ટ્રેઈનીંગ આપવા માટેનું એક સેન્ટર અહી પેરિસમાં હતું. પેરિસમાં જ ક્યુરેટરનું હેડ ક્વાટર પણ હતું. જેનો એક હિસ્સો બનવા માટે શ્લોક અને રોમી બંને ભાઈબંધો છેક આટલે દુર સુધી આવ્યા હતા.

“તારી કાર કઈ છે?” સામાનને દોરતા એરપોર્ટના બહારના પહોળા રસ્તા પર શ્લોકએ ઘણી બધી ગાડીઓ જોઇને કહ્યું.

“આ...” એક વાદળી રંગની સુંદર જેગુઆર કાર તરફ ઈશારો કરતા તેણે કહ્યું.

“ઓહ ભગવાન.. આ કેટલી સુંદર છે યાર.” સામાન મુકતા રોમીએ કહ્યું.

“હું કે પછી કાર?” કારમાં બેસતા તે યુવતીએ તેને હેરાન કરવા કહ્યું .

“અહી તો બધું જ સુંદર છે.” હસતા શ્લોકએ કહ્યું.

“તું હંમેશાથી બી પોસિટીવ છે? કે પછી કોઈકએ તારું દિલ તોડ્યું છે? એટલે તું આવો રોતડુ ચહેરો લઈને ફરે છે?” પાછળની સીટ પર બેઠેલા શ્લોક પર નજર નાખતા તેને કહ્યું.

“હું...” શ્લોકના મગજમાં એક ચહેરો આકાર લઇ રહ્યો હતો. પણ શું કહેવું તે એ સમજી નહોતો શક્યો.

“ચીલ યાર. હું તને છેડું છું ખાલી.” હસીને તેને પોતાની ગાડી ઝડપથી આગળ વધારી.

બંને જણા આસપાસના સુંદર અને સાફ રસ્તાને જોઈ રહ્યા હતા.

“પ્લીસ, કોલ સેમ..” તે સ્ત્રી કાર ચલાવતા બોલી. અને કારની સિસ્ટમએ ફોન લગાવ્યો.

“કોઈ જવાબ નથી આપી રહ્યું.” રીંગ વાગતા કોઈએ કોલના ઉપાડતા સિસ્ટમએ જાતે જ જવાબ આપ્યો.

“હજુ સુધી સુતી હશે ડફર.” હસતા તેણે કહ્યું.

“આપણે ક્યાં જઈ રહ્યા છીએ?” પૂછ્યા વગર ના રહેવાતા રોમીએ કહ્યું.

“સેમના ઘરે.” ગાડી ચાલવતા તેણે કહ્યું.

બંને તેની વાત સાંભળી રહ્યા હતા.

“તમારા સર.. એ નથી આવ્યા સાથે?” એ સ્ત્રીએ કંઇક જાણવાના આશયથી પૂછ્યું.

“કોણ ક્રિસ સર? એ તો કદાચ ચાર - પાંચ દિવસ પછી આવશે. એમને કોઈ અગત્યનું કામ આવી ગયું છે એટલે.” જવાબ આપતા રોમીએ કહ્યું.

“તારી બહુ વર્ષો સુધી રાહ જોઈ છે મેં શ્લોક.” કંઇક ગહેરા વિચારોમાં ખોવાતા તેણે શ્લોક તરફ જોતા હકારમાં માથું હલાવ્યું.

“અમારા વિશે તો તું બધું જ જાણે છે. પણ અમે તો કંઈ જ નથી જાણતા.” શ્લોકએ તેની સામે જોયું.

“મારું નામ કિમ છે. હું તમારી સાથીદાર જ છું. આપણે એક જ ટીમમાં કામ કરવાનું છે. અને હજુ તેને શરુ થવામાં બે દિવસની વાર છે. તો આપણે સેમના ઘરે જઈ રહ્યા છીએ.” જવાબ આપતા કિમએ કહ્યું.

“બહુ જ સુંદર નામ છે.” વાત કરવાનો મોકો શોધતા રોમીએ કહ્યું.

“થેંક્યું.” મિરરમાં જોઇને કિમએ કહ્યું.

“તો આ સેમ કોણ છે?” શ્લોકએ કિમને પ્રશ્ન કર્યો.

“એ સમજાવું તો બહુ જ અઘરું છે દોસ્ત..! શેતાનની નાની છે.” હસીને કિમએ કહ્યું.

શ્લોક અને રોમી તેને સમજવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા.

“ટૂંકમાં કહું તો, એ પણ આપણી સાથે ટીમમાં જ છે. પણ મારે આજે કામથી શહેરથી બહાર જવાનું છે. તો તમારે તેના ઘરે રોકાવું પડશે. કેમકે બીજા સાથીઓ પણ અત્યારે કોઈક જગ્યાએ કામથી બહાર ગયા છે. તો ખાલી સેમનું જ ઘર બચ્યું.” કિમ બોલી રહી હતી, પણ શ્લોક અને રોમી વધારે ગૂંચવાઈ રહ્યા હતા.

કંઈ ના સમજાતા, તે બંને હા - નામાં માથું હલાવી રહ્યા હતા.

“તમે બંને ચિંતા નહી કરો યાર. તમારે બસ બે દિવસ સેમના ઘરે રહેવાનું છે. અને તમે એની જોડે જરાય નહિ કંટાળો. એ ફૂલ ધમાલ છે. તમને એની જોડે એટલી મજા આવાની છે કે તમે ટ્રેઈનીંગ પણ ભૂલી જશો.” ખુશ થતા કિમએ કહ્યું.

“ઓકે.” બંનેએ એક સાથે જવાબ આપ્યો.

“પણ ખબર નહિ કેમ આ છોકરી મારો ફોન નથી ઉપાડતી. કઈ નહી તેના ઘરે જઈને ખબર પડી જ જશે.” કહીને કિમએ કાર વધુ ઝડપથી દોડાવી.

એક સુંદર સફેદ કલરના અને બહારથી બહુ જ ભવ્ય દેખાતા ઘર આગળ કિમએ કાર પાર્ક કરી. તે ઘરની આગળ એક નાનો બગીચો હતો. જેમાં લીલું ઘાસ હતું અને તેની કિનારી પર સુંદર ફૂલ ઉગ્યા હતા. અને તે બગીચાની વચ્ચે એક મોટું વૃક્ષ હતું. જેમાં પીળા ફૂલ ઉગી નીકળ્યા હતા. અને તે ફૂલ આખા બગીચામાં લીલાછમ ઘાસ પર વિખેરાયેલા હતા. ઠંડી સવાર આ દ્રશ્યથી વધુ આહ્લાદક લાગી રહી હતી.

"આજથી આ પીળા ફૂલ મારા દિલની પાસે રહેશે.” એક જૂનો અવાજ તેના મગજમાં સંભળાવા લાગ્યો. પીળા ફૂલ જોતા જ શ્લોક કોઈક વિચારમાં ખોવાઈ ગયો.

તેનું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. છાતી પર હાથ રાખી તે આગળ વધ્યો.

“સેમ... ડફર ફોન તો ઉપાડયા કર મારો.” ઘરમાં દાખલ થતાં જ કિમએ મોટેથી કહ્યું.

શ્લોક અને રોમી પોતાનો સામાન લઈને કિમની પાછળ જ રૂમમાં દાખલ થયાં. ઘર અંદરથી પણ ઘણું જ વિશાળ હતું. અંદરની દીવાલો પર પણ સફેદ જ રંગ કર્યો હતો. મુખ્ય હોલમાં સોફા અને ટીવી ગોઠવેલા હતા. અને એક કાચનું ટેબલ વચ્ચે પડ્યું હતું. જેના પર થોડો ખાવાનો સામાન અને બિયરની બોટલ પડી હતી.

મુખ્ય હોલની સામે જ રસોડું હતું. તે પણ આખું સફેદ માર્બ્લ્સથી સજાવેલું હતું. જેમાં ફ્રીજ અને ડાઈનીંગ ટેબલ પણ હતું. એ સિવાય પાછળની બાજુ બે રૂમ હતા. જેની લાઈટ બંધ હોવાથી તે બરાબર દેખાઈ નહોતા રહ્યા. અને આગળની બાજુ એક લાકડાની સીડી હતી. જેનો રંગ પણ સફેદ જ હતો. કદાચ ઉપર પણ રૂમ હશે તેવો અંદાજો શ્લોક અને રોમીએ લાગવ્યો.

“સેમ..” પાછળ તરફ આવેલા રૂમમાં જતા કિમએ બુમ પાડી.

“કેમ સવાર સવારમાં એલાર્મની જેમ બુમો પાડે છે યાર.” સોફામાં મોટું બ્લેન્કેટ ઓઢીને સુતી છોકરીએ બ્લેન્કેટની અંદરથી જ કહ્યું.

“તું અહી સોફા પર કેમ સુતી છે?” રૂમમાંથી બહાર આવીને કિમએ કહ્યું.

“યાદ નહિ.” તેણે ફરી જવાબ આપ્યો. તે હજુ પણ ઊંઘમાં જ હતી.

“તું ક્યારથી બિયર પીવા લાગી?” ટેબલ પર પડેલી બિયરની બોટલ જોઇને કિમએ કહ્યું.

“તું આ પૂછવા આટલી વહેલી સવારે મારા ઘરે આવી છે?” તેને પૂછ્યું.

“અરે હા... હું તો ભૂલી જ ગઈ. તમે બંને ઉભા કેમ છો?” શ્લોક અને રોમી સામે જોઇને કિમએ કહ્યું.

તે બંને પોતાનો સામાન નીચે મુકીને સામેના સોફા પર બેઠા.

“સેમ...” તે પાછી સુઈ જતા, કિમએ તેને હલાવી.

“શું છે કિમ? સુવા દે ને યાર.” બ્લેન્કેટમાંથી મોઢું કાઢીને તેણે કહ્યું. પણ તેના થોડાં બરગંડી કલર કરેલા ગુલાબી વાળ તેના ચહેરા પર આવી રહ્યા હતા.

“સેમ બકવાસ ના કર. મેં તને કાલે રાતે જ કહ્યું હતું બધું. મારે મોડું થાય છે. ઉઠ નહી તો હું આન્ટીને કોલ કરું છું.” ફોન બતાવતા કિમએ કહ્યું.

“મોમ.. નો યાર.” કહીને તે ફટાફટ ઉભી થઇ.

“હું સપનું જોઉં છું? કે મેં વધારે પી લીધી છે?” શ્લોક અને રોમી સામે જોતા સેમએ કહ્યું.

“તું?” શ્લોક અને રોમી પણ અચાનક સેમને જોઈને ગભરાઈ ગયા.

કોણ હતી સેમ?

રોમી અને શ્લોક સેમને કઈ રીતે જાણતા હતા?

કિમ અને ક્રિસને શું સંબંધ છે?

કિમ કેમ શ્લોકની વર્ષોથી રાહ જોઈ રહી હતી?

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED