સંબંધ (Part -7) Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ (Part -7)

"અરે હા, વર્ષા કહેતી હતી કે...."

વનિતા આગળ બોલતાં બોલતાં અટકી ગઈ. એને કવિતાનાં ચહેરાંનાં હાવભાવ જોવાં હતાં. પણ કવિતા વનિતા ને ઓળખતી હતી એટલે એણે પોતાનાં ચહેરાનાં હાવભાવ સામાન્ય જ રાખ્યાં.

"તારાં માટે ઘણી જ વાતો કહે છે મને."

"હા, અમારી વચ્ચે સારાં સંબંધ છે ને એટલે મારી વાતો નીકળતી હશે એનાં મોઢાંમાંથી. આ તો પાર્લરનાં કામમાં હું વ્યસ્ત રહેવાં લાગી એટલે હમણાં જરા ઓછી વાતચીત થાય છે." કવિતા એની વાત ટાળવા પ્રયાસ કરી રહી હતી.

"બરાબર છે." જરાક ફાંકડું હસીને વનિતા બોલી.

"શું લેશે? ચા કે ઠંડું ? જે ફાવે તે."

" ના, ના. તારી તબિયત સારી નથી. તું આરામ કર. હું જાઉં છું હવે. કાલે આવીશ."

"ઠીક છે. કાલે આવજે. હું તને આય- બ્રો કરી આપીશ."

"ભલે, આવજે. "

"આવજે."

વનિતા ગઈ એટલે કવિતા એ મશીનમાંથી કપડાં બહાર કાઢ્યાં, સૂકવ્યાં ને પછી કિચનમાં ગઈ. ખીચડી ને શાક બનાવવાનું વિચાર કર્યો એટલે દાળ-ચોખા પલાડ્યા ને શાક સમારવા બેઠી. ટી.વી. ચાલુ કરીને બેઠી. સિરિયલ્સ તો રોજ જોતી ન હોવાથી સિરિયલ જોવામાં રસ જાગ્યો નહિ એટલે હિન્દી મૂવી જોઈ રહી હતી. થોડીક વાર થઈ હશે ને મોબાઈલ રીંગ વાગી.

"હૅલો, બોલ આકાશ."

"કેવું છે હવે તને?"

"સારું છે. "

"તાવ તો ફરી નથી આવ્યો ને."

"ના, ના."

"રસોઈ નહિ બનાવતી. હું બહારથી કંઈક લેતો આવું છું."

"મેં ખીચડી શાકની તૈયારી કરી લીધી છે. હમણાં અડધો કલાકમાં થઈ જશે. આજે બહારનું કશું જ ખાવું નથી."

"જેવી તમારી આજ્ઞા, મેડમ."

"સારું તો આવ , પછી સાથે જમીએ."

"સાડા નવ-દસ વાગ્યા સુધી આવું છું."

"ઓ. કે. " એમ કહી કવિતા ફોન મૂકે છે. શાક સમારી, વઘારી દીધું. ખીચડી બનાવવા કૂકર મૂકી દીધું. પછી મૂવી જોવા બેસી ગઈ. 80નાં દાયકાની જુની હિંદી મૂવી જોવામાં એને ઘણો જ રસ પડ્યો હતો. મૂવી પતી ગયાં પછી આકાશને ફોન કરવા મોબાઈલ હાથમાં લીધો ને ડૉર બેલ વાગી. ખોલીને જોયું તો આકાશ જ સામે ઉભો હતો.

"હમણાં તને જ ફોન કરી રહી હતી. " દરવાજો ખોલતાં ખોલતાં કવિતા બોલી.

આકાશ સ્માઈલ કરીને અંદર આવ્યો, પહેલાં ન્હાવા ગયો પછી બંને સાથે જમવા બેઠાં.

"મજા આવી ગઈ આજે ખીચડી-શાક ખાવાની." આકાશ છાશ પીતાં-પીતાં બોલ્યો.

જમીને કવિતા કિચનમાં ગઈ. આકાશ થોડીવાર ટી. વી. જોવાં માટે બેઠો. પછી બે ય રાઉન્ડ મારવા નીકળી ગયાં. રાત્રિની નીરવ શાંતિમાં , રોડ પર એકદમ જ ઓછો ટ્રાફિક હોય ને વાતાવરણ હળવું ઠંડુ હોય ત્યારે થોડીક વાર માટે ફરવું બંને ને ઘણું જ સારું લાગતું હતું.


ફરીને આવી સૂઈ ગયાં. બીજાં દિવસની સવારથી પાછું બંનેનું રૂટિન શરૂ થઈ ગયું. આકાશ ઓફિસ જવા માટે નીકળ્યો ને કવિતા એ 'પાર્લર ઓપન' નું બોર્ડ ફેરવ્યું , ઘરનાં રોજિંદા કામમાં લાગી ગઈ.

કસ્ટમર્સ આવવાનાં શરૂ પણ થઈ ગયાં. બે-ત્રણ કસ્ટમર્સ ગયાં ને વનિતા આવી. કવિતાએ સ્માઈલ કરી એને બોલાવી.

"આવ, આવ."

"આજે 'પાર્લર ઓપન'નું બોર્ડ જોયું તો થયું કે આય- બ્રો કરાવી જ આવું."

કવિતા એની આય- બ્રો કરવાં લાગી. વનિતાએ પહેલાં તો થોડી આડી -અવળી વાતો કરી. પછી ધીરે રહીને વર્ષાની વાત કાઢી. વર્ષા શું કહેતી હતી કવિતા માટે એ વાત પણ કવિતાનાં કાનમાં નાંખી દીધી. કવિતાએ ત્યારે તો કંઈ જ રીએક્ટ ન કર્યો. પણ એનાં મનમાં વાત રમ્યા કરતી હતી કે વર્ષાએ આટલી બધી અંગત વાત વનિતાને કરવી જોઈતી નહોતી.

વનિતાનાં ગયાં પછી કવિતાને ઘણું જ મન થયું કે વર્ષા પાસે જઈ બધી જ વાતની ચોખવટ કરે. પણ, કસ્ટમર્સ આવતાં ગયાં ને એ એમાં ને એમાં જ રોકાતી રહી.

(ક્રમશ:)