ઉસ્માન જુનો છકડો લઇ ભાડા કરે. અડધી રાત્રે કોઈને દવાખાને જવું હોય કે કોઈ પણ કામે જવાનું હોય તો ઉસ્માન તૈયાર જ હોય. આળસ જરા પણ નહિ. પણ બિસ્માર અને જુનવાણી રસ્તાઓ ઉપર છકડામાં કંઇક ને કંઇક ખોટકો આવી જાય. ઉસ્માન બે પાંદડે ના થયો. અંતે ખોટ ખાઈને ઉસ્માનનો છકડો વેચાઈ ગયો. ઉસ્માને હિંમત નો હારી. રાતડી દશમા બાપ દાદાની પાંચ વીઘા જમીન હતી એમાં ખેતી કરવાનો વિચાર કર્યો. પણ ગામથી દુર જમીનમાં ડાભ શિવાય કાઈ નો થાય. ઉનાળે બેય દીકરા દશ વરસનો સલીમ અને બાર વરસનો રહીમ અને બેગમ ફાતીમાં ચારેયે મળી કોદાળી પાવડા લઇ ડાભના થુંભડા કાઢી જમીન ચોખ્ખી કરી નાખી.
ક્યારેક દીકરાઓ કહે “બાપા થોડુક રમીને ખેતર આવીએ?”
ઉસ્માન માસુમ દીકરાઓને ના ન પાડે. “કઈ વાંધો નહિ, તારી અમ્મી હારે આવજો. થોડુંક રમીને સીધા ખેતર આવજો.” એમ કહેતા ઉસ્માનના ચહેરા ઉપર ચિંતા છવાય જતી.
દશ બાર વરસના દીકરાઓ બાપની ચિંતા વાંચી લેતા અને રમવાનું પડતું મૂકી અમ્મીની પહેલા બાપની વાંહે ખેતર હાલી નીકળતા.
વરસાદ વરસી ગયા પછી ઉસ્માન બીજે દિવસે બંને નાના દીકરાઓ સલીમ અને રહીમને લઇ ખેતરે વાવણી કરવા નીકળી ગયો. ખેતરનો રસ્તો એટલે એક બળદગાડું હાલે એવડી નાની નરકોળી. વરસાદ પડે એટલે ગોઠણ સુધી પગ ખુપી જાય એવો કાચો રસ્તો.
ઉસ્માન ગરીબ પણ ખુદ્દાર. અલ્લાતાલાનો નેક બંદો. મહેનતુ પૂરો. પણ ગીતામાં લખ્યું એમ પ્રારબ્ધ હજી નોતું બંધાયુ. ખેડવા માટે હળ નહોતું વાવણી કરવા દંતાળ નહોતો. પણ ઈશ્વરે કોઠાસૂઝ આપેલી. એટલે એક અમુ લુહાર પાસે જઈ એક લોઢાનું નાનું હળ બનાવડાવ્યું. જેનાથી ખેડી પણ શકાય અને વાવી પણ શકાઈ. બળદ તો હતા જ નહી. કોઈ ખેડુના બળદ ભાડે લેવા પોસાય નહિ. એટલે બંને દીકરાઓને દન્તાળે જોતરી બાજરો વાવી દીધો. બેલીઓ પણ દીકરા જોતરીને જ હાંકી. ખેતરમાં ખડનું એક તણખલુંય ઉગવા નો દીધું. પછી ખુબ મહેનત કરી ત્યારે લાણી ટાણે ગામમાં વાહ બોલી કે “જ્યાં ખાલી ડાભ જ ઉગે ત્યાં ઉસ્માને વીંઘે દોઢ કળશી બાજરો પકવ્યો. પણ બજારો વાવે બંગલો નો બને. ખાલી પેટ ભરાય.” ઉસ્માને આખા વરસનો બાજરો થયો.
ખુદા પણ સારાની જ કસોટી કરે છે. આઠ વરસ ડાભવાળા ખેતરમાં મજુરી કરી પણ પંડ્ય મજુરી નો મળી. ખુદાએ મજુરી ઉસ્માનના ખાતામાં ફક્ત ઉધારી પણ દીધી નહિ. થાકીને ઉસ્માને બંને દીકરાઓને શહેર પૈસા કમાવા મોકલ્યા. ખુબ મહેનતુ દીકરાઓ એમ્બ્રોડરી મશીનમાં નોકરી કરે.મજુરી કરતા હતા પણ ધંધામાં બરોબર ધ્યાન આપી ધંધો શીખ્યા. ધીરે ધીરે પૈસા બચાવી પોતાનું એક મશીન લીધું. એક માંથી બે મશીન ને બે માંથી ચાર અને ચારમાંથી પંદર મશીન થયા. અને પછી લાઈન દોરી કાપડ માર્કેટમાં નાની દુકાન કરી. અને મશીન સાથે દુકાન. ઈશ્વરના ચોપડે મહેનત જમા હતી ખાલી ફળ આપવાનું હતું. હવે ઈશ્વરે ફળ આપવાનું શરુ કર્યું. ગામનો સુખી માણસ થયો. . કોઈ સંતે સાચું જ કહ્યું છે કે “ કર્મ ઈશ્વરને ચોપડે જમા થાય છે ફળ તો મળે જ.” ખેતરમાં બળદિયા બની જુતેલ બંને ભાઈ આજે શેઠ બની ગયા છે.
ગામમાં કોઈને આકસ્મિક તકલીફ પડે તો બંધ બારણે ટેકો કરી આવે. કોઈને ભણવામાં મદદની જરૂર હોય તો પણ ઉસ્માન મદદ કરે. ડાબા હાથે આપે તો જમણા હાથને ખબર નો પડે. આજે ઉસ્માન ખુબ સુખી છે. ગામમાં રામજી મંદિરના જીર્ણોધ્ધાર થયો ત્યારે તમામ ગામલોકો કરતા વધુ ફાળો આપ્યો. પણ તકતીમાં નામ ન લખાવ્યું.