પ્રકરણ - ૨૧/એકવીસ
ગતાંકમાં વાંચ્યું......
વલ્લભરાય અને નિર્મળા વચ્ચે એમના પુત્ર અનંતના લગ્ન વિશે ચર્ચા થાય છે જે બહારગામથી ત્રણ મહિના પછી ઘરે આવે છે અને પોતાને એક યુવતી પસંદ હોવાનું જણાવે છે તો વલ્લભરાય ક્રોધિત થઈ એને તમાચો મારે છે.....
હવે આગળ....
"પ.....ણ.... માં...બાપુ.....મારી વાત તો સાંભળો.... મને એક છોકરી પસંદ છે..... એ...ટ....લે... કે મેં છોકરી પસંદ કરી લીધી છે...એટલે એ...મ.... કે ......" અનંત હજી આગળ કાંઈ બોલે ત્યાં જ એના ગાલે એક સણસણતો તમાચો પડ્યો. અનંતની આંખે તમ્મર આવી ગયા. આંખોમાં આંસુ બાઝી ગયા અને અનંત નીચું મો કરી ઉભો રહી ગયો અને એની સામે વલ્લભરાય ધ્રુજતા અને બીજો હાથ અનંત તરફ ઉગામી ક્રોધની જવાળા ઓકતા ઉભા હતા અને નિર્મળા એક ખૂણામાં ઉભી ઉભી ધ્રુજી રહી હતી, એણે વલ્લભરાયનું આવું રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયું નહોતું.
"તને કામ અંગે બહારગામ મોકલ્યો હતો કે આવા છાનગપતીયા કરવા.... ? ખાનદાનનું નામ રોશન કરવાને બદલે નામ બોળી નાખીશ તું, અ....ને..... તું ત્યાં ખૂણામાં ઉભી ઉભી જોયા શું કરે છે, તારા જ વધુ પડતા લાડ ને છૂટછાટનું પરિણામ છે આ.....એક નો એક દીકરો છે તો શું થયું....?" વલ્લભરાયનો હાથ હજી ઉપર જ ઉઠેલો હતો.
"પ....ણ.... એકવાર એની વાત તો સાંભળો તમે. સામેવાળાની કોઈપણ વાત સાંભળ્યા વગર કોઈ નિર્ણય ના લઈ શકાય એ જ સિદ્ધાંત છે ને તમારો અને આ તો આપણો દીકરો છે એને એક મોકો તો મળવો જ જોઈએ પોતાની વાત રજૂ કરવાનો," નિર્મળાએ ધીમે ધીમે ડરતા ડરતા વાત પૂરી કરી.
"કોઈ જરૂર નથી એની વાત સાંભળવાની, આપણી જાતિ, ધર્મ, ખાનદાન, પરંપરા, બધી જ બાબતોને નેવે મૂકી એણે કોઈ એવી જ કન્યા પસંદ કરી હશે. હું આ સંબંધ માટે કોઈ કાળે રાજી નહીં થાઉં...એ યાદ રાખજો તમે બંને..." વલ્લભરાયે ઓરડાની બહાર જવા પગ ઉપાડ્યા.
"ઉભા રહો બાપુ, એક મિનિટ.... તમે જે જાતિ, ધર્મ, કુટુંબ, પરંપરાની ચીલાચાલુ જૂની પુરાણી રેકોર્ડ વગાડી રહ્યા છો એ બંધ કરો. સુજાતા કોઈ એવી નીચલી જાતિ કે ધર્મ કે પરિવારની દીકરી નથી પ...ણ... જામનગરના સુપ્રસિદ્ધ વેપારી નગીનદાસ ઝવેરીની એકમાત્ર સુકન્યા છે," એકધારું બોલ્યા પછી અનંત હાંફી રહ્યો હતો.
વલ્લભરાય ત્યાં જ થંભી ગયા અને પાછળ ફરી એકીટશે અનંતને જોવા લાગ્યા અને ઘડીક અનંત તરફ અને ઘડીક નિર્મળા તરફ જોઈ પાછા વળી અનંત પાસે જઈ એને ભેટી પડ્યા.
"જોયું.... હું નહોતી કહેતી કે એકવાર અનંતની વાત તો સાંભળી લો.. મને મારા દીકરા પર પૂરો ભરોસો હતો કે એણે જેને પણ પસંદ કરી હશે એ કોઈ સાધારણ કે મામુલી કન્યા ના હોઈ શકે," નિર્મળા પોતાની મમતા પર અને પોતાની પરવરીશ પર પોરસાઈ રહી હતી એણે અનંતને આપેલા સંસ્કારોએ એની લાજ રાખી હતી.
"પાછું બોલ તો અનંત..... કોની વાત કરી રહ્યો છે તુ?" પોતાને રહીસહી થતી શંકાની ખાતરી કરવા વલ્લભરાયે પ્રશ્ન કર્યો.
"હા.... બાપુ, તમે બરાબર સાંભળ્યું, જામનગરના વેપારી નગીનદાસ ઝવેરીની પુત્રી વલ્લભરાય પારેખની પુત્રવધૂ બની આ ઘરમાં લક્ષ્મીપગલાં કરે એવી મારી અને સુજાતાની...એટલે કે અમારી બંનેની મહેચ્છા છે. બસ આપના આશીર્વાદ ખૂટે છે." અનંત ભાવાવેશમાં આવી ગયો અને એક લાગણીનો દરિયો ત્રણેયની અંદર વહી રહ્યો હતો જે અશ્રુ બની આંખોમાંથી છલકાતો હતો.
"નિર્મળા.... આજે તો જમવામાં કંસાર બનાવજે અને જયસુખમામાને સાંજે બોલાવી લઈએ એટલે આપણા તરફથી અનંતનું માંગુ લઈ વહેલી તકે જામનગર જાય ને જાન જોડવાના સમાચાર ઝટ મોકલાવે." વલ્લભરાયના હૈયાનો હરખ માતો નહોતો.
"અનંત.... મને માફ કરી દે દીકરા, તારી વાત સાંભળ્યા વગર જ હું મારા વિચારો તારા માથે થોપી રહ્યો હતો..શું કરું, એક બાપ છું ને, એક પિતા તરીકેની મારી ફરજ હું ચુકી ન જાઉં એ પણ મારે જોવું પડે ને બેટા...," વલ્લભરાય ગળગળા સ્વરે વધુ બોલે એના પહેલાં જ અનંતે એમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને નિર્મળાએ તો એના ઓવારણાં લીધા અને આ શુભ સમાચાર લાજુબાઈને આપવા બહાર દોડી ગઈ અને અનંત વલ્લભરાયને પોતાની અને સુજાતાની પ્રેમકથાની અત: થી ઇતિ સુણાવી રહ્યો હતો.
"લાજુબાઈ.....લાજુબાઈ...." રસોડાના દરવાજા સુધી પહોંચતા તો નિર્મળા હાંફી ગઈ હતી.
"અરે..... અરે..... શું થયું બેનબા, આટલી ઉતાવળ.... ક્યાંક ઠેસ વાગી હોત કે આખડીને પડી ગયા હોત તો...." આટલા વર્ષોમાં નિર્મળા અને લાજુબાઈ શેઠાણીબાથી બેનબા સુધીના ઉષ્માભર્યા સંબંધ સ્થાપિત થઈ ચુક્યા હતા. શેઠાણી અને નોકરાણી કરતા પરસ્પર બેન જેવા સુમેળભર્યા સંબંધોની વેલ વિકસી હતી.
"લાજુબાઈ.... અ....નં....ત....ના લગ્ન નક્કી થવા જઈ રહ્યા છે"
"શું....વાત કરો છો બેનબા? ક્યારે, ક્યાં, કેવી રીતે, કોની સાથે?" એકસામટા અનેક પ્રશ્નો લાજુબાઈના હોઠેથી નીકળ્યા.
"બસ....બસ...લાજુબાઈ, એક એક પ્રશ્નનો જવાબ આપું, જરીક પોરો ખાવા દયો," નિર્મળા રસોડાના ઓટલે જ બેસી ગઈ.
નિર્મળાએ લાજુબાઈને એની, વલ્લભરાય અને અનંત વચ્ચે થયેલી વાતચીત ટૂંકમાં જણાવી.
"આજે જમવામાં કંસાર બનાવજો,"
"આ પણ કોઈ કહેવાની વાત છે બેનબા, આજે કંસાર તો શું મારું ચાલે તો છપ્પનભોગેય બનાવું."
પોતાના એકના એક પુત્રના લગ્ન લેવાનો આનંદ નિર્મળાના રોમેરોમથી છલકાઈ રહ્યો હતો અને એનો આખો દિવસ લગ્નના વિચારોમાં વ્યતીત થઈ ગયો.
સાંજે જયસુખમામાએ આવ્યા પછી બધા સાથે જમીને વલ્લભરાય અને નિર્મળા સાથે બધી વાતચીત કરી અનંતના જન્માક્ષર લઈ રાતે આરામ કરી બીજે દિવસે સવારે તો જામનગર જવા ઉપડી ગયા. ત્યાં પહોંચી નગીનદાસ ઝવેરીના ઘરે જઈ જયસુખમામાએ અનંત માટે સુજાતાનો હાથ માંગ્યો. બંનેના જન્માક્ષર મળી જતાં ઝવેરી પરિવારે આ માંગુ સહર્ષ વધાવી લીધું અને વાત આગળ વધારી. પારેખ અને ઝવેરી કુટુંબમાં ખુશીની લહેર આવી ગઈ અને બંને પરિવાર ચટ મંગની પટ બ્યાહની તૈયારીમાં લાગી ગયા. લગ્નની તૈયારીઓમાં વલ્લભરાય ખીમજી પટેલે આપેલી પંદર દિવસની મહેતલ સાવ વિસરી જ ગયા.
સમય એનું કામ કરતો ગયો, દિવસો વીતતા ગયા. બંને પક્ષે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ હતી. કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી. લગ્નનો દિવસ નજીક આવતા મહેમાનોની અવરજવરથી પારેખ અને ઝવેરી પરિવારના ઘરો ભર્યા ભર્યા બની ગયા હતા. નાના મોટા સહુ કોઈ લગ્નના કામોમાં જોડાઈ ગયા હતા. અનંત અને સુજાતા બંને પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હોવાથી બંને પરિવારોએ તૈયારીમાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ જમાના પ્રમાણેની ફેશનના કપડાં અને અવનવી કારીગરીવાળા દાગીના તૈયાર કરવામાં આવ્યા હતા.
સુજાતા માટે સોનાના તારથી ભરેલું ઘરચોળું બનાવડાવવામાં આવ્યું હતું તો અનંત માટે પણ સોનેરી જરી બોર્ડરના ઝીણી ઝીણી વેલબુટ્ટીનું ભરતકામ ધરાવતી રેશમી શેરવાની તૈયાર થઈ હતી. લગ્ન આડે માત્ર બે જ દિવસ રહ્યા હતા અને વલ્લભરાય સગા-સ્નેહીઓ સાથે જાન લઈ જામનગર આવી ગયા હતા. ઝવેરી પરિવારે જાનૈયાઓને હૈયાના હરખથી આવકાર આપ્યો હતો અને બધાના રહેવા-જમવાની ગોઠવણ પણ પોતાના મોભા પ્રમાણે કરી હતી. બંને પરિવારોમાં સાંજે મંગળ ગીતો ગવાતા, સામસામે ફટાણા અપાતા. આમ ને આમ મજા- મસ્તીભર્યા માહોલમાં બે દિવસ વીતી ગયા.
આખરે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. સવારના સારું મુહુર્ત જોઈ અનંત અને સુજાતાની વિધિવત સગાઈ થયા પછી સહુ લગ્નની તૈયારીમાં પડી ગયા અને સાંજે લગ્નનો સમય પણ આવી ગયો.
ઝવેરી પરિવારે પરંપરાગત રીતે પોતાના મકાનને શણગાર્યું હતું. બંને પરિવારો પ્રતિષ્ઠિત હોવાથી અનેક વડોદરા અને જામનગર સહિત વિવિધ શહેરોમાંથી અનેક નામી હસ્તીઓ પણ બંને પરિવારો તરફથી લગ્નનું આમંત્રણ આવકારી લગ્નમાં હાજરી આપવા પધારી હતી.
સાંજે લગ્નની ઘડી આવી પહોંચી. રોશનીથી ચમકતા શામિયાણામાં ચારે તરફ સુસજ્જ વ્યવસ્થા આંખે ઉડીને વળગે એવી હતી. આવનારા દરેક મહેમાનોનું અત્તર અને ગુલાબજળ છાંટી સ્વાગત કરવામાં આવતું હતું. મંડપમાં એક તરફ સંગીતની મહેફિલ ચાલુ હતી તો બીજી તરફ ચોરી માટે ગોરમહારાજ લગ્નવેદીની તૈયારી કરી રહ્યા હતા.
શુભ મુહૂર્ત થતાં જ વલ્લભરાય અને નિર્મળા સાફા-શેરવાનીમાં સજ્જ અનંતને લઈ મંડપમાં પધાર્યા, એમની સાથે લાજુબાઈ અને જમના પણ જોડાયા. પાછળ ઢબુકતા ઢોલના સથવારે અનંતના ફોઈ એમના પુત્રો અને અનંતના કેટલાક મિત્રો નાચતા નાચતા આવી રહ્યા હતા. બંને પક્ષના મહેમાનો સોહામણા રાજકુમાર જેવા લાગતા અનંતને જોતા રહી ગયા.
'કન્યા પધરાવો સાવધાન' ગોરમહારાજ દ્વારા બોલાવતા સુજાતાના માતા-પિતા નગીનદાસ અને હેમલતા એનો હાથ ઝાલી ધીમે ધીમે મંડપમાં આવી રહ્યા હતા અને એમની પાછળ સુજાતાના પિતરાઈ ભાઈ બહેનો મજાક મસ્તી કરતા આવી રહ્યા હતા.
સોનેરી જરીવાળી લાલ બોર્ડરના શ્વેત પાનેતરમાં સુજાતાનું રૂપ ઓર ખીલ્યું હતું અને માથે ઘરચોળાની ચૂંદડી એના રૂપને નવી આભા આપી રહી હતી.
જેમ જેમ સુજાતા આગળ વધતી ગઈ, પારેખ પરિવારના મહેમાનો ફૂલોની પાંખડીઓ એના પર ઉડાડી એનું સ્વાગત કરવા લાગ્યા.
મંડપમાં આવતાં જ ગોરમહારાજે અનંત અને સુજાતાના હાથમાં વરમાળા આપીને બાજોઠે બેસાડી લગ્નની વિધિ આરંભ કરી.
ગોરમહારાજ વિધિવત મંત્રોચ્ચાર કરી, શ્લોકો પઢી લગ્નવિધિ કરાવી રહ્યા હતા. ગોરમહારાજના કહેવાથી અનંત અને સુજાતા સપ્તપદીના ફેરા ફરવા ઉભા થયા. જેવા એ બંનેએ ફેરા ફરવા પગ ઉપાડ્યા ત્યાં જ વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા પર પડતા એ ત્રણેય વિસફરિત નજરે એકમેક તરફ જોઈ રહ્યા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઉઠ્યો 'તરાનાનો કમરપટ્ટો સુજાતા પાસે ક્યાંથી' અને ત્યાં જ મંડપના દ્વારમાં ખીમજી પટેલને અંદર આવતા જોઈ વલ્લભરાય અને લાજુબાઈના હોશકોશ ઉડી ગયા.
'ખીમજી પટેલ અહીં....જામનગરમાં....આ લગ્નમંડપમાં....ક્યાંથી અને જો એમની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા તરફ ગઈ તો......?' વલ્લભરાય અને લાજુબાઈ ફાટેલા ડોળે ખીમજી પટેલને જોઈ રહ્યા.
વધુ આવતા અંકે.....
આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.