વુલ્ફ ડાયરીઝ - 6 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 6

“બહુ દુઃખે છે?” સિયાની બાજુમાં પડેલા ટેબલ પર બેસતા શ્લોકએ કહ્યું.

“એટલું બધું પણ નહિ.” પોતાના પગ તરફ જોતા સિયાએ કહ્યું.

“માણસએ આટલું બધું ઉદાસ પણ ના રહેવું જોઈએ. હંમેશા હસતા રહેવું જોઈએ. અને જ્યારે આટલો હેન્ડસમ છોકરો બાજુમાં બેઠો હોય તો તો જરૂર હસવું જોઈએ. આવું પુરાણોમાં લખ્યું છે..” હસતા શ્લોકએ કહ્યું.

સિયા શ્લોકની વાત સાંભળીને હસી પડી.

“બધી વસ્તુ થવા પાછળ કોઈક કારણ હોય જ છે. અને ભગવાને આપણો લાભ જોઇને જ બધું કર્યું હોય. એટલે બહુ ચિંતા ના કરીશ.” સિયા સામે જોઇને શ્લોકએ તેને દિલાસો આપતા કહ્યું.

“આમાં શું લાભ જોયો હશે તેમણે?” પોતાના પગ સામે જોઇને સિયાએ કહ્યું.

“તને 2 મહિનાનું લાંબુ વેકેશન મળી ગયું. અને તારું ધ્યાન રાખવા માટે અહી ત્રણ ડોક્ટર પણ તો છે. અને શું ખબર આ જીવનનો કોઈ અલગ જ અધ્યાય હોય. જીવનમાં ક્યારે શું થઇ જાય કોને ખબર? એટલે સારું જ વિચાર. બધું સારું જ થશે.” સિયાને જોતા શ્લોકએ કહ્યું.

“હા બાબા શ્લોક.” હાથ જોડી સિયાએ માથું હલાવ્યું.

“સારું. તું સુઈ જા. થાકી ગઈ હોઈશ. હું બાજુના રૂમમાં જ છું. મને અવાજ આપજે કઈ કામ હોય તો.” હસીને શ્લોકએ કહ્યું.

સિયાએ હામાં માથું હલાવ્યું.

“સાંભળ એક સવાલ પૂછું?” શ્લોક દરવાજા પાસે પહોચીને પાછું જોયું.

સિયા થોડી ગભરાઈ ગઈ.. પણ તેને હામાં માથું હલાવ્યું.

“તે ક્યારેય વિચાર્યું હતું કે આટલા હેન્ડસમ ડોક્ટરને તું અહી જયપુરમાં મળીશ?” સિયા તેની વાત સાંભળીને ફરી હસવા લાગી.

“સારું સુઈ જા.” કહીને શ્લોક પોતાના રૂમ તરફ વળ્યો.

“હા. તે અહી મારી પાસે છે. હા મેં તેને વધારે કઈ જણાવ્યું નથી. તું ચિંતા ના કરીશ. તેને કઈ ખબર નહિ પડવા દઉં.” કહીને ક્રિસએ પોતાનો ફોન મુક્યો.

“મારે આ છોકરી પર ધ્યાન રાખવું જ પડશે. નહિ તો એ મુસીબત બની શકે છે.” ક્રિસ મનમાં વિચારવા લાગ્યો.

પગમાં પાટો હોવાના લીધે સિયા હલી શકતી નહોતી. અને જે પણ ઘટનાઓ ઘટી રહી હતી તે પછી તેને ઊંઘ જ ના આવી. વિચાર કરતા કરતા તે ક્યારે સુઈ ગઈ તેને ખબર જ ના રહી.

“સુપ્રભાત.” નાનીએ સિયાના રૂમમાં આવીને કહ્યું.

“તમે..?” બેઠા થવાની કોશિશ કરતા સિયાએ કહ્યું.

“તને તૈયાર કરી દઉં ચાલ. મારી મદદ કરતો જયા.” એક યુવાન સ્ત્રીને જોઇને તેમણે કહ્યું. જેના હાથમાં રૂમાલ અને કપડા હતા. તે આ ઘરની નોકર લાગી રહી હતી. જયા અને નાનીએ મળીને સિયાને તૈયાર કરી અને નવા કપડા પહેરાવ્યા.

“ગુડ મોર્નિંગ... અરે વાહ તું તો મારી પહેલા તૈયાર થઇ ગઈ.” રૂમમાં આવતા શ્લોકએ કહ્યું.

“બધા તારી જેમ મોડા ના ઉઠતા હોય.” નાનીએ ક્રિસને હેરાન કરતા કહ્યું.

“સિયા આ છે અમારી નાની.. જેમના હાથોમાં જાદુ છે. એમના હાથનું ખાઈને તું ફટાફટ ઠીક થઇ જઈશ.” નાનીને પાછળથી પકડતા શ્લોકએ કહ્યું.

“બસ બસ.. બહુ મસ્કા નહિ માર હવે. તમારા બંનેનો નાસ્તો અહી જ લઇ આવી છું. તેને જમાડી દેજે. કેમકે તારા નાના તો કોઈ કામથી શહેરથી બહાર ગયા છે. ક્રિસ અને રોમી સવારે વહેલા જ હોસ્પિટલ જતા રહ્યા.” નાનીએ નાસ્તાની પ્લેટ મુકતા કહ્યું.

“થેંક્યું નાની.” સિયાએ હસીને કહ્યું.

“નાસ્તો કરી લો. હું ચા લઈને આવું..” સિયાના માથા પર હાથ મુકીને નાની બહાર નીકળ્યા.

“કેમ તું મને આટલા વર્ષો પછી એની યાદ અપાવી રહી છે? જે વર્ષો પહેલા જ આ દુનિયા છોડીને જતી રહી છે.” પોતાના આંસુ લૂછતાં નાની વિચારી રહ્યા હતા.

શ્લોક અને સિયા નાસ્તો કરી રહ્યા હતા.

“અરે યાર આવું કઈ રીતે ચાલશે?” સિયા સામે જોઇને શ્લોકએ કહ્યું.

“શું?” સિયાએ પૂછ્યું.

“આમ તારા હોઠ પર હડતાળ રાખીશ તો મારા જેવા સીધા છોકરાનું શું થશે?” હસીને શ્લોકએ કહ્યું.

સિયાના ચહેરા પર મુસ્કુરાહટ ફરી વળી.

“આહા.. શું સ્માઈલ છે.” શ્લોકએ તેને ફરી ચીડવતા કહ્યું.

“એને હેરાન ના કરીશ. આ તો છે જ નટખટ. એની વાતોમાં ફસાતી નહિ સિયા.” નાનીએ ચા લઈને આવતા કહ્યું.

“નાની.. યાર.. તમારે મારા પ્રેમમાં સાથ આપવો જોઈએ. એના બદલે તમે તો મારું દિલ તોડી નાખ્યું.” છાતી પર હાથ રાખતા શ્લોકએ કહ્યું.

સિયા અને નાની બંને તેની હરકતો પર હસી રહ્યા હતા.

એક મહિનો આમ જ જતો રહ્યો. શ્લોક અને રોમી વારાફરતી દિવસએ સિયા પાસે બેસતા. રોમી અને સિયા ફિલ્મ જોતા અથવા નાની આવીને તે બંને સાથે વાતો કરતા. સિયા તેના અને શ્લોક વિશે બધું પૂછતી. શ્લોક હમેશાં સિયા સાથે વાતો કરતો. અને અલગ અલગ વાર્તાઓ બનાવી તેને હસાવતો.

ક્યારેક ડોક્ટર ક્રિસ પણ આવતા. સિયા પાસે તેમને પૂછવા માટે બહુ બધા સવાલો હતા, પણ તેને ખબર હતી કે ક્રિસ તેને જવાબ નહિ આપે. નાના પણ ઘણી વાર ત્યાં આવતા. પણ તે નાનીની જેમ બહુ વાતો કરતા નહિ. બધા જ તેને ખુશ રાખતા. સિયા આમ તો ખુશ દેખાતી હતી. પણ તેનું મન અહી હતું જ નહિ.

“આજે આપણે તારો પાટો ખોલીને સાદો પાટો બાંધી દઈએ. અને તું ધીમે ધીમે પગ હલાવાની કોશિશ કરજે. બની શકે કે તું વહેલા ચાલતી થઇ જા. આ તારી ઈચ્છા શક્તિ અને મનોબળ પર આધાર રાખે છે. ઠીક છે?” ડોક્ટર ક્રિસએ સિયાની બાજુમાં ઉભા રહીને તેને સમજવતા કહ્યું.

સિયાએ હામાં માથું હલાવ્યું.

ક્રિસએ ધીમે ધીમે પાટો ખોલ્યો. અને સાદો ગુલાબી રંગનો ગરમ પાટો બાંધી દીધો.

નાની, રોમી, શ્લોક અને નાના બધા જ ત્યાં જ રૂમમાં ઉભા હતા.

“હવે તું કોશિશ કરી જો ટેકો લઈને ઉભા થવાની.” ક્રિસએ કહ્યું.

શ્લોક અને ક્રિસએ, સિયાના એક એક બાજુના હાથ અને ખભો પકડી તેને સહારો આપ્યો. તે પરાણે ઉભી થઇ.

“બહુ જ દુઃખે છે.” ઉભા થવાની કોશિશ કરતા સિયાએ કહ્યું. તેના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું કે તેને કેટલું દુઃખી રહ્યું હતું.

“ક્રિસ બેટા, હમણાં રહેવા દે. એને બહુ દુઃખી રહ્યું છે. તું આરામ કર બેટા. કોઈ ઉતાવળ નથી.” સિયાને બેસાડી માથા પર હાથ ફેરવતા નાનીએ કહ્યું.

સિયા તેમને જોઈ રહી. શું કહેવું તેને સમજાયું નહી. તેને જાણે માનો પ્રેમ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. એ મા જેનાથી તે વર્ષો સુધી અલગ રહી અને તરસતી રહી પ્રેમ મેળવવા માટે. તે આજે તેની સામે હોય તેવું લાગી રહ્યું હતું. પણ તેણે પોતાની લાગણીઓને કાબુમાં રાખી.

“સારું. તું આરામ કર.” કહીને બધા બહાર નીકળી ગયા.

“રિતુ.. તું આ ઠીક નથી કરી રહી. એ છોકરી સાથે આપણે કોઈ લેવા દેવા નથી. તો પછી આ બધું કેમ?” રૂમમાં આવતા જ નીરજભાઈએ કહ્યું.

“ખબર નહિ કેમ.. પણ હું તેને દુઃખમાં નથી જોઈ શકતી. મને તેમાં મારી..” રિતુબેન બોલવા જઈ રહ્યા હતા.

“આ છોકરી તે નથી. અને તે એની જગ્યા ક્યારેય લઇ પણ નહિ શકે. તો આ રમતનો ભાગ ના બનીશ. કેમકે તે આપણી સાથે સુરક્ષિત નથી એ તું પણ જાણે છે.” અકળાઈને નીરજભાઈએ કહ્યું. તે ત્યાંથી બહાર નીકળી ગયા.

“ભલે તમે ગમે તે કહો. પણ આ છોકરીમાં કંઇક તો વાત છે. અને હું તેનો સાથ આપીશ.” નિર્ણય કરતા રીતુબેનએ કહ્યું.

સાંજે શ્લોક સિયાના રૂમમાં આવ્યો. સિયા કંઇક વાંચી રહી હતી. એટલે તેણે ચપટી વગાડી.

સિયા અચાનક જ ગભરાઈ ગઈ.

“તું ચપટી વગાડું એનાથી પણ ડરે છે?” હસતા શ્લોકએ કહ્યું.

“તું અચાનક આવ્યો.. એટલે.” સફાઈ આપતા સિયાએ કહ્યું.

“સારું. ચાલ ક્યાંક લઇ જાઉં તને.” નજીક આવતા શ્લોકએ કહ્યું.

“ક્યાં?” સિયાએ પૂછ્યું.

“અરે તું ખાલી મજા લે. જીવનમાં બહુ સવાલો નહિ રાખવાના. નહી તો આખું જીવન બસ જવાબો શોધવામાં જ જાય. જે ચાલે એમાં મજા લઇ લેવાની.” સિયા પાસે આવતા શ્લોકએ કહ્યું.

“અને આવું પણ પુરાણોમાં લખ્યું હશે નહિ?” શ્લોકનો હાથ પકડીને સિયાએ વ્હીલચેર પર બેસતા કહ્યું.

“જોયું... મારી જોડે રહેવાથી આ છોકરી કેટલી હોશિયાર થઇ ગઈ છે.” શ્લોક તેને ઘરની બહાર લઈને આવ્યો. અને તેને પકડીને કારમાં બેસાડી. શ્લોકએ ગાડી ખુલ્લા રોડ પર અંધારામાં ગાડી ભગાવી.

****

● રીતુબેન અને નીરજભાઈને સિયાને જોઇને કોની યાદ આવી રહી હતી?

● શ્લોક સિયાને ક્યાં લઇ જઈ રહ્યો છે?

● ક્રિસ ફોન પર કોની સાથે વાત કરી રહ્યો હતો?

● નાના ક્યાં ખતરાની વાત કરી રહ્યા હતા?

ક્રમશઃ