વુલ્ફ ડાયરીઝ - 3 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 3


ઇવ ખરીદી પત્યા પછી પોતાના ઘરે તૈયાર થવા માટે જતી રહી. શ્લોક અને રોમી પણ સેમ સાથે ઘરે પાછા ફર્યા.

“તમે લોકો તૈયાર થઇ જાઓ. હું કિમને કોલ કરી લઉં. એ આવી ગઈ છે કે નહિ.” ઘરમાં દાખલ થતા સેમએ કહ્યું.

હા કહી શ્લોક અને રોમી બંને પોતાના રૂમ તરફ ચાલ્યા.

થોડી વાર પછી શ્લોક અને રોમી બંને તૈયાર થઈને હોલમાં સોફા પર બેઠા હતા.

શ્લોકએ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જયારે રોમીએ કાળી ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. તે બંને કોઈ હીરોથી ઓછા નહોતા દેખાઈ રહ્યા.

“તો બધા તૈયાર છો ને?” ઘરમાં દાખલ થતા કિમએ કહ્યું.

તેણે જાંબલી રંગનું ટોપ પહેર્યું હતું, જે તેના ઘુટણ સુધી આવતું હતું. તેની સાથે તેને થોડો મેકઅપ કર્યો હતો. તેના સીધા ખુલ્લા સોનેરી વાળ તેની ખુબસુરતી વધારી રહ્યા હતા.

“તું બહુ સુંદર લાગે છે.” કિમને જોઇને ઉભા થતા રોમીએ પોતાની લાગણીઓ વ્યક્ત કહ્યું.

“થેંક યુ. સેમ ક્યાં છે?” રોમી સામે જોઇને તેને પૂછ્યું.

“એ તૈયાર થાય છે.” તેના રૂમ તરફ ઈશારો કરતા શ્લોકએ કહ્યું.

“સેમ... જલ્દી કર. મોડું થાય છે.” બહારથી જ બુમ પાડતા કિમએ કહ્યું.

“આવી ગઈ મારી મા.. કેવી લાગુ છું?” રૂમમાંથી બહાર આવતા સેમએ કહ્યું.

તેણે આછાં વાદળી રંગનું ઘૂંટણથી ઉપર સુધીનું ફ્રોક પહેર્યું હતું. જે તેની આંખોના રંગ સાથે મેચ થઈ રહ્યું હતું. તેણે પોતાના થોડાં ગુલાબી વાળ ખુલ્લા રાખ્યાં હતા. કાનમાં સોનેરી નાની બુટ્ટી પહેરી હતી. અને ઉંચી એડીના ચપ્પલ પહેર્યા હતા. તે બિલકુલ ઢીંગલી જેવી લાગી રહી હતી.

“સુંદર..” અચાનક જ શ્લોકના મોઢામાંથી નીકળી ગયું. તેને જુનું બધું ફરી યાદ આવવા લાગ્યું.

“આપણે નીકળીએ હવે?” કિમએ પૂછ્યું.

“જેક..? એ ક્યાં છે?” શાંતિથી સેમએ શ્લોકને અવગણતા પૂછ્યું.

“ખબર નહિ. ફોન બંધ છે. મને નથી લાગતું એ આવ્યો હશે.” કિમએ કહ્યું.

“જો એ આજે ના આવ્યોને તો એની તો આજે ખેર નથી.” ગુસ્સામાં સેમએ કહ્યું.

“સારું ચાલ આપણે તો પહોચીએ. ઈવ પહોચી ગઈ છે. તેનો હમણાં જ મેસેજ આવ્યો.” કિમએ કહ્યું.

બધા જ પાર્ટીના ક્લબમાં પહોચ્યા. ત્યાં ખુબ જ ઊંચા અવાજમાં મ્યુસિક વાગી રહ્યું હતું. બહુ જ બધી લાઈટથી અજવાળું પથરાઈ રહ્યું હતું. બધા જ ત્યાં ઝૂમી રહ્યા હતા. એક તરફ જમવાનું કાઉન્ટર હતું. જયારે બીજી તરફ ડ્રિંકનું.

“ડાન્સ કરીશ મારી સાથે?” કિમ સામે હાથ લંબાવતા એક છોકરાએ પૂછ્યું.

“હા.” કહીને કિમ તેની સાથે ગઈ.

“તારે એને પહેલા પૂછવું જોઈતું હતું.” રોમીના અકળાતા ચહેરા તરફ જોઇને સેમએ તેના ભાવ સમજતા કહ્યું.

“હવે ધ્યાન રાખીશ.” હસીને રોમીએ કહ્યું.

“તારે નથી જવું?” શ્લોકએ પૂછ્યું.

“આપણો કાઉન્ટર ત્યાં છે.” ડ્રિંક તરફ જતા સેમએ કહ્યું. શ્લોક અને રોમી પણ તેની પાછળ ગયા.

“તું ક્યારથી પીવા લાગી?” સેમને ટોકવા માટે શ્લોકએ કહ્યું.

“હું બહેનજી બનીને અકળાઈ ગઈ હતી. તો વિચાર્યું થોડી મોર્ડન બની જઉં.” કટાક્ષ કરતા સેમએ કહ્યું.

“તેના જેવી બહેનજી મારી પસંદ હોઈ જ ના શકે.” પોતાના બોલેલા શબ્દો શ્લોકના કાનમાં ગુંજવા લાગ્યા.

તે ત્રણેય એક ટેબલ પર જઈને બેઠા.

“રોમી એક વાત કહું?” રોમી સામે જોઇને સેમએ ખચકાતા કહ્યું.

“હા.” રોમીએ કહ્યું.

“મને ખબર છે તને થોડું અજીબ લાગશે. પણ મારી પેલી દોસ્ત ઈવ, એનો એક ભાઈ હતો. જેનું નામ પણ રોમી હતું. હવે તે ઈવની પાસે નથી. તે એને ખુબ યાદ કરે છે. જો તને કઈ વાંધો ના હોય અને તું એની સાથે ભાઈ જેવું વર્તન કરે તો એને ઘણું સારું લાગશે. બાકી તને જેમ ઠીક લાગે.” શાંતિથી સેમએ કહ્યું.

“હા. કેમ નહિ. મને શું વાંધો હશે.” હસીને રોમીએ કહ્યું.

“મેમ ઓર્ડર?” એક વેઈટરએ તેમના ટેબલ પાસે આવીને કહ્યું.

“મેમ માટે એક માર્ટિની.” પાછળ ઉભેલા એક છોકરાએ કહ્યું. તે ઉંચો અને મજબુત શરીર ધરાવતો હતો. તેનું નાક લાંબુ હતું. અને આંખો બિલકુલ સેમ જેવી વાદળી હતી. તેના કાળા સરખી રીતે સેટ કરેલા વાળ તેને એક હેન્ડસમ દેખાવ આપી રહ્યા હતા. તેને સફેદ ટી શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું. અને ઉપર કાળું જેકેટ પણ પહેર્યું હતું. ત્યાં ઉભેલ દરેક છોકરીની આંખો બસ તેના પર જ હતી.

“જેક... ક્યાં હતો તું?” પાછળ ફરીને તેને ગળે લગાવતા સેમએ કહ્યું. જેકના આવવાથી સેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

શ્લોક પોતાની લાગણીને કાબુ કરીને તે બંનેને જોઈ રહ્યો.

“બસ તને સરપ્રાઈઝ આપવાની હતી... એટલે ફોન બંધ હતો.” સેમને ગળે લગાવતા જેકએ કહ્યું.

“આ જેક છે. મારો..” સેમ કહી રહી હતી.

“હું ઓળખું છું. શ્લોક અને રોમી. હને?” પોતાના નાક પર હાથ રાખી હસીને જેકએ કહ્યું.

“સોરી.. એ વખતે..” શ્લોક ઉભો થઈને કહી રહ્યો હતો.

“અરે નહિ યાર. એના માટે તારે સોરી કહેવાની જરાય જરૂર નથી. આ છોકરીએ તો મને આજ સુધી બહુ વાર માર ખવરાવ્યો છે.” સેમના ખભા પર હાથ મુકતા જેકએ કહ્યું.

“હેય રોમી.. ઓહ બધા અહી જ છે.” સામેથી આવતી ઈવએ કહ્યું. તેણે સફેદ રંગનું ચળકતું ટોપ પહેર્યું હતું. જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી.

“આજ કાલ લોકો મને બહુ અવગણી રહ્યા છે.” ઈવને જોતા જેકએ હસીને કહ્યું.

“હા. લોકોના કામ જ કંઇક એવા થઇ ગયા છે.” હસીને ઈવએ કહ્યું.

“યાર મેં તને બહુ જ યાદ કરી. પણ હું કામમાં હતો. સોરી. ચાલ હું ડાન્સ પર લઇ જઉં.” ઈવ તરફ હાથ લંબાવતા જેકએ કહ્યું.

“કોઈ જરૂર નથી. હું રોમી સાથે કરીશ. ચાલ રોમી.” રોમી તરફ હાથ લંબાવતા ઈવએ કહ્યું.

રોમીએ હસીને તેનો હાથ પકડ્યો, અને બંને ડાન્સ ફ્લોર તરફ આગળ વધ્યા.

સેમ હજુ પણ હસી રહી હતી.

“હવે હસવાનું જ છે? કે આવાનો વિચાર પણ છે?” સેમ સામે જોઇને જેકએ કહ્યું.

“મારે નથી આવવું. તું બીજી છોકરીઓના વખાણ કર.” મોઢું ફેરવતા સેમએ કહ્યું.

“અરે ના યાર. તારા સિવાય મારું શું થાય? તને ખબર કાલે શું થયું..” જેક બોલતા બોલતા સેમની કમરમાં હાથ નાખી, તેને પોતાની સાથે મ્યુસિક વાગતું હતું તે તરફ લઇ ગયો.

શ્લોક એકલો ત્યાં બેસી તે બંનેને જતા જોઈ રહ્યો.

દારૂના ઘૂંટ ગળે ઉતારી અને તે પોતાના ભૂતકાળમાં સરી પડ્યો.

સમય : 2 વર્ષ પહેલા
સ્થળ : જયપુર

ચારે બાજુ બસ ધીમો ધીમો અંધકાર છવાઈ રહ્યો હતો.. અને હું કોઈક અલગ જ અનુભવ કરી રહ્યો હતો.

“મેરે સપનો કી રાની કબ આયેગી તું.. આયી ઋતુ મસતાની કબ આયેગી તું... બીતી જાયે જિંદગાની કબ આયેગી તું... ચલી આ તું ચલી આ..” અમે બંને આ સોંગ કારના રેડીઓમાં વાગતા ગીતની સાથે જ ગાઈ રહ્યા હતાં.

આમ તો અમે કોલેજના બહુ જ સીધા છોકરાઓ હતાં. અથવા એવું કહી શકાય કે બહુ સારા ડોક્ટર્સ હતાં. પણ આજે તો વાત જ કંઇક અલગ હતી. આટલા વર્ષો સુધી સાઈન્સ ભણ્યા પછી આજે અમને ભણવામાંથી છુટકારો મળી રહ્યો હતો. આજે અમે અમારું છેલ્લું પેપર પતાવીને આવ્યા હતાં. અમારા છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી થઇ ગઈ હતી. અને ઇન્ટરન્શીપ ચાલુ થવાને હજુ એક બે દિવસની વાર હતી.

બહારનું વાતાવરણ પણ ગજબ હતું. જયપુર.. અરે અમારું જયપુર.. પિંક સિટી.. અત્યારે મને કંઇક વધારે જ ગુલાબી લાગી રહ્યું હતું. આથમતો સૂરજ.. પક્ષીઓનો કલરવ.. અને આ સુંદર રસ્તો. વાતાવરણ સુંદરતાની ચરમ સીમા પર હતું. અને ધીમે ધીમે અંધારું થઇ રહ્યું હતું.

અમે બંને નમૂનાઓ બસ અમારી ખુશીમાં જ ખોવાયેલા હતાં. એ ખુશનુમા વાતાવરણને મારા ઊંડા શ્વાસમાં ભરતા મને એવું લાગી રહ્યું હતું કે હવે તો જીવનમાં બધું જ સારું જ થશે.

જયપુરની એ સડક મારા માટે કઈ નવી નહોતી. પણ એ છતાં આજે એ મને કંઇક નવી જ વર્તાઈ રહી હતી. મારો જીગરી મિત્ર રોમી કાર ચલાવી રહ્યો હતો. અને મારો એ મિત્ર મજાથી ગીતની ધૂન પર ઉંચો નીચો થઇ રહ્યો હતો. હું પાછળની સીટ પર એકલો બેઠો તેને જોઇને હસી રહ્યો હતો.

ખબર નહિ કેમ મારા મગજમાં ઘણાં જ બધા વિચારો ચાલી રહ્યા હતાં. પરીક્ષા પણ પતી ગઈ હતી છતાં મને કોઈક પ્રકારની બેચેની વર્તાઈ રહી હતી. હજુ હમણાં જ સુંદર વાતાવરણ મને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. અને જેમ જેમ સૂરજ ડૂબતો ગયો તેમ રાતના ઘોર અંધારા વચ્ચે મારા મગજ અને દિલમાં પણ અંધારું છવાઈ રહ્યું હતું.

અચાનક જ મને કોઈકની ચીસ સંભળાઈ.

****

● જેક અને સેમને એકબીજા સાથે શું સંબંધ હતો?

● ઈવ શું સાચે જ રોમીની બહેન હતી?

● જેકને કોની ચીસ સંભળાઈ હતી?


ક્રમશઃ