આગે ભી જાને ના તુ - 12 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 12

પ્રકરણ - ૧૨/બાર

ગતાંકમાં વાંચ્યું.....

ખીમજી પટેલ પાસેથી આઝમગઢ, તરાના અને અર્જુનસિંહની વાત સાંભળ્યા પછી રતન અને રાજીવ આગળ શું બન્યું એ સાંભળવા આતુર હતા પણ ખીમજી પટેલે વાત અધવચ્ચે જ છોડી દેતા બંને કમને ઘરે પાછા ફરે છે....

હવે આગળ....

રતન અને રાજીવ ભરબપોરે અસહ્ય તડકામાં ગલીઓમાંથી પસાર થતા ઘરે પહોંચે છે. ખીમજી પટેલે બંનેને સાંજે આવવાનું કહ્યું હોવાથી બંને ક્યારે સાંજ પડે ને ક્યારે ખીમજી પટેલ પાસે જઈ આગળની કહાણી અને રહસ્ય બાબત કઈ જાણવા મળે તો સારુંની ચર્ચા કરતા જમીને રાજીવના ઓરડામાં બેઠા હતા. એસી ચાલુ હોવાથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ પણ બંનેના મનમાં ઉકળાટ પ્રસરેલો હતો. થોડીવાર પછી રતન નીચે પોતાના ઓરડામાં જતો રહ્યો અને આમતેમ પડખા ફેરવી રાજીવે મોબાઈલ કાઢી બારી પાસે બેસી નેટ ઓન કર્યું. મોબાઈલ પર ધડાધડ વોટ્સએપ મેસેજીસના નોટિફિકેશન આવવા શરૂ થઈ ગયા. રાજપરા પહોંચ્યા પછી છેલ્લા ત્રણ દિવસથી એણે કોઈ મેસેજ વાંચ્યા જ નહોતા, બીજા મેસેજીસ અવગણીને રાજીવ અનન્યાના મેસેજીસ વાંચવા લાગ્યો.

"રાજીવ, ક્યાં છે તુ, નથી તારો ફોન લાગતો કે નથી કોઈ મેસેજ. આર યુ ઓકે? એવી કઈ જગ્યાએ છે તુ કે તારા કોઈ જ સમાચાર નથી. મને ચિંતા થઈ રહી છે. કોણ જાણે કેમ પણ મારું દિલ બહુ ગભરાય છે. મને અજાણી ને અણધારી આફત આવવાનો અણસાર વર્તાઈ રહ્યો છે. પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ, મિસ યુ...."

અનન્યાનો મેસેજ વાંચી પળભર માટે રાજીવના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ ઉપસી આવી પણ ચિંતાને ખંખેરી રાજીવે અનન્યાના મેસેજનો રીપ્લાય આપ્યો.

"ડિયર, આઈ એમ પેરફેકટલી ઓલરાઇટ. હું બહુ જ અગત્યના કામે આવ્યો છું અને તું બિલકુલ ટેંશન નહિ લેતી. સમય મળતાંજ હું તને કોલ કરીશ. એવેરીથીંગ વિલ બી ઓકે. ડોન્ટ વરી એબાઉટ એનિથિંગ, જસ્ટ રિલેક્સ એન્ડ બી કુલ. મિસ યુ ટુ..." મેસેજ સેન્ડ થઈ ગયાનો નોટિફિકેશન આવતા જ રાજીવે નેટ ઓફ કરી અનંતરાયને ફોન લગાડ્યો.

"હેલો, પપ્પા, કેમ છો તમે? કોઈ હેલ્થ પ્રોબ્લેમ તો નથી ને તમને? મમ્મી, રોશની, મનીષકુમાર બધા કેમ છે? ઓફિસમાં કેવું વાતાવરણ છે, મનીષકુમારને ફાવે તો છે ને?" રાજીવે પ્રશ્નોનો મારો ચલાવ્યો.

અનંતરાય હજી ઘરે જ હતા, જમીને સહેજ આડે પડખે આરામ કરી રહ્યા હતા. રાજીવનો નંબર જોઈ એમણે ફોન રિસીવ કર્યો, "અ.....રે....., હેલો, રા...જી...વ.... એકસામટા આટલા બધા પ્રશ્નો. ક્યાંથી શરૂ કરું?" અનંતરાયના ચહેરા પર હાસ્યમિશ્રિત ગંભીરતા ફેલાઈ ગઈ, "પહેલા એ કહે તું ક્યાં છે અને કેમ છે? ઘરે ક્યારે પાછો આવે છે? તારી ને અનન્યાની સગાઈને ફક્ત અઠવાડિયું જ બાકી છે. સુજાતા તને બહુ જ યાદ કરે છે. જલ્દી આવી જજે દીકરા. અહીંની ચિંતા ના કરતો. બધું જ બરાબર છે. મનીષકુમારની ઘણી હેલ્પ છે મને."

"પપ્પા, એક વાત કરવી છે. કોઈ તમારી આજુબાજુ નથી ને?"

"હા, બેટા, બોલને. એની પ્રોબ્લેમ? હું એકલો જ છું રૂમમાં. સુજાતા હમણાં જ ચા બનાવવા કિચનમાં ગઇ" અનંતરાયના ચહેરા પર ચિંતાના વાદળ વિખેરાઈ ગયા.

"પ...પ્પા... હું.... અત્યારે રા...જ..પ...રા...માં છું. રતનના ઘરે, સવારે જ અમે બંને ખીમજી પટેલને મળીને આવ્યા છીએ એમણે સાંજે ફરી બોલાવ્યા છે."

રાજીવની વાત સાંભળી અનંતરાયની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ. માંડ માંડ પોતાની જાતને સંભાળતા અનંતરાય બેડ પર બેઠા થઈ ગયા.

"શું........., રાજીવ તું રાજપરામાં છે? એનો અર્થ તું બધી વાત જાણે છે."

"પપ્પા, બધી તો નહીં પણ ખીમજી પટેલ અને રતનના પિતા જોરવરસિંહ બાપુએ જેટલી માહિતી આપી એટલી જ જાણ છે મને અને પપ્પા જોરવરસિંહ બાપુ તો તમારા બાળપણના મિત્ર નીકળ્યા. એ વેજપરમાં એમના મોસાળ રહી ભણતા હતા ત્યારે તમારા ખાસ ફ્રેન્ડ બની ગયા હતા."

"જોરવરસિંહ..... રતનના બાપુ, મારો મિત્ર, વેજપર," અનંતરાય વિચારોની આંટીઘૂંટીમાં અટવાઈ ગયા, "રાજીવ આ શું માજરો છે, મને ખુલીને વાત કર" અનંતરાયના સ્વરમાં કંપન ઉમેરાઈ ગયું.

રાજીવે ટૂંકમાં ખીમજી પટેલ અને જોરવરસિંહે કરેલી આઝમગઢની વાતથી અનંતરાયને વાકેફ કર્યા.

"પ.....ણ... પપ્પા, તમે અત્યાર સુધી મારાથી આ વાત છુપાવી. અરે... આપણી વચ્ચે બાપ-દીકરાના રિલેશન કરતા તો મિત્રતા વધુ હતી છતાં પણ.... મેં તમને એ દિવસે પણ પૂછ્યું હતું જ્યારે તમે અનકમ્ફર્ટ ફિલ કરી રહ્યા હતા. આ તો એ દિવસે તમારો મોબાઈલ મારા હાથમાં આવી ગયો અને મને તમારી અસ્વસ્થતા વિશે જાણ થઈ. તમારાથી છુપાઈને જ્યારે મેં સ્ટડીરૂમમાંથી પત્ર લઈ વાંચ્યો ત્યારે જ મેં નિર્ણય કર્યો કે હું રાજપરા આવીને હકીકતના મૂળ સુધી પહોંચીને જ રહીશ."

"રાજીવ, તુ બને એટલી વહેલી તકે વડોદરા પાછો આવી જા. તું આ બધી માથાકૂટમાં નહિ પડ."અનંતરાય રાજીવને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

"નહીં પપ્પા, હવે હું પાછી પાની નહી ભરું. હું સત્ય હકીકત જાણીને જ રહીશ. જે ઘટનાના મૂળ જમીનમાં ધરબાયેલા છે એમને જમીન પર લાવવા જ પડશે. આમ અધૂરું અને આંશિક અર્ધસત્ય જાણ્યા પછી મારી આતુરતાને હું કઈ રીતે રોકું. પપ્પા, પ્લીઝ મને રોકવાની કોશિશ પણ નહીં કરતા."

"જો દીકરા, મારી વાત સમજવાની કોશિશ કર, આપણને આ બધી ઉપાધિઓ નથી જોઈતી. જેમ જેમ તું ઘટનાનું મૂળ શોધવા ખોતરણી કરીશ તેમ તેમ તું વધુ ને વધુ ઊંડો ઉતરતો જઈશ."

"ના પપ્પા, હવે હું તમારી કોઈપણ વાત નહી સાંભળું, મને કુળદેવી પર, પોતાના પર અને તમારા સંસ્કારો પર પૂરો ભરોસો છે અને તમે પણ મારા પર ટ્રસ્ટ કરો પપ્પા, હું આખી વાત જાણ્યા વગર પાછો નહિ ફરું."

"તો દીકરા, મારી એક વાતનું ધ્યાન રાખજે.... ખીમજી પટેલથી બને એટલો દૂર રહેજે. એ જમાનાનો ખાધેલ લુચ્ચો માણસ ક્યારે શું કરી બેસશે એ કહેવાય નહીં, કારણકે... એ વ્યક્તિ...." અનંતરાયે આગળ કહેલું વાક્ય સાંભળી રાજીવને જોરદાર ધક્કો લાગ્યો, એના આખા શરીરમાં વીજળી પસાર થઈ ગઈ. કઈપણ બોલ્યા વિના ફોન કટ કરી રાજીવ બાથરૂમમાં જઈ શાવર નીચે ઉભો રહી ગયો.

"સારું છે કે અત્યારે રતન અહીં નથી, જો એને આ વાતની જાણ થાત તો શું પરિણામ આવત?" મનોમન વિચારતો રાજીવ શાવરના પાણીમાં પોતાના શરીર સાથે પોતાની અંદર પણ ચાલી રહેલા ઘૂઘવાટને પણ ધોવા મથી રહ્યો હતો પણ એને ખબર નહોતી કે એની અને અનંતરાય વચ્ચે થયેલો સંવાદ બારણા પાછળ સંતાઈને કોઈ ત્રીજી વ્યક્તિએ પણ સાંભળ્યો હતો.

"રાજીવ, રાજીવ.... ચાલ યાર, ચાર વાગી ગયા છે. ચા પણ તૈયાર છે. જલ્દી નીચે આવ આપણે ખીમજી પટેલ પાસે જવાનું છે."

"રતન, બસ પાંચ જ મિનિટમાં આવું છું,"

રતન નીચે ઉતરી ગયો. આશરે દસેક મિનિટ પછી રાજીવ પણ નીચે આવ્યો. માયા બધા માટે ચાના કપ લઈ આવી.

"આ શું રાજીવભાઈ, તમારા વાળ પણ હજી ભીના છે. આમ ભીના વાળે તડકામાં તમે બહાર જશો તો તમને શરદી થઈ જશે અને અનન્યાનો ઠપકો મારે સાંભળવો પડશે એ જુદો." માયાએ રાજીવના હાથમાં ગરમાગરમ ચાનો કપ થમાવ્યો.

"ના..ના.. ભાભી, કઈ નહીં થાય મને. આ તો અહીં ગરમી જરા વધારે છે એટલે શાવર લીધા પછી વાળ એમ જ ભીના રહેવા દીધા."

"રાજીવ દીકરા, શાવરમાં તો ફક્ત તારા શરીરની બાહ્ય ગરમી શાંત પડી શકે છે પણ અંદરની આગ નહીં. હું જાણું છું બેટા, અત્યારે તારા મનમાં જે ગડમથલ ચાલી રહી છે એને બૂઝવવી આસાન નથી તો અશક્ય પણ નથી. ચિત્તને એકદમ શાંત કરી દે. માતાજી સૌ સારાવાના કરશે," જોરવરસિંહે હળવેથી રાજીવનો ખભો દબાવ્યો. રાજીવે એમની વાતમાં પોતાની મૂક સંમતિ આપી અને રતન સાથે ખીમજી પટેલને મળવા નીકળી ગયો.

ખીમજી પટેલના ઘર સુધી દસ મિનિટમાં પહોંચાડતો રસ્તો પણ રતન અને રાજીવને લાંબો લાગ્યો. ખીમજી પટેલ રોજિંદી આદત મુજબ આંગણામાં ખાટલે બેસી બીડી પી રહ્યા હતા.

"આવી ગયા બંને, અહીં જ બેસો. માંહે ગરમી લાગશે તો તમારા અંદર રહેલી આતુરતાને આકુળતામાં બદલાતા વાર નહીં લાગે." ખીમજી પટેલ બંનેને આવકારતા બોલ્યા.

રાજીવનું મન હજી થોડું અશાંત હતું એ ખીમજી પટેલથી છાનું ના રહ્યું,"ભાઈ, તારો ચહેરો જુદી ભાષા બોલે છે અને આંખો જુદી. મેં તમારા કરતા ઘણી દિવાળીઓ જોઈ છે એટલે મારો અનુભવ એમ કહે છે કે તારા મનમાં હજી શંકાનું વલોણું ગોળ ગોળ ઘુમરાઈ રહ્યું છે. બેસ અહીંયા, મારી બાજુમાં."

રતન અને રાજીવ બંને ખીમજી પટેલની બાજુમાં ગોઠવાયા.

"ખીમજીબાપા, વધુ વાર ના લગાડતા આજે વાત પુરી કરી નાખજો," રતને કહ્યું.

"ભાઈ, તું તો ભારે ઉતાવળો, એમ ઉતાવળે કાંઈ આંબા ના પાકે. થોડી ધીરજ રાખ કેમકે હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળી તમારા પગ તળેથી જમીન સરકી જશે," તકિયો સરખો કરી ખીમજી પટેલે પગ પર પગ ચડાવી વધુ એક બીડી સળગાવી વાતની શરૂઆત કરી.

"સવારે મેં તમને તરાના અને અર્જુનસિંહ વચ્ચે બનેલી અસાહજિક ઘટના વિશે જણાવ્યું હતું. તરાના પોતાના પલંગ પર હાથ ફંફોસી બીજું કંઈ નહીં પણ પોતાનો કમરપટ્ટો શોધી રહી હતી. હવે તમને તરાનાના કમરપટ્ટા વિશે જણાવું. તરાનાનો કમરપટ્ટો એટલે જાણે રત્નજડિત સોનાનો સાપ. સાવ સોનાનો, હીરા માણેક જડેલો, અમૂલ્ય અને અલભ્ય એવો સાપના આકારનો સહુને પોતાની તરફ આકર્ષિત કરતો એ કમરપટ્ટો ફક્ત કમરપટ્ટો નહિ પણ તરાનાની સુરક્ષા માટેનું હથિયાર હતું. આમિર અલીએ એ કમરપટ્ટામાં પણ એવી કરામત કરી હતી જેની કોઈનેય ખબર નહોતી. એ કમરપટ્ટો અંદરથી સાવ પોલો હતો જેમાં એક નાનકડી ચાંદીની નળી ફિટ કરેલી હતી. એ નળીમાં હમેશા કાતિલ ઝેર ભરેલું રહેતું. સોનાના બનેલા એ કમરપટ્ટા પર રંગબેરંગી રત્નો જડેલા હતા અને કમરપટ્ટાના ઉપરના ભાગે એક નાનકડું માણેકજડિત બટન હતું જેને દબાવતાં જ સાપની લબકારા મારતી જીભ બહાર નીકળતી અને સામેની વ્યક્તિને અસલી સાપના ડંખ જેવો જ ડંખ મારતી. પળવારમાં જ એ વ્યક્તિ હતી ન હતી થઈ જતી. એ કમરપટ્ટો ખૂબ જ કિંમતી હતો. રાજા ઉદયસિંહ સહિત આખા આઝમગઢમાં કોઈની પાસે આટલું બેશકિમતી અને બેનમૂન આભૂષણ નહોતું અને કોઈને એની કરામતની જાણ પણ નહોતી." ખીમજી પટેલની વાત સાંભળી રતન અને રાજીવની આંખો અને મોઢું બંને પહોળા થઈ ગયા.

"એ કાતિલ ઝેરી કમરપટ્ટા દ્વારા અર્જુનસિંહ અને હરિલાલ બંનેને તરાનાએ મારી નાખ્યા અને એ બંનેની લાશ તરાનાએ લાજુબાઈ સાથે મળી વરસાદ અને અંધારાનો લાભ લઈ રાજમહેલના દરવાજે નાખી દીધી અને પોતે રાતોરાત લાજુબાઈ અને એની દીકરી સાથે આઝમગઢ છોડી અલોપ થઈ ગઈ." હવે રાજીવ અને રતન બંને આંચકો ખાઈ ગયા. ખીમજી પટેલે બંને માટે પાણી મંગાવ્યું, રતન અને રાજીવ બંનેએ એકીશ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કર્યો.

"ખીમજીબાપા, એક વાત મને અંદરોઅંદર ખાઈ રહી છે. પૂછું તમને," આશંકામાં અટવાયેલા રાજીવે ખીમજી પટેલને પ્રશ્ન કર્યો, "તમને આ બધી વાતની આટલી સચોટ માહિતી કેવી રીતે? શેના આધારે તમને આ આખી ઘટનાની ખબર છે?"

ખીમજી પટેલના ચહેરા પર રહસ્યમય સ્મિત આવી ગયું આંખો ઝીણી કરી એમણે રાજીવને કહ્યું," મને ખબર જ હતી કે તું આ સવાલ જરૂર કરીશ. તો સાંભળ મને બધી વાતની ખબર કેમ છે, કેમ કે હું ખીમજી પટેલના પાત્રની આડમાં છુપાયેલો એ આમિર અલી હું પોતે જ છું,"

આ સાંભળી રતન અને રાજીવ બંને અકલ્પિત, અણધાર્યા આશ્ચર્યથી ઉભા થઈ ગયા.

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.