The secrets of નઝરગઢ ભાગ 5 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

The secrets of નઝરગઢ ભાગ 5

આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની અને ત્રિશા અનિરુદ્ધ અને વિકર્ણ ને આશરો આપે છે,અને અવની માયાપુર ના રહસ્ય વિષે પણ તેઓ ને જણાવે છે,અવની ને અનિરુદ્ધ પ્રત્યે લાગણી બંધાવા લાગે છે,જેથી અનિરુદ્ધ ના નઝરગઢ જવાની વાત થી એ અત્યંત દુ:ખી થઇ જાય છે,અને ત્રિશા સામે અનિરુદ્ધ ને માયાપુર રોકી રાખવા માટે આગ્રહ કરે છે.ત્રિશા અનિરુદ્ધ ને થોડાક દિવસ સુધી ત્યાં રહેવા માટે મનાવી લે છે,અને ત્રિશા અને અવની તેમની શક્તિઓ ની મદદ થી એક પાણી ના પરપોટા નાં મારફતે આનવવેલા સુધી અનિરુદ્ધ નો સંદેશ પહોચાડે છે,અહી વિદ્યુત નો સેનાપતિ વિદ્યુત ને અનિરુદ્ધ અને વિકર્ણ નાં મૃત્યુ નાં અસત્ય સમાચાર આપે છે જેથી ઉત્સાહ માં વિદ્યુત એક સપ્તાહ ની અંદર નઝરગઢ પર આક્રમણ કરવાની સુચના આપે છે.

ક્રમશ:

અનિરુદ્ધ અને વિકર્ણ ના ઘણા દિવસ થી કોઈ પણ સમાચાર ના હતા જેથી આનવ અત્યંત ચિંતા માં હતા,જ્યાં તેમને એક ગુપ્તચર દ્વારા સમાચાર પ્રાપ્ત થાય છે કે અનિરુદ્ધ અને વિકર્ણ વિદ્યુત સામે યુદ્ધ માં મૃત્યુ ને પ્રાપ્ત થયા છે.

આ સાંભળી આનવ નાં પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ.

અનિરુદ્ધ જે એમના પુત્ર સમાન હતો અને વિકર્ણ જે એમના નાના ભાઈ સમાન હતો એ બન્ને ને એને એક જ પલ માં જાણે ગુમાવી દીધા ,એનું પોતાનું કહી શકાય એવું જાણે કોઈ હતું જ નહિ.

આનવ આ આઘાત જનક સમાચાર થી હચમચી ગયા ,એના અંદર ગુસ્સો ,શોક ,દુ:ખ બધું જ ભરાઈ ગયું હતું,એને વિદ્યુત ને જીવિત છોડવાનો અફસોસ થઇ રહ્યો હતો.

આનવ એ પોતાને મહેલ નાં એક ઓરડા માં બંધ કરી લીધા.

ઓરડા ની એ બારી માંથી એ જંગલ તરફ્ જોઈ રહ્યા હતા ત્યાં એમને આકાશ માં વાદળો ની સાથે ઉડતો એક પાણી નો મોટો પરપોટો દેખાયો. એમને આશ્ચર્ય થયું કે પાણી નો પરપોટો આવી રીતે કઈ ર્રીતે ઉડી શકે ,જોત જોતામાં પરપોટો એમની એકદમ નજીક આવી ગયો.

આનવ ને શંકા ગઈ કે ચોક્કસ આ કોઈ સાધારણ વસ્તુ નથી પરંતુ માયાવી છે.આનવ સાવચેત થઇ ગયા.

એ પરપોટો આનવ ની સામે આવી ને સ્થિર થઇ ગયો,આનવ ધ્યાન થી એને જોઈ રહ્યા હતા.

અચાનક એમાં થી અવાજ આવવા લાગ્યો ,એ અવાજ અનિરુદ્ધ નો હતો,અનિરુદ્ધ નો આખો સંદેશ આનવ એ ધ્યાન થી સાંભળ્યો અને એના જીવિત હોવા નાં સમાચાર થી એમની ખુશી નો પાર ના રહ્યો.

અનિરુદ્ધ નો સંદેશ પૂરો થતા જ પરપોટો આપમેળે નષ્ટ થઇ ગયો.

આનવ એ સમજદારી વાપરી આ ગુપ્ત વાત ફક્ત પોતાના પુરતી જ સીમિત રાખવાનો નિર્ણય કર્યો.

આનવ (મનમાં) : અનિરુદ્ધ અને વિકર્ણ બંને સુરક્ષિત છે ,એના થી વિશેષ કઈ નથી,પરંતુ અચરજ ની વાત છે કે માયાપુર હજુ પણ અસ્તિત્વ માં છે અને વર્ષો સુધી કોઈ ને જાણ જ નથી થઇ,પરંતુ મારા પુત્ર નો જીવ બચાવનાર એ બન્ને સ્ત્રીઓ નો હમેશા આભારી રહીશ

અને રહી વાત વિદ્યુત ની ..તો એને પોતાના કુકર્મ ની સજા ભોગવવી જ પડશે.

અહી આ બાજુ ખુબ જ ટૂંક સમય માં ભીષણ પોતાની સેના ની સંખ્યા અને શક્તિ વધારી રહ્યો હતો.એના આજુબાજુ માં પોતાના સંદેશ વાહકો મોકલી ને ચારેબાજુ ભ્રમણ કરતા ખૂંખાર અને શક્તિશાળી werewolves ને એકત્ર કરવાની યોજના આરંભી દીધી હતી.એને એ બધા wolves ને એક કાયમી રહેઠાણ નું વચન આપ્યું.

આ બાજુ માયાપુર માં અવની અને અનિરુદ્ધ ના પ્રણય સંબંધ વિકસી રહ્યા હતા,અહી અવનીનો પ્રેમ વધુ ગાઢ બની રહ્યો હતો ત્યાં,અનિરુદ્ધ ને પણ અવની પ્રત્યે થોડી થોડી લાગણી વિકસી રહી હતી.

બન્ને માયાપુર માં ભ્રમણ કરતા કરતા દુર સુધી ચાલી નીકળ્યા,ત્યાં એમને એક સુંદર જગ્યા દેખાઈ,જ્યાં માયાપુર ની સીમા પૂરી થતી હતી અને માયાપુર ની હરિયાળી ધરતી પૂરી થઈ બરફ ની સફેદ ચાદર શરુ થતી હતી.

બન્ને ત્યાં આવી ઉભા રહી ગયા.

અનિરુદ્ધ : કેટલું અદ્ભુત દ્રશ્ય છે ? જ્યાં બે અલગ અલગ પ્રદેશ ભેગા થાય છે.

અવની અનિરુદ્ધ ની સામે જોઈ ને .....

ફક્ત અલગ પ્રદેશ જ નહિ ,અલગ સ્વભાવ અલગ પ્રકૃતિ પણ જોડાઈ રહી છે.

અને આ મિલન ની સુંદરતા જ કઈક અલગ છે.

અનિરુદ્ધ : સાચેજ .... પરંતુ આ બરફ ની ચાદર મને નઝરગઢ ની યાદ અપાવે છે,ત્યાં હમેશા જ આવી બરફ ની ઢંકાયેલી ભૂમિ પહાડો અને જળાશયો છે.

પરંતુ માયાપુર .. એની એક અલગ જ વિશિષ્ટતા છે.

અવની : મતલબ ?

અનિરુદ્ધ : અહી ની સુંદરતા કઈક અલગ છે.

અવની : ઠીક છે ... પરંતુ તને અહી એવું શું સુંદર લાગ્યું ?

અનિરુદ્ધ : અ....ઘણું એવું છે ...કે જે સુંદર છે ...જેમ કે ...

અવની : જેમ કે ?

અનિરુદ્ધ : જેમ કે અહી ની ધરતી ,અહી ની રહસ્યમયી વસ્તુઓ ...

અવની : પછી ?

અનિરુદ્ધ : અહી ના લોકો ...

અવની : અહી નાં લોકો ? તું ક્યા બધા ને ઓળખે છે અહી ?

(અવની મન માં હસી રહી હતી જાણે એને અનિરુદ્ધ ની ટીખળ કરવાનો આનંદ આવી રહ્યો હતો )

અનિરુદ્ધ : હા મતલબ ...જેટલા ને ઓળખું છું....

અવની : પણ તું તો અહી ફક્ત મને અને ત્રિશા ને જાણે છે.

અનિરુદ્ધ : હા.. એટલે એમ જ ......

અનિરુદ્ધ શું ઉત્તર આપવો એ જ સમજી ન શક્યો ...એને આવો મૂંઝવણ માં જોઈ ને અવની પોતાનું હાસ્ય રોકી ન શકી.

અવની : તું કેટલો ભોળો છે ...? હું તો તારી ટીખળ કરી રહી છું.

અનિરુદ્ધ પોતાની જાત પર હસી પડ્યો અને બસ એક ટકી અવની ને હાસ્ય કરતા જોઈ રહ્યો હતો.

પછી જેવી અવની ની નઝર એના પર પડી એને પોતાની નઝર ચૂકવી લીધી.

અનિરુદ્ધ ની નઝર દુર એક પહાડ પર પડી જ્યાં એક નાની કુટીર હતી.

અનિરુદ્ધ : અવની ..ત્યાં પહાડ ની ઊંચાઈ પર કોણ વસવાટ કરે છે ?

અવની : ત્યાં .......ત્યાં કોઈ જતું નથી.

અનિરુદ્ધ : કેમ ?

અવની : અરે ત્યાં માયાપુર નો જ એક witch નો પુત્ર વસવાટ કરે છે.પરંતુ એની અવનવી આદતો ને લીધે એના ત્યાં કોઈ જતું નથી અને એને માયાપુર થી દુર વસવાટ આપ્યો છે.

અનિરુદ્ધ : હું કઈ સમજ્યો નહિ.કેવી આદતો ?

અવની : માયાપુર માં એક વિદ્વતા નામ ની એક witch રહે છે એનો એકમાત્ર પુત્ર છે,ખુબ જ નાની ઉમર નો છે આશરે ૨૫ વર્ષ ઉમર હશે પરંતુ ખબર નહિ કેમ લોકો કહે છે કે અસ્થિર બુદ્ધિ ધરાવે છે અને રોજ અવનવા પ્રયોગો કરતો રહે છે.એના પ્રયોગો હમેશા અહી ના રહેવાસી ઓને કષ્ટ આપતા હતા જેથી સામુહિક નિર્ણય બાદ એને આ નગર થી દુર એક ટેકરી પર વસવાટ આપ્યો છે.બાકી એના વિષે વધારે નથી જાણતી ,કારણ કે એના વિષે આટલું કોઈ પૂછતું નથી , એ પોતાની જ દુનિયા માં રહે છે.

અનિરુદ્ધ : આવા વ્યક્તિ ની તો એક વાર મુલાકાત લેવી જોઈએ.

અવની : નહિ અનિરુદ્ધ ...એને જ્યાર થી એની માતા થી દુર કર્યો છે ત્યાર થી એ થોડોક હિંસક પણ થઇ ગયો છે એક બે વાર કેટલાક લોકો એ એની પાસે જવાનો પ્રયત્ન પણ કર્યો છે.પરંતુ એને તેઓ ના પર પ્રહાર કરી ને ભગાડ્યા છે.

અનિરુદ્ધ : એની અવગણના થવાથી કદાચ એ દુ:ખી હશે ,કદાચ આપણે એની સમસ્યા નું સમાધાન કરી શકીએ.

અવની : ઠીક છે ... તું કહી રહ્યો છે તો....

બન્ને એ એ દિશા તરફ પ્રયાણ કર્યું.

થોડીક વાર માં બન્ને એ જગ્યા પર પહોચ્યા.

અનિરુદ્ધ : અવની પહેલા હું અંદર જાવ છું ..જયારે હું કહું ત્યારે તું અંદર આવજે.

અવની : ઠીક છે ... પણ સાવચેતી થી.

અનિરુદ્ધ એ ધીમેક થી એ કુટીર માં પ્રવેશ કર્યો.નાની એવી લાગતી કુટીર હકીકત માં ઘણી મોટી હતી,માયાપુર નાં અન્ય ઘરો ની જેમ આ પણ માયાવી હતી,અને આખી કુટીર જાણે અવનવા સાધનો થી ભરેલી હતી

અનિરુદ્ધ એ અમુક વસ્તુ પહેલી વાર જોઈ હતી.

અનિરુદ્ધ એ પાસે ના મેજ પર પડેલા એક નાનકડા ઘડિયાળ જેવા યંત્ર ને હાથ માં લીધું ત્યાં સામે થી એક તીક્ષ્ણ હથિયાર એના તરફ આવ્યું.

પરંતુ ગતિ નું બીજું નામ જ અનિરુદ્ધ .. એને પોતાની ગતિ થી એને વટાવી લીધું અને ક્ષણભર માં એ હથિયાર ફેંકનારા છોકરા ની પાછળ પહોચી ને એને દબોચી લીધો.

એ છોકરો પોતાને છોડાવવાના અથાક પ્રયત્ન કરી રહ્યો હતો.

પરંતુ એક શક્તિશાળી vampire ની તાકાત આગળ એ અંશમાત્ર પણ કઈ કરી શક્યો નહિ.

અનિરુદ્ધ : કોણ છે તું ?

એ છોકરો : મારા ઘર માં આવી ને મને પૂછી રહ્યો છે કોણ છું હું ? પહેલા તું કહે કોણ છે તું ? ચોર .

અનિરુદ્ધ : ચોર ?

એ છોકરો : હા ...મારા મહેનત થી બનાવેલા યંત્ર ચોરી કરવા આવ્યો છે. પરંતુ હું તને અહી થી એક નાનકડી સોય પણ નહિ લઇ જવા દવ.

અનિરુદ્ધ : તને શું લાગે છે હું અહી ચોરી કરવા આવ્યો છું ? મુર્ખ ... હું તો માયાપુર માં મહેમાન છું,અહી ભ્રમણ કરી રહ્યો હતો તારું ઘર નજરે ચડ્યું તો આવી ગયો.

એ છોકરો : તું માયાપુર નો નથી ?

અનિરુદ્ધ : નાં હું એક vampire છું અને નઝરગઢ નો રહેવાસી છું.

એ છોકરો : તો મને તારા થી કોઈ ખતરો નથી.

અનિરુદ્ધ એ ધીમેક થી એને છોડ્યો.

અનિરુદ્ધ : તે મારા પર હુમલો કેમ કર્યો ?

એ છોકરો : મને લાગ્યું કે તું માયાપુર થી આવ્યો છે ,એ લોકો ઘણીવાર ચુપકે થી આવીને મારી વસ્તુઓ ચોરી જાય છે ,તેઓ એ મને માનસિક અસ્થિર કહી ને નગર ની બહાર કાઢી મુક્યો.હું અસ્થિર નથી બસ અલગ અલગ સંશોધન કરું છું.

અનિરુદ્ધ : હું સમજુ છું પરંતુ તારું નામ શું છે ?

એ છોકરો : મારું નામ અજ્ઞાત નાથ છે .

અનિરુદ્ધ : મારું નામ અનિરુદ્ધ છે અને હું તને મારા એક મિત્ર ને મળાવવા માંગીશ.

અનિરુદ્ધ ને અવની ને અવાજ લગાવ્યો.

અવની ધીમેક થી અંદર આવી.અંદર નો નજરો જોઈ ને એ પણ ચકિત થઇ ગઈ.

અજ્ઞાત નાથ : આ કોણ છે ?

અનિરુદ્ધ : આ અવની છે .. આમ તો આ પણ માયાપુર ની રહેવાસી છે પણ મારી મિત્ર છે ,જેથી તું એના પર વિશ્વાસ રાખી શકે છે.

અને અવની આ અજ્ઞાત નાથ છે ,અને તમે માયાપુર વાસી જેણે અસ્થિર સમજો છો હકીકત માં એ એક વૈજ્ઞાનિક છે .

અવની : હવે તો આ નજરો જોઈ ને લાગે છે કે અજ્ઞાત નાથ સાચે જ અદ્ભુત છે.

અજ્ઞાત નાથ : તમે તો યંત્ર ફક્ત જોયા છે ..એમાં કઈ જ અદ્ભુત નથી ,જયારે યંત્ર કાર્યરત થાય ત્યારે ખબર પડે કે હકીકત માં એ શું છે.

અવની : મતલબ ? હું સમજી નહિ.

અજ્ઞાત નાથ : આ વાત સમજાવાથી નહિ જોવા થી ખબર પડશે.

અજ્ઞાત નાથ ક્યાંક થી એક નાનકડો દડો લઇ આવ્યો.

અજ્ઞાત નાથ : શું લાગે છે ? આ શું છે ?

અવની અને અનિરુદ્ધ બન્ને એક બીજા ના સામે જોઈ રહ્યા

અવની : આ એક દડો છે એ બાળકો રમત માં ઉપયોગ કરે છે.

અજ્ઞાત નાથ : બેશક આ એક દડો છે ,પરંતુ આ નો ઉપયોગ ક્રીડા કે રમત માટે નહિ પરંતુ તમારા આસપાસ આવનાર દુશ્મન કે કોઈ જીવ ની જાણ આપે છે.

હવે આ વાત અવની અને અનિરુદ્ધ ના દિમાગ થી ઉપર ચાલી ગઈ.

અજ્ઞાત નાથ : આ દડા ની મદદ થી જ મને જાણ થાય છે કે કોઈ ક વ્યક્તિ એ મારી કુટીર માં પ્રવેશ કર્યો છે.

અનિરુદ્ધ : કઈ રીતે ?

અજ્ઞાતનાથ : જયારે કોઈ જીવ કે વ્યક્તિ જમીન પર ચાલે છે ત્યારે ભૂમી પર એક વિશેષ કંપન ઉત્પન્ન થાય છે ,આ દડા ની બનાવટ મેં એક વિશિષ્ટ રીતે કરી છે જે સામાન્ય માં સામાન્ય ધ્રુજારી થી પણ સંવેદન શીલ થાય છે અને પોતાની જાતે જ કુદવા લાગે છે ,જેમ ધ્રુજારી વધે એમ એ વધુ કુદે છે ....આ કોઈ જાદુ નથી બસ એક વિજ્ઞાન છે.

અવની અને અનિરુદ્ધ અજ્ઞાત નાથ ના જ્ઞાન અને આવડત થી ખુબ જ પ્રભાવિત થયા.

અજ્ઞાતનાથ : એવું અહી ઘણું બધું છે જે તમને અચરજ પમાડે....

અવની : હું સંપૂર્ણ માયાપુર તરફ થી તારી ક્ષમા માંગું છું ,અને તને પુનઃ માયાપુર નગર માં આવવા માટે આમંત્રણ આપું છું.

અજ્ઞાત નાથ : નાં ...નગર થી દુર વસવાટ કરવાનો નિર્ણય ઉચિત જ છે ,મારા પ્રયોગો લોકો ને હાની પહોચાડી શકે છે અને મને એમ પણ એકાંત પસંદ છે ,બસ એટલું કરો કે મારી માતા પણ એવું સમજે છે કે હું અસ્થિર છું ,બસ તમે નગર જનો ને સમજાવો.

અવની : ચોક્કસ ...

અનિરુદ્ધ : તો અજ્ઞાત નાથ ..તમારા આ સંશોધન ક્યારે પૂર્ણ થશે ?

અજ્ઞાત નાથ : કદાચ ક્યારેય નહિ .... પરંતુ મારું સ્વપ્ન છે એક એવું યંત્ર બનવવાનું જેના મદદ થી સમય માં યાત્રા કરી શકાય.

અવની : સમય માં યાત્રા ?

અજ્ઞાત નાથ : હા જેથી આપણે પોતાના ભૂતકાળ કે ભવિષ્ય માં સશરીર જઈ શકાય.

અનિરુદ્ધ : તમારું સ્વપ્ન થોડુક અટપટું અને અસંભવ જણાય છે.

અજ્ઞાત નાથ : હા અટપટું એટલે કે માયપુર માં એવો કોઈ મંત્ર કે શક્તિ નથી જે આ કામ કરી શકે,અને અસંભવ તો મારા માટે કઈ જ નથી ,ભલે એના માટે મારે સદીયો વીતી જાય ,પરંતુ એ યંત્ર તો હું બનાવી ને જ રહીશ ..અને શું ખબર કદાચ એ યંત્ર તમારાં માંથી કોઈક ને કામ આવી જાય.

અનિરુદ્ધ : આશા રાખું છું કે તું આ યંત્ર સફળતા પૂર્વક બનાવી લઈશ.

હવે હુ અને અવની અહી થી રજા લઈએ ..તને મળી ને સાચે જ આનંદ થયો અજ્ઞાત નાથ .

અનિરુદ્ધ અને અવની નીકળતા હતા ત્યાં ...અજ્ઞાત નાથે અનિરુદ્ધ નો હાથ પકડ્યો.

અજ્ઞાત નાથ થોડોક ભાવુક થઇ ગયો.

અજ્ઞાત નાથ : તું જાણે છે અનિરુદ્ધ ...મારા જન્મ બાદ પ્રથમ વાર મને કોઈ એવો વ્યક્તિ મળ્યો જેણે મને સમજ્યો મારી સાથે બેસી બે ક્ષણ વાત કરી.

અનિરુદ્ધ : આપણે હમેશા મિત્ર રહીશું અજ્ઞાત નાથ .

અજ્ઞાત નાથ : હમેશા ... તારે ભવિષ્ય માં જ્યારે પણ મારી જરૂર પડે ,ત્યારે અહી આવી જજે ....હું ચોક્કસ તારી મદદ કરીશ ... અને ફક્ત તારી નહિ તમારા બન્ને ના પુત્ર પ્રપોત્ર ની પણ.

અવની શરમાઈ ને કુટીર ની બહાર ચાલી ગઈ.

અનિરુદ્ધ હસી પડ્યો ...

અનિરુદ્ધ : મને લાગે છે તારે હજારો વર્ષો સુધી જીવવાનો ઈરાદો છે...

અજ્ઞાત નાથ : ઇરાદો તો કઈક એવો જ છે ....એમ પણ હું witch નો પુત્ર છું ...એટલે વર્ષો સુધી આમ જ ભટકતો રહીશ ...છતાં પણ એક નાની મદદ જોઈએ છે તારા તરફ થી.

અનિરુદ્ધ : શું જોઈએ છે ?

અજ્ઞાત નાથ : vampires વર્ષો સુધી યુવાન રહે છે ,એમના રક્ત માં એવી શક્તિ છે,શું તું તારા રક્ત ની અમુક બુંદ મને આપી શકે ?

અનિરુદ્ધ : હા ...પરંતુ એના થી શું થશે ?

અજ્ઞાત નાથ : હું મંત્ર અને યંત્ર થી એને મારા શરીર માં ભેળવી લઈશ જેથી હું વર્ષો સુધી આમ જ રહી શકું તારા જેમ યુવાન.

અનિરુદ્ધ એ એક ક્ષણ પણ વિચાર કર્યા વિના ...પોતાની હથેળી પર પોતાના તીક્ષ્ણ દાંત પરોવી એનું રકત વહાવ્યું અને એક કાચ ના પાત્ર માં ભરી ને અજ્ઞાત નાથ ને આપ્યું.

અજ્ઞાત નાથ ના આંખ માંથી આંસુ સરી પડ્યા.

અજ્ઞાત નાથ : તે ક્ષણ ભાર પણ વિચાર કર્યા વગર મારા માટે રક્ત વહાવી લીધું ...

અનિરુદ્ધ : તે જ તો કહ્યું કે આપણે મિત્ર છીએ ,તો મિત્ર માટે રક્ત વહાવવામાં વિચાર શેનો.

અજ્ઞાત નાથ : આ અજ્ઞાત નાથ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તારો ઋણી રહેશે.

મારા રક્ત ની એક એક બુંદ પર તારો હક રહેશે.

અનિરુદ્ધ : એવી વાતો કરવાની જરૂર નથી અજ્ઞાત નાથ ....મિત્રો વચ્ચે સોદો નાં હોય.

અજ્ઞાત નાથ : એક ક્ષણ થંભી જા.

અજ્ઞાત નાથ દોડતા એક ખૂણા માં ગયા ...ત્યાં થી એક મોટી પેટી ઉઠાવી લાવ્યા.

અનિરુદ્ધ : આ શું છે ?

અજ્ઞાત નાથ : એક મિત્ર ની બીજા મિત્ર ને ભેટ.

અજ્ઞાત નાથ એ પેટી માંથી એક કપડા માં વીંટળાયેલું હથિયાર કાઢ્યું.

અનિરુદ્ધ : આ હથિયાર .

અજ્ઞાત નાથ : આ કોઈ સામાન્ય હથિયાર નથી ...મેં એને અનેક ધાતુ ઓ ઓગાળી એને એક ચમત્કારી વૃક્ષ ની શાખા થી બાંધી ને બનાવેલું છે ...આ હથિયાર ની ધાર vampires ,મનુષ્ય ,werewolves અને witches નાં અસ્થીઓ નાં ગર થી બનેલી છે. આ ની ધાર પર કોઈ દિવસ કાટ નહિ ચડે.અને werewolves જે તમારા vampires નાં દુશ્મન છે આ હથિયાર ના એક પ્રહાર થી જ ધરાશાયી થઇ જશે.

અનિરુદ્ધ : પરંતુ .. આ ખુબ જ કીમતી હથિયાર છે ...હું એને નાં લઇ શકું ..

અજ્ઞાત નાથ : મારા માટે તારા થી વધારે કીમતી કઈ નથી.

અનિરુદ્ધ અને અજ્ઞાત નાથ એક બીજા ને ભેટી પડ્યા.

અનિરુદ્ધ અજ્ઞાત નાથ ની છૂટો પડી અવની ની સાથે માયાપુર તરફ જવા રવાના થયો.

અહી આ બાજુ ...ભીષણ ને આપેલો એક સપ્તાહ નો સમય પૂર્ણ થયો.

વિદ્યુત : ભીષણ શું આપણી સેના તૈયાર છે ?

ભીષણ : જી ...તમારી આજ્ઞા પ્રમાણે આપણી સેના કુચ માટે તૈયાર છે.

વિદ્યુત સેના જોવા માટે છાવણી તરફ ગયો ,ભીષણ એની પાછળ ચાલ્યો.

વિદ્યુત એક ઊંચા શીલા પર જઈ ને ઉભો થયો અને જયારે એને પોતાની સેના તરફ નજર લગાવી તો એ ખુદ અચંભિત થઇ ગયો.....

જ્યાં સુધી સામાન્ય દ્રષ્ટિ જોઈ શકે ત્યાં સુધી ની જમીન સંપૂર્ણ રીતે એની સેના થી ઢંકાઈ ચુકી હતી.

વિદ્યુત જોર જોર થી હસવા લાગ્યો.

વિદ્યુત : શાબાશ ....ભીષણ શાબાશ.....

વિદ્યુત એ પોતાની સેના ને સંબોધી ને કહ્યું

“ મારા બહાદુર સિપાહીઓ ..... નઝર ગઢ આપણું છે ,આપનો અધિકાર છે ,અને આપણે એ પિશાચો થી છીનવી ને પુનઃ પોતાના ઘર વસાવીશું ....આપણે સૌ મળીને નઝર ગઢ પર રાજ કરીશું ...એ પિશાચો ને નામ શેષ કરી દઈશું ......શું તમે લોકો આ લડાઈ માં મારી સાથે છો ...”

બધા એ એક સાથે હુંકાર ભરી ..

અસંખ્ય સેના નાં નાદ થી આખું આકાશ ગુંજી ઉઠ્યું.

વિદ્યુત : તો મારા બહાદુર સિપાહીઓ કુચ કરો નઝર ગઢ તરફ ....ધ્વસ્ત કરી નાખો આખા નગર ને .....

વિદ્યુત ની પ્રચંડ સેના એ નઝર ગઢ તરફ કુચ કરી.

ક્રમશ: .........

નમસ્કાર વાચક મિત્રો .

દરેક ના પ્રતિભાવ અને મેસેજ વાંચ્યા અને બની શકે એટલી દરેક ની ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું ,ઘણા વાચકો જણાવે છે કે નવા ભાગ આવવામાં વિલંબ થઇ રહ્યો છે ,વિશ્વાસ રાખો મને પણ એ વાત નું એટલું જ દુ:ખ છે,પરંતુ સમય નાં અભાવે નવા ભાગ લખવામાં વિલંબ થઇ રહ્યો છે ,છતાં પણ ભવિષ્ય માં આ સમસ્યા પણ દુર કરવાનો પ્રયત્ન કરીશ ,દરેક ના પ્રતિભાવ અત્યંત સુંદર છે ...હવે આપણી નવલકથા નવો વળાંક લઇ રહી છે ..આશા છે આવનારા ભાગ પણ તમને આ રીતે નઝરગઢ સાથે બાંધી રાખશે. અને અજ્ઞાત નાથ ની જેમ અનેક જુના પાત્ર તમારી સમક્ષ આવશે.

આ ભાગ માં આપના અમુલ્ય પ્રતિભાવ અવશ્ય આપશો અથવા મેસેજ થી મને જાણ કરશો.

ત્યાં સુધી જોડાયેલા રહો નવલ કથા The secrets of નઝરગઢ સાથે .......