વુલ્ફ ડાયરીઝ - 17 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 17

પાર્ટી તો પતી ગઈ હતી, પણ ઘર આખું વિખેરાયેલું પડ્યું હતું. એટલે બધા મળીને તેને સાફ કરી રહ્યા હતા. કિમ બહાર સમાન ગોઠવી રહી હતી. રોમી અને શ્લોક તેની મદદ કરી રહ્યા હતા.

જયારે સેમ ઘરમાં કામ કરી રહી હતી.

“કિમ... શું હું તને એક વાત પૂછી શકું?” શ્લોકએ ધીમેથી કહ્યું.

“હા. બોલને.” કિમએ કામ કરતા કહ્યું.

“જેક.. અને ઈવ..? મતલબ મને લાગ્યું કે જેક અને સેમ બંને વચ્ચે કંઇક હતું.. તો ઈવ કઈ રીતે?” શ્લોકએ અચકાતા પૂછ્યું.

કિમ જોર જોરથી હસવા લાગી.

“શું તું પાગલ છે? સેમ અને જેક..? કઈ પણ વિચારે છે તું શ્લોક.” તે હજુ પણ હસી રહી હતી.

“એમાં શું છે? જેક આખો દિવસ સેમ પાછળ જ હોય છે. એને સેમની કેટલી ચિંતા હોય છે. એટલે તો એ એને લેવા અમારા ઘરે છેક જયપુર આવ્યો હતો. શ્લોક જોડે લડ્યો પણ હતો. અને પેલા દિવસ પાર્ટીમાં બંને સાથે જ નાચતા હતા. કોઈને પણ એવું જ લાગે.” રોમીએ એના મનમાં ચાલતું બધુ જ કહી નાખ્યું.

“હા, તારી વાત સાચી છે, કે જેકને સેમની બહુ ચિંતા છે. પણ એ સેમનો સગો ભાઈ છે.” કિમએ કમર પર હાથ મુકતા કહ્યું.

“શું? ભાઈ?” શ્લોક અને રોમી બંને પર તો જાણે કોઈક એ બોમ્બ ફોડી દીધો હોય તેવી એમની હાલત થઇ ગઈ.

બંનેનાં મોઢાં ખુલ્લા જ રહી ગયા.

“હા ભાઈ. એ બંનેની આંખો નથી જોઈ? સરખી જ તો છે. શું તમે બંને પણ. ચાલો હવે ઘરમાં.” ઘરમાં જતા કિમએ કહ્યું.

“યાર આપણે તો કેવું ખોટું વિચારી રહ્યા હતા.” રોમીએ કહ્યું.

“અને મેં સેમ અને જેક સાથે કેટલું ખરાબ વર્તન કર્યું. મારે સેમની માફી માંગવી જોઈએ.” શ્લોકએ કહ્યું. તેનું મન દુઃખથી ભરાઈ ગયું કે તેણે સેમ અને જેક સાથે બહુ ખોટું કર્યું.

“અરે દોસ્ત.. તું એક વાત વિચાર. જેક અને સેમ ભાઈ-બેન છે. મતલબ તારી પાસે હજુ પણ મોકો છે. તું સેમને જણાવ કે તું એને કેટલો પ્રેમ કરે છે.” રોમીએ ખુશ થઈને કહ્યું.

“હા.” શ્લોક અને રોમી એકબીજાને ભેટી પડ્યા.

“હું મોકલું એને બહાર.” કહી રોમી ઘરમાં આવ્યો.

સેમ અને કિમ બધું સરખું કરીને બેઠા હતા.

“સેમ.. શ્લોકને તારું કંઇક કામ છે. એ બહાર છે.” રોમીએ કહ્યું.

માથું હલાવી સેમ ઘરની બહાર નીકળી.

“શું થયું? કંઇક ચિંતામાં લાગે છે.” કિમ પાસે બેસતા રોમીએ કહ્યું.

“હા. ક્રિસ.. એ આવ્યા નહિ. એ આજે આવવાના હતા.” કિમએ ધીમેથી કહ્યું.

“તું એમની ચિંતા ના કરીશ. એમનું તો ક્યારેય કઈ નક્કી નથી હોતું. કંઇક કામ આવી ગયું હશે. તો પણ કાલે સવારે હું એમને ફોન કરી લઈશ. હવે તો હસી લે.” રોમીએ કિમને કોણી મારતા કહ્યું.

“થેંક યુ.” કિમ પણ આખરે હસી પડી.

“શું થયું?” બહાર બગીચાના ઘાસ પર બેઠેલા શ્લોક પાસે જઈને સેમએ કહ્યું.

“અહી બેસને.” શ્લોકએ પોતાનો હાથ લંબાવ્યો. તેના મનમાં ઘણી દુવિધાઓ ચાલી રહી હતી.

સેમ તેનો હાથ પકડ્યા વગર જ ત્યાં નીચે બેઠી.

“તું ઠીક છે?” તારાઓ જોતા શ્લોક સામે જોઇને સેમએ કહ્યું.

“મને નથી સમજાતું કે હું શું કહું.. અને ક્યાંથી શરૂઆત કરું. મારા મન અને મગજમાં ઘણું બધું એકસાથે ચાલી રહ્યું છે. મને ખબર છે તું મારાથી ગુસ્સે છે. નારાજ છે. પણ શું તું બધું ભૂલીને મને એક મોકો આપીશ? શું મને માફ કરીશ? મારી વાત સાંભળીશ?” માથું ઝુકાવતા શ્લોકએ કહ્યું.

“હું તારાથી ક્યારેય ગુસ્સે હતી જ નહી શ્લોક.” સેમએ હસીને કહ્યું.

“પણ તું જયારે મને છોડીને ગઈ ત્યારે..” શ્લોકને આંચકો લાગ્યો.

“હા. ત્યારે હું નારાજ હતી. કદાચ એનાથી વધારે દુઃખી હતી. મને ખબર છે તું ખોટો નહોતો.” તે હજુ પણ હસી જ રહી હતી. પણ તે હાસ્યમાં પણ દુઃખ જ હતું જે શ્લોક જાણતો હતો.

“કઈ રીતે?” શ્લોકને કઈ સમજાઈ નહોતું રહ્યું.

“મને તું પસંદ હતો. અને મને લાગ્યું કે તને પણ હું પસંદ છું. એટલે હું તને કહેવા માટે આવી હતી. પણ તે મારા પ્રેમને સ્વીકાર્યો નહિ. જયારે જેક મને લેવા આવ્યો ત્યારે હું એની સાથે ઘરે પાછી આવતી રહી. હું ત્યાં તમારી સામે એ દિવસ અચાનક જ આવી ગઈ હતી. એ દિવસ મેં જેકને વુલ્ફ બનતા જોયો હતો. હું બહુ ડરી ગઈ હતી.

હું બસ એક સામાન્ય પાયલટ હતી. એ સિવાય મારા જીવનમાં કોઈ જ રહસ્ય નહોતું. એક એવી છોકરી જેને એના મમ્મી પપ્પાએ હંમેશા પોતાનાથી દુર રાખી હતી. અને તેનું કોઈ કારણ મારી પાસે નહોતું. અને મેં શોધવાનું પણ છોડી દીધું હતું. કેમકે આ હાલત અમારા બધાની હતી. જેક, ઈવ ,હું ,કિમ અમે બધા જ એકલા રહેતા હતા. શરુઆત આર્મી સ્કુલથી થઇ હતી પણ પછી અમે બધા અહી પેરિસ શિફ્ટ થયાં. અમારા મા બાપ પાસે પૈસાની કદાચ કોઈ કમી નથી. પણ મારી પાસે પ્રેમના નામે મારું આ ગ્રુપ અને મારો ભાઈ જ હતા. જેક મારી ખુબ નજીક છે. હું નાની છું એટલે એ મને બહુ પ્રેમ કરે છે. જાણે કે હું એની બેન નહિ એની દીકરી જ હોઉં.

અમારી ટ્રેઈનીંગ સમયએ જ ઈવ અને જેક વચ્ચે પ્રેમ થયો. હું ત્યારે સાચે જ બહુ નબળી વ્યક્તિ હતી. લડવું એ મારું કામ જ નહોતું. એક દિવસ જેકના બર્થડેના બે દિવસ પહેલા અમારા ઘરેથી ફોન આવ્યો કે તે એક પાર્ટી આપે છે. અમે આમ તો એમને વેકેશનમાં જ મળવા જતા હતા. પણ આ વખતે વાત અલગ હતી. અમે બધા જ ભેગા થયાં હતા. હું બહુ જ ખુશ હતી. અને મેં જોયું કે અમારા પર કોઈકએ હુમલો કર્યો. જેક એક વુલ્ફ બની ગયો. અને મારી મમ્મીએ મને ત્યાંથી ભારત મોકલી દીધી. એ પણ જાદુ કરી શકે છે. હું એ રાતે તમારી સામે આવીને પડી. એ પછી તો તને બધું ખબર જ છે. પણ નાના નાનીમાં મને મા બાપ દેખાયા. જે પ્રેમ માટે હું જીવનભર તરસતી રહી તે મને ત્યાં મળ્યો. હું બસ ક્રિસને ઓળખતી હતી. અને પછી મે ત્યાં લડવાની ટ્રેઈનીંગ લીધી.

સ્કુલમાં છોકરાઓ નહોતા એવું નથી. પણ મેં ક્યારેય એવું ધ્યાન જ નહોતું આપ્યું. એમ કહું તો પણ ચાલે કે મેં પોતાના તરફ પણ ક્યારેય ધ્યાન નથી આપ્યું. પણ તું મળ્યો પછી મને લાગ્યું કે પ્રેમ કેટલો સુંદર એહસાસ છે. અને મને થઇ ગયો પ્રેમ. હા તને ના થયો. એમાં મારે ગુસ્સે થવા જેવું કઈ જ નહોતું. પણ જીવનમાં બધી જ જગ્યાથી મને રીજેકશન મળવાથી હું તારી એ વાત સ્વીકારી ના શકી. હું જેક જોડે અહી પાછી આવી. મેં ક્રિસને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તમે બંને વુલ્ફ છો. એટલે કદાચ તે મને સ્વીકારી નહોતી.” સેમએ તારાઓ સામે જોતા કહ્યું.

“હું નહોતો ઈચ્છતો કે તું કોઈ મુશ્કેલીમાં મુકાય. તું મારા માટે ખાસ હતી. હું ડરતો હતો કે તું જયારે સાચું જાણીશ તો મને નફરત કરીશ. મને કોઈ હક્ક નથી તારું જીવન બગડવાનો.” શ્લોકએ દુઃખી થતા કહ્યું.

“મને ખબર છે. મેં અહી આવીને મારી ટ્રેઈનીંગ ફરી શરુ કરી. જેક વુલ્ફ હતો. હું અને કિમ જાદુ કરી શકતા હતા. ખબર નહિ કેમ પણ ઈવ પાસે આવી કોઈ શક્તિ નહોતી. પણ વર્ષોથી એ અને જેક ડિફેન્સ ડીપાર્ટમેન્ટમાં હતા. તો એને એવી કોઈ શક્તિની જરૂર જ નહોતી. હું અહી આવ્યા પછી પણ તને નહોતી ભૂલી શકી. પણ સમય સાથે બધા ઘાવ ભરાઈ જાય છે. જે પણ થયું મેં એ બધું ભુલાવી દીધું. હું ક્યારેય સિયા હતી જ નહિ. હું તો સેમ હતી.. સમાયરા હતી. હું બસ રસ્તો ભટકી ગઈ હતી. હવે બધું ઠીક છે. એટલે હું તારાથી ગુસ્સે કે નારાજ નથી.” હસીને સેમએ શ્લોક સામે જોયું.

“શું આપણે ફરીથી શરૂઆત ના કરી શકીએ? શું આપણે ફરી મિત્રો બની શકીએ?” હાથ લંબાવતા શ્લોકએ કહ્યું.

“કેમ નહિ..” સેમની આંખોમાં આંસુ હતા છતાં એને હસીને હાથ મિલાવ્યો.

"હું હમણાં જ આવ્યો.." કહી શ્લોક ઉભો થયો.

“આ પણ એક શરૂઆત જ છે શ્લોક. જયારે તું સચ્ચાઈ જાણીશ ત્યારે તને સમજાશે.” સેમ મનમાં વિચારી રહી હતી.

"આ શું..?" શ્લોક બિયરની બે બોટલ લઈને પાછો આવ્યો.

"બીજી કોઈ વસ્તુ મળી નહીં. બસ આ જ બચી છે." બોટલ લંબાવતા શ્લોકએ કહ્યું.

"તને કઇ રીતે કહું કે હું બિયર નથી પી શકતી." શ્લોકના હસતા ચહેરા સામે જોઇને સેમ વિચારી રહી હતી.

પણ આખરે તેને શ્લોકના હાથમાંથી બોટલ લીધી.

"તું.. બહુ જ ખરાબ પ્રેમી છે શ્લોક.." સેમને નશો ચડી ગયો હતો.

"એવું કેમ?" શ્લોકએ હસીને પૂછ્યું.

"તું પહેલા ભૂલો કરે છે.. અને પછી.. આમ હસે છે. તને ખબર છે.. તું જ્યારે આમ હસતો હોય ત્યારે કેટલો હેન્ડસમ લાગે છે..?" શ્લોકના ખભા પર માથું ઢાળતા સેમએ કહ્યું.

"તારું શરીર આટલું ઠંડુ કેમ છે?" સેમની નજીક જતા શ્લોકને ખબર પડી.

"મને બહુ ઠંડી લાગી રહી છે." થથડતા સેમએ કહ્યું.

શ્લોક સેમને લઈને તેના રૂમમાં આવ્યો. અને તેને બ્લેન્કેટ ઓઢાડયું.

"મારી સાથે રહે.. મને છોડીને ના જઈશ..." સેમએ નાના બાળકની જેમ હાથ લંબાવ્યા.

"હું અહી જ છું." સેમની બાજુમાં સુતા શ્લોકએ તેને બાહોમાં લીધી.

"અહીં તારી પાસે મને બહુ જ સારું લાગે છે. તું મને બહુ જ ગમે છે શ્લોક." કહી સેમએ પોતાના હોઠ શ્લોકના હોઠ પર મૂકી દીધા.

સેમના અચાનક આમ કરવાથી શ્લોક આશ્ચર્ય પામ્યો. પણ શ્લોક કાઈ કહે તે પહેલા તે બેભાન થઈ ગઈ.

"મને પણ તું બહુ જ ગમે છે સિયા." શ્લોકએ સેમના માથાને ચુમ્યું.

સેમને ઓઢાડીને શ્લોક બહાર હોલમાં આવ્યો.

ત્યાર બાદ કિમ, શ્લોક અને રોમી હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા.

"એ બીમાર લાગે છે." શ્લોક એ બહાર આવીને કહ્યું.

"એને ક્યારેય બિયર ના પીવડાવીશ. એનાથી એ બીમાર થાય છે. ચિંતા ના કરીશ. એ કાલે ઠીક થઈ જશે." સમજાવતા કિમએ કહ્યું.

“તો જેક અને ઈવની શું સ્ટોરી છે?” કોફી પીતા શ્લોકએ કહ્યું.

“આ તો બહુ જ સારી લવ સ્ટોરી છે.” હસતા કિમએ રોમી સામે જોયું.

“તો તો અમે જરૂર સાંભળીશું. આજકાલ મને પ્રેમ પ્રત્યે બહુ જ આકર્ષણ થઇ રહ્યું છે.” કિમ સામે જોઇને લુચ્ચું હસતા રોમીએ કહ્યું.

“આ સ્ટોરી થોડાં વર્ષો પહેલાની છે....” કિમએ જૂની યાદોમાં ખોવાતા કહેવાનું શરુ કર્યું.

****

● સેમ, શ્લોકથી કઈ વાત છુપાવી રહી છે?

● શું સેમ અને શ્લોક ફરી એક થશે?

● સેમને તેના માતા પિતાએ કેમ પોતાનાથી દુર કરી?

● જેક અને ઈવને એકબીજા સાથે કઈ રીતે પ્રેમ થયો?

ક્રમશઃ