“સિયા નહિ..” શ્લોકએ કમરથી નીચે ટુવાલ વીટ્યો હતો. તે હજુ હમણાં જ બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો હતો. તેના વાળ પણ હજુ ભીના હતા. સિયાને રૂમમાં જોઇને તે એકદમ ગભરાઈ ગયો.
“સોરી... મને નહોતી ખબર...હું પછી આવું.” કહીને સિયા ગભરાઈને ઉંધી ફરી ગઈ.
“એક મિનીટ.” કહીને શ્લોક રૂમ જોડે અટેચ બાથરૂમમાં કપડા લઈને ગયો. જીન્સ પહેરીને તે ફટાફટ બહાર નીકળ્યો.
તેના ગળા પર હજુ પણ ટુવાલ વિટાળ્યો હતો. તેને રૂમમાં નજર ફેરવી પણ ઉતાવળમાં શર્ટ મળ્યો નહી.
“પત્યું?” સિયાએ કહ્યું.
“હા.” વાળ લૂછતાં શ્લોકએ કહ્યું.
“હું.. નાનીએ આ..” સિયા પાછળ ફરી શ્લોકને જોઈ રહી હતી. તેણે નીચે જીન્સ પેર્યું હતું. તેનું માંસલ શરીર દેખાઈ રહ્યું હતું. એવું લાગતું હતું જાણે કે તે કોઈ ડોક્ટર નહિ એક સુપર હિરો હોય. તેના ભીના વાળની બુંદો તેના કસાયેલા શરીર પર પણ આવી રહી હતી.
“શું?” શ્લોક સિયાની નજીક આવી રહ્યો હતો.
“તું મારા માટે કઈ લાવી હતી ને?” સિયા તેના આગળ વધવાથી પાછળ ખસી રહી હતી.
શ્લોક તેની આંખોમાં જોઇને આગળ વધી રહ્યો હતો.
સિયા ડરથી પાછળ ખસી રહી હતી.
“હા એ.. નાની..” બોલતા સિયા પાછળ દીવાલ જોડે અથડાઈ.
“શું?” શ્લોકએ એકદમ નજીક આવીને પૂછ્યું.
સિયા કઈ પણ બોલી શકી નહિ. તેનું હ્રદય ખુબ જ ઝડપથી દોડી રહ્યું હતું.
“શ્લોક.. હું..” સિયા બોલવાની કોશિશ કરી રહી હતી.
“મારે પણ તને કંઇક કહેવું છે.. સિયા.” સિયાની બંને બાજુ દીવાલ પર હાથ રાખતા શ્લોકએ કહ્યું.
“શું?” સિયાએ ગભરાતા પૂછ્યું. તેને લાગ્યું કે હવે તેનું હૃદય ફાટી જશે. એક અલગ જ જાતનો દુઃખાવો તેને છાતીમાં થવા લાગ્યો.
“કે.. કે.. તું મારી... મારી.. ટી શર્ટ પર ઉભી છે.” સિયાના કાન પાસે આવીને શ્લોકએ કહ્યું.
“શું?” સિયાએ અચાનક પોતાના પગ તરફ જોયું. તે સાચે જ શ્લોકના ટી શર્ટ પર ઉભી હતી. શ્લોક જોર જોરથી હસવા લાગ્યો.
“કેટલી ડરી ગઈ તું..” તે હજુ પણ હસી રહ્યો હતો.
“હા બહુ સારું. એ તો નાનીએ લડવા બનાવ્યા હતા. મારા ઠીક થઇ જવાની ખુશીમાં, હું તને એ આપવા આવી હતી.” સિયાએ ચીડાતા કહ્યું.
“તો ખવડાવ.” ટી શર્ટ પહેરતા શ્લોકએ કહ્યું.
“જાતે ખાઈ લેજે.” ચાલતા સિયાએ કહ્યું.
“ના. મને તારા હાથથી જ ખાવું છે.” સિયાનો હાથ પકડી તેને રોકતા શ્લોકએ કહ્યું.
સિયાએ તેની આગળ હાર માની આખરે તેને પોતાના હાથેથી ખવડાવ્યું.
સિયા હજુ તેની સામે જોઈ રહી હતી.
“હું જાઉં? કે આમ જ નજર લગાડતા રહેવી છે મારા જેવા હેન્ડસમ છોકરાને?” મજાક ઉડાવતા શ્લોકએ કહ્યું.
હસીને સિયા રૂમની બહાર નીકળી ગઈ. બહાર આવી તેને હાશકારો થયો.
તે નાસ્તો કરી પોતાના રૂમમાં આવી ગઈ. શ્લોક અને રોમી પણ હોસ્પિટલ જતા રહ્યા. પણ તે હજુ પણ શ્લોકના વિચારોમાં જ ખોવાયેલી હતી.
“હું અંદર આવી શકું?” ક્રિસએ બહારથી જ પૂછ્યું.
“હા.” વિચારોમાંથી બહાર આવીને ઉભા થતા સિયાએ કહ્યું.
“હવે કેવું છે?” ક્રિસએ પૂછ્યું.
“સારું.” સિયાએ કહ્યું.
“હવે તારે કોલેજ જવાનું નાટક કરવાનું છે.” ક્રિસએ કહ્યું.
“હું કઈ સમજી નહિ.” સિયાએ કઈ ના સમજાતા પૂછ્યું.
“તું રોજ સવારે કોલેજ જઈશ અને બપોરે ઘરે પાછી આવીશ. આ સમયમાં તું કોલેજ નહિ જાય. પણ ટ્રેઈનીંગ લઈશ. મારી પાસેથી.” સમજાવતા ક્રિસએ કહ્યું.
સિયાએ હામાં માથું હલાવ્યું.
“ઠીક છે તો કાલે મળીએ.” કહીને ક્રિસ બહાર નીકળી ગયો.
“તે બિલકુલ તારા જેવી જ છે. કાશ હું આ બધું બદલી શકતો.. જો આ બધું થયું જ ના હોત તો સિયા અહી ના હોત. અને કદાચ શ્લોક અને રોમી પણ નહિ.” પોતાના રૂમમાં આવીને કબાટમાંથી એક ફોટો કાઢી તેને જોતા ક્રિસએ કહ્યું.
સિયાએ ક્રિસએ જે કહ્યું તેમ જ કર્યું. તે દિવસ પછી સિયા રોજ કોલેજના બહાને ઘરથી નીકળતી. પણ પહોચતી નહિ. ક્યારેક રોમી અથવા શ્લોક સવારે હોસ્પિટલ જતા હોય તો સિયાને સાથે લઇ જતા અને કોલેજ પર મૂકી આવતા. સિયા તેમના ગયા પછી ત્યાંથી નીકળી જતી. તે ક્રિસના નક્કી કરેલા એક ઘરમાં પહોચતી. જ્યાં ક્રિસ હાજર રહેતો. ક્રિસ તેને લડવાની અને એક જાસુસ બનવાની ટ્રેઈનીંગ આપી રહ્યો હતો.
ધીમે ધીમે દિવસો પસાર થઇ રહ્યા હતા. આ વાતને પણ મહિનો થઇ ગયો હતો. સિયા જાણે હવે સેમ રહી જ નહોતી. તેણે પોતાની જાતને સાવ બદલી નાખી હતી. હવે તે બીક્ક્ણ અને ડરપોક સેમ નહોતી રહી. તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે તેવી બની ગઈ હતી.
શ્લોક અને તેનું અંતર પણ એટલું જ ઘટી રહ્યું હતું. આ વાત પણ ઘરમાં બધા જાણી રહ્યા હતા. પણ કોઈ કઈ કહી નહોતું રહ્યું. નાનાએ વાંધો ઉઠાવ્યો હતો પણ નાનીએ તેમને સમજાવીને ચુપ કરાવી દીધા હતા.
“હાઈ સિયા.” રોમીએ રસોડામાં આવીને કહ્યું.
“હાઈ.” સિયાએ કામ કરતા કહ્યું.
“નાની, અમે સિયાને બે મિનીટ ચોરાવી લઈએ તારાથી?” શ્લોકએ કહ્યું.
“હા. કેમ નહિ.” બીજી તરફ કામ કરવા જતા નાનીએ કહ્યું.
“શું થયું?” સિયાએ પૂછ્યું.
“અમારી કોલેજમાં એક પાર્ટી છે. ફેરવેલ પાર્ટી.” શ્લોકએ શાંતિથી કહ્યું.
“ઓહ આ તો સારું કહેવાય.” સિયાએ ખુશ થતા કહ્યું.
“તો અમે ઈચ્છીએ છીએ કે તું પણ અમારી સાથે ત્યાં આવ.” રોમીએ કહ્યું.
“પણ હું તો તમારા કોલેજમાં નથી ભણતી. તો હું કઈ રીતે ત્યાં આવી શકું?” સિયાએ ઉદાસ થતા કહ્યું.
“બહારના લોકો માટે પાસ છે. અમે તારા માટે લઇ લીધો છે.” કાગળ બતાવતા શ્લોકએ કહ્યું.
“વાહ. થેંક્યું. હું જરૂર આવીશ.” ખુશ થતા સિયાએ કહ્યું.
“પણ પાર્ટીમાં ટ્રેડીશનલ થીમ છે. તો સાડી પહેરવી પડશે.” શ્લોકએ હસતા કહ્યું.
“સાડી...! પણ મને તો સાડી પહેરતા નથી આવડતી.” સિયાએ ઉદાસ થતા કહ્યું.
“હું છું ને..” નાનીએ પાસે આવતા કહ્યું.
“થેંક્યું નાની.” તે ત્રણેય એક સાથે જ બોલ્યા.
રાતના 8 વાગી ગયા હતા. પાર્ટી માટે શ્લોક અને રોમી બંને તૈયાર થઈને બહાર સોફા પર બેઠા હતા.
“સિયા હજુ કેટલી વાર?” ઘડિયાળ તરફ જોતા શ્લોકએ કહ્યું.
તે બંનેએ સફેદ શર્ટ અને કાળું સુટ પહેર્યું હતું. બંને ફોર્મલમાં ખુબ જ સરસ લાગી રહ્યા હતા.
“એક જ મિનીટ.” સિયાએ અંદરથી જ કહ્યું.
“આ છોકરીઓને તો સવારનો સમય કહેવો જોઈએ, ત્યારે એ રાત સુધીમાં તૈયાર થઇ રહેશે.” શ્લોકએ રૂમ તરફ જોઇને કહ્યું.
“કેવી લાગુ છું?” બહાર આવતા સિયાએ કમર પર હાથ રાખીને કહ્યું.
તેને કાળા રંગની સહેજ ચળકતી સાડી પહેરી હતી. અને તેને મેચીંગના સોનેરી ઝૂમખાં પહેર્યા હતા. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યાં હતા અને આંખોમાં સહેજ કાજળ લગાવ્યું હતું.
“બહુ જ સુંદર.” શ્લોકના મોઢામાંથી નીકળી ગયું.
“એક ફોટો?” ક્રિસએ કેમેરા પકડીને કહ્યું.
“હા.” તે ત્રણેય એક સાથે ઉભા રહી ગયા. સિયા, શ્લોક અને રોમીની વચ્ચે ઉભી રહી ગઈ.
“ચાલો હવે.” ફોટો પડાવ્યા પછી રોમીએ કહ્યું.
તે ત્રણેય પાર્ટી તરફ વળ્યા.
“જુના દિવસો જાણે ફરી આવી ગયા હોય એવું લાગે છે. તમેં બધાએ પણ આમ જ ફોટો લીધા હતા ને?” નાનાએ ક્રિસ સામે જોઇને કહ્યું.
“મને લાગ્યું તમને તે પસંદ નથી.” આશ્ચર્ય સાથે ક્રિસએ કહ્યું.
“ના. એવું નથી. આ છોકરી મને બસ તેની યાદ અપાવે છે. અને એની બધી જ યાદો મને દુઃખ પહોચાડે છે. એટલે હું તેનાથી દુર રહું છું.” પોતાના રૂમ તરફ જતા નાનાએ કહ્યું.
પાર્ટીમાં સિયાની તરફ જ બધાની નજર હતી. તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
“તારા માટે.” શ્લોકએ પીળું ગુલાબ સિયા સામે લાવતા કહ્યું.
“થેંક્યું. પણ પીળું કેમ?” સિયાએ ફૂલ પકડતા કહ્યું.
“ખબર નહિ, પણ મને પીળા ફૂલ વધારે ગમે છે. હંમેશાં લાલ જ કેમ? આપણે કંઇક નવું કરવું જોઈએ ને?” હસતા શ્લોકએ કહ્યું.
“હા. આજથી આ પીળું ફૂલ મને પણ પસંદ છે.” ફૂલ તરફ જોતા સિયાએ કહ્યું.
"ડાન્સ..?" સિયા તરફ હાથ લંબાવતા શ્લોકએ કહ્યું.
સિયાએ પણ તેનો હાથ પકડી લીધો.
"તું આજે બહુ જ સુંદર લાગે છે." શ્લોકએ સિયાની તરફ જોતા કહ્યું.
"થેંક્યું. તું પણ બહુ હેન્ડમસમ લાગે છે." શરમાતા સિયાએ શ્લોકનો ખભો પકડ્યો.
"તારી આંખો સાચે જ વાદળી છે? કે તે લેન્સ પહેર્યા છે?" શ્લોકએ સિયાની આંખોમાં જોયું.
"મારા પપ્પાની આંખો વાદળી છે. એટલે મારી પણ એવી જ છે." સિયાએ કહ્યું.
"મને તારી આંખો બહુ જ પસંદ છે." સિયાની કમર પકડતા શ્લોકએ કહ્યું.
સિયાએ શરમાઈને તેની છાતી પર માથું ઢાળ્યું, અને બંને ડાન્સ કરવા લાગ્યા.
બધાએ ત્યાં પાર્ટીમાં ખુબ જ મજા કરી. સિયા અને શ્લોકએ કપલ ડાન્સ કર્યો. શ્લોક અને સિયા એકબીજાની વધારે નજીક આવી રહ્યા હતા. પણ બંનેમાંથી કોઈ પણ પોતાના પ્રેમને સ્વીકારવા તૈયાર નહોતું.
પાર્ટી પતાવીને બધા ઘરે પાછા ફર્યા. રોમી પોતાના રૂમ તરફ વળ્યો.
અચાનક જ સિયાએ શ્લોકનો હાથ પકડીને તેની સામે જોયું.
****
● શું સિયા શ્લોકને પોતાના પ્રેમનો ઇજહાર કરશે?
● ક્રિસ કોનો ફોટો જોઇને સિયા વિશે વાત કરી રહ્યો હતો?
● સિયા અને શ્લોક એકબીજાને મનની વાત કહી શકશે?
● નાનાને કઈ જૂની વાત યાદ આવી હતી?
ક્રમશઃ